હું એ અને અમે

18 Sep, 2016
12:00 AM

PC: jagran.com

હું કોલેજના પ્રથમ વર્ષમાં આવ્યો ત્યારે મારું તોફાન બહું હતું. જોકે તોફાનની સાથે કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પણ સૌથી પહેલું નામ મારું જ હોય... પણ અભ્યાસ એકદમ સામાન્ય. પહેલા વર્ષે માંડ પાસ થયો અને હું બીજા વર્ષમાં આવ્યો... પણ કૉલેજ કેમ્પસ કે સોસાયટીમાં તોફાન-મસ્તીમાં પહેલું નામ મારું જ હોય. કૉલેજના બીજા વર્ષમાં હતો ત્યારે દિવાળીના વેકેશન પડવાના આગલા દિવસે એણે મારી પાસે આવીને મને 'હેપ્પી દિપાવલી, હેપ્પી ન્યૂ યર' કહ્યું હતું. ત્યારે મારું પહેલી વખત છોકરી પ્રત્યે ધ્યાન ગયું હતું. બાકી ત્યાં સુધી હું મારી મસ્તીમાં જીવનારો વ્યક્તિ હતો. તે દિવસથી મારી નજર એની ઉપર સ્થિર થયેલી.

કૉલેજમાં આમ સામાન્ય રીતે મને ખ્યાલ ખરો કે આ છોકરી કૉલેજમાં ભણે છે. પણ મેં ક્યારેય એની તરફ ધ્યાન આપ્યું નહોતું. એના આ વાક્યથી વેકેશન દરમિયાન ઘણી વખત મારા મગજમાંથી એના વિચારો પસાર થતા રહ્યા હતા. દિવાળીનું વેકેશન પૂરું થયું ત્યારે પહેલા દિવસે મેં એને ધારીને જોઈ હતી. જ્યારે ગ્રુપમાં ઊભા રહેતા હતા ત્યારે એ મારી સાથે પણ વાતો કરી લેતી હતી. એક દિવસ હું એકલો ઊભો હતો ત્યાં એ આવી અને મારી સાથે વાતો કરવાનું શરૂ કર્યું. અમારા બંને વિશે પરસ્પર ઘણી વાતો થઈ. તે દિવસથી એ મને નિયમિત રીતે મળવા લાગી. બીજી વર્ષની બીજી આખી ટર્મ પુરી થઈ, ત્યારે અમે સારા મિત્રો બની ગયા.

મેં એ સમયે એવું અનુભવ્યું હતું કે, મારામાં બે પ્રકારના ફેરફાર આવ્યા હતા. એક મારું તોફાન ઓછું થઈ ગયું હતું અને બીજું, મારા વિચારોમાં એ છોકરી વારંવાર આવતી હતી. એનું નામ હતું દિપ્તી.

હું દિપ્તી વિશે ઘણું વિચારતો. એ મને ગમવા લાગી હતી. અમારા વચ્ચેની મિત્રતા તો ઘણી સારી હતી પરંતુ એ મને પ્રેમ કરતી હશે કે કેમ? એ પ્રશ્ન મારા માટે સૌથી મોટો હતો. મેં મારા એક ફ્રેન્ડની સાથે વાત કરી તો એણે સલાહ આપી કે, એને આઈ લવ યુ કહી દે. એ દિવસે મને ઊંઘ આવી નહીં. બસ હું વિચારતો જ રહ્યો કે એને કેવી રીતે કહું...?

બીજા દિવસે કૉલેજમાં હું રેડ રોઝ લઈને ગયો... મેં દિપ્તીને કીધું કે, તારું એક કામ છે... મારે તને મળવું છે... તું ગેટની બહાર આવ... થોડી વારમાં એ બહાર આવી... અમારે ત્યાં બધા જ છોકરા છોકરીઓ કૉલેજ કેમ્પસમાં જ હરતા-ફરતા અને બેસતા. ભાગ્યે જ કોઈ ગેટની બહાર જતું. એ આવી ત્યારે ત્યાં અમે બંને એકલા જ હતા. મેં એને ફૂલ આપી અને કહ્યું 'આઈ લવ યુ...' એણે સ્માઈલ આપીને ફૂલ લઈ લીધું... મેં એની સામે જોયું ત્યારે એણે કહ્યું કે, આપણે પહેલા વર્ષમાં હતા ત્યારથી હું તમને પ્રેમ કરું છું... 'આઈ લવ યુ જેનીશ' આ સાંભળીને હું તો એની સામે જોઈ જ રહ્યો... મારી લાઈફમાં ક્યારેય કોઈએ મને આવું કહ્યું નહોતું... એ સમયનો મારો અનુભવ હું વર્ણવી શકતો નથી. પણ હું ખૂબ ખુશ હતો...

પછી તો અમે કૉલેજમાં જ્યાં જુઓ ત્યાં સાથે જ હોઈએ. કૉલેજની બહારના પણ પ્રોગ્રામ બનતા રહેતા. અમારો પ્રેમ વધતો ગયો... અમે નક્કી કર્યું કે આપણે લગ્ન કરીશું... હું કન્સ્ટ્રકશનના બિઝનેસમાં જોડાયો છું.. જ્યારે દિપ્તીને બેંકમાં જોબ મળી ગઈ છે... અમે વારંવાર મળતા રહીએ છીએ.... તેમજ સતત એકબીજાના સંપર્કમાં હોઈએ છીએ... અમને એકબીજા વગર જરા પણ ચાલતું નથી...

હવે અમારા કુટુંબોમાં લગ્નની વાત શરૂ થવાની તૈયારીમાં છે... ત્યારે અમે નક્કી કર્યા મુજબ અમે બંને પોતપોતાના ઘરમાં પોતાની પસંદગી જાહેર કરીશું...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.