ઓહ મારા નયન
હું અને નયન એકવાર ઓચિંતા જ બસમાં મળી ગયેલા. બસમાં ભીડ હતી અને હું નયન કરતા એકાદ બે સ્ટેશન મોડી બેઠી હોઈશ, એટલે એને જગ્યા મળી ગયેલી, પરંતુ ભર તાપ અને પગમૂકવાની જગ્યા ન હોય એવી ભીડમાં મને જગ્યા નહોતી મળી. આપણે ત્યાં તો આમેય એવો ધારો કે, બસ કે ટ્રેનમાં કોઈ યુવતી ઊભી હોય કે બેઠી હોય તો ભીડનો લાભ લઈને એને અડકીને કે અન્ય કંઈક રીતે એની છેડતી કરી લેવાની. હું પણ ઊભી હતી એટલે મારી આસપાસના કેટલાક ઈશ્કી ટટ્ટુઓ મને સ્પર્શવાનો અને પરેશાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
એ દિવસે એક તો ભયંકર તાપ હતો, એમાં વળી ભીડને કારણે વધારે ત્રાસ થતો હતો, એવામાં એ ટટ્ટુઓ માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આવા કિસ્સામાં તો વિરોધ પણ શું કરીએ અને એવા ઈશ્કીઓને પાઠ પણ શું ભણાવીએ? કારણ કે, આપણી સમાજ વ્યવસ્થા જ એવી કે, આપણે ત્યાં હંમેશાં સ્ત્રીઓને જ પ્રશ્નોના કુંડાળામાં ઊભી કરવામાં આવે છે!
એટલે વખાના માર્યા હું એ ત્રાસ સહન કરી રહી હતી અને મારું સ્ટેશન ક્યારે આવે એની રાહ જોઈ રહી હતી. એવામાં મારી પાછળથી એક હાથે મારા હાથનો સ્પર્શ કર્યો. મને થયું આ કોઈ નવી આફત આવી! પાછળ ફરીને જોયું તો એક યુવાન મને એની જગ્યાએ બેસવાનો ઈશારો કરી રહ્યો હતો. મેં પહેલા તો એને ના પાડી, પરંતુ એની આંખોમાં જે સ્નેહ હતો એ જોઈને હું એની જગ્યાએ બેસી ગઈ અને એ મારી જગ્યાએ ઊભો રહી ગયો, જેને કારણે આજુબાજુના ટટ્ટુઓનો ત્રાસ પણ બંધ થઈ ગયો.
કલાકેકની એ યાત્રા હશે, જે દરમિયાન મેં એને બેસી જવા પણ કહ્યું, પરંતુ એણે ના પાડી. આખરે મેં એને કહ્યું, હવે તો બેસો! હું આ સ્ટેશને ઊતરું છું. તો એ કહે હું પણ આ જ સ્ટેશને ઊતરું છું! અને પછી અમે બંને હસી પડ્યા. એક તો એણે મને બેસવાની જગ્યા આપી ત્યારથી જ મને એના માટે સોફ્ટ કોર્નર હતો, એવામાં એના સ્મિત પર હું એવી મોહિત થઈ ગઈ કે, મને થયું ક્યાંક હું આ છોકરાના પ્રેમમાં નહીં પડી જાઉં!
સ્ટેશન પર ઉતર્યા પછી મારે એ છોકરાનો આભાર માનવો હતો એટલે મેં એને ચ્હા અને નાસ્તા માટે ઓફર કરી. આમેય દોઢેક કલાકની મારી યાત્રા હતી અને એ તો મારા કરતાય આગળથી બેઠો હતો, એટલે સ્વાભાવિક જ એને ભૂખ લાગી હશે! આ કારણે એણે મારા પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને અમે બસ સ્ટેન્ડ નજીક એક રેસ્ટોરાંમાં નાસ્તો કરવા ગયા.
એ નાસ્તો જ અમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની રહ્યો, જ્યાં અમને બંનેને એકબીજાના નામોની અને એકબીજાના શોખ અને જ્ઞાતિ વિશે ખબર પડી. અમારા માટે સૌથી મોટો હાશકારો એ હતો કે, અમારી જ્ઞાતિ એક જ હતી, જેને કારણે અમે એકબીજાના નંબર પણ શેર કર્યા. ત્યારે તો આજના જેવો વ્હોટ્સ એપનો જમાનો હતો નહીં, પરંતુ ત્યારે ફ્રી મેસેજની સર્વિસ પૂરબહારમાં ચાલતી એટલે અમે મેસેજ પર ચેટ કરવાનું શરૂ કર્યું અને એમ ને એમ અમે એકબીજાના પ્રેમમાં પડી ગયા.
એના માતા-પિતાને આમ પણ અમારા લગ્ન બાબતે કોઈ વાંધો ન હતો, પરંતુ મારા ઘરે મને થોડો ડર હતો. પરંતુ એકવાર મારા ઘરે પણ મેં વાત કરી તો તેઓ રાજી થઈ ગયા અને થોડા જ સમયમાં અમારી સગાઈ કરીને અમારા લગ્ન પણ થઈ ગયા. આજે તો હવે અમને બે સંતાનો છે અને અમે અમારા સંસારમાં સુખી છીએ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર