રોમાન્સ અને રોમાંચ
આપણી જ લવ સ્ટોરી વિશે લખતાં હોઈએ ત્યારે સૌથી મોટો ફાયદો એ થતો હોય છે કે, આપણને એકસાથે બે વાર આપણી લવ સ્ટોરી વિશે વિચારવાનો અને એ સમયને ફરી જીવવાનો લહાવો મળતો હોય છે. પહેલાં તો આપણે લખવા વિશે વિચારતા હોઈએ ત્યારે આપણે આપણો ભૂતકાળ યાદ કરતાં હોઈએ છીએ તો વળી, જ્યારે લખવા બેસીએ ત્યારે પણ ફરી એકવાર એ દિવસો વાગોળતા હોઈએ છીએ.
હું અને સંજય સાવ અચાનક જ મળી ગયેલા. ટ્રેનમાં અપડાઉન કરતા હતા અને રોજ એકબીજાનાં મોઢાં જોતાં હતાં. અમારા ટ્રેનમાં ચઢવાના સ્ટેશન પણ અલગ અને ઊતરવાના પણ અલગ, પણ કોણ જાણે ટ્રેનમાંની સેંકડોની મેદનીમાં અમારી નજર મળી ગઈ અને અમને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો.
સવારે જતી વખતે એ મારા કરતાં બે-ત્રણ સ્ટેશન આગળથી ચઢતો એટલે મારું સ્ટેશન આવે ત્યાં સુધીમાં એને બેસવાની જગ્યા મળી રહેતી પણ મારા સ્ટેશન પરથી મૂળે દુનિયાભરની ભીડ ઊમટતી હોય એટલે મને ટ્રેનમાં બેસવાની તો ઠીક, પણ શાંતિથી ઊભા રહેવાની પણ જગ્યા નહીં મળે. હું ઊભી ઊભી આજુબાજુના લોકોના ધક્કા ખાતી હોઉં અને એ મહાશય આરામથી બેસીને મને જોઈને હસતા હોય. પહેલા તો ધક્કાના ત્રાસને કારણે મારું એ તરફ જરાય ધ્યાન નહોતું ગયું, પણ થોડા દિવસો બાદ ખ્યાલ આવ્યો કે, આવડી મોટી ટ્રેનમાં સંજય (ત્યારે હું નામ નહોતી જાણતી એનું) માત્ર ને માત્ર મારા તરફ જ જોઈ રહ્યો છે.
સામાન્ય રીતે યુવાનીના એ દિવસોમાં હું કોઈ પણ પુરુષની મારા તરફની દૃષ્ટિ ચલાવી લેતી નહીં. પરંતુ સંજયની દૃષ્ટિમાં કંઈક જાદુ હતું, જે જાદુ મને મંત્રમુગ્ધ કરી ગયું અને એ મોહમાં જાણે ફસાતી જ ગઈ. આ કારણે હું સંજયની દૃષ્ટિનો પ્રતિકાર નહીં કરતી અને એ મારા તરફ જુએ છે કે નહીં જાણવા માટે એના તરફ જોઇ લેતી. મારા આવા ચેકિંગ દરમિયાન હંમેશાં એ મારી તરફ જોતો ઝડપાતો અને હું જેવી એના તરફ જોતી કે, એ તરત એની નજર બીજી દિશામાં ફેરવી કાઢતો. આવી રમત દરમિયાન ક્યારેક ક્યારેક અમારી નજર એક થઈ જતી અને પછી અમે નજરોથી થોડુંઘણું રમી લેતા. થોડું મરક મરક પણ કરી લેતા!
પછી તો થોડા દિવસો બાદ એને ભગવાને કંઈ બુદ્ધિ આપી હશે એટલે એના ભેળા એણે મારા માટે પણ જગ્યા રોકવાનું શરૂ કર્યું અને મારા સ્ટેશન પરથી હું ચઢું એટલે મને ઇશારાપૂર્વક એની બાજુમાં બેસવા બોલાવે. શરમાતી શરમાતી હું ત્યાં જતી તો ખરી પણ મને એની એટલી બધી શરમ લાગતી કે, એને થેંક્સ કહેતા પણ મારા ગાલ ગુલાબી થઈ જતાં અને હું એનું સ્ટેશન આવે ત્યાં સુધી નીચો ચહેરો કરીને બેસી રહેતી. બે-ત્રણ દિવસ તો આવું ચાલ્યું પણ એક દિવસ સંજયે મારી સાથે વાતની શરૂઆત કરી. એણે મારું નામ અને મારી જૉબ વિશે પૂછી લીધું તો થોડી હિંમત કરીને મેં પણ એના નામ, જૉબ, શહેર અને જ્ઞાતિ વિશે પૂછી લીધું. એણે મને જે કંઈ કહ્યું એ કે મેં એને જે કહ્યું એ બંનેને મેચ થાય એવું હતું એટલે એ ઘડીએ અમને બંનેના દિલને ટાઢક થયેલી અને પછી ધીમે ધીમે અમારી લવ સ્ટોરીની શરૂઆત થયેલી.
શરૂઆતમાં અમે અમારા મોબાઇલ નંબરની આપલે કરેલી. જોકે, ત્યારે આજ જેવું વ્હોટ્સ એપ કે ફેસબુક ન હતા એટલે ચેટ કરવાની ઝાઝી લિબર્ટી ન હતી પરંતુ ત્યારે ફ્રી ટેક્સ્ટ મેસેજનો જમાનો હતો એટલે એનો અમે ઉપયોગ કરી લેતા અને બાકીનો સમય ટ્રેનમાં આવતી અને જતી વખતે જે કલાક મળે એમાં વીતાવતા.
આમ ધીમે ધીમે અમે એકબીજાને જાણતા ગયા અને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થવા માંડ્યાં. અમારાં બંનેની ઉંમર પરણવાલાયક તો હતી જ અને અમારાં ભણતર અને બંનેની સિક્યોર્ડ જૉબને કારણે અમારા ઘરના લોકોને પણ અમારા સંબંધ સામે કોઈ વાંધો ન હતો. એટલે અમે પ્રેમમાં પડ્યા હોઈશું એના છએક મહિનાના ગાળામાં જ થોડા થોડા દિવસોના અંતરે અમે અમારા ઘરે અમારા પ્રેમ વિશેની વાતો કરી અને અમારા ઘરના લોકો પણ અમારા સંબંધ સાથે સંમત થયાં. એટલે એ જ વર્ષે અમારાં લગ્ન પણ લેવાઈ ગયાં.
અન્ય પ્રેમીઓની જેમ અમે ક્યારેય લપાતા-છુપાતાં રોમાન્સ કર્યો નથી કે નથી અમને અફેર કરવાનો લાંબો સમય મળ્યો. આ કારણે ઘણી વખત મને એમ લાગ્યા કર્યું છે કે, અમારે અમારા ઘરે પ્રેમ વિશેની જાણ વહેલી કરવી નહોતી જોઈતી. થોડી મોડી જાણ કરીને એકાદ વર્ષ સુધી અમારું લવ-અફેર ચલાવ્યું હોય તો કંઈક ઓર મજા આવી શકી હોત. થોડી વધુ યાદોનું ડોક્યુમેન્ટેશન કરી શકાયું હોત, પરંતુ એવું શક્ય બની શક્યું નથી. જોકે, એની સાથે જ મને એ વાતનો પણ આનંદ છે કે, અમારા બંનેનાં પ્રેમમાં કોઈ વિઘ્ન નહીં આવ્યું અને અમે એક થઈ શક્યા. નહિતર ઘરના લોકોના ડખાને કારણે અનેક લોકોનો પ્રેમ રગદોળાઈ ગયાનાં અનેક ઉદાહરણો આપણી આસપાસ છે.
અમારાં લગ્ન થયાં પછી તો સ્વાભાવિક જ અમારી વચ્ચે પ્રેમ ભલે બરકરાર રહ્યો છે પરંતુ અપરિણીત હોઈએ ત્યારે એકબીજાને પ્રેમ કરવાની જે મજા આવે છે કે, લોકોથી નજર ચુકાવીને એકબીજાને ચાહવામાં જે મજા આવે છે એવી લગ્નમાં પણ નથી આવતી. હવે તો અમારાં લગ્ન થયાંને પણ એક દાયકાથી વધુનો સમય થઈ ગયો છે અને અમારી વચ્ચેનો પ્રેમ દિવસે ને દિવસે ગાઢો થતો જાય છે પરંતુ અફેર વખતનો રોમાંચ હવે નથી રહ્યો એ વાત સ્વીકારવી જ રહી. હું ખરેખર એ રોમાંચને મિસ કરું છું.
( નિશા સંજય ભટ્ટ, વડોદરા)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર