એવું કંઈક એણે મારા કાનમાં કહ્યું
અમારી લવ સ્ટોરી આમ તો દરેક પ્રેમીઓ જેવી સાવ સામાન્ય છે. પરંતુ અમારી લવ સ્ટોરીની શરૂઆત અત્યંત રોમાંચપૂર્ણ થયેલી. એટલે કે, અમારો પ્રેમનો એકરાર અત્યંત રોમાંચક અને રોમેન્ટીક રીતે થયેલો. હું અને રિદ્ધિ એક જ ફર્મમાં સાથે કામ કરતા અને લગભગ એકાદ વર્ષ સુધી કેટલાક પ્રોજેક્ટ્સમાં સાથે કામ કરતા રહેવાને કારણે અમને એકબીજા સાથે સારું ફાવતું.
અમે બંને ખૂબ મળતાવડા સ્વભાવના હોવાને કારણે જ્યારે પહેલા પ્રોજેક્ટમાં સાથે કામ કરવાનું આવ્યું ત્યારથી જ અમારી દોસ્તી જામી ગયેલી અને પછી શરૂઆતથી જ એકબીજા સ્વભાવ માફક આવી જતાં અમે એકબીજાના ખાસ દોસ્ત બની ગયેલા. અમને બંનેને એક વાતની પૂરી ખાતરી હતી કે, અમને કોઈ દિવસ પ્રેમ-બ્રેમ થઈ જ નહીં શકે કારણ કે, અમારા જેવા મુક્ત મનના અને આખા બોલા માણસો પ્રેમ જેવી કંઈક અંશે ગુપ્ત અને મહદઅંશે ગૂઢ બાબત પાલવે એવું ન હતું.
જોકે અમારી એ માન્યતા ખોટી હતી અને અમારા બંનેના આશ્ચર્ય વચ્ચે અમને પ્રેમ થઈ ગયો. સાથે કામ કરતા રહેવાને કારણે અને ઓફિસ ઉપરાંત પણ સતત સાથે રહેવાને કારણે અમને એકબીજાની આદત થઈ ગયેલી અને જો અમે રૂબરૂ કે કે ફોન-મેસેજિંગ પર એકબીજા સાથે સંપર્કમાં નહીં રહીએ તો જાણે અમને ઘૂટન થઈ જતી.
અમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો છે એ વાતની અમને બંનેને જાણ તો હતી જ અમે બંને અમારા દિલ સાથે જાતજાતની દલીલ કરી રહ્યા હતા કે, ‘આ પ્રેમ નથી. તું નાહકનું વેવલું થા મા. દોસ્તીમાં પણ આવું વેવલાપણું હોય જ છે. એટલે એને પ્રેમ સમજી લેવાની કોઈ જરૂર નથી.’ જોકે આ બધી વાતની ચોખવટ અમે એકબીજા સાથે નહોતી કરી પરંતુ આ અમારો આંતરિક દ્વંદ્વ હતો.
લગભગ બે-ત્રણ મહિના સુધી અમારી એ આંતરિક કશ્મકશ ચાલી હશે. એ દરમિયાન દોસ્ત તરીકે અમે સતત સાથે રહેતા અને અમારી રજેરજ માહિતી અમે એકબીજા સાથે શેર કરતા, પરંતુ મહિનાઓ સુધી અમે અમારી આ ફીલિંગ્સ એકબીજા સાથે શેર નહીં કરી. લાંબા સમય સુધી નિરિક્ષણ કર્યા બાદ હું એક ચોક્ક્સ તારણ પર આવ્યો કે, ના હું જે અનુભવી રહ્યો છું એ દોસ્તી તો નથી જ. જો દોસ્તી જ હોત તો આવી જ લાગણી મને મારી અન્ય સ્ત્રી મિત્રો માટે પણ થઈ હોત. અને હું રિદ્ધિ માટે જે અનુભવુ એ તો અત્યંત સ્પેશિયલ કહી શકાય એવું હતું.
એટલે મેં નક્કી કર્યું કે એક દિવસ સારો મોકો જોઈને મારે રિદ્ધિને કહી દેવું કે, મને તારું ખબર નથી પરંતુ હું તારા વિશે કંઈક આવું અનુભવુ છું. એવામાં એક વાર અમારી ઓફિસની એક પાર્ટી હતી, જેમાં અમારે એક અત્યંત મજાની હોટેલમાં ડિનર માટે જવાનું હતું. અમારી દોસ્તીને નાતે અમે એકબીજાની આજુબાજુમાં જ બેઠા. એવામાં હોટેલનું ઈન્ટિરિયર એવું રોમેન્ટીક હતું કે, મારા અળવિતરા મનને ત્યારે વિચાર આવ્યો કે, ‘મારે આવા રોમેન્ટીક માહોલનો લાભ લઈને રિદ્ધિને મારી એના વિશેની લાગણીઓ વિશે કહી જ દેવું જોઈએ.’ વળી, રિદ્ધિ એ દિવસે કંઈક વધારે પડતી જ મૂડમાં હતી.
પણ બીજી તરફ મારું દિલ મન ટકોર કરી રહ્યું હતું કે, આખો સ્ટાફ ભેગો થયો છે ત્યારે આવું ગાંડપણ નહીં કરાય. નાહકની એ છોકરી ભોંઠી પડશે અને એનો મૂડ બગડશે એ વધારાનો. જોકે એ દિવસે મન તો જાણે નફ્ફટાઈ પર જ ઉતરેલું અને એણે નક્કી જ કર્યું હતું કે, એ કોઈનું માનવાનું નથી.
અમે બધા જ્યારે ડિનર કરી રહ્યા હતા અને બધા એકબીજા સાથે હસીમજાક કરી રહ્યા હતા. રિદ્ધિ પણ એની સામેવાળી વ્યક્તિ સાથે વાતચીતમાં મશગુલ હતી અને વચ્ચે એ મારી પાસે હોંકારો દેવડાવી હતી. એની સામેવાળી વ્યક્તિ જ્યારે બીજા સાથે વાતમાં બિઝી થઈ ત્યારે અચાનક હું એની તરફ થોડો નમ્યો અને એના કાન પાસે જઈને હળવેથી ગણગણ્યો,
‘મને તારા માટે થોડી સ્પેશિયલ ફીલિંગ્સ છે. આઈ એમ સોરી બટ, હું તને કહ્યા વિના ન રહી શક્યો.’
આટલા શબ્દો કહેતી વખતે પણ મને પસીનો છૂટી ગયેલો અને દિલના ધબકારાની વાત જ શું કરવી? મને એમ લાગતું હતું કે, મારું હ્રદય બહાર હવે બહાર આવી જશે! આવું કહેતી વખતે હું એટલો બધો ગભરાઈ ગયેલો કે, મારી એ પરમ મિત્રના ચહેરા પરના હાવભાવ જોવાની પણ મારી હિંમત નહોતી ચાલી. એટલું કહીને હું ફરી મારું સૂપ પીવા માંડ્યો કલિગ્સને મારો ગભરાટ દેખાઈ નહીં જાય એ માટે નોર્મલ રહેવાની કોશિશ કરવા લાગ્યો.
લગભગ બે મિનિટ સુધી એણે મને કોઈ જ રિએક્શન નહીં આપ્યું એણે એની બધી નોર્મલ ગતિવિધિઓ ચાલુ રાખી અને પછી તકનો લાભ લઈને એ મારી તરફ ફરી અને મને જરા ઝૂકવાનો ઈશારો કર્યો. એણે જ્યારે ઈશારો કર્યો ત્યારે પણ મારી ફાટી ગયેલી અને દિલના ધબક… ધબક… ધબકારા સાથે હું જરા ઝૂક્યો.
‘હિરેન મેં તને સાવ આવો નહોતો ધાર્યો. તું તો સાવ સ્વાર્થી નીકળ્યો. તને મારા માટે માત્ર થોડી જ ફીલિંગ્સ છે? મને તો તારા પ્રત્યે અઢળક સ્પેશિયલ ફીલિંગ્સ છે. જરા પૂછી જો તારા દિલને કે, એને મારા માટે કેટલી લાગણી છે?’
એની એ વાત સાંભળીને હું તો દંગ રહી ગયો અને મને આશ્ચર્ય અને ખુશીની લાગણી એકસાથે થઈ. મને આશ્ચર્ય એ વાતનું થયું કે, રિદ્ધિ ઘણી હિંમતવાન સાબિત થઈ હતી. તો બીજી તરફ ખુશી એ વાતની હતી કે, આખરે મને મારી લાઈફ પાર્ટનર મળી ગઈ હતી અને રિદ્ધિ પણ મારા માટે એવું જ કંઈક વિચારતી હતી, જેવું હું એના વિશે વિચારતો હતો.
રિદ્ધિની હિંમત જોઈને મારામાં પણ થોડી હિંમત આવી અને મેં પણ એને ઝૂકવાનો ઈશારો કરીને કહ્યું કે, ‘થોડી લાગણી એ તો માત્ર શબ્દ પ્રયોગ હતો. બાકી, તારે મારી લાગણીઓના પારખા કરવા હોય તો મને પ્રેમ કર અને સાથે જ મારી સાથે સ્પર્ધા પણ કર. જોઈએ છીએ કે કોને કોના વિશે વધુ લાગણી વધુ છે? હા, જોકે એ સ્પર્ધાનું પરિણામ આપણા જીવનના સાતમા દાયકામાં જ આવશે. ત્યાં સુધી આપણી આ સ્પર્ધા ચાલું જ રહેશે!’
મારી વાત સાંભળીને એ પણ મલકી ઊઠી અને હું પણ… બસ, આમ જ કંઈક શરૂ થઈ અમારી લવ સ્ટોરી. જોકે આગળ કહ્યું એમ લવ સ્ટોરી કરતા અમારો એકરાર જ અત્યંત રોચક અને રોમાંચક હતો. અને હા, રોમેન્ટીક પણ...
(હિરેન જોશી, અમદાવાદ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર