નિલેશ મારો શાન્તા ક્લૉઝ
પ્રેમ બાબતે મને હંમેશાં એવું લાગ્યું છે કે, ઈશ્વરને તમારા પ્રત્યે વિશેષ લગાવ હોય અથવા એને તમારી કાળજી હોય તો જ જીવનમાં તમે કોઈને પ્રેમ કરી શકો છો અથવા કોઈ તમને પ્રેમ કરે છે. નહીંતર સાત ભવ નીકળી જાય તોય તમને તમારું પ્રિય પાત્ર નહીં મળે અને તમને એક પળ માટેય કોઇનો પ્રેમ નહીં મળે. જોકે મારા પ્રત્યે તો ઈશ્વરને વિશેષ પ્રેમ છે જ! એટલે જ મને પ્રેમ થયો છે અને હું કોઈને ચાહુ એના કરતા મને વધુ પ્રેમ કરનારું કોઈ જણ મને મળ્યું છે.
હું નિલેશને કૉલેજના સમયમાં મળેલી. આમ તો અમારી કૉલેજ જુદી અને અમારા શહેરો પણ જુદા, પણ જીવનમાં પ્રેમ નામની ઘટના આકાર લેવાની હોય ત્યારે જુદા શહેર કે જુદી કૉલેજ અથવા જુદી જાતિ કે જુદા મજહબનું કોઈ મહત્ત્વ નથી રહેતું. પ્રેમમાં હંમેશાં ઐક્ય જ હોય છે, જ્યાં ભિન્નતા હોય કે જ્યાં વિરોધાભાસ હોય ત્યાં પ્રેમ સહેજે નહીં હોય!
અમે બંને વીર નર્મદ યુનિવર્સિટીની જુદી જુદી કૉલેજોમાં ભણીએ. હું સુરતની કૉલેજમાં ભણું તો એ ભરુચની કૉલેજમાં ભણે. અમારા બંનેનો ભેગા થવાનો કિસ્સો ત્યારે સર્જાયો, જ્યારે યુનિવર્સિટીનો યુવક મહોત્સવ આવ્યો. યુનિવર્સિટીમાં યુવક મહોત્સવ હોય એટલે યુનિ. સાથે સંકળાયેલી તમામ કૉલેજોના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી આવી પહોંચે અને સતત ત્રણ દિવસ સુધી ખરા અર્થમાં યુવાનીનો મહોત્સવ ઉજવે!
સુરતની કૉલેજોના વિદ્યાર્થીઓના ઘર તો શહેરમાં જ હોય એટલે તેઓ રાત્રે યુનિવર્સિટીમાં નહીં રોકાય, પરંતુ બહારગામથી આવેલા વિદ્યાર્થીઓ તો રાત્રે પણ યુનિવર્સિટીમાં જ રોકાય. રોજ રાત્રે મોડે સુધી વિવિધ પ્રોગ્રામ્સ ચાલે અને મોડે સુધી ત્યાં રોકાઈને અમે મિત્રોની અને વિવિધ કૃતિઓની મહેફિલ માણીએ. એ જ રીતે એક દિવસ હું મારી બહેનપણીઓ સાથે સુગમ સંગીતની કૃતિઓ માણી રહી હતી. ઑપન એમ્ફી થિયેટરમાં બેસીને અમે ગુજરાતી સુગમ સંગીતને માણતા જ હતા ત્યાં મારી નજર એક છોકરા પડી, જે સ્ટેજ પર જોવાની જગ્યાએ મને જોઈ રહ્યો હતો. અને સ્ટેજ પરથી રેલાતું સંગીત નહીં પણ મારા ચહેરા પરથી ફૂટતા હાવભાવનું સંગીત માણી રહ્યો હતો.
થોડા સમય માટે તો મેં એને ઈગ્નોર કર્યો, પરંતુ એના ચહેરામાં પણ કંઈક જાદુ તો હતો જ, જેને કારણે હું પણ રહી રહીને એને જોઈ રહી હતી અને એ વાતની નોટિસ કરી રહી હતી એ મને જોઈ રહ્યો છે કે નહીં! એમાંય મને જલન તો ત્યારે થઈ જતી, જ્યારે એ એના મિત્રો સાથે ગપ્પાં મારવામાં વ્યસ્ત હોય અથવા સ્ટેજ પરની કૃતિ માણી રહ્યો હોય. કારણ કે, એવા સમયે એ મને નહોતો જોતો. અને એનું ન જોવું જ મને અત્યંત બેચેન કરી રહ્યું હતું!
આમને આમ કલાકેક રમત ચાલી હશે ત્યાં અમે બંનેએ એકબીજાને સ્માઈલ પાસ કરી અને જાણે એ સમયે જ એકબીજાના પ્રેમના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. મને તો એ સમયે જ ખ્યાલ આવી ગયો હતો કે, બીજા દિવસે યુવક મહોત્સવનો છેલ્લો દિવસ હતો, જેને કારણે બીજા દિવસે રાત્રે અમે બધા જ પોતપોતાની દુનિયામાં ગુમ થઈ જવાના હતા. આ કારણે ચપળતા વાપરવું અત્યંત જરૂરી હતું. મેં એને ઈશારો કરીને બહાર આવવા કહ્યું અને હું મારી બહેનપણીઓથી નજર ચૂકવીને બહાર નીકળી ગઈ.
આવું કરતી વખતે મારું દિલ તો જાણે એવું ધબકતું હતું કે, મને એમ લાગતું હતું, હવે આ દિલ બહાર નીકળી આવશે! થોડા જ સમયમાં નિલેશ પણ એના મિત્રોથી નજર ચૂકવીને અંદર આવી ગયો અને અમે યુનિવર્સિટીના અંધારાનો લાભ લઈને અમારું એકાંત શોધી લીધું. નિલેશ મને થોડો શરમાળ લાગ્યો એટલે મેં જ વાતની શરૂઆત કરી અને એને એનું નામ પૂછી લીધું. સાથે જ મેં એને મારું નામ પણ જણાવી દીધું!
મેં એને કહ્યું કે, આવતીકાલે યુવક મહોત્સવનો છેલ્લો દિવસ છે એટલે આજે મળવું અત્યંત મહત્ત્વનું હતું. સાથે મેં એનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો અને એને પણ મારો નંબર આપી દીધો. દસેક મિનિટ અમે ત્યાં ઊભા રહ્યા હોઈશું ત્યાં કોઈક આવી જશેના ડરથી અમે છૂટા પડ્યાં અને અમારા મિત્રોને ખબર નહીં પડે એ રીતે અમારા ગ્રુપ્સમાં ભળી ગયા.
બસ પછી તો એ જ રાતથી અમારું મેસેજિંગ શરૂ થઈ ગયું અને અમે એકબીજાને જણવાનો પ્રયત્ન કર્યો. મને ખબર પડી કે, એ ભરુચનો બ્રાહ્મણ છે અને ત્યાં જ બીકોમ કરે છે અને એના પપ્પાનો ત્યાં નાનો બિઝનેસ છે. તો મેં પણ એને જણાવી દીધું કે, હું સુરતમાં બીએસસી કરું છું અને જૈન છું.
ચારેક વર્ષ સુધી અમારું અફેર ખૂબ મજેદાર રીતે ચાલ્યું. નિલેશ અઠવાડિયે-દસ દિવસે એક વાર નિયમિત સુરત આવતો તો ક્યારેક હું હિંમત કરીને ભરુચ પહોંચતી અને ત્યાંથી અમે કબીરવડ કે નારેશ્વર જતાં. સમય આવ્યે અમે અમારા ઘરે પણ જાણ કરી દીધી અને અમારો અભ્યાસ અને એકબીજા ઘર યોગ્ય હોવાને કારણે અમારા ઘરના લોકો રાજી પણ થઈ ગયા. આ કારણે પાંચ વર્ષ સુધી અફેર રહ્યા બાદ અમારા લગ્ન થઈ ગયા અને હું લગ્ન કરીને ભરુચ રહેવા જતી રહી. હવે તો અમારા લગ્નને પણ બે વર્ષ થવા આવ્યા છે અને થોડા જ મહિનાઓમાં અમારે ત્યાં પારણું પણ બંધાશે. આમ, અમારી સ્ટોરીમાં કોઇ બાધા નહીં આવી અને અમે સુખેથી રહી શક્યા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર