તું કે હું નહીં, પણ આપણે
માય ડિયર આસ્થા,
કોણ જાણે કયું ઋણાનુબંધન હશે કે, સાવ અચાનક આપણે ભટકાઈ પડ્યા અને આપણા બંનેના અશ્ચર્ય વચ્ચે આપણે એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા. આ કારણે થયું એવું કે, આપણને એવું લાગતું જ નથી કે આપણે હજુ થોડા મહિનાઓ પહેલા મળ્યા છીએ અને એ પહેલા આપણો કોઈ સંબંધ જ નહોતો…! મને તો એવું જ લાગે છે કે, વચ્ચેના પચીસ વર્ષ માત્ર આપણે એકબીજાને નહીં મળવા માટે બ્રેક લીધેલો, બાકી આપણો સંબંધ તો જન્મોથી ચાલતો આવ્યો છે અને આવનારા અનેક જન્મો સુધી આવો જ ચાલતો રહેવાનો… શું તને પણ એવું નથી લાગતું?
અરેન્જ્ડ મેરેજ હોય ત્યારે શરૂશરૂમાં બે લોકોને એકમેક સાથે ભળતા વાર લાગે અને ક્યારેક બંને પક્ષે થોડી બાંધછોડો કરવી પડે. જોકે મને તો એમાં પણ એવું નથી લાગતું કે, મેં તારા માટે થઈને કોઈ બાંધછોડ કરી હોય. અને તારી સાથે ભળતા તો મને જરા સરખી વાર ન લાગી. એમ જ કહે ને કે, હું તારી સાથે ભળ્યો નથી, પણ પૂરેપૂરો તારામાં જ ભળી ગયો છું.
એ વાત સાચી કે, મારા સ્વભાવને અનુરૂપ થવા કે મારી જરૂરિયાતો પૂરી કરવા માટે તેં જરૂર થોડીઘણી બાંધછોડો કરી છે. અને એ બદલ હું તારો ઋણી પણ રહીશ, કારણ કે, પોતાનું જતું કરવું અને પોતાને પ્રિયજનને ગમે એવું વર્તવાની કળા તમને સ્ત્રીઓને હાથાવગી હોય છે. અમે પુરુષો ચાહીને પણ એવું કરી શકતા નથી!
એક માણસ બીજા માણસ સાથે એના દિવસનો મોટાભાગનો સમય પસાર કરતો હોય અને ઝીણામાં ઝીણી બાબત એની સાથે શેર કરતો હોય ત્યારે એવું નથી બનતું કે ચોવીસ કલાક એ બે જણા માત્ર ને માત્ર પ્રેમ કરે અથવા એકબીજાના ગમાઅણગમા સાચવી લે. માણસની જાત હોઈએ એટલે અમસ્તાય ક્યારેક કોઈ વાતે વિચારભેદ થાય કે સાવ નાંખી દેવા જેવી બાબતે બે જણા વચ્ચે તણાવ સર્જાય. પરંતુ એનો મતલબ એ પણ નથી કે, એ બે જણા એકબીજાને સમજી નથી શક્યા કે એકબીજાનો આદર નથી કરતા. એ બંને વચ્ચે પ્રેમ અને આદર હોય જ છે, માત્ર થોડી મિનિટો અથવા કલાકો જ એવા હોય છે, જે દરમિયાન એ બંને લોકો પોતાના મૂળ સ્વરૂપમાં નથી હોતા…
આ કારણે જ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે, તણાવને સમયે બેમાંથી એકનું કે બંનેનું મગજ ગરમ થાય અને ઉગ્રતાની થોડી ક્ષણોમાં ભાન ભૂલીને એકાદ જણથી કંઈક અણછાજતું બોલાઈ જાય ત્યારે એ શબ્દોને અથવા એ વર્તનને લેશમાત્ર ધ્યાનમાં નહીં લેવાનું. એના માટેનો બેસ્ટ રસ્તો એ જ છે કે, બેમાંથી કોઈ પણ એક પાત્રએ તણાવના સમયે એકદમ શાંત રહેવું. અને શાંત રહેવું એટલે માત્ર બોલવું નહીં એવું નહીં, પરંતુ મન શાંત રાખીને દિલના દરવાજા થોડા સમય સુધી બંધ રાખવા, જેથી સામેના પાત્રના ટેમ્પરરી વર્તન કે એના દ્વારા બોલાયેલા શબ્દો દિલ સુધી ન પહોંચે… અને થોડા સમયમાં બધું થાળે પડી જાય… જો એ શબ્દો કે વર્તન ધ્યાનમાં લેવા ગયા તો વાતનું વતેસર થતાં વાર નહીં લાગે અને થોડી વારમાં થાળે પડી જનારો તણાવ દિવસો કે મહિનાઓ સુધી લંબાય અને એ દરમિયાન આપણે પક્ષે માત્ર ભોગવવાનું કે ગૂમાવવાનું જ આવશે… એમાં આપણને જરા સરખો પણ ફાયદો નહીં થાય…!
