અનેરી મૈત્રી, અનોખો પ્રેમ
આજે ફ્રેન્ડશિપ ડે છે, પણ સાથે જ આજે રવિવાર છે. એટલે 'khabarchhe.com' પર 'તારી મારી લવ સ્ટોરી' પણ પ્રકાશિત થાય છે. અને એ તકનો મારે લાભ લઈ લેવો હતો. તકનો લાભ એટલે લેવો હતો કે, મારે જેના વિશે લખવું છે એ વર્ષો સુધી મારો ફ્રેન્ડ પણ રહ્યો અને પછી એ જ મારો પ્રેમ પણ બન્યો એટલે એના વિશે લખવા માટે આજનાથી સારો દિવસ બીજો કોઈ હોઈ ન શકે. હું અને કૃતાર્થ પહેલા ધોરણથી એક જ ક્લાસમાં ભણતા. અમારી સ્કૂલમાં છોકરા-છોકરીઓ એક જ ક્લાસમાં ભણતા હોય એટલે અન્ય સરકારી સ્કૂલોમાં જે માહોલ હોય એવો માહોલ અમારી સ્કૂલમાં જરાય નહીં. મને યાદ છે કે, એક (બ)થી દસ (બ) સુધી અમારે (બ) વર્ગખંડમાં જ ભણવું પડેલું અને એ તમામ વર્ષો કૃતાર્થ પણ મારા ક્લાસમાં રહેલો.
નાના હતા એટલે આમેય છોકરા-છોકરી વચ્ચે કોઇ ભેદ નહીં એટલે રિસેસમાં અમે સાત-આઠ છોકરા છોકરીઓ સાથે જ જમવા બેસતા, જેમાં કૃતાર્થ પણ હોય. ખાધા પછી અમે બધા ક્યાંક રમવા જઈએ અથવા ક્લાસમાં જ બેસીને ગપ્પાં મારીએ અને ત્યારથી અમારા પાંચ-છ જણની દોસ્તી એટલી ગાઢી થઈ ગયેલી કે, આજે પણ અમને એકબીજા વિના ચાલતું નથી. પાંચમાં-છઠ્ઠા ધોરણ સુધી કદાચ એમ કહી શકાય કે અમારી વચ્ચે થોડું અંતર હતું, પરંતુ ત્યાર પછી અમે મિત્રો માત્ર સ્કૂલમાં જ નહીં, પરંતુ ઘર અને ટ્યૂશન પર પણ ભેગા રહેવા માંડ્યા. દર વર્ષે અમારા ટ્યુશન બદલાતા રહેતા, પરંતુ એક વાત નક્કી કે અમે જ્યાં ટ્યુશન જતાં એ જગ્યાએ અમે છ જણા સાથે જ હોઈએ! અમારા ઘરો પણ એકબીજાથી ખૂબ નજીક હતા એટલા સાંજના સમયે કોઇના પણ ઘરે અમે રમતા. અને પરીક્ષાઓની તૈયારીઓ તો સ્વાભાવિક રીતે જ સાથે થતી. દસમાં ધોરણ સુધી અમે એક જ સ્કૂલે રહ્યા અને પછી અગિયાર-બાર ધોરણ માટે સ્કૂલ ચેન્જ કરી હતી, જ્યાં પણ અમે છ સાથે જ રહ્યા હતા.
આ બધા તમામ વર્ષો દરમિયાન અમારા છ મિત્રો વચ્ચે લડાઈ-ઝગડા પણ થતાં રહ્યા, ક્યારેક અબોલા પણ લેવા પડ્યા તો ક્યારેક કોઇને સરપ્રાઈઝ આપવા અમે રાત-દિવસ ખૂબ મહેનત કરતા. આ બધામાં મને અંગત રીતે કૃતાર્થ સાથે ખૂબ બનતું, એટલે બીજા કોઇ સાથે હોય કે ન હોય ત્યારે પણ અમે બંને એકબીજાને ઘરે હોઈએ અથવા એકબીજા સાથે વાતો કરતા રહીએ. જોકે અમારી વાતો કોઇ પણ મિત્રો વચ્ચે થતી હોય એવી નોર્મલ જ રહેતી, પરંતુ કોણ જાણે કેમ અમને બંનેને એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું ખૂબ ગમતું. અમારા બીજા મિત્રો પણ આ બાબતે અમને ખૂબ ચીઢવતા કે, તમને બંનેને ખૂબ બને છે એટલે દાળમાં કંઈક કાળું છે. જોકે અમારી વચ્ચે એવું કશુંક હતું જ નહીં.
અમારા શોખ એકસરખા હતા અને અમને સ્પોર્ટ્સ પણ એક સરખી ગમતી. વળી, અમને બંનેને પ્રાણીઓ પ્રત્યે પણ ખૂબ પ્રેમ એટલે એ બધા કારણોને લીધે અમે એકબીજા સાથે વધુ ટાઈમ સ્પેન્ડ કરતા. જોકે અમારી એ ગાઢી દોસ્તીને કારણે અમારા મમ્મી-પપ્પા પણ એવું સમજવા માંડેલા કે, અમારી વચ્ચે દોસ્તી ઉપરાંત પણ કશુંક છે. એટલે ક્યારેક તો તેઓ જાણી જોઈને અમને સ્પેશ કરી આપતા, જેની અમને ઘણી પાછળથી ખબર પડેલી, પરંતુ એ સમય દરમિયાન અમે માત્ર ને માત્ર અમારી ફ્રેન્ડશિપ એનજોય કરતા હતા. જોકે મિત્રો અને ઘરવાળા દ્વારા ઊભા કરાયેલા માહોલ બાદ અમારા મનમાં પણ ખરેખર એ પ્રશ્ન થયો કે, શું અમે માત્ર દોસ્ત જ છીએ કે એનાથી પણ વધુ? કારણ કે, અમારા ગ્રુપમાં તો અમારા ઉપરાંત પણ ચાર મિત્રો હતા, જેમની સાથેની અમારી દોસ્તી અત્યંત ગાઢી હતી, પણ અમારી વચ્ચેનું સખ્ય કંઈક ગજબ હતું.
જોકે અમારી વચ્ચે માત્ર દોસ્તી જ છે કે, એનાથી પણ વિશેષ કશુંક છે એ જાણવું કઈ રીતે? એટલે અમે નક્કી કર્યું કે, 'આપણે હવે થોડા દિવસો મળવું પણ નથી અને એકબીજા સાથે વાતો પણ નથી કરવી. આપણે જોઈએ કે, એ સમય દરમિયાન આપણને કેવું ફીલ થાય છે અને પછી આપણે નક્કી કરીએ કે, આપણે માત્ર મિત્રો જ છીએ કે એનાથી વધુ કશુંક?'
આ પ્રયોગ હેઠળ અમે એકલા રહેવાનું નક્કી કર્યું. પણ અમે જોયું અમારા માટે એકબીજા માટે એકબીજા સાથે ચેટ કર્યા વિના એક પળ પણ રહી શકાતું નથી કે નથી અમુક કલાકો બાદ એકબીજાને મળ્યા વિના રહી શકાતું નથી. બે દિવસ તો અમે એકબીજા વિના રહ્યા, પરંતુ બે દિવસ બાદ રહેવાયું નહીં અને અમારું મોઢું કોઇએ પાણીમાં ડૂબાડી દીધું હોય અને અમને ઑક્સિજન નહીં મળતો હોય એવું અમને લાગ્યું. બે દિવસ બાદ મેં તરત જ કૃતાર્થને વ્હોટ્સ એપ કર્યો અને વ્હોટ્સ એપમાં સીધુ એમ જ લખ્યું કે, 'તારી મને ખબર નથી, પણ હું તને પ્રેમ કરું છું એ વાત સો ટકા નક્કી છે.' અને તમને આશ્ચર્ય થાય એ રીતે બીજી જ પળે કૃતાર્થનો પણ મેસેજ આવ્યો કે, 'તું ભલે મને માત્ર પ્રેમ કરતી હોય, પરંતુ હું તને અનહદ પ્રેમ કરું છું!'
અને બસ એ જ પળેથી અમે મિત્રોમાંથી પ્રેમી બની ગયા અને અમે અમારી નવી યાત્રા શરૂ કરી. જોકે હજુ સુધી અમે અમારા મિત્રો કે અમારા ઘરના લોકો આગળ આ વાતનો સ્વીકાર કર્યો નથી. કારણ કે, અમારે અમારી લવ લાઈફ એન્જોય કરવી છે. જો ઘરે કે મિત્રોને કહેવા જઈશું તો બધુ નોર્મલ લાગવા માંડશે અને અમે અમારા પ્રેમનો રોમાંચ ખોઈ બેસીશું.
(ભવ્યા પંડ્યા, વડોદરા)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર