કંઈક આમ હતી અમારી લવ સ્ટોરી

27 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

હું લાઈબ્રેરી તરફ જતી હતી ત્યારે મિહિરે મને પાછળથી બૂમ પાડી. મિહિરને જોઈને પહેલા તો મને ગુસ્સો આવ્યો પણ પછી તરત મારા પગ પાણી પાણી થઈ ગયા કે, આ પરિસ્થિતિને ખાળવી કઈ રીતે? એ ઘડીએ હું પોતે ગૂંચવણ અનુભવી રહી હતી કે, એને કોઈ પણ જવાબ આપ્યાં વિના ત્યાંથી નીકળી જાઉં કે, પછી એની સાથે વાતો કરું? કારણ કે, એણે ભલે આખા ક્લાસ વચ્ચે મારી મજાક બનાવી હોય પરંતુ મને એનું આકર્ષણ તો હતું જ. મને ડર હતો કે, હું એને અવગણીને આગળ જઈશ અને જો એને માઠું લાગશે તો એ મારી સાથે ફરી ક્યારેય નહીં બોલે. જોકે હું મારી અવઢવમાંથી બહાર આવું એ પહેલા એણે જ વાતોની શરૂઆત કરી અને મને 'સોરી' કહ્યું.

જરા ડહાપણ કરીને મેં પણ એને ઋજુતાથી પૂછ્યું, 'કેમ, સોરી શું કામ?'

'લે આ તો જો. ગઈકાલે ક્લાસમાં જરા અમસ્તી મસ્તી શું કરી એમાં આજે સવારથી તોબરો ચઢાવીને ફરી રહી છે. અને હવે પૂછે છે કે સોરી શું કામ?'

'ના ના એવું કશું નથી. અને તમે મસ્તી શેની કરેલી? મને તો યાદ પણ નથી.' મેં થોડું વધુ ડહાપણ કર્યું. એની લાઈટ બ્લ્યુ ટિશર્ટ પર 'i am smiling because i have no idea' એમ લખ્યું હતું. આમ તો એ પણ અમસ્તો અમસ્તો જ મલકાઈ રહ્યો હતો! હસતી વખતે ક્યારેક એના ગાલ થોડા વધુ પહોળા થઈ જતાં ત્યારે એના જમણા ગાલમાં ખંજન પણ પડતું હતું! તે દિવસે એ સામે ઊભો હતો ત્યારે મને માત્રને માત્ર એ જ નજરે ચઢતો હતો. એમ લાગતું હતું કે, મારી આસપાસ બીજું કશું છે જ નહીં.

'ઓકે તો તને ખોટું નથી લાગ્યું એમ ને?''

'ના રે ના. કશું બન્યું જ નથી તો ખોટું શેનું લાગવાનું?' મને માઠું તો લાગ્યું જ હતું પરંતુ હું ફરી વાર ખોટું બોલી.

'ઓલ રાઈટ! બાય, ધ વે તારું નામ શું છે?'

'વિધિ. તારું?'

'મિહિર.' જમણા ગાલમાં ખંજન પડે એ રીતે એણે ફરી એક સ્માઈલ કર્યું. 'ક્યાં જઈ રહી છે એણે પૂછ્યું.

'લાઈબ્રેરી તરફ.'

'એમ? વાહ! ચાલ હું પણ આવું. તને વાંધો તો નથી ને?'

'વાંધો શું કામ હોય? મને તો ગમશે જો તું મારી સાથે આવશે તો.' હું થોડી શરમાઈ ગઈ.

મને કલ્પના ન હતી કે, છેલ્લા કેટલાક દિવસોથી હું જે છોકરા પ્રત્યે આકર્ષાઈ રહી હતી એ છોકરો હમણા મારી લગોલગ ચાલી રહ્યો છે! અમે બંને સાથે ચાલતા હતા ત્યારે મેં એની અને મારી હાઈટ ચકાસી લીધેલી અને કોઈ પાર્ટી કે સામાજિક પ્રસંગોએ અમારી જોડી કેવી લાગી શકે એની મેં કલ્પના કરી લીધેલી.

તે દિવસે લાઈબ્રેરીમાં જઈને અમે બંનેએ અમારા લાઈબ્રેરી કાર્ડ બનાવી લીધા. એણે મોટાભાગના ગુજરાતી પુસ્તકો વાંચી કાઢ્યાં હતા. ઉત્તમ વાચનને કારણે તેની બોલવાની રીતથી લઈને બોલતી વખતે શબ્દોની પસંદગી સુધીની બાબતોમાં એ બીજાઓ કરતા થોડો નોખો ઉતરી આવતો હતો. લાઈબ્રેરીમાંથી તે દિવસે અમે કેન્ટિનમાં ગયા અને ત્યાં અમે આમારા શોખ અને પસંદગીની વાતો કરી. એ દિવસે અમે બાકીના બધા લેક્ચર્સ બંક કરેલા અને લગભગ બેથી અઢી કલાક સુધીનો સમય સાથે પસાર કરેલો.

પહેલી મુલાકાતમાં અમે અમારા નંબર્સ પણ એક્સચેંજ કરેલા. ત્યારે વ્હોટ્સએપનું એટલું ચલણ નહોતું પણ ફ્રી બલ્ક એસએમએસની પણ એક અનેરી મજા હતી. પહેલા દિવસથી જ અમારા મોબાઈલની બ્લેક એન્ડ વ્હાઈટ સ્ક્રીન પર અમારી નજદીકીના રંગીન એસએમએસ ફ્લેશ થયાં કરતા. અમારી વચ્ચે પ્રેમની એક સમજ આવી ગઈ હતી. પણ અમે એ બાબતનો એકરાર નહોતા કરતા. વળી, બંને પક્ષે ક્યાંક એવું પણ હતું કે, આમ એક જ દિવસની મુલાકાતમાં જે લાગણી અનુભવાય એને પ્રેમ નહીં પરંતુ આકર્ષણ કહી શકાય. એટલે અમે બંને થોડી રાહ જોઈ રહ્યા હતા અને એકબીજા સાથે બને એટલો વધુ સમય સ્પેન્ડ કરવાનું પસંદ કરતા.

શરૂઆતમાં અમે ક્લાસરૂમમાં અલગ બેસતા પરંતુ પછી તો અમે ક્લાસમાં પણ એક જ બેન્ચ પર બેસતા. મૂળે અમને લેક્ચર્સ ભરવામાં રસ હતો એટલે અમે મોટાભાગના લેકચર્સ સાથે ભરતા અને આખો દિવસ ક્લાસમાં કે ફ્રી ટાઈમમાં કેન્ટિનમાં બેસીને એકબીજા સાથે મજાનો સમય વીતાવતા.

અમારા પ્રેમમાં આમ તો સૌથી પહેલા મને જ મિહિરનું આકર્ષણ થયેલું અને હું એની તરફ ટગર ટગર જોતી એટલે મેં નક્કી કરેલું કે, હું જ મિહિરને સામેથી પ્રપોઝ પણ કરીશ. એને સુખડી બહું ભાવતી એટલે એક દિવસ હું એના માટે મારા હાથે બનાવેલી સુખડી લઈને ગઈ અને કોલેજના ગાર્ડનમાં એને સીધું જ કહી દીધું, 'આપણી વચ્ચે આમ તો એકરાર કરવા જેવું કશું છે નહીં પરંતુ હું તને પ્રેમ કરું છું અને તારી સાથે જીવવા માગું છું.'

થોડી ક્ષણો તો એ કંઈ નહીં બોલ્યો. મેં એને આપેલા સુખડીના ડબ્બામાંથી એણે સુખડીનો એક ટુકડો કાઢ્યો અને મારા મોઢામાં મૂક્યો. 'લે, મોઢું મીઠું કર.' હું શરમાઈ ગઈ અને એણે ધરેલો ટુકડો ખાધો. મેં જે ટુકડો ખાધો હતો એ અડધો ટુકડો એણે પણ ખાધો અને પછી મને કહ્યું, 'લે, હવે આપણે થઈ ગયા બેમાંથી એક! હવે તારું સુખ એ મારું સુખ અને મારી પીડા એ મારી પીડા.'

એના શબ્દો સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા અને હું એને ભેટી પડી. પછી તો અમે ભેગા ભેગા કૉલેજ પણ પૂરી અને અમારું પોસ્ટ ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું. હવે અમે લગ્ન કરીને ઠરીઠામ થયાં છીએ અને થોડા જ સમયમાં અમે બેમાંથી ત્રણ થવા જઈ રહ્યા છીએ. બસ આ જ હતી અમારી લવ સ્ટોરી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.