એક અધૂરી વાર્તા...
અમને પ્રેમ થયો પણ અમારો પ્રેમ સાકાર નહીં થઈ શક્યો. જોકે અમને એ વાતનો કોઇ રંજ નથી કારણ કે, કેટલીક વખત પ્રેમ સાકાર થાય અને બે પ્રેમીઓ ભેગા થાય ત્યારે અન્ય અનેક સંબંધોને પણ અસર થતી હોય છે અને કેટલાક કિસ્સામાં તો સંબંધોમાં વિસ્ફોટ થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે એના કરતા પ્રેમને સાકાર જ ન થવા દેવો અને નદીના બે કિનારાની જેમ એકબીજાની સમાંતર ચાલીને પણ હંમેશાં અલગ રહેવું!
હું અને મયૂરી (નામ બદલેલ છે) બંને સરકારી શાળામાં શિક્ષક છીએ. નસીબ જોગે અમારી સ્કૂલો અલગ છે એટલે બહુ વાંધો નથી. નહીંતર બ્રેકઅપ પછી અમારા માટે એકબીજાની સાથે નોકરી કરવાનું અને જીવવાનું મુશ્કેલ થઈ જતે. અમારા બંનેની મુલાકાત થયેલી એક સરકારી કાર્યક્રમમાં, જેમાં અમારે સતત ચાર દિવસ સુધી એકબીજા સાથે કામ કરવાનું આવ્યું હતું. સ્ત્રી અને પુરુષ વચ્ચે કંઈ આજકાલથી નહીં, પરંતુ આદમ અને ઈવના સમયથી એકબીજા પ્રત્યે આકર્ષણ થતું રહ્યું છે તો અમે કંઈ એનાથી દૂર નહીં રહી શકીએ અને અમને પણ એ દિવસો દરમિયાન એકબીજા પ્રત્યે આકર્ષણ થઈ ગયું.
આકર્ષણ થવાનું કારણ માત્ર એટલું કે અમારો સ્વભાવ એકબીજા સાથે મળતો આવતો હતો અને અમારા શોખ પણ એકબીજાને મળતા હતા! આકર્ષણ થઈ ગઈ ગયું એટલે અમે બંનેએ એકબીજાનો પરિચય વધાર્યો અને એ પરિચય દ્વારા ધીમેધીમે એકબીજામાં ઓતપ્રોત થવા માંડ્યા. ત્યારબાદના થોડા દિવસોમાં અમે એકબીજાની વધુ નજીક આવી ગયા અને દસેક દિવસોમાં તો અમે એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા.
જોકે અમે એકબીજાના પરિચયમાં આવ્યા ત્યારથી એક મોટી મુશ્કેલી હતી કે, મયૂરીના બે વર્ષ પહેલા લગ્ન થઈ ચૂક્યા હતા અને એને એક સંતાન પણ હતું! એને મારા પ્રત્યે આકર્ષણ થયું એનું એક કારણ એ પણ કે, એનું લગ્નજીવન યોગ્ય નહોતું ચાલતું અને એનો પતિ એને નાનીનાની વાતોએ મારતો હતો. આવા સમયે સ્ત્રીઓ ઈમોશનલ સિક્યોરિટી શોધતી હોય એ સ્વાભાવિક છે અને એ જ સમયે એને મારા જેવો કેરિંગ વ્યક્તિ મળી જાય તો એ મારામાં પ્રેમ શોધે એ પણ સ્વાભાવિક છે.
જોકે એના લગ્નને કારણે અનેક મુસિબતો સર્જાઈ શકે એમ હતું. કારણ કે, હું તો એને એના સંતાન સાથે સ્વીકારવા તૈયાર હતો, પરંતુ મયૂરી એના પતિને છૂટાછેડા આપવા રાજી ન હતી, કારણ કે ભારતીય સમાજ વ્યવસ્થામાં આવું પગલું લેવું ગૂનો ગણાય છે અને એ દરમિયાન જે હોહા થાય એ વધારાની! વળી, મયૂરીની બે નાની બહેનોના લગ્ન પણ બાકી હતા એટલે એમના ભવિષ્યનો વિચાર કરીને મયૂરીએ એ છૂટાછેડા લેવાનો વિચાર માંડી વાળ્યો.
પરંતુ એની એવી શરત હતી કે પરણ્યા વિના પણ અમે અમારો પ્રેમસંબંધ ચાલું રાખીએ. મને એ શરત એટલે માન્ય ન હતી કે, અમે જ્યારે પણ મળતા ત્યારે એ માત્ર એના સંસારની જ લપ લઈને બેસી જતી અને બીજું એ કે મારે આ રીતે ઝોલા ખાતા રહીને કોઈની પત્નીને પ્રેમ નહોતો કરવો. અને અમારા સંબંધમાં તો પ્રેમ જ મુખ્ય બાબત હતી, સેક્સને અમારા સંબંધમાં ઘણું પછીનું સ્થાન મળતું હતું.
અમારો પ્રેમ સંબંધ લગભગ દોઢેક મહિનો ચાલ્યો હશે, જે દરમિયાન અમે એકબીજાને ખૂબ પ્રેમ કર્યો અને એકબીજા હૂંફ પણ માણી. પરંતુ એ દરમિયાન એના છૂટાછેડાને લઈને પણ અમારી વચ્ચે ઘણી તકરાર ચાલતી રહી અને આખરે એ જ મુદ્દે અમે છૂટા પણ પડ્યા કારણ કે, મને આ મુજબનું જીવન સ્વીકાર્ય નહોતું. અમારા માટે છૂટા પડવાની ઘટના અત્યંત પીડાદાયી હતી અને એ દરમિયાન હું અત્યંત કપરી માનસિક સ્થિતિમાંથી પસાર થયો અને દારુના રવાડે સુદ્ધાં ચઢી ગયો, પરંતુ મારે એને મળવું નહોતું અને બને એટલા એનાથી દૂર રહેવું હતું. આખરે છ એક મહિનાની માનસિક અને શારીરિક પીડાઓ બાદ હું એને ભૂલી શક્યો અને મારા પ્રેમમાંથી બહાર આવી શક્યો. હજુય ક્યારેક એની યાદ આવે છે અથવા કોઈક કપલને જોઉં તો મારા પ્રેમની નિષ્ફળતા પર પસ્તાવો થાય છે. પરંતુ અમારા બેની સાથે અન્ય અનેક લોકોનું હિત પણ સંકળાયેલું હતું, જેનું અમારે ધ્યાન રાખવાનું હતું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર