અનોખા રંગો, અનોખા અહેસાસ

08 Jan, 2017
12:00 AM

PC: anhdep.pro

આવતા વર્ષે મારા લગ્ન અંજલી સાથે થશે. આ વાતથી જ અમે બંને ખુબ ખુશ છીએ. આમ તો નાનપણથી હું અભ્યાસમાં વધુ ધ્યાન આપતો કારણ કે મારું બધું ધ્યાન મારી કરિયર પર હતું. એટલે જ કદાચ મારા અભ્યાસકાળ દરમિયાન કોઈ છોકરીને મારી ફ્રેન્ડ બનાવી નહોતી...

અભ્યાસ પૂર્ણ થતાં સુધીમાં અમારું એક ગ્રુપ બની ગયું હતું. દરેકને જીવનમાં કંઈક અલગ કરવું હતું. અમારા ગ્રુપમાં ત્રણ છોકરી અને ચાર છોકરાં હતાં. અમારા ગ્રુપમાં બધા જ ગુજરાતી હતા. અમે બધા જ ગ્રુપ બનાવીને મોટા શહેરોમાં અથવા વિદેશમાં જૉબની શોધ કરતા હતા. એવા સમયે દિલ્હીની એક કંપનીએ અમારા ગ્રુપમાંથી 4 વ્યક્તિને જૉબ માટે પસંદ કર્યા. તે ચારેય મિત્રોએ દિલ્હીમાં એક રૂમ ભાડે રાખીને જૉબ શરૂ કરી. સેલરી સારી હોવાથી અમને દરેકને આ પ્રકારની જૉબમાં વધુ ઈન્ટ્રેસ હતો.. ત્યારબાદ એ ચારેય મિત્રોએ અમને પણ હેલ્પ કરી અને અમે બધાં જ દિલ્હી પહોંચી ગયા અને બધા જ જૉબ પર લાગી ગયા...

કૌટુંબિક જવાબદારીના કારણે બે મિત્રો ગુજરાત પાછા આવી ગયા હતા.. ત્યારબાદ અમે પાંચ મિત્રોએ દિલ્હીમાં જૉબ ચાલુ રાખી. સંજોગોવસાત અંજલીની જૉબ પણ મારી કંપનીમાં જ હતી.. હું અને અંજલી જૉબ ઉપર સાથે આવતા-જતા... અને એક જ ફ્લેટમાં ગ્રુપમાં રહેવાનું હોવાના કારણે અમારી વચ્ચેની મિત્રતા ગાઢ બનતી જતી હતી. અમે રૂમમાં બધા જ કામના વારા બાંધ્યા હતા. ઘણીવાર અંજલી મારા બદલે જમવાનું તૈયાર કરતી. તો ક્યારેક હું એનાં બદલે કપડાં પણ ધોઈ લેતો. બધું કામ અમારે જાતે કરવાનું રહેતું... અમે જૉબ ઉપર સાથે જ આવતા-જતા હતા... આ રીતે રહેવાને કારણે મારા હૃદયમાં અંજલી પ્રત્યે ખાસ પ્રકારની લાગણી ઉત્પન્ન થઈ હતી. એનો સ્વભાવ પણ એટલો સરળ કે તમે કંઈ પણ કહો એટલે એ 'હા' જ પાડે... ભાગ્યે જ કોઈક વાતે એની 'ના' હોય...

ઘણી વાર તો હું કહું કે, આજે પીત્ઝા ખાઈએ તો કહે કે, હા... ફરી હું કહું કે આજે મોમોઝ ખાઈએ તો કહે કે હા... બધી જ પરિસ્થિતીમાં અડજસ્ટ થઈ જાય એ પ્રકારનો એનો સ્વભાવ... એની આ વાત મને ખૂબ જ ગમતી હતી.. મને એની સાથે ફાવતું પણ બહું... એ મને ગમતી હતી... મારા હૃદયમાં એણે ક્યારે સ્થાન લઈ લીધું એનો તો મને ખ્યાલ પણ રહ્યો નહીં... પણ હું અંજલી પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરતો નહોતો.

એકવાર બન્યું એવું કે, મને રાત્રે ખૂબ તાવ આવ્યો અને બીજા દિવસે હું જૉબ ઉપર જઈ શક્યો નહીં. બીજા બધા મિત્રો પણ પોતપોતાની જૉબ ઉપર ચાલ્યા ગયા. પણ અંજલીએ એ દિવસે રજા લઈ લીધી અને આખો દિવસ એ મારી સાથે રહી અને એણે મારી ખૂબ સંભાળ રાખી. એ દિવસે તો મને જેટલો તાવ હતો એનાથી વધુ તો મને અંજલી પ્રત્યે પ્રેમ ઊભરાતો હતો.

એ દિવસે મેં ફક્ત એને એટલું જ કહ્યું હતું કે, 'તું મને ગમે છે...'

અને જાણે અંજલી મારા બોલવાની રાહ જોઈને બેઠી હોય તેમ તેણે તરત જ કહી દીધું, 'અક્ષય, તું પણ મને ગમે છે... આઈ લવ યુ...'

અને તે ક્ષણથી અમારા અંગત પ્રેમ સંબંધો શરૂ થયેલા. અમે એકબીજાને પસંદ કરતા હતા... પ્રેમ કરતા હતા... પ્રેમ વ્યક્ત કર્યા પછી તો અમે બંને એક અલગ જ દુનિયામાં પહોંચી ગયા હતા... સાથે રહેવાનું, સાથે જૉબ અને એકદમ સ્વતંત્ર જીવન... એકદમ ફિલ્મી સ્ટાઈલ...

સમય પસાર થતો ગયો... યોગ્ય સમય જોઈને અમે અમારા ઘરે વાત કરી.. તેઓએ સહમતી દર્શાવી... અને અમે સાથે રહેતા હોવાના કારણે અમારી સગાઈ પણ કરાવી દીધી છે... અમે અમારા માટે અલગ ફ્લેટ ભાડે રાખ્યો છે... એમાં શિફ્ટ થઈ જ ગયા છે... ફક્ત લગ્ન બાકી છે... આવતા નવેમ્બરમાં અમે લગ્ન કરવા અમારા ઘરે આવીશું અને લગ્ન કરીને ફરી પાછા અમારી દુનિયામાં ચાલ્યા જઈશું.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.