તમને કોઈ ચાહે એ નાની વાત નથી
તમને કોઈની સાથે પ્રેમ થઈ જાય એમાં અને કોઈ તમને દિલફેંક પ્રેમ કરે એમાં જમીન આસમાનનો તફાવત હોય છે. આમ તો પ્રેમ નામની લાગણી જ અસામાન્ય છે. એટલે, જો તમને કોઈની સાથે સાચો પ્રેમ થઈ જાય તો એ બાબતને અસામાન્ય જ લેખવી. પરંતુ જ્યારે કોઈ વિના કોઈ કારણ તમારા પ્રત્યે હેત દર્શાવે કે, કોઈ નદી કોઇ સાગરમાં ભળી જાય એમ એ વ્યક્તિ એની આખેઆખી જાતને તમારામાં લીન કરી દે એ વાત અતિ અસામાન્ય છે. કારણ કે આજના જમાનામાં જ્યારે આપણને પણ આપણી જાતમાં વિશ્વાસ નથી ત્યારે અન્ય કોઈ આપણામાં વિશ્વાસ મૂકે એ કંઈ નાનીસૂની વાત નથી. અંગતપણે મેં આ બાબતનો અહેસાસ કર્યો છે એટલે જ આ વાત અત્યંત દૃઢતાથી રજૂ કરી રહ્યો છું.
ઉપર જે રીતે વર્ણન કર્યું એમ જ નયનીએ મારામાં વિશ્વાસ મૂક્યો. એણે મને ભરપૂર ચાહ્યો અને એના મારા પ્રત્યેના પ્રેમના કારણે જ મને એ વાતનો ખ્યાલ આવ્યો કે, સેંકડોની આ ભીડમાં હું પણ કંઈક છું અને મારામાં પણ કંઈક કરી શકવાની શક્તિ છે. સાચું કહું તો નયનીએ મને કરેલા પ્રેમના કારણે જ હું મને જડી ગયો છું. એ પણ જુસ્સાભેર અને આત્મવિશ્વાસથી છલોછલ!
નયની મને કંઈક આ રીતે મળી ગયેલી. અમે બંને એક જ કંપનીમાં કામ કરતા. હું પહેલાથી થોડો શરમાળ અને ગભરુ પ્રકૃતિનો અને ઘર હોય કે મિત્રો હોય કે, પછી ઓફિસ હોય. તમામ જગ્યાએ હું અત્યંત શાંતિથી મારું કામ કર્યા કરું. મારા ન તો કોઈ એમ્બિશન કે ન કોઈ સપનાં. મારું ધ્યેય એટલું જ કે, કોઈની પણ સાથે મગજમારી કર્યા વિના જીવન સુખરૂપ પસાર થાય.
બીજી તરફ નયનીના નામ પ્રમાણેના ગુણ. એકદમ ચંચળ. ન એને કોઈનો ભય કે ન કોઈની શરમ. પોતે એ જ કરશે, જે એણે કરવું હશે. એ ઓફિસમાં પણ કોઈનું માનશે નહીં અને કોઈ કાયદા કે કોઈ નિયમોનું પાલન કરશે નહીં. હા, જોકે એના કામની બાબતે એ એક્કો સાબિત થતી અને કંપનીની અપેક્ષાઓ કરતા હંમેશાં એ ઘણું વધારે અને સારું કામ કરતી. પોતાના ઘણા નવા ઈનોવેટિવ આઈડિયાઝને કારણે એ કંપનીનું જોરદાર માર્કેટિંગ પણ કરતી. આ કારણે જ કંપનીમાં કોઈ એને છંછેડતું નહીં અને એ પોતાની દુનિયામાં મસ્ત રહીને પોતાની શરતોથી જીવતી.
એવામાં જે વ્યક્તિનો સ્વભાવ મારા સ્વભાવથી તદ્દન વિપરિત હોય એવી વ્યક્તિને હું પ્રેમ તો શું? પણ એવા લોકોની આજુબાજુ પણ હું નહીં ફરકું. વળી, ઓફિસમાં એની એક મંડળી પણ હતી, જેની આગેવાન એ હતી. દર કલાકે એની મંડળી એની આજુબાજુ ભેગી થાય અને બધા ટોળે વળીને દસ પંદર મિનિટ વાતો કરે. આવે સમયે હું એકલો જ મારા કામમાં ગળાડૂબ હોઉં અને કામમાં નહીં હોઉં તો હું મારા સિલેક્ટેડ ફ્રેન્ડ્સ સાથે ચેટિંગ કરતો હોઉં. મારી આ બધી હરકતો એ જોયાં કરતી. એ મારી સામેની તરફ જ બેસતી એટલે ક્યારેક હું એ પણ નોટિસ કરતો કે, એ થોડી ઉંચી થઈને મને જોઈ લેતી. જોકે મને એ સમયે એમ જ કે, એ મને પજવવા માટે આ બધા પેંતરા કરી રહી છે. કારણ કે, ઓફિસમાં કેટલાક લોકોને પજવવું એને ગમતું હતું.
પણ મને બહુ પાછળથી ખબર પડેલી કે, એને મારી તરફ આકર્ષણ હતું, જેનાં કારણે જ એ મારી ગતિવિધિઓને નોટિસ કરતી રહેતી. એક દિવસ રાત્રે મારા પર કોઈ અનનોન નંબર પરથી વ્હોટ્સ એપ આવ્યો. મેસેજમાં હાઈ લખ્યું હતું એટલે મેં પણ હશે કોઈ મારો જૂનો દોસ્ત એમ સમજીને સામે હાઈ લખી મોક્લ્યું. સામે વળી એણે પૂછ્યું કે, 'જમી લીધું?' એટલે પછી મેં પૂછ્યું કે, 'ભાઈ તમે છો કોણ? આમ ઓળખાણ વિના જ હું મારી દિનચર્યાનો હિસાબ શું કામ આપું?' એટલે એણે મને જણાવ્યું કે, એ અનનોન નંબર એનો એટલે કે, નયનીનો છે.
એણે એવું લખ્યું એટલે મારા પેટમાં ફાડ પડી કારણ કે, એક તો મને નયનીનો ભય હતો. તો બીજું કારણ એ હતું કે, મને છોકરીઓ સાથે વાત કરવાનો અનુભવ ઓછો હતો, તો એની સાથે વાત પણ શું કરું? અને બીજું એ કે, હું એને અવોઈડ પણ કરી શકું એમ ન હતું. એટલે પછી મેં એની સાથેની ચેટ ચાલું કરી. જોકે ચેટિંગ દરમિયાન એની વાતચીતને કારણે હું થોડો કમ્ફર્ટ હતો. તમે પણ એ વાંચીને દંગ રહી જશો કે પહેલા દિવસની ચેટિંગમાં મારા જણાવ્યા પહેલા જ એણે મને જણાવ્યું કે, હું એને ગમું છું એટલે એણે કંપનીના એચઆર પાસે મારો મોબાઈલ નંબર માગીને મને મેસેજ કર્યો. મને એની આ સ્પષ્ટતા અને નિખાલસતા ખૂબ ગમી. એ રાત્રે મેં ભારે મનોમંથન અનુભવ્યું કે, આમ કોઈ અચાનક તમને મેસેજ કરે અને એ તમને કહી દે કે, એને તમારા પ્રત્યે લાગણી છે અને સામેની તરફ તમને એના પ્રત્યે કોઈ લાગણી જ નહીં હોય તો તમે શું કરો?
બીજા દિવસે સવારે હું ઓફિસ પહોંચ્યો ત્યારે નયની એની ડેસ્ક પર જ બેઠી હતી. સામાન્ય રીતે અમે આમને-સામને થઈએ ત્યારે અમે માત્ર એકબીજાને સ્માઈલ આપીએ. પરંતુ એ દિવસે મેં એને સામેથી હાઈ કહ્યું તો એ પણ ખુશ થઈ ગઈ. બપોરે એણે મને એના ગ્રુપમાં લન્ચ માટે બોલાવ્યો. ના પાડીએ તો સારું નહીં લાગે એવું વિચારીને ગભરાતો ગભરાતો હું ત્યાં પહોંચ્યો. એના કરતા મને એના મિત્રોનો વધુ ડર હતો કારણ કે, રોજ એમની સાથે નહીં જનારો હું જ્યારે અચાનક ત્યાં પહોંચી જાઉં તો એમને સ્વાભાવિક જ એમને પ્રશ્ન થવાનો.
પછી તો ધીમે ધીમે અમારું ચેટિંગ વધતું ગયું. હું આટલો બધો શરમાળ અને ગભરુ કેમ છું એ બાબતે એ મને ઘણા સવાલો પૂછતી. હું એને કહેતો કે, હું નાનપણથી જ એવો છું. કદાચ મારા માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવાને કારણે પણ આવું હોઈ શકે. પણ એ મને સતત કહેતી રહેતી કે, 'તું આટલો બધો સ્માર્ટ દેખાય છે તો તારે સ્વભાવમાં પણ સ્માર્ટનેસ લાવવી પડશે. તું થોડો બોલકો થાય કે, લોકોમાં હળેભળે તો તને જ એનો ફાયદો થશે.' જોકે હું એને 'હમમ... હમમ' કહીને રિપ્લે આપતો. પછી તો એ મને એની મંડળીની મિટિંગ્સ વખતે પણ બોલાવતી અને અમસ્તી જ મને કોઈ વાતમાં ઈન્વોલ્વ કરતી રહેતી. પરિસ્થિતિનું ધ્યાન રાખીને હું પણ એ બધામાં ઈન્વોલ્વ થતો રહેતો. આ બધાને કારણે મારી જાણ બહાર હું ખીલતો ગયો અને ધીમે ધીમે મારી અંદર રહેલું પબ્લિક ફીઅર ઓછું થતું ગયું. મને આ બધું ગમતું હતું અને સાથે મને નયની સાથેની ચેટિંગ અને એની કંપની પણ ગમતી હતી.
એણે તો મને પહેલા જ કીધું હતું કે, એ મને પસંદ કરે છે એટલે એણે મારો સંપર્ક કર્યો હતો. પરંતુ ધીમે ધીમે હું પણ એની લાગણીઓના પૂરમાં તણાતો ગયો. એ મને ગમવા માંડી હતી અને વાતવાતમાં મેં પણ એને જણાવી દીધું હતું કે, હું એને પસંદ કરું છું. જોકે ટિપિકલ લવ સ્ટોરીમાં બને છે એમ અમારી વચ્ચે પ્રપોઝ કરવાની ફોર્માલિટી ન હતી. ઓફિસમાં રહ્યે રહ્યે અમે છએક મહિના સુધી પ્રેમ કર્યો ત્યાં એને એક બીજી જગ્યાએથી સારી ઑફર આવતા એણે ઓફિસમાં રિઝાઈન આપ્યું. જોકે એનાથી અમારી લવ સ્ટોરીને કોઈ અસર થાય એમ નહોતું. હવે તો અમારી લવ સ્ટોરીને લગભગ એક વર્ષ જેટલું થઈ ગયું. અને આ એક વર્ષના ગાળામાં હું જડમૂળમાંથી બદલાઈ ગયો. બરાબર એક વર્ષ પહેલા હું અમસ્તો જ લોકોથી ગભરાતો રહેતો અને આજે હું સેંકડોના ટોળામાં ઊભો રહીને વકત્વ આપી શકું છું.
એટલે જ આગળ કહ્યું એમ તમે કોઈને ચાહો એ સામાન્ય વાત છે. પરંતુ કોઈ તમને ચાહે એ અતિસામાન્ય વાત છે. હું નસીબદાર છું કે, મને કોઈ ચાહનાર મળ્યું છે, જેણે મારામાં વિશ્વાસ દાખવીને મારો આત્મવિશ્વાસ વધાર્યો છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર