શાંત ઝરુખે વાટ નીરખતી

16 Oct, 2016
12:00 AM

PC: youtube.com

ઉપર જે ટાઈટલ અપાયું છે એ ટાઈટલ અમારી લવ-સ્ટોરી બાબતે એકદમ પરફેક્ટ છે. આમ તો મનહર ઉધાસ સાહેબે આ ગઝલને અમરત્વ બક્ષી દીધું છે, પરંતુ મારી લવસ્ટોરી અને અમારા જીવન માટે પણ આ ગઝલ અત્યંત મહત્ત્વની બની રહી છે.  આજે જે મારી પત્ની છે અને ભૂતકાળમાં જે પ્રેમીકા હતી એ સોનલને સાંજ પડ્યે બાલકનીમાં બેસવાની વર્ષો જૂની આદત છે અને એ આદત જ અમારા પ્રેમ અને લગ્નનું કારણ બની છે!

હું અને સોનલ રહેતા એક જ શહેરમાં પરંતુ અમારા ઘર એકબીજાથી ઘણા દૂર હતા. હા, એ વાત સાચી કે, પહેલા હું જ્યાં નોકરી કરતો એ ઓફિસ સોનલના ઘરથી એકદમ નજીક હતી. મારે ઓફિસમાંથી છૂટતા અમસ્તા રાતના નવ વાગી જતા, એટલે સાંજના સાડા-પાંચ, છ વાગ્યે હું મારા કલિગ્સ સાથે નિયમિત એક ટપરી પર ચ્હા પીવા જતો.

સાંજે ચ્હા પીવાની અને ઓફિસની દિવસભરની વાતો કરવાની મજા જ કંઈ ઓર હોય છે. એટલે અમે એ ટપરી પર અડઘો કલાક જેવું બેસતા અને ગામ-ગપાટા માર્યે જતા. છ-સાત મહિના સુધી ત્યાં ગયા બાદ એક વખત મારા ધ્યાનમાં આવ્યું કે, ટપરીની સામેના એપાર્ટમેન્ટમાં થર્ડ ફ્લોરની બાલ્કનીમાં એક છોકરી નિયમિત એક પુસ્તક લઈને બેસે છે. ઘણી વાર તે એનું પુસ્તક વાંચતી હોય અથવા કેટલીક વાર તે પુસ્તક બંધ રાખી રસ્તા પર જતી-આવતી અવરજવરને જોતી રહેતી.

એક વાર મારી એના પર નજર પડી , પછી હું એને નિયમિત ઑબ્ઝર્વ કરતો થયો. અમે ટપરી પર પહોંચીએ એ પહેલાએ ત્યાં આવીને બેસી ગઈ હોય અને કોણ જાણે ક્યાં સુધી એ બેસી રહેતી હશે? મેં મારા કલિગ્સને એ છોકરી બતાવી નહોતી, પરંતુ મને કોણ જાણે કેમ એ ગમવા માંડેલી.  કદાચ એટલે જ હું મારા દોસ્તોને નહોતો કહી રહ્યો!

પછી તો એવું થયું કે, હું માત્ર ને માત્ર એને જોવા ખાતર જ ત્યાં જતો અને જો મારા કલિગ્સ ત્યાં આવવામાં મોડું કરે તો હું એમને જિદ કરીને ત્યાં લઈ જતો, જેથી અમારું ત્યાં પહોંચવામાં મોડું ન થાય અને હું એ છોકરીને જોઈ શકું.

જેમ હું એને જોતો એમ એ પણ નીચે રસ્તા પર અને આસપાસમાં બનતી ઘટનાઓને જોતી તો રહેતી જ, એટલે હું એને તાકી તાકીને જોતો રહેતો એ પણ એના ધ્યાનમાં આવી ગયેલું અને હું એને જોઉં છું એ એને ગમતું પણ હતું, જેને કારણે જ મને ઘણી વખતે એવું લાગતું કે, અમારા ચ્હા પીવાના ટાઈમે એ બાલ્કનીમાં ગમે ત્યાંથી હાજર થઈ જતી.

પછી તો મારા ધ્યાનમાં આવ્યું કે, અમને જો કોઈક વાર આવતા મોડું થઈ જાય તો એ રીતસરની અમારા આવવાની રાહ જોતી. એવામાં જ એક વાર તકનો લાભ લઈને મેં એને સ્માઈલ પાસ કરી. એને સ્માઈલ આપતી વખતે મારા દિલમાં ગભરાટ તો હતો જ કે, જો ક્યાંક એને આ વાત ન ગમી અને એ ભડકી ગઈ અને જો હોહા થઈ ગઈ તો મારું આવી બનશે! લકીલી, એણે એમાંનું કશું ન કર્યું અને સામે મને સ્માઈલ આપી! જેનાથી એટલું તો કનફર્મ થઈ ગયું કે, એ મને લાઈક કરે છે.

જોકે પછી મોકાણ એ થઈ કે, આમ રોજ બાલકનીમાંથી સ્માઈલ કેટલી પાસ કરવી? વાત પણ કરવાની કે નહીં? અને જો પ્રેમ હોય તો પ્રપોઝ પણ કરવાનો કે નહીં? જોકે એ વાતો લાંબી છે એટલે આવતા રવિવારે  એ વિશે વિગતે વાત કરીએ અને અમારી લવસ્ટોરી વિશે વધુ વાત કરીએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.