યે મોસમ મિલને કા હૈ
ચોમાસું બેસે એટલે મને મારા કૉલેજના દિવસોની યાદ આવવા માંડે જ્યારે હું અને અર્પિત એકબીજાના ગળાડૂબ પ્રેમમાં એકબીજાને સમર્પિત હતા! કૉલેજના પહેલા જ વર્ષે અમને પ્રેમ થઈ ગયેલો અને પછી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી અમે સાથે રહ્યા એટલે અમારી લવ સ્ટોરી લગભગ પાંચ વર્ષ સુધી ચાલી. એ દરમિયાન અમે અમારા પ્રેમમાં અનેક ઉતાર ચઢાવ જોયા, ક્યારેક લડ્યા-ઝગડ્યા પણ, પરંતુ એ બધાની વચ્ચે અમારો પ્રેમ અખંડ રહ્યો, જેને પગલે અમે સાથે રહી શક્યા અને અને પરણી પણ શક્યા.
ખૈર, મારે તો ચોમાસા દરમિયાનની જ વાત કરવી છે. આમેય મે વેકેશન દરમિયાન અમારી કૉલેજ બંધ થઈ જતી તે છેક જુલાઈ- ઓગસ્ટમાં જ ખૂલતી એટલે ઘણા દિવસો પછી મળતા હોઈએ એટલે આમેય અમારો પ્રેમ ઉફાન પર હોય. અને એમાં પાછું ચોમાસુ બેસે એટલે વાતાવરણ પણ રોમેન્ટિક હોય. એટલે ચાતકની જેમ અમે ઉનાળો પૂરો થાય એની રાહ જોઈએ અને પછી વરસાદ પડે એટલે અમારી ધમાલ મસ્તી શરૂ થઈ જાય.
ભણતરની બાબતે અમે બંને ખૂબ જ સિન્સિયર અને મોટાભાગે અમે લેક્ચર હૉલમાં જ જોવા મળીએ, પરંતુ ચોમાસામાં અમારો બધો કાર્યક્રમ વરસાદ પર આધારિત હોય. જે દિવસે વરસાદ પડતો હોય એ દિવસે અત્યંત મહત્ત્વનો લેક્ચર હોય તો પણ અમે એ લેક્ચર બંક કરીએ અને વરસાદમાં ભીંજાવા દોડી જઈએ. અર્પિતને પાછો બાઈકિંગનો ઘણો શોખ. આજે હવે પરણી ગયા પછી પણ એણે કેટીએમ લીધું તો એ સમયે એની પાસે એક પલ્સર અને એક કરીઝમા બાઈક હતા. વરસાદના દિવસોમાં એ એનું પીળા રંગનું કરીઝમા લઈને આવે અને પછી અમે કૉલેજથી ભાગી જઈને ડુમસ તરફ પહોંચીએ અથવા હાઈવે પર ક્યાંક લોંગ ડ્રાઈવ પર જઈએ.
અમે બંને ફરવાના ખૂબ શોખીન એટલે, કોઈક વાર વળી ઘરે એમ કહીને નીકળીએ કે, અમે દોસ્તો સાથે સાપુતારા જઈએ છીએ અને દોસ્તોને પણ કહી રાખીએ કે, ઘરેથી કોઇ ઈન્ક્વાયરી આવે તો કહી દેવાનું કે અમે બધા સાથે ગયા છીએ! અને પછી અમે બંને બાઈક પર સાપુતારા પહોંચી જઈએ. ત્યાંના વાદળો, ઠંડુ વાતાવરણ, લીલી ચ્હાથી બનેલી ચ્હા અને મેગી ખાઈને અમે ત્યાં ખૂબ એન્જોય કરીએ બે એક કલાક રોકાણ કરીને ફરી સુરત પરત ફરીએ.
આમેય અમારા માટે તો લોંગ ડ્રાઈવ જ મહત્ત્વની હોય છે. કારણ કે, ડાંગના જંગલોમાંથી પસાર થતી વખતે, ત્યાંના ગામડામાંથી પસાર થતી વખતે લીલોતરીની જે મજા હોય છે એ અત્યંત અનેરી હોય છે. મન એકદમ શાંત અને પ્રફુલ્લિત થઈ જાય અને એકબીજાનો સહવાસ વાતાવરણની અત્યંત ઠંડકમાં પણ હૂંફ આપી જાય.
હવે લગ્ન થઈ ગયા છે અને બહોળા પરિવારની જવાબદારીઓ હોવાને કારણે પહેલા જેટલું ફરી શકાતું નથી અને હવે તો થોડા મહિનામાં અમારે ઘરે પારણું પણ બંધાશે એટલે બાળક મોટું ન થાય ત્યાં સુધી અમારે અમારી આવી લોંગ ડ્રાઈવ પર પૂર્ણવિરામ જ મૂકવું પડશે. પરંતુ ચોમાસુ બેસે અને બહાર ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે મને મારા એ રોમાન્સના દિવસો ખૂબ યાદ આવે છે અને હું અને અર્પિત બંને એ દિવસોના ફોટોગ્રાફ્સ જોઈને ખૂબ આનંદ કરીએ છીએ. હવે ભલે અમે ક્યાંક બહાર નહીં જઈ શકતા હોઈએ, પરંતુ અમે હરપળ સાથે જ રહીએ છીએ અને પહેલાની જેમ ઉનાળામાં અમારે એકબીજાને મળવાની કે ચોમાસાની બહુ રાહ જોવી પડતી નથી.
(કવિતા અર્પિત પટેલ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર