એક નવીસવી લવ સ્ટોરી

29 May, 2016
12:00 AM

mamta ashok

PC:

પ્રેમ કરવાની તો મજા જ કંઈક ઓર હોય છે. પ્રેમ ન થયો હોય ત્યાં સુધી ઠીક, પરંતુ પ્રેમ થઈ જાય પછી બધુ અલગ અલગ લાગવા માંડે છે. એમ લાગે જાણે દુનિયાના તમામ લોકો અને પ્રકૃતિના તમામ તત્ત્વોને તમારા પ્રેમની જાણ થઈ ગઈ છે અને તેઓ તમારા પ્રેમના સમાચાર સાંભળીને એટલા તો ખુશ છે કે, તમારા પ્રેમના સમાચાર સાંભળીને જ વૈશાખી બપોર થોડી નરમ પડી છે અને વાયરો જાણે તમારા પ્રેમના ઉલ્લાસમાં મહાલવા નીકળી પડ્યો છે. વૃક્ષોને પણ તમારા પ્રેમની વાત જાણીને ઘણો આનંદ થયો હોય એમ એમની ડાળીઓ પર ભર ઉનાળે નવા પર્ણો ખીલે છે અને સર્વત્ર બસ આનંદ જ આનંદ પ્રસરે છે.

આવું જ કંઈક થયું છે મારી સાથે. હજુ તો થોડા દિવસો પહેલા જ મને પ્રેમ થયો છે અને પહેલી વાર પ્રેમ થયો છે! પરંતુ એવું લાગી રહ્યું છે કે, આ ઉનાળો જાણે ઉનાળો છે જ નહીં. મને તો એની ગરમી પણ નથી સ્પર્શતી અને એવું લાગી રહ્યું છે કે, જગત આખામાં વસંત બેઠી છે! પહેલી વખત એવું થયું છે કે, આપણે ત્યાં તાપમાનનો પારો પચાસ ડિગ્રીની પાસે પહોંચ્યો હતો, પણ ત્યારે પણ મને તો ઠંડક જ લાગતી હતી! કારણ કે જો કાળજે જ ટાઢક હોય ત્યાં બહાર ગમે એવી ગરમી હોય તોય શરીરને તાપ કેવો ને ત્રાસ કેવો?

નિશિત અને હું મળેલા અમારી બોર્ડની પરીક્ષાઓ દરમિયાન. આમ તો અમે બંને જુદી જુદી સ્કૂલમાં ભણતા પરંતુ બાર કોમર્સની બોર્ડની પરીક્ષાઓ વખતે અમારો નંબર એક જ સ્કૂલમાં આવેલો અને નસીબજોગે એક જ બેન્ચ પર બાજુબાજુમાં જ અમારો નંબર આવેલો. પરીક્ષામાં બેસીએ ત્યારથી અમારી વચ્ચે થોડીઘણી વાતચીત થતી રહેતી અને એ ગપસપ પેપર પતે ત્યાં સુધી લંબાતી. નિશિત એવો ભૂલકણો કે કોઇ દિવસ એની પાસે પેન નહીં હોય. તો કોઇ દિવસ એની પાસે પેન્સિલ નહીં હોય એટલે એવું બધું એ મારી પાસે જ માગે. વળી, માગવાની એની રીત પણ એવી કે, જાણે એ મારા પર કોઇ ઉપકાર કરતો હોય! આમ તો મને છોકરીઓ પાસે બધુ માગવાની આદત નથી, 'પણ શું કરું? બોર્ડની પરીક્ષા છે એટલે માગવું પડે છે!'

વાહ! એટિટ્યૂડવાળા મહાશય તો ઘણા જોયા. પણ છેક આવા પણ નહીં. વળી, પેપર પતે એટલે અમે સાથે જ બહાર નીકળીએ અને કોણે શું લખ્યું અને કોનું શું રહી ગયું એની ચર્ચાઓ કરીએ. છ પેપર સાથે આપવાના હતા એટલે છ દિવસ અમારે સાથે રહેવાનું બનેલું. જોકે એ દિવસોમાં પરીક્ષાનું ટેન્શન એટલું બધુ હતું કે, અમે એકબીજાનો નંબર શેર કરવાનું ભૂલી જ ગયેલા. પરીક્ષા પતી એ જ સાંજે પણ પેપર છૂટ્યા બાદ અમારાથી એકબીજાને મળી શકાયેલું નહીં, કારણ કે, પેપર પૂરું થયું એટલે મને મારી બહેનપણીઓ ઘેરી વળી અને એ એના દોસ્તો સાથે વ્યસ્ત થઈ ગયો. જોકે અમને બંનેને દિલમાં કંઈક અજીબ ફીલિંગ થતી હતી અને છેલ્લી ઘડીએ નહીં મળી શકાયું એનું દુખ પણ હતું.

જોકે સોશિયલ મીડિયાના જમાનામાં એકબીજાનો સંપર્ક કરવું મુશ્કેલ ન હતું. એટલે સાંજે ઘરે જઈને મેં તરત જ મોબાઈલમાં ફેસબુક ચેક કર્યું. મારી પાસે એનું નામ અને એની સરનેમ તો હતા જ એટલે મેં એના નામને સર્ચ કરવા માટે ફેસબુક પર નજર કરી ત્યાં તો મારા પર જ એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી. સરપ્રાઈઝિંગલી એ રિક્વેસ્ટ નિશિતની જ હતી એટલે હું અત્યંત ખુશ થઈ ગઈ. મેં પણ ફટ દઈને એ રિક્વેસ્ટ એડ કરી દીધી. અને રિક્વેસ્ટ એડ કરતા જ એનો મારા પર થેંક્યુનો મેસેજ આવ્યો.

બસ, પછી તો અમારી વચ્ચે ચેટિંગ શરૂ થઈ ગયું અને તરત જ અમે એકબીજાના નંબરની આપલે કરીને અમે વ્હોટ્સ એપ પર ચેટિંગ કર્યું. એ રાત્રે અમે આખી રાત એકબીજા સાથે ચેટ કરેલું અને એકબીજાને તમામ રીતે જાણી લેવાનો પ્રયત્ન કરેલો. અને બસ, પછી તો અમે પ્રેમમાં પડી ગયા. બીજા દિવસે સવારે તો એણે મને પ્રપોઝ પણ કર્યું અને મેં પણ એના પ્રપોઝને હા પાડી! આમેય અમારી પાસે સિલકમાં આખું વેકેશન હતું એટલે અમારી પાસે વાતો કરવા માટે અઢળક નિરાંત હતી અને એનો લાભ લઈને અમે ખૂબ વાતો કરીએ છીએ. વળી, જેમ જેમ વાતો કરીએ છીએ એમ અમે એકબીજાના પ્રેમમાં વધુ ડૂબતા જઈએ છીએ.

હજુ તો અમારા પ્રેમને એક જ મહિનો પૂરો થયો છે ત્યાં અમે જાણે પ્રેમના તમામ રંગો જોઈ લીધા છે. જેમ અમારી વચ્ચે વાતો વધુ થાય છે એમ અમારી વચ્ચે ઝગડા પણ ઘણા થાય છે અને ઝગડા પછી અમારા મનામણા પણ શરૂ થાય છે. અને બોસ, મનામણાની રમતમાં જે મજા આવે છે ને એવી મજા અને લાગણીઓ ક્યાંય નથી આવતી.

બસ, કંઈક આમ જ ચાલી રહી છે અમારી નવીસવી લવ સ્ટોરી, જેને અમે બંને ખૂબ એન્જોય કરી રહ્યા છીએ. કાલ ઊઠીને શું થશે એની અમને ખબર નથી. કે નથી તો અમે એ ચિંતા કરી કે, કાલ ઊઠીને અમારા ઘરના લોકોને શું કહીશું. કારણ કે, હજુ સુધી અમારો લગ્ન કરવાનો સમય નથી આવ્યો. હજુ તો અમારો પ્રેમ કરવાનો તબક્કો છે અને જીવનનો એ તબક્કો હજુ પાંચ-છ વર્ષ સુધી ચાલવાનો છે એટલે અમારે બસ એ સમયને એન્જોય કરવો છે. અત્યારે જ અમે નક્કી કરી લીધું છે કે, એડમિશન તો અમારે એક જ કૉલેજમાં લેવું છે, જેથી આવનારા વર્ષોમાં પણ અમે એકબીજાની સાથે રહી શકીએ અને અમારી કૉલેજ લાઈફને એન્જોય કરી શકીએ.

(નિશી પટેલ, અમદાવાદ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.