એ મારી કૂંડળીમાં નથી
વાત તો ઘણાં વર્ષો જૂની છે પરંતુ હૃદય પર એના ઉઝરડા હજુય લીલા છે. કારણ કે, પ્રેમનો ભંગ ભલે થતો હોય પણ સાચા પ્રેમનો અંત ક્યારેય નથી આવતો. મારી, સોરી અમારી બાબતે કંઈક આવું જ બન્યું અને અમારો પ્રેમ ભંગ થઈ ગયો પરંતુ આજે એ વાતને અઢી દાયકાથી વધુ સમય થઈ જવા છતાં અમારા પ્રેમનો હજુ અંત આવ્યો નથી. એનું નામ ઉર્વશી અને હું કમલેશ. અમે એકબીજાને અચાનક પસંદ કરતા થઈ ગયેલા અને પસંદગીની એ લાગણીને કારણે જ અમને પ્રેમ થયેલો.
વર્ષો પહેલા મારા મોટા ભાઈને વલસાડ ખાતે લગ્ન થયેલાં અને ભાઈની જાન લઈને અમે વલસાડ પહોંચેલા. ઉર્વશીના મામાનું ઘર પણ મારા ભાઈના સાસરા પાસે જ હતું એટલે એ પણ મારા ભાઈના લગ્નમાં મજેથી મહાલતી હતી. આપણી તો આમેય જુવાની ફૂટું ફૂટું થતી હતી, ત્યાં મારી નજર ઉર્વશી પર પડી અને કોણ જાણે એવું તે શું થયું કે, મને એનું સખત ખેંચાણ થવા માંડ્યું. વળી, એના પક્ષે પણ એવું થયું કે, એનું મારા તરફ ધ્યાન ગયું. એણે નોંધ્યું કે, હું એની તરફ ટગર ટગર જોઈ રહ્યો છું એટલે એ પણ મારી તરફ જરા જરા વારે જોવા માંડી અને આંખોની એ કરામતોને કારણે એને પણ મારા તરફ આકર્ષણ થવા માંડ્યું.
અમારા બંનેની ઉંમર થોડી નાની હતી અને એ સમયે વડીલોનો પણ ઘરમાં ધાક હતો એટલે ભાઈના લગ્નને દિવસે તો અમે કોઈ વાત નહીં કરી શક્યા પરંતુ લગ્ન પછી એની સાથે વાત કરવાની એક તક મળેલી ખરી. આપણે ત્યાંની લગ્નપ્રથાઓમાં આમ પણ લગ્ન થાય પછી અનેક રીતરસમો બાકી રહેતી હોય છે, જેમાં વર અને કન્યાએ વારાફરતી એકબીજાના ઘરે અવરજવર રહેતી હોય છે. આ હેઠળ ભાઈના સાસરે જ્યારે પણ જવાનું થતું ત્યારે હું પહેલી તકે તૈયાર થઈ જતો અને ભાઈ સાથે ટ્રેનમાં બેસીને વલસાડ ઊપડી જતો. ત્યાં તો આમ પણ વડીલો લગ્ન પછીની વિધિઓમાં વ્યસ્ત રહેતા એટલે હું તકની લાભ લઈને ઉર્વશીના ઘરની આસપાસ આંટાફેરા કરતો અને એનું ધ્યાન મારી તરફ ખેંચવાના પ્રયત્ન કરતો રહેતો. મને આંટા મારતો જોઈને એ મલકાતી ખરી પરંતુ આસપાસ કોઈ સ્વજન હોવાને કારણે એ કંઈ બોલી શકતી નહીં. અલબત્ત, એ જ્યારે મલકાતી ત્યારે એની આંખોની જે ભાષા હતી એ અત્યંત અદભુત હતી અને આંખોની એ ભાષામાં જ અમે ક્યાંય સુધી વાતો કર્યા કરતા. જોકે, એકાદ વખત એને તક મળેલી ત્યારે એ માત્ર થોડી મિનિટો માટે મારી નજીક આવેલી અને એણે મારી સાથે થોડા શબ્દોની આપલે કરેલી.
મારી જેમ જ એ પણ ઘણી સ્માર્ટ હતી એટલે જ્યારે પણ મારા ભાભીને તેડવા અમારા ઘરે કોઈ આવવાનું હોય ત્યારે એ સુરત આવી જતી. સુરત આવતી ત્યારે અમારી વચ્ચે ઘણી વાતો થતી અને એ દરમિયાન જ એક દિવસ મેં એને ધડકતે હૈયે કહી દીધેલું કે, 'તું મને અત્યંત પસંદ છે.' ત્યારનો જમાનો લજ્જાનો જમાનો હતો અને ત્યારે લોકો શબ્દોનો અત્યંત જોખીતોલીને ઉપયોગ કરતા એટલે ત્યારે કોઈ આજની જેમ 'આઈ લવ યુ' કે 'વિલ યુ બી માય વેલેન્ટાઇન' જેવું સીધેસીધું કહી શકતા નહીં. જોકે, તોય 'હું તને પસંદ કરું છું' કે 'તું મને પંસદ છે' જેવા શબ્દોની આપલે કરવાથી પ્રેમની અભિવ્યક્તિ કરી શકાતી અને પ્રેમ પણ કરી શકાતો! મેં જ્યારે એની આગળ મારી લાગણીઓ પ્રદર્શિત કરી તો એ પણ કોઈ નવોઢાની જેમ શરમાઈ ગઈ અને જવાબમાં, 'હું પણ તને પસંદ કરું છું' કહ્યું.
આમ આ રીતે અમારી લવ સ્ટોરીની વિધિવત્ શરૂઆત થઈ. અમારી હલચલ વિશે મારા ભાભી અને ઉર્વશીની બહેનને પણ જાણ થઈ ગયેલી અને એ બંને અમને ખૂબ સપોર્ટ પણ કરતા અને અમે મળી શકીએ એ માટેના સંજોગો પણ ઘણા ઊભા કરતા પરંતુ એક દિવસ અચાનક જોરદાર ધડાકો થયો. મારો એક મિત્ર જ્યોતિષ શાસ્ત્રનો ઉંડો જાણકાર છે અને એણે મારા વિશે જે કોઈ ભવિષ્યવાણી કરી હતી એ એણે અક્ષરશઃ સાચી પડી હતી. મારા અને ઉર્વશીના સંબંધ વિશે મેં એને એમ જ ઉત્સુક્તાવશ પૂછ્યું તો એણે મને કહ્યું કે, 'તું ઉર્વશી સાથે લગ્ન નહીં કરે એ જ સારું છે.' શરૂઆતમાં તો મને એમ થયું કે, મારો દોસ્ત મારી સાથે મજાક કરી રહ્યો છે. પરંતુ પછી એણે પહેલાં જેવી જ સિરિયસનેસ સાથે કહ્યું કે, 'જો અમે બંને લગ્ન કરીશું તો એક દાયકાના ગાળામાં જ ઉર્વશીનું મૃત્યુ થશે. સાથે એમ પણ જણાવ્યું કે, ઉર્વશીના નસીબમાં માતા બનવાનું સૌભાગ્ય નથી.'
ઉર્વશી ધારો કે માતા નહીં બની શકે તો પણ મને એની પરવા ન હતી પરંતુ ઉર્વશીનું મોત હું કોઈ પણ કાળે સ્વીકારી શકું એમ ન હતું. પહેલા તો મને થયું કે આ જ્યોતિષશાસ્ત્ર મુજબ જીવનમાં કશું થતું નથી એનો મારે વિશ્વાસ કરવો નથી. પરંતુ પછી મને ભૂતકાળની બધી આગાહીઓ યાદ આવી ગઈ જે ખરેખર સાચી પડી હતી. આ કારણે મેં ભારે હૈયે ઉર્વશી સાથે છેડો ફાડવાનું નક્કી કર્યું અને વલસાડ પહોંચીને એને આ બાબતની વિગતે વાત કરી. સંબંધ વિચ્છેદ માટે ઉર્વશીએ ખૂબ આનાકાની કરી અને હું એને આમ છોડીને ન જાઉં એ માટે ખૂબ આનાકાની કરી. પરંતુ મારે એને કોઈ પણ ભોગે બચાવવી હતી અને આ કારણે જ હું અમારા સંબંધને ટૂંપો દેવા માટે પણ તૈયાર હતો!
ઉર્વશી સાથેનો વિચ્છેદ મારા માટે અત્યંત પીડાદાયી હતો. હું ખૂબ ઝૂર્યો અને ક્યારેક એકાંતમાં ખૂબ રડ્યો પણ હતો, પરંતુ હું ઉર્વશીને ખૂબ ચાહતો હતો અને આ માટે મારે એને જીવાડવી હતી. ખૈર, પછી તો બે જ વર્ષના ગાળામાં મારા અન્ય યુવતી સાથે લગ્ન થઈ ગયા અને ઉર્વશી પણ અન્ય યુવક સાથે ઠેકાણે પડી. મારે ત્યાં એક દીકરાનો જન્મ થયો તો ઉર્વશીની બાબતે મારા મિત્રની ભવિષ્યવાણી સાચી પડી અને એ આજીવન નિઃસંતાન રહી.
એક જ સમાજના અને નજીકના સગામાં હોવાને કારણે અમે જીવનમાં અનેક વખત મળતા પણ રહ્યા છીએ પરંતુ જ્યારે અમે એકબીજાને જોઈએ ત્યારે દિલના એક ખાલી પડી ગયેલા ખૂણામાં ખૂબ વેદના થઈ છે. જોકે, સાથે દિલને એક ટાઢક પણ થઈ છે કે, અમે એક નહીં થઈ શક્યા એનો કોઈ વાંધો નહીં, પરંતુ આજે મને ઉર્વશી જોવા તો મળે છે ને? ધારો કે અમે એક થયાં હોત અને એને કંઈક થઈ ગયું હોત તો...?
(કમલેશ પંચાલ, સુરત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર