આશીષની હૂંફ એનો પ્રેમ
આજે ઘણી વાર એ દિવસો યાદ કરું છું ત્યારે ભૂતકાળમાં ખોવાઈ જાઉં છું... આજે તો અમે લવ-મેરેજ કરીને અને ઘર લઈને મહદઅંશે સ્થિર ગયા છીએ... જિંદગી સડસડાટ ચાલી રહી છે... અમારા પ્રેમના પ્રતીક એવી મારી દિકરી રેશ્મા ઘરને અને ખુશનુમા બનાવી રહી છે..
હું જ્યારે નર્સિંગ કોર્સમાં જોડાઈ ત્યારે કુટુંબના ઘણા સભ્યોએ આ વ્યવસાય પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો. પરંતુ મારી ઈચ્છા પ્રમાણે હું નર્સ બની... મારા કોર્સનો સમયગાળો ત્રણ વર્ષનો હતો. પહેલું વર્ષ પૂરું થવા આવ્યું ત્યાં અમારા જ કૉર્સમાં અભ્યાસ કરતા આશિષ સાથે કામ કરવાનું આવ્યું અને અમે સારા મિત્રો બન્યા..
એ મિત્રતા વધતી ગઈ અને હું ક્યારે આશિષના પ્રેમમાં પડી ગઈ તેની મને આજ સુધી ખબર પડી નથી... શરૂઆતમાં હું એની મિત્ર બનીને વાતો કરતી રહી... દિવસો પસાર થતા રહ્યા પણ કઈ રીતે આગળ વધવું તે સમજાતું નહોતું. હું ચોવીસેય કલાક તેના વિચારોમાં ખોવાયેલી રહેવા લાગી. મારી મૂંઝવણ એ હતી કે, આશિષને કઈ રીતે કહેવું? એ મારા વિશે શું વિચારતો હશે? પણ એક દિવસ મારાથી એને કહી જ દેવાયું... તે દિવસે મારે બપોરે 2થી 5 કૉલેજ અને 5થી 8 હૉસ્પિટલમાં પ્રેક્ટિશ કરવાની હતી.. હું અને આશિષ રાત્રે 8.00 વાગ્યે છૂટ્યા પછી અમે કેમ્પસની બહાર નિકળ્યા. અને હું પાર્કિંગમાં ઊભી રહી ગઈ... થોડીથોડી વારે આશિષની સામે જોયા કરતી હતી. આશિષે મને પૂછ્યું કે, સુષ્મા શું વિચારે છે? હું આશિષ સાથે આમ તો ઘણી વાતો કરી લેતી હતી. પણ એ સમયે મારે આશિષ સાથે વાત કરતા પહેલા હિંમત એકઠી કરવી પડી હતી. મેં ધીમા અવાજે આશિષને કહ્યું હતું, આશિષ આઈ લવ યુ.
આશિષને એ સમયે શું બોલવું તે જરાપણ સમજણ પડી નહોતી... તેણે ફક્ત મને એટલું જ કહ્યું કે, સુષ્મા ચાલ બેસી જા... અને હું એની બાઈક પર બેસી ગઈ હતી.... રોજ આશિષ મને અડધા રસ્તે છોડી દેતો હતો... ત્યારે હું રસ્તામાં તેની સાથે ઘણી વાતો કરી લેતી હતી... પણ તે દિવસે મારાથી એની સાથે કોઈ વાત થઈ શકી નહીં... બીજા દિવસથી આશિષમાં એક ચેઈન્જ આવ્યો. તે મારી સાથે પહેલા કરતાં વધુ સારી રીતે રહેવા લાગ્યો... એકદમ અંગત વ્યક્તિ હોય એ રીતેનો વ્યવહાર કરવા લાગ્યો.. એનો આ વ્યવહાર મને ખૂબ ગમ્યો... એના આ વ્યવહારથી જ હું ખૂબ ખુશ હતી.. છતાં એણે મને કોઈ જવાબ આપ્યો નહોતો.
લગભગ એકાદ અઠવાડિયું વીત્યા બાદ ફરી મારાથી રહેવાયું નહીં... અને મેં ઘરે જતી વખતે આશિષને પૂછી નાખ્યું. આશિષ મારા વિશે શું વિચારે છે? આશિષે મને પૂછ્યું, સુષ્મા, મારા તારી સાથેના વ્યવહાર પરથી તને શું લાગે છે? આ પ્રશ્નનો જવાબ હું આપી શકી નહોતી. આશિષે ફક્ત એટલું કહ્યું હતું કે, હું કંઈ કહેતો નથી પણ તું રોજ મારો પ્રેમ અનુભવશે. આ સાંભળતાં જ મારી આંખમાંથી હર્ષના આંસુ નીકળી ગયા હતા...
અમારા લગ્નને ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે. અમે જ્યારે ફરવા જઈએ છીએ અને અમારા બંનેની વચ્ચે રેશ્મા અમારા બંનેની આંગળીઓ પકડીને ચાલતી હોય છે ત્યારે પણ એજ પ્રેમનો અનુભવ કરી રહી છું.. આશિષને મેળવીને હું ખૂબ ખુશ છું...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર