પ્યાર હુઆ, ઈકરાર હુઆ...
હું અને પ્રથિર સાવ અચાનક મળી ગયેલા. બેંગ્લુરુની એક કૉલેજમાં જોગાનુજોગ સાથે ભણવાનું થયું, ત્યાં જ ઓચિંતા મુલાકાત થઈ ગઈ, પછી અમારો પરિચય કેળવાયો અને પરિચયથી દોસ્તી સુધી વિસ્તરેલો સંબંધ પ્રેમ સુધી પહોંચ્યો. જોકે આ બધી પ્રક્રિયા વાંચવામાં ભલે લાંબી લાગી હોય, પરંતુ અમે તો કૉલેજના પહેલા સેમેસ્ટરમાં જ પ્રેમમાં પડી ગયેલા, જે પ્રેમ છેક અમારી કૉલેજના લાસ્ટ સેમેસ્ટર એટલે કે ચાર વર્ષ સુધી લંબાયો અને સાવ ગુપ્ત રહ્યો. કૉલેજ પૂરી થઈ પછી અમે એ ગુપ્તતા તોડી નાંખી અને અમારા ઘરવાળાને અમારા સંબંધ માટે રાજી કર્યા ત્યાં સુધી બીજા બે વર્ષ લંબાયો.
જોકે આમારા ઘરે જાણ કરી પછી અમારા માટે થોડા કપરા ચઢાણ ચઢવા પડ્યા એટલે એ વાતોને મારે યાદ નથી કરવી, પરંતુ મારે તો આજે માત્ર ને માત્ર અમારી મુલાકાત અને પ્રેમની વાતો કરવી છે, જે દરમિયાન અમે બંનેએ જાતજાતના સપનાં જોયા અને જાતજાતનો રોમાંચ માણ્યો.
અમારા બંનેની મુલાકાત થયેલી અમારી કૉલેજની ક્લેરિકલ ઑફિસમાં. ફાર્મસીના અભ્યાસ માટે બેંગ્લુરુની કૉલેજમાં એડમિશન લીધા પછી અમારે કૉલેજ અને હોસ્ટેલની ફી ભરવાની હતી એટલે અમે પોતપોતાની રીતે ક્લેરિકલ ઑફિસમાં જઈને ત્યાંની લાઈનમાં ઊભા હતા. અમારા બે જણાની વચ્ચે લગભગ ત્રણેક લોકો ઊભા હશે અને અમારા બંનેનું ધ્યાન એકબીજા તરફ નહોતું. એ મારી આગળ ઊભો હતો અને હું એની પાછળ ઊભી હતી. એવામાં એનો ક્રમ આવ્યો અને એણે એની ફીઝ ભરી અને ક્લાર્ક સાથે પાંચેક મિનિટ સુધી કંઈક વાત કરીને, જરૂરી રસીદો લઈને એ બહાર નીકળ્યો. અને હું તો હજુ મારી આગળ ત્રણેક નંબર બાકી હતા એટલે મારા નંબરની રાહ જોતી હતી.
પરંતુ મારી બાજુમાંથી એ પસાર થયો ત્યારે એ મારી તરફ જોઈને બબડ્યો કે, 'ચાલો કામ પત્યું, બાકી આ પ્રજા સાથે લમણાં લેવા એટલે ભારે કામ...!' હું આમ પણ સ્વભાવે અત્યંત હાજરજવાબી એટલે એણે એવું કહ્યું એટલે મેં તરત કહ્યું, 'નસીબદાર છે તું. મારું કામ પણ જદલી પૂરું થાય તો સારું....'
હું આવું બોલી એટલે એ તરત ઝબક્યો અને આગળ જતો હતો ત્યાં સહેજ ઊભો રહ્યો અને મારી તરફ જોઈને બોલ્યો, 'તમે ગુજરાતી છો?'
'હા... કેમ તમે ગુજરાતી નથી?' મેં સહેજ હસીને કહ્યું.
'અરે નહીં... હું તો ગુજરાતી જ છું, પરંતુ હું તો મારી ધૂનમાં જ બબડતો બબડતો નીકળ્યો. મને શું ખબર કે તમે ગુજરાતી હશો?' પ્રથિરે કહ્યું.
'અરે, મને તો એમ કે તમે મારી તરફ જોઈને જ બોલ્યા...' મેં કહ્યું.
'ના રે ના... હું તો જસ્ટ અમસ્તો જ બોલેલો...' એણે કહ્યું.
આમ અમારી વચ્ચે વાત શરૂ થઈ અને એ દરમિયાન લાઈનમાં મારો પણ નંબર પણ આવી ગયો એટલે મારું કામ પત્યું ત્યાં સુધી એ ત્યાં ઊભો રહ્યો અને મારું કામ પૂરું થયું એટલે અમે બંને ત્યાંથી બહાર આવ્યા.
બહાર આવતા જ અમે એકબીજાના નામ પૂછ્યા અને ત્યાંથી સીધા કેન્ટીનમાં ચ્હા પીવા ગયા, જ્યાં બેઠાબેઠા અમે ક્યાંથી છીએ અને આ કૉલેજમાં કઈ રીતે આવ્યાની વાતો કરી. એ દરમિયાન જ અમે બંને જણે એકબીજાના નંબર્સ પણ શેર કર્યા! બેંગ્લુરુ ગયા પછી પ્રથિર મારો પહેલો ઓળખીતો માણસ હતો એટલે મને કંઈ પણ જરૂર પડે એટલે હું એને જ મેસેજ કે કૉલ કરતી અને ક્યારેક અમે કંટાળી જઈએ તો અમે બંને સાથે ફરવા પણ જવાનું શરૂ કર્યું. આ તો ઠીક એક જ બેચમાં હોવાને કારણે અમે અમારી નોટ્સની આપલે પણ કરતા અને આ રીતે અમે બંને એકબીજા સાથે ખૂબ ટાઈમ સ્પેન્ડ કરવા માંડ્યા.
આમ ને આમ અમારી ફર્સ્ટ ટર્મ એક્સામ આવી ગઈ અને અમારે વધુ વાંચવાનો સમય આવ્યો. અમારા ક્લાસ અલગ હતા, પરંતુ બે પેપર્સને બાદ કરતા અન્ય પેપર્સ પણ એક સરખા હતા એટલે અમે એ બધા પેપર્સની તૈયારી સાથે કરવાનું નક્કી કર્યું એટલે અમે કૉલેજના કોમન રીડિંગરૂમમાં ભેગા મળીને પરીક્ષાની તૈયારીઓ કરવાનું નક્કી કર્યું.
આ કારણે અમે લગભગ આખો દિવસ અને મોડી સાંજ સુધી સાથે રહેવા લાગ્યા અને આ દરમિયાન અમને બંનેને એકબીજાની એવી આદત થઈ ગઈ કે, જો અમારા બેમાંથી કોઈ એક જરા સરખુ પણ મોડું કરે તો અમારી વચ્ચે તણાવ સર્જાતો અને એ રીતે અમે બંને એકબીજા માટે પસેઝિવ થઈ ગયા હતા.
અમને બંનેને હવે એ બાબત સમજાઈ ગઈ હતી કે, અમને એકબીજા વિના નથી ગમતું નથી એનું કારણ બીજું કંઈ નહીં, પરંતુ અમારો પ્રેમ છે! જોકે આ બાબતનો સૌથી પહેલો એકરાર મેં એની આગળ કરેલો કે, તારા વિશે મને ખબર નથી, પરંતુ મને એવું ફીલ થઈ રહ્યું છે કે, મને તારા માટે ફીલિંગ્સ છે. તો એ તરત જ એના ઘૂંટણીયે બેસી ગયો અને મને કહે,
'ફીલિંગ્સ તો મને પણ તારા માટે હતી, પરંતુ મને એમ કે હું તને કહીશ તો તને માઠું લાગશે! એટલે હું ગભરાતો હતો. પરંતુ હવે તેં કહી જ દીધું છે તો લેટ મી પ્રપોઝ યુ...
'તું મારી સાથે વૃદ્ધ થઈશ...?'
એણે મને આ રીતે પ્રપોઝ કરી એટલે હું એકદમ ઈમ્પ્રેસ થઈ ગઈ અને એને તરત જ હા પાડી અને એને વચન આપ્યું કે, 'હા, આપણે બંને એકબીજાની સાથે વૃદ્ધ થઈશું...'
અને ત્યારથી શરૂ થયેલી લવસ્ટોરી કૉલેજના ચાર વર્ષ સુધી અકબંધ રહી અને જ્યાં સુધી અમારી કૉલેજ રહી ત્યાં સુધી અમે બંને એકબીજામાં ગળાડૂબ રહ્યા. આ વર્ષો દરમિયાન અમે એકબીજાની કંપની તો એન્જોય તો કરી જ, પરંતુ આ સાથે અમે અમારા ભવિષ્યના રંગીન સપનાં પણ ઘણા જોયા, જે સપનાં અમને વાસ્તવિકતાની કઠોરતાથી દૂર લઈ જતા અને આનંદ આપતા. જોકે ત્યાર પછી તો અમે અમારા ઘરે વાત કરી અને અમારા બંનેના ઘરે અમારે નનૈયો સાંભળવાનો વારો આવ્યો. આ માટે અમારા બંનેએ ઘણી માથાકૂટ કરવી પડી અને લાખ વાના કર્યા પછી અમારા ઘરના સભ્યો અમારા લગ્ન માટે તૈયાર થયેલા. હવે આવતા મે મહિનામાં અમે પરણી રહ્યા છીએ. તો આ છે અમારી લવસ્ટોરી... તમને ગમી?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર