એસા યે પ્યાર…

26 Feb, 2017
12:00 AM

PC: hvac2000.com

પ્રેમ નામનું તત્ત્વ એક બીજ જેવું હોય છે. દિલની જમીન પર એ બીજ ક્યારે વેરાય, ક્યારે એમાં કૂંપળ ફૂટે અને ક્યારે એ મહોરી ઊઠે એ વિશે કંઈ જ નહીં કહી શકાય. હજુ એક વર્ષ પહેલાની વાત કરું તો પ્રેમ જેવી કોઈ બાબત સાથે મારે કોઈ નિસ્બત નહોતી. કૉલેજ જેવી કૉલેજ પાંચ વર્ષ સુધી કરી પણ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ન તો ક્યારેય મને પ્રેમ થયો કે નહીં કોઈના તરફ આકર્ષણ થયું. 

જોકે સાવ એવુંય નહીં કે, મારે પ્રેમ નહોતો જ કરવો, પરંતુ એક વાતે હું ઘણી સ્પષ્ટ હતી કે, જે માત્ર રૂપ કે શારીરિક આકર્ષણ અનુભવીને મારે ક્યારેય પ્રેમ નથી કરવો. ક્યારેક કોઈકની સાથે હોઈએ ત્યારે કંઈક અસામાન્ય જેવું અનુભવાય અને કોઈકના પાસે હોવાથી અમસ્તા જ આનંદ થયા કરે તો છો દિલ એનું ધારેલું કરતું, બાકી પરોણી ભોંકીને કંઈ પ્રેમ નથી કરવો…!

આ જ કારણને કારણે કૉલેજના પાંચ વર્ષોમાં અનેક મિત્રોથી ઘેરાયેલી હોવા છતાં અને સતત કૉલેજના છોકરાઓ સાથે ફરતી હોવા છતાં કોઈના તરફ આકર્ષણ નહીં થયું અને પ્રેમ કર્યા વિના આપણે ભણીગણીને નોકરીએ વળગી ગયા. પણ નોકરી શરૂ થઈ કે થઈ મારા જીવનમાં એક અણધાર્યો વળાંક આવ્યો અને એ વળાંક એટલે મને પ્રેમ થઈ ગયો!

હવે આપણે મારા પ્રેમ વિશેની વાતો જાણીએ અને જાણીએ કે મને ચોક્કસ કયા પ્રકારની લાગણી થયેલી…. વિશેષ એનું નામ અને એ વિશેષે જ મારા જીવનમાં વિશેષ સ્થાન ગ્રહણ કર્યું. આમ તો એ મારો સિનિયર કહેવાય. કારણ કે, મારાથી બેએક વર્ષ પહેલા એ નોકરીએ વળગેલો, પણ બે-ત્રણ પ્રોજેક્ટ્સમાં મારે એની સાથે કામ કરવાનું આવ્યું અને એ દરમિયાન વિશેષના સ્વભાવ અને એની સારપના મને અનેક પરિચય થયા.

એક રીતે જોવા જઈએ તો સ્વભાવની બાબતે હું અને વિશેષ સાવ વિરુદ્ધ છેડાના. હું એકદમ શોર્ટ ટેમ્પર્ડ અને નાની નાની વાતોએ ચિંતા કરનારી. તો વિશેષ દરેક બાબતને ખૂબ શાંતિથી હેન્ડલ કરે. હું લોકો સાથે જાતજાતની વાતો શેર કરતી રહું અને સતત બોલબોલ કરતી રહું. તો વિશેષ જરૂરિયાત પૂરતા શબ્દોમાં પણ કરકસર કરીને જોખીતોલીને બોલે. આ કારણે એની પ્રકૃતિ અત્યંત સૌમ્ય લાગે અને સૌથી વધુ મને જે આકર્ષેલું એ એની સૌમ્યતા જ! કારણ કે કામના ભલભલા દબાણ વચ્ચે એ તો જાણે હિમાલયમાં બેઠો હોય એમ શાંતિથી બધુ કામ હેન્ડલ કરતો હોય અને એની એ શાંતિ જ મને ભવ્ય લાગે.

વળી, એના ગૌરવર્ણા ચહેરા પર આંતરિક શાંતિ અને સૌમ્યતા પથરાયેલી હોય ત્યારે એ ભગવાન શિવ જેવો આકર્ષક લાગે. એમાં વળી એના ગાલે ખંજનો સોહતા હોય એટલે એની ભવ્યતા ઔર ખીલી ઊઠે. એની સાથે પ્રોજેક્ટ્સમાં કામ કરીએ ત્યારે સૌથી મજાની બાબત તો એ કે તે આપણા ભાગે કોઇ જવાબદારી નહીં આવવા દે અને આપણું ખૂબ ધ્યાન રાખે. વચ્ચે વચ્ચે એ કહેતો પણ રહે કે, ‘ચિંતા નહીં કરતી હા…. કંઈ પણ તકલીફ જેવું લાગે તો મને કહેજે હા… ખોટું પ્રેશર નહીં લેતી હા…’

સાથેના માણસની કાળજી લેવાની એની આ ઢબ પણ મને ખૂબ ગમતી. આ કારણે ધીરેધીરે હું જાણે વિશેષ તરફ આકર્ષાઈ રહી હતી. આગળ કહ્યું એમ કોઈકની હાજરી માત્રથી આપણને આનંદ થયા કરતો હોય અને કશુંક અસામાન્ય અનુભવાતું હોય તો છો દિલ એનું ધારેલું કરતું…! અને થયું પણ એવું જ. કારણ કે, વિશેષના હોવાપણાથી તો મને આનંદ થતો જ પરંતુ વિશેષ ન હોય ત્યારે પણ મન સતત એની સોબત ઝંખતું હતું.

અચાનક મારામાં આવેલા આ પરિવર્તનને કારણે હું એક વાત તો ચોક્કસપણે સમજી ચૂકી હતી કે, મને જે લાગણી થઈ રહી છે એ માત્ર ને માત્ર પ્રેમ છે! એટલે મેં નક્કી કર્યું કે, મારે વિશેષ સાથે આ બાબતની ચર્ચા કરવી જ રહી. જોકે ડર એ વાતનો હતો કે ઉંમરમાં ત્રણ વર્ષ મોટા અને ઓફિસમાં બે વર્ષ સિનિયર પુરુષને હું એ વાત કહી રીતે કહું કે, મને માત્ર તમારા માટે થોડી લાગણી જ નહીં, પરંતુ હું તમને પ્રેમ પણ કરું છું…

આ માટે મેં અનેક આઈડિયાઝ વિચારી પણ જોયા, પરંતુ દરેક વખતે એક જ અવઢવ મને કોરી ખાતી કે, વિશેષને જો આ વાત પસંદ નહીં પડી અને એણે માઠું લગાડ્યું તો? અથવા વાતનું વાતેસર કર્યું તો? આ કારણે મને રિયલાઈઝ થયું, પછીના દસેક દિવસ તો મેં વિચારો કરવામાં જ કાઢી નાંખ્યા. આખરે એક દિવસે મને વિચાર આવ્યો કે, વિશેષ એક અત્યંત શાંત પ્રકૃતિનો માણસ છે એટલે એ ગુસ્સે તો નહીં જ થાય. વળી, એ વાતનું વાતેસર પણ કરે એમાંનો નહોતો. એટલે વિચાર કર્યો કે, હું એને રૂબરૂ જ કહી દઉં કે, હું તારા પ્રેમમાં છું… જોકે રૂબરૂ કહેવાનું નક્કી કર્યું હોવા છતાં હું એને કહી શકી નહોતી.

આખરે એક રાત્રે લગભગ અગિયારેક વાગ્યે હું સૂતાસૂતા વ્હોટ્સ એપ ચેક કરતી હતી ત્યારે મને વિશેષ ઓનલાઈન દેખાયો. કોણ જાણે મને શું શૂરાતન ભરાયું અને મેં એને મેસેજ કર્યો,

‘હેય…’

‘અરે હાય… તું જાગે છે હજી’

‘યસ… તમને ઉંઘ નથી આવતી?’

‘ઉંઘ તો આવે છે, પરંતુ કાલના પ્રેઝન્ટેશન માટેનું થોડું હોમવર્ક બાકી છે…’

‘ઓહહ… અચ્છા…’

‘તું જાગે છે હજુ?’ એણે લખ્યું.

‘હા…’

‘કેમ?’ એણે પૂછ્યું.

‘તમે મારી ઉંઘ ઉડાડી મૂકી છે. પછી મને ઉંઘ ક્યાંથી આવે?’

‘શું? મેં તારી ઉંઘ ઉડાવી મૂકી એમ? કેમ એવું? મને કંઈ સમજાતુ નથી.’

‘એક વાત કહું?’ મેં ગભરાતા ગભરાતા લખ્યું.

‘યસ બોલ…’

‘તમે પ્રોમીસ આપો કે તમે કોઈને કહેશો નહીં અને આ વાત આપણી વચ્ચે જ રહેશે…’ મેં વિશેષ પાસે વાયદો લીધો.

‘હા ઓકે. કોઈને નહીં કહુ બસ. શું હતું એ કહે…’

‘વિશેષ, હું તમને પ્રેમ કરું છું… તમારો સ્વભાવ અને તમારું શિસ્ત મને ખૂબ જ આકર્ષે છે. મને ખબર છે કે, હું તમારી જુનિયર છું અને તમારી પર્સનલ લાઈફમાં દખલઅંદાજી કરવાનો મને અધિકાર નથી, પરંતુ આ બાબતને લઈને હું છેલ્લા ઘણા સમયથી ગૂંગળાઈ રહી છું. પણ આજે આ બાબત તમારી સાથે શેર કરીને હું મુક્ત થાઉં છું…’

‘તને ખરેખર એવું લાગે છે કે તું મારા પ્રેમમાં છે?’ વિશેષે પૂછ્યું.

‘હા… છેલ્લા અનેક દિવસોથી હું આ લાગણી અનુભવી રહી છું, પરંતુ તમને કહેવાની હિંમત નહોતી ચાલતી, પણ આખરે આજે મેં તમને આ કહ્યું.’

જોકે સામે છેડેથી કોઈ ઉત્તર નહીં આવ્યો અને દસેક મિનિટ પછી વિશેષનો જ મારા પર ફોન આવ્યો અને અમારી વચ્ચે આ બાબતને લઈને ઘણી વાતો થઈ. એ દરમિયાન એણે એમ કહ્યું કે, એને આ માટે વિચારવા થોડો સમય જોઈએ છે. મારે એની લાગણી માન તો આપવું જ પડે એટલે મેં એને માન આપ્યું અને વિશેષને વિચારવાની તક આપી.

આ દરમિયાન અમારી ચેટિંગ વધી ગઈ અને ઓફિસ અવર્સમાં પણ અમે એકબીજાની ખૂબ ક્લોઝ આવ્યા, જે દરમિયાન મને તો એની આદત પડી જ ગઈ, પરંતુ એ પણ મારા પ્રેમમાં પડી ગયો. આખરે થયું એ જ જે સામાન્ય રીતે થતું હોય છે. અમે બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા અને અમારા બંને માટે એકબીજા વિના જીવવું મુશ્કેલ બની ગયું. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.