તણાવ સર્જાયા પછી જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એ તે કે, ઉકળી ઉઠેલા પાત્રનું મગજ શાંત થાય ત્યારે એણે કોઈ પણ ઈગો કે શરમ રાખ્યા વિના સામેના પાત્રની માફી માગી લેવી. કદાચ આ કારણે સામેનું પાત્ર, જે શાંત રહેલું અને આપણી ઉગ્રતાનો ભોગ બનેલું એને સંતોષ થશે અને આપણે આપણા ખરાબ વર્તનની ગિલ્ટમાંથી છૂટી જઈશું. વળી, આવું કરવાથી એકબીજા સાથેનો નાતો વધુ ગહેરો અને એકબીજા માટેનો વિશ્વાસ અખંડ રહેશે વધારાનો…
આપણે યાદ રાખવાનું છે કે, લગ્ન સંબંધમાં અનેક ઉતાર-ચઢાવ આવતા રહેવાના. ક્યારેક આપણા એકબીજાની નાનીમોટી ભૂલને કારણે તો ક્યારેક કોઈ બીજાને કારણે અથવા નબળી પરિસ્થિતિને કારણે… અને જીવનનો આલેખ તો સમાંતર ન રહે એ જ સારું! એમાં ઉતાર-ચઢાવો તો આવવા જ જોઈએ, જેથી જીવન જીવવાનું એક્સાઈટમેન્ટ જળવાય રહે અને કંઈ કેટલીય ખટમીઠી યાદો આપણી ઝોળીમાં ખરી પડશે એ બોનસમાં…! પણ ઉતાર-ચઢાવ દરમિયાન આપણે બંનેએ આજીવન યાદ રાખવાની છે તે એ બાબત કે, જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં આપણા બંને વચ્ચેનો પ્રેમ, આદર અને વિશ્વાસ અખંડ રહેવા જોઈએ. આપણે બંને જ્યાં સુધી એકબીજાને ચાહતા રહીશું, એકબીજાની લાગણીઓની, એકબીજાના કામની કે એકબીજાના સ્વભાવની ખૂબ રિસ્પેક્ટ કરતા રહીશું અને ભલભલી પરિસ્થિતિમાં એકબીજાની અંદરનો વિશ્વાસ કાયમ રાખીશું તો આપણી આસપાસ ભૌતિક સુખ હોય કે ન હોય અથવા લોકોનો આપણને સાથ હોય કે ન હોય, પણ આપણે બે એકબીજાની સાથે હોઈશું, હોઈશું અને હોઈશું જ…
આપણે યાદ રાખવાનું છે કે, આપણા જીવનનું અંતિમ લક્ષ્ય આપણા બેનું એકબીજાની સાથે જીવવાનું છે. અને હું તો કહીશ, આપણે એકબીજાની સાથે નથી જીવવું, પરંતુ એકબીજાને માટે જીવવું છે. આપણા બંનેની પ્રાથમિકતા હંમેશાં આપણે બે જ હોવા જોઈએ…! આપણા બંનેમાંથી હવે આપણા બંનેનો ‘હું’ બાદ થઈ જવો જોઈએ. હું હવે હું નથી અને તું પણ હવે તું નથી, જે કંઈ છે એ આપણે છીએ. હવેથી કોઇ પણ સુખ મારું નહીં હોય અને કોઇ પણ દુઃખ તારું નહીં હોય, જીવનની તમામ પરિસ્થિતિ અને તમામ રંગો આપણા હશે… આપણે સંગાથે આપણું સુખ શોધવાનું છે…
જોકે આ બધામાં આપણે એ પણ યાદ રાખવાનું છે કે, આપણું સુખ એમ કહીએ ત્યારે એ સુખ માત્ર આપણા બે પૂરતું સીમિત ન હોવું જોઈએ. એ વાત સો ટકા સાચી કે આપણી સૌથી પહેલી પ્રાથમિકતા તો આપણે બે જ હોવા જોઈએ, પરંતુ એ સાથે આપણે આપણું કર્તવ્ય પણ યાદ રાખવાનું છે અને એ કર્તવ્ય અથવા ફરજ એટલે આપણી સાથે સંકળયેલા, આપણી ખૂબ નજીકના લોકો. આપણે એમના સુખ, એમની સગવડ અને એમની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવાનું છે. એમને રાજી રાખીશું તો આપણે પણ રાજી રહેવાના જ. અને એ યાદીમાં લોકો છે પણ કેટલા? આપણા બંનેના મા-બાપ, આપણા બંનેના ભાઈ-બહેન અને આંગળીને વેઢે ગણાય એટલા દોસ્તો… એટલા જ ને? આપણે એમના સુખનું પણ ધ્યાન રાખીશું અને આપણા સુખની વ્યાખ્યામાં એમને હંમેશાં સામેલ કરીશું…
ઈનશોર્ટ, આપણે બંનેએ આપણા બે વચ્ચેનો લવ, રિસ્પેક્ટ અને ટ્રસ્ટ જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં જાળવી રાખવાના છે અને આપણા પોતપોતાના ‘I’ એટલે કે ‘હું’ને ઓગાળી દેવાના છે. આફ્ટરઑલ આ સફર મારી કે તારી નથી, પરંતુ આપણી સહિયારી છે… આપણી આ સફરમાં તું મારો સાથ આપીશને? મારી હમસફર, હમદર્દ બનીશને?
એ જ તારો,
વિશ્વાસ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર