એક નાનનડો નિર્ણય...
ગાંધીનગરથી નોકરીનો ઓર્ડર આવ્યો. ઓર્ડરમાં મને લેબોરેટરી ટેક્નિશિયન તરીકે વડોદરાની એક હોસ્પિટલમાં પોસ્ટ આપવામાં આવી હતી. તે સમય મારા માટે ઘણો ખુશીનો હતો પણ ત્યારે મને એ વાતનો જરા પણ અંદાજ નહોતો કે ઈશ્વરે મને ફક્ત નોકરીનો ઓર્ડર નહીં, પણ જાણે મારી આખી જ લાઈફ સેટ કરી દીધી છે એનો ઓર્ડર મોકલ્યો હતો.
ઓર્ડર મળતાં જ મમ્મી-પપ્પાએ નોકરી પર હાજર થવાની તારીખને ધ્યાનમાં રાખતા મારા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પપ્પાએ વડોદરામાં જેટલા પણ સંપર્ક હતા તેઓને મળવાનું શરૂ કરી દીધું. કોઈક સારુ ફે્મિલી મળી જાય તો પેઈંગ ગેસ્ટ અથવા ભાડે ઘર મળી જાય તે રીતની મારા માટે શોધખોળ શરૂ કરી દીધેલી... મમ્મી તૈયારી કરતાં જાય અને કેહતા જાય, 'પન્ના, તું એકલી રહેશે એ વાત મને જરા ખટકે છે...' હું હંમેશાં કહેતી કે, ‘મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરો... હું બધી રીતે સંભાળીને રહીશ...’ પપ્પાને તો મારા પર પૂરો વિશ્વાસ હતો કે હું મારું પોતાનું ધ્યાન રાખવા માટે સક્ષમ છું જ. પપ્પા તો મમ્મીને પણ હિંમત આપતા કે, ‘હવે પન્ના એટલી સમજૂ થઈ ગઈ છે કે, એને આપણે કંઈ કહેવાનું રહેતું નથી... એકલી રહેશે અને જોબ કરશે તો બીજું પણ ઘણું શીખવાનું છે, તે આ રીતે જ ઘડાશે…’
પપ્પાની થોડા દિવસની દોડધામ બાદ એક પેઈંગ ગેસ્ટ માટે ફેમિલી મળ્યું. પણ યોગ્ય લાગ્યું નહીં.. એટલે એક સારી સોસાયટીમાં એક નાનું ફેમિલી રહેતું હતું અને ઘરનો ઉપરનો માળ ખાલી હતો તે મને ભાડે આપી દીધો. હું વડોદરા પહોંચી ગઈ અને જોબ શરૂ કરી દીધી. મમ્મી પપ્પા શરૂઆતમાં એકાદ-બે દિવસ મારી સાથે રહ્યા અને બધી વાતનો સંતોષ થતાં સુરત અમારા ઘરે પરત ફર્યા...
જોબ ઉપર અમારી લેબોરેટરીમાં ઘણો મોટો સ્ટાફ હતો. મારા જોબ જોઈન્ટ કર્યા બાદ 10-12 દિવસ પછી વિવેકને મારી જેમ જ નોકરીનો ઓર્ડર મળ્યો હતો અને તે પણ બિલકુલ મારી માફક અમદાવાદથી વડોદરા આવ્યો હતો. શરૂઆતમાં તે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો... જોબ પર એ મારી બાજુમાં જ બેસતો હતો અને કંઈ પણ પૂછવા જેવું લાગે તો, મને જ પૂછતો હતો... એકદમ વિવેકી, હસમુખો સ્વભાવ, તરત જ ભળી જાય એવો... લંચ ટાઈમમાં એ મારી સાથે જ હોય. અમે સાથે જ નાસ્તો કરતા... સાંજે છૂટ્યા બાદ પણ જો અમને ભૂખ લાગી હોય તો ક્યારેક કેન્ટીનમાં પણ સાથે જતા...
આખો દિવસ સાથે રહેવું અને બહાર પણ મળતા રહેવાને કારણે અમારી વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ... ખરેખર કહું તો, આજે જ્યારે આ લખી રહી છું કે તે દિવસોમાં હું વિવેકનું ધ્યાન મારી તરફ ન હોય ત્યારે હું એને જોતી રહેતી હતી... બિલકુલ એ પણ એવું જ કરતો હતો...
ફ્રેન્ડશિપ ડેના દિવસે અમે બંનેએ અમારી લાગણીઓને વહેવા દીધેલી અને વૉટ્સ એપ પર સારા મિત્રો બન્યા... ત્યારબાદ અંગત બાબતોમાં પણ એકબીજાનું ધ્યાન રાખતા થઈ ગયેલા... એકબીજાની પસંદ-નાપસંદનો ખ્યાલ રાખતા થઈ ગયેલા... અને લગભગ અમે જોબ પરથી છૂટીને ફરવા નિકળી જતા.. અને રાત્રે જમ્યા બાદ જ છૂટા પડતાં... ક્યારેક હોટલમાં જમીને ફિલ્મ જોઈને જ ઘરે જતાં... આજે પણ એ જ સીલસીલો ચાલુ છે...
ત્યારબાદ આવેલા વેલેન્ટાઈન ડેના દિવસને મારી લાઈફમાં ક્યારેય ભૂલી શકીશ નહીં... કારણકે, મેં મારી લાઈફમાં પહેલી વાર પ્રેમનો એકરાર કર્યો હતો... જો કે શરૂઆત વિવેકે કરી હતી... અને મેં એના પ્રેમનો સ્વીકાર કર્યો હતો... પણ તે ક્ષણ પછી મારા હૃદયમાંથી વિવેક પ્રત્યેનો પ્રેમ વહેવાનું શરૂ થયું છે અને આખી જિંદગી વહેતો રહેશે... વિવેક પણ મને ખૂબ પ્રેમ કરે છે...
વડોદરા આવ્યા પછી મારી આખી લાઈફ બદલાઈ ગઈ છે. હું મારી લાઈફના ખૂબ જ સુંદર દિવસોમાંથી પસાર થઈ રહી છું... એટલે આ દિવસોને હું ખોવા નથી માગતી એટલે જ મેં વિવેકને લગ્ન માટેની વાત કરી હતી... જો કે, હું અને વિવેક લગ્ન તો કરવાનાં જ છીએ... પરંતુ લગ્ન માટે ઉતાવળ પણ કરવાના નથી... હજી અમે બંનેએ અમારા ઘરમાં કોઈ વાત કરી નથી...
હું શનિ-રવિ સુરત મારા ઘરે જાઉં છું ત્યારે, મમ્મી વારંવાર કહે છે, 'પન્ના, તું વડોદરા ગઈ પછી તારામાં ઘણો ચેઈન્જ આવી ગયો છે...' પણ મમ્મી મને જોઈને એટલું તો સમજી જ જાય છે કે, પન્ના, વડોદરામાં ખુશ છે. એટલે વધારે કોઈ વાતમાં પડતા નથી.
મારી જેમ જ વિવેક પણ શનિવારે જોબ પરથી છૂટીને અમદાવાદ એના ઘરે જાય છે અને સોમવારે સવારે પાછા સાથે જ હોઈએ છીએ... અમારો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને આ દિવસોને હું ક્યારેય ખોવા નથી માગતી... હું અને વિવેક ખૂબ ખુશ છીએ... અમારી લાઈફમાં હવે જો કોઈ ચેઈન્જ આવશે તો તે હશે ફક્ત લગ્ન.
ઘણી વાર વિચારું છું કે... નોકરીના ઓર્ડરથી મારી તો આખી લાઈફ સેટ થઈ ગઈ...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર