સાત રંગ હૈ બહારો કે…
અમારી લવસ્ટોરી વિવેક ઓબેરોય અને રાની મુખર્જીની ફિલ્મ ‘સાથિયા’ને મળતી આવે છે. અથવા એમ પણ કહી શકાય કે અમારી લવસ્ટોરી ‘સાથિયા’ ફિલ્મ પરથી જ પ્રેરિત છે. આ વાત વાંચીને તમને એમ થયું હશે કે, કોઈકના લગ્નમાં અમે કન્યા અને વર પક્ષ તરફથી ગયા હોઈશું અને ત્યાં અમે એકબીજાને જોયા હશે અને પછી અમને પ્રેમ થયો હશે… એ વાત સાચી અમને બંનેને એકબીજા સાથે પ્રેમ જરૂર થયેલો, પણ કોઈના લગ્નમાં અમે નહોતા મળ્યા. પણ અમારી મુલાકાત થયેલી રેલવે કોલોનીમાં…! હવે કદાચ તમને તાગ મળ્યો હશે કે, અમારી લવસ્ટોરી ‘સાથિયા’ ફિલ્મને મળતી કેમ આવે છે.
મજાની વાત એ છે કે, પ્રિયાના પપ્પા પણ રેલવેમાં જ નોકરી કરતા હતા, જેના કારણે એમને રેલવે ક્વાર્ટ્સમાં ઘર મળ્યું હતું. મારું ઘર શહેરના બીજા વિસ્તારમાં હતું, પરંતુ મારો એક જિગરજાન મિત્ર પણ એ જ કૉલોનીમાં રહેતો હતો, જેને ત્યાં મારું આવવા જવાનું ઘણું થતું. એક તો આમ પણ મને રેલવે કોલોનીનું હર્યુંભર્યું વાતાવરણ ખૂબ ગમતું, એમાં વળી એ કોલોનીના એક મકાનની બાલકનીમાં બેસીને ચ્હા પીતી એક છોકરી મને ખૂબ ગયેલી. મારા દોસ્તને એ છોકરી વિશે પૂછ્યું તો ખબર પડી કે છોકરીનું નામ પ્રિયા છે અને એના પિતા ખૂબ અકડું છે.
જોકે દોસ્તે એના પિતા વિશે જે કહ્યું એનાથી મને કોઈ ફરક નહોતો પડતો, કારણ કે મારે તો પ્રિયા સાથે જ પ્રેમ કરવો હતો…! હું જ્યારે પણ મારા મિત્રને ત્યાં જતો ત્યારે એ સાંજે એ બાલકનીમાં બેઠેલી દેખાતી. થોડો સમય એ બેસીને ચ્હા પીતી અને પછી ઊભી થઈને સોસાયટીમાં નીચે રમતા છોકરાને કે આજુબાજુ ચાલતી હલચલો જોયા કરતી. અમે પણ એના વિશ્વદર્શનનો જ એક ભાગ હતા કારણ કે હું દોસ્તને ત્યાં જતો ત્યાં અમે બંને પણ સોસાયટીના કોમન પ્લોટમાં જ અમારા બાઈક પર બેઠાંબેઠાં વાતો કરતા.
એ મને ગમવા માંડી ત્યારથી હું એની તરફ જ જોયા કરતો અને કોઈ પણ રીતે એનું ધ્યાન મારી તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરતો. એ માટે હું સહેજ મોટેથી બોલતો અથવા આવતીજતી વખતે વધુ જોરમાં એક્સિલરેટર દબાવતો એટલે એની ઘરેરાટીથી એ મારી તરફ જોતી. પછી તો મને ખબર પડી કે, એ ટ્રેનમાં ડેઈલી અપડાઉન પણ કરતી. આમેય સ્ટેશન એના ઘરથી થોડા જ અંતરે હતું એટલે હું પણ કોઈને કોઈ બહાનું કાઢીને એના આવવા જવાના ટાઈમે સ્ટેશન જવાનું બહાનું શોધી કાઢતો અને એને, ‘ચાલો આવવું છે…? હું પણ સ્ટેશન તરફ જ જાઉં છું.’ એમ કહીને એને બાઈક પર બેસવાની ઓફર કરતો. આમ તો હું બહુ ગભરુ છોકરો, પરંતુ કોણ જાણે પ્રિયાને ઈમ્પ્રેસ કરવા હું કઈ રીતે જાતજાતના એડવેન્ચર કરતો!
સોસાયટીની આવનજાવનને કારણે એ મને ઓળખતી તો હતી જ અને ઘણીવાર એને મોડું પણ ઘણું થઈ જતું એટલે એ ખચકાયા વિના મારી સાથે બેસી જતી અને આપણે પણ ફૂલણજી થઈને સ્ટેશન સુધીના લાંબા રસ્તે લઈ જતા. એટલા સમયમાં હું એને જાતજાતના સવાલો પૂછતો અને એને ઈમ્પ્રેસ કરવા અવનવી વાતો કરતો. ક્યારેક કંઈક ખાવા-પીવાની વાત કરતો તો ક્યારેક કોઈ ફિલ્મની વાત કરતો. જો એ કોઇક વાનગીથી અજાણ હોય અથવા કોઈક ફિલ્મ એણે નહીં જોઈ હોય તો એને પાછો ઓફર પણ કરતો કે, તમને જો વાંધો ન હોય અને ટાઈમ હોય તો મને તમને ફલાણી ફિલ્મ બતાવવાની ઈચ્છા છે અથવા એ વાનગી ખવડાવવાની ઈચ્છા છે. શરૂ શરૂમાં તો ફિલ્મો માટે સમય નથીનું બહાનું કાઢતી, પરંતુ પછી અમારી મૈત્રી વધુ ગાઢી થતા એ મારી સાથે ફિલ્મ જોવા આવવા તૈયાર થઈ. અને એ પણ કૉલેજ બંક કરીને!
અમારી દોસ્તી ગાઢી થઈ એનું કારણ એ જ હતું કે, લગભગ એને રોજ જ સ્ટેશન સુધી લઈ જતો અને સાંજે સ્ટેશનથી લઈ પણ લઈ આવતો. પછી તો જાણે એ પણ મારી રાહ જોવા માંડી અને કોઈક દિવસ મારાથી નહીં જવાય તો બીજા દિવસે મને યાદ અપાવતી કે, ‘ગઈકાલે હું કેમ નહીં આવેલો?’ આ કારણે જ મને ફિલ્મ માટે પૂછવાનો કોન્ફિડન્સ આવેલો અને મેં એને ફિલ્મ માટે ઓફર કરેલી.
એવામાં એક દિવસ અમે ફિલ્મ જોવા ગયેલા ત્યારે હું કાર લઈને ગયેલો અને રસ્તામાં જ એને ગુલાબનું એક ફૂલ આપીને મેં એને પ્રપોઝ કરેલું. મારી સાથેના એના વર્તન અને અમારા બોન્ડિંગના હિસાબે મને એટલી ખાતરી તો હતી જ કે હું પ્રપોઝ કરીશ તો એ હા ભલે નહીં પાડે, પરંતુ ગુસ્સે થઈને ગેરવર્તન તો નહીં જ કરે. અને થયું પણ એવું જ. મેં પ્રપોઝ કર્યું એવું જ એણે એ સ્વીકારી લીધું અને મને કહ્યું કે, એને પણ મારા માટે લાગણીઓ હતી!
બસ, પછી તો અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડ્યા અને સતત એકબીજાની સાથે રહીને અમારા પ્રેમનો ઓચ્છવ મનાવવા માંડ્યા. લગભગ ત્રણેક વર્ષ સુધી અમે અમારું અફેર અત્યંત ગુપ્ત રાખ્યું અને બંનેના ઘરે તો ઠીક એકબીજાના મિત્રોને પણ ખબર નહીં પડવા દીધી. કારણ કે એના પપ્પા અત્યંત કડક મિજાજના હતા અને આંતરજ્ઞાતિય લવ મેરેજ તેઓ કોઈ પણ સંજોગોમાં સ્વીકારી લે એમાંના ન હતા. એટલે રખેને અમને કોઇ જોઈ જશે અને કોઈ એના ઘરે ખબર પડી ગઈ તો અમારે પ્રતિબંધ આવશે એવું વિચારીને અમે વાત અત્યંત ગુપ્ત રાખી હતી.
જોકે ત્રણ વર્ષ પછી એના ઘરે એના લગ્નની વાત ચાલવા માંડી એટલે પ્રિયાએ એના જીજાજીને અમારા પ્રેમ વિશે કહી જોયું અને એના જીજાએ એમના પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો. પરંતુ એના પપ્પાએ ઘસીને ના કહી દીધી એટલે ભાગીને લગ્ન કર્યા સિવાય કોઈ છૂટકો નહોતો. એટલે એક દિવસ તક ઝડપીને અમે ભાગીને લગ્ન કરી લીધા અને પોતપોતાના ઘરે કહી દીધું. જોકે લગ્નના બે મહિના પછી અમને બંને તો મારા ઘરે બોલાવી લેવાયા, પરંતુ પ્રિયાના ઘરે આજ સુધી એને નથી બોલાવાઈ કે નથી તો એની સાથે કોઈએ વાત કરવાનો પ્રયત્ન કર્યો. તમને કહી દઉં કે અમારા લગ્નને હવે પાંચ વર્ષ થવા આવ્યા છે અને અમને ત્રણ વર્ષનું એક સંતાન પણ છે…
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર