અમારો પ્રેમ, અમારું આકાશ
મને નાનપણથી બધા કરતા કંઈક યુનિક કામ કરવાની અને બધાથી અલગ અને સારી કરિયર બનાવવાની ઘણી ઈચ્છા હતી. આ કારણે નાનપણથી હું મારા ભણતર અને કરિયરની વાતોમાં જ રચ્યો પચ્યો રહેતો. ન તો હું કોઈ ફિલ્મો જોવામાં રસ લેતો કે નહીં સ્પોર્ટ્સમાં રસ લેતો કે કોઈ સામાજિક પ્રસંગોમાં હાજરી આપતો. આ કારણે મારા મિત્રો પણ ઘણા ઓછા હતા અને જે મિત્રો હતા એ બધા મિત્રો મારી જેમ જ કરિયર ઓરિયેન્ટેડ હતા. આખરે કરિયર પ્રત્યેની મારી પેશન જ મને દિલ્હી સુધી લઈ ગઈ અને દિલ્હીમાં પણ દિલ્હીના પ્રવેશદ્વારસમા પાલમ એરપોર્ટ સુધી લઈ ગઈ. મારી સાથે મારા બીજા ત્રણ મિત્રો પણ દિલ્હી જૉબ શોધવા આવેલા, જેમાં નેહા નામની મારી મિત્રને મારી સાથે જ એરપોર્ટના રિસેપ્શન એરિયામાં જૉબ મળી ગયેલી.
દિલ્હી જેવી મેગા સિટીમાં ભાડાનું ઘર શોધવું ઘણું મુશ્કેલ હતું. છતાં પણ ક્યાંકથી થોડી ઘણી ઓળખાણ મેળવીને એક રૂમ રસોડાનો ફ્લેટ ભાડે રાખ્યો અને એમાં અમારું ગુજરાતનું મિત્રવર્તુળ રહેવા લાગ્યું. અમારા ગ્રુપમાં કુલ ત્રણ છોકરા અને એક છોકરી હતા. થોડા સમય બાદ તો ચારેય વ્યક્તિની જોબ લાગી ગઈ હતી. એમાંથી હું અને નેહા એરપોર્ટ પર જોબ કરતાં એટલે ક્યારેક અમારા સમય સાથે હોય ત્યારે સાથે આવન-જાવન કરતા અને દિવસમાં પણ ક્યારેક ટાઈમ મળે તો કાફેમાં સાથે બેસતા. નેહાના મળતાવડા સ્વભાવને કારણે મને નેહા સાથે સારું ફાવતું તો બીજી તરફ નેહાને પણ મારી કંપની ગમતી અને એ મારી કંપની એન્જોય કરતી. અમારી જેમ જ અમારા ગ્રુપના બીજા બે છોકરાઓની જોબ એક જ જગ્યા પર લાગી ગઈ હતી. એટલે તેઓ બંને પણ એમની મસ્તીમાં જ રહેતા હતા.
એવામાં એક દિવસ અમારે બંનેને સાથે રજા આવતી હતી એટલે અમે સાથે ફિલ્મ જોવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. ફિલ્મ તો આખી બરાબર પૂરી થઈ ગઈ, પરંતુ ફિલ્મ પૂરી થયાં પછી અમે એક રસ્તા પરથી ટહેલતા ટહેલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે અનાયાસે જ નેહાઓ મારો હાથ પકડી લીધો અને એણે એનો મારા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. મને પણ એના પ્રત્યે લાગણીઓ તો હતી જ એટલે મેં પણ એના પ્રેમનો સ્વીકાર કર્યો.
નેહા મારી મિત્ર તો હતી જ ઉપરાંત પાછળથી રૂમ પાર્ટનર પણ હોવાથી અમારી મિત્રતા દિવસે ને દિવસે ઘણી ગાઢ બની ગઈ. એમાં વળી અમને નોકરી પણ એક જ જગ્યાએ મળી. એટલે સતત સાથે રહેવાને કારણે અમે બંને ક્યારે એકબીજાના પ્રેમમાં પડ્યા તેનો અમને ખ્યાલ જ ન રહ્યો.
પછી તો હું એના પર અને એ મારા પર હક જમાવવા લાગ્યા. જોકે એ અમને બંનેને ગમતું અને એ રીતે અમે એકબીજા પ્રત્યે અમારો પ્રેમ દર્શાવતા રહેતા અને એકબીજાને ખૂબ ચાહતા રહેતા. દિલ્હી જેવા શહેરમાં પ્રેમ કરવાની પણ એક અલગ મજા હોય છે, કારણ કે, આ શહેર તમને પૈસા કે નામનાની સાથોસાથ ભરપૂર પ્રેમ કરવાનો યોગ્ય અવકાશ પણ આપે છે. અમે દિલ્હીની એ બાબતનો ભરપૂર લાભ લીધો અને આ રીતે અમે એકબીજાને ખૂબ પ્રેમ કર્યો.
હવે તો અમારી લવ સ્ટોરીને સાત વર્ષ થઈ ગયા છે અને અમારા બે મિત્રો પણ અમારાથી છૂટા પડીને એમની દુનિયામાં ગોઠવાઈ ગયા છે. એટલે ઘરમાં હું અને નેહા, એમ માત્ર બે જ વ્યક્તિઓ રહીએ છીએ. જોકે સાત વર્ષના પ્રગાઢ પ્રેમ છતાં પણ અમે હજુ સુધી લગ્ન કરી શક્યા નથી અને અમે હજુ લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહીએ છીએ. અમારા બંનેના ઘરના સભ્યો અમારા પ્રેમથી ખૂબ રાજી છે એટલે લગ્નની બાબતે અમારે ઘરની પરવાનગીની કોઈ ચિંતા કરવી પડી નથી. પરંતુ નેહાએ એની નોકરીમાં એક બોન્ડ લખી આપ્યો હતો, જે હેઠળ એણે અમુક વર્ષો સુધી ફરજિયાત અપરિણીત રહેવાનું હતું.
જોકે હવે તો એ બોન્ડ પર પૂરા થવા આવ્યા છે એટલે થોડા જ મહિનાઓના અંતરાલ પછી અમે લગ્ન કરીશું અને સમાજ કે કાયદાની દૃષ્ટિએ વિધિવત એક થઈ જઈશું. જોકે સાત વર્ષના આ સહવાસ પછી અમે એટલું સમજી ગયા છીએ કે, પ્રેમ જેવી બાબતમાં લગ્ન થાય કે નહીં થાય એ અલગ વાત છે. પરંતુ બે મળેલા જીવોએ જો આજીવન એક રહેવું તો એમની વચ્ચે પ્રેમ હોવું અત્યંત જરૂરી છે. અને અમે માત્ર ને માત્ર પ્રેમના આધારે જ લગ્ન વિના પણ એકબજા સાથે સાત વર્ષ અત્યંત આનંદથી પસાર કર્યા છે.
(આકાશ પટેલ, દિલ્હી)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર