બ્રેકઅપ તો થયું, પણ હવે શું?
ત્રણેક દિવસથી જાણે તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હોય એવું લાગતું હતું. આયનામાં જોયું તો એવું લાગ્યું કે, હું થોડો પાતળો પણ થઈ ગયો છું. દેખીતી રીતે જ મારું વજન ઓછું થયેલું જણાતું હતું. મારા શરીરની આ હાલત વિશે જરા ધ્યાનથી વિચાર્યું તો મને ખ્યાલ આવ્યો કે, પાછલા કેટલાક દિવસોથી મારો ખોરાક ઓછો અને અનિયમિત થઈ ગયો હતો. હવે આ પરિસ્થિતિ થોડી ગંભીર લાગી રહી હતી અને મને મારી જાતની ચિંતા થઈ રહી હતી. જાતની ચિંતા થાય એટલે સ્વાભાવિક જ મને એની યાદ આવે! અમારું બ્રેકઅપ ભલે થયું હોય પરંતુ હું એને મારાથી અલગ તો નહીં જ સમજી શકું ને?
શરીરમાં ખોરાક ઓછો જતો હોય કે, તમારા શરીરમાં અશક્તિ હોય તો એની અસર તમારા મન પર પણ થતી હોય છે. આવા સમયે મનને પણ ઉટપટાંગ હરકતો સૂઝતી હોય છે. એવામાં એક દિવસ બેડમાં તકીયા પર મોઢું મૂકીને કંઈ પણ વિચાર્યા વગર મેં સ્પીડ ડાયલમાં સેવ એનો નંબર ડાયલ કર્યો. એનો અવાજ વ્યવસ્થિત સાંભળી શકાય એ આશાએ મેં ફોન સ્પીકર પર રાખ્યો. જોકે એણે મારો ફોન ન ઉચક્યો એ ન જ ઉચક્યો.
આ વાતને દસેક દિવસ વીતી ગયા. તબિયત તો ડૉક્ટરની દવાઓથી સારી થઈ ગઈ હોય એવું લાગતું હતું, પણ મારી લવ સ્ટોરીનું મને કોઈ પરમેનન્ટ સોલ્યુસન દેખાતું ન હતું. હવે તો હું કોઈ રેમેન્ટીક ફિલ્મ પણ નહોતો જોઈ શકતો. આવી કોઈ ફિલ્મ જોતાં જ મને એની યાદ આવવા લાગતી અને ફરી હું ખૂબ બેચેન થઈ જતો. ટેલિવિઝન પર ચાલતી ફિલ્મોના દૃશ્યોમાં દેખાતી અભિનેત્રીઓના ચહેરાઓમાં પણ મને એની જ પ્રતિકૃતિ દેખાતી. આવું થવાને કારણે ક્યારેક તો હું રડમસ થઈ જતો. હવે તો ધીરે ધીરે આ બધુ સહન કરવાની મારી ક્ષમતા પણ ઘટી રહી હતી. હું બહું પ્રેક્ટિકલ અને મેચ્યોર છું એવું સાબિત કરી કરીને પણ હું થાકી ગયો હતો. મને લાગતું હતું કે, આ બેચેની જરૂર મારી પાસે કોઈક નવાજૂની કરાવશે. અને થયું પણ એવું જ.
એક રાત્રે મને વિચાર આવ્યો કે, હવે તો આ પાર કે પેલે પાર, પણ મારે એને કોઈ પણ ભોગે મળવું જ છે. બીજા દિવસે સવારે ઊઠીને સૌથી પહેલા મેં બેગ પેક કરી અને રિઝર્વેશન વિના જ બેંગ્લુરુ જતી ટ્રેનમાં હું બેસી ગયો. ઘરે બહાનું કાઢ્યું કે, મિત્રો સાથે ફરવા જાઉં છું! સુરતથી બેંગ્લુરુ સુધીની ટ્રેનની સફર થકાવી નાંખનારી હતી. આખી યાત્રા દરમિયાન હું સખત થાકી ગયો હતો. બેંગ્લુરુ નજીક આવતા જ કોઈક બોલ્યું, 'બેંગ્લુરુ ઈઝ નેક્સ્ટ', અને આ શબ્દો મારા કાનમાં પડતા જ મારામાં ગજબની એનર્જી આવી ગઈ. મને એમ લાગ્યું જાણે હું હમણાં જ ઠંડા પાણીનો શૉવર લઈને આવ્યો છું! સફર દરમિયાન થાકને કારણે મારી આંખ પણ અડધી નહોતી ખૂલતી, ત્યાં હવે મારી આંખો દેડકાં જેવી મોટી થઈ ગઈ હતી. મારી બર્થ પરથી ઊઠીને હું ફટાફટ ટ્રેનના દરવાજે ગયો અને દરવાજા પરના બંને તરફના હેન્ડલ પકડીને મેં ફિલ્મી સ્ટાઈલમાં મારું મોઢું બહાર કાઢ્યું! બંને આંખો બંધ કરીને મેં ઊંડો શ્વાસ લીધો, જાણે એ શહેરની હવામાંથી હું મારી ગર્લફ્રેન્ડની ખુશ્બુ મારામાં ભરી રહ્યો હતો! એ શહેરમાં મેં પહેલીવાર પગ મૂક્યો હોવા છતાં એ હવા મને પરિચિત લાગી રહી હતી. બેંગ્લુરુની એ હવા સાથેનું પહેલું આલિંગન પણ મને પરિચિત લાગી રહ્યું હતું. મને એમ લાગતું હતું કે, હું મારી પ્રેયસીના ખોળામાં માથું મૂકીને ઉંઘી ગયો છું! જોકે તમે પ્રેમમાં પડો ત્યારે આવી બધી ફિલ્મી લાગણીઓ આપોઆપ જ તમારામાં ઊભરાતી હોય છે.
જોકે એને મળવાની મને જેટલી એક્સાઈટમેન્ટ હતી એટલો જ મને ડર પણ લાગતો હતો. ત્યારે એણે મારો ફોન ઉચક્યો ન હતો. પરંતુ ત્યાર બાદ મેં પણ એનો કોઈ રીતે સંપર્ક કરવાનો પ્રયત્ન નહોતો કર્યો. મારી સ્માર્ટનેસનો ઉપયોગ કરીને મેં ફેસબુક પરથી એટલી જાણકારી મેળવી લીધી હતી કે, એ બેંગ્લુરુમાં જ રહે છે! બાકી મારી પાસે એના વિશેની કોઈ જ માહિતી નહોતી. અમારા અફેર દરમિયાનની છેલ્લી છેલ્લી વાત પરથી હું એટલું જાણતો હતો કે, એની શિફ્ટ સવારે પાંચ વાગ્યે છૂટતી અને પછી એ કેબમાં બેસીને એના ઘરે જતી.
મારી ટ્રેને મને રાત્રે બાર વાગ્યે બેંગ્લુરુના સ્ટેશને પહોંચાડ્યો. ફોન કરીને મેં કેબવાળાને બોલાવી રાખ્યો હતો. એટલે સાવ લઘરવઘર હાલતમાં કેબમાં બેસીને હું બેંગ્લુરુના ઈલેક્ટ્રોનિક સિટી પહોંચ્યો. કેબમાં બેઠાં બેઠાં ઉંઘ તો ઘણી આવતી હતી પરંતુ મારું દિલ અને મારું મન મને ઉંઘવાની ના પાડતા હતા. એ શહેરમાં મેં કશું જ જોયું ન હતું અને વળી રાતનો સમય હતો એટલે વાતાવરણ ઘણું ડરામણું પણ લાગી રહ્યું હતું. કેબવાળાને મોટી રકમ ચૂકવીને એને મેં મારી સાથે જ રાખ્યો હતો. આશરે દોઢેક વાગ્યે અમે ઈલોક્ટ્રોનિક સિટીમાં પહોંચ્યાં અને ઈન્ફોસિસના ગેટની સામે જઈને ઊભા રહ્યા. ત્રણ ક્લાક પછીનો એલાર્મ મૂકીને હું કેબમાં જ ઉંઘી ગયો. ત્રણ કલાક બાદ સાડાચારે જ્યારે હું ઉઠ્યો ત્યારે એને મળવાને માત્ર અડધો જ કલાક બાકી છે એમ વિચારીને મારા ઉંઘરેટા ચહેરા પર એક સ્મિત રમી ગયું. પીવાના પાણીથી મોઢું ધોઈને સૈનિકની જેમ હાથમાં ચોકલેટ્સ લઈને હું ઈન્ફોસિસના ગેટની સામે તૈનાત થઈ ગયો.
સવારે બરાબર 5:37 વાગ્યે એ મેડમ પોતાના ફોનમાં માથું રાખીને ગેટની બહાર આવ્યા. મોબાઈલમાંથી એની નજર ઉપર ઊઠી ત્યારે સદ્દનસીબે હું જ એને દેખાયો. અમારા બંનેની નજર મળી. મને જોઈને એનું મોઢું ખૂલી ગયું. મને જોઈને એ સીધી મારી તરફ જ આવી. મારી પાસે આવીને એ અટકી એટલે મેં સીધી એને એક જ વાત કહી. 'બ્રેક કરીને પસ્તાવો થાય છે. જેવી રીતે આજે આવ્યો છું એવી જ રીતે બીજી વાર પણ અવીશ અને તને મળતો રહીશ. પણ આ અલગ થવાનો આપણો આઈડિયા ફ્લોપ છે.'
મને જોઈને અને મારી વાત સાંભળીને એણે બીજો કોઈ જ પ્રતિભાવ નહીં આપ્યો. આજુ બાજુ એની ઓફિસના બીજા લોકો ઊભા છે એની પરવા કર્યા વિના એ બસ મને વળગી પડી. મને રડું આવી ગયું. આજુ બાજુના લોકો પણ આ દૃશ્ય જોઈને ભાવુક થઈ ગયા અને સવારે પોણા છ વાગ્યે ઈન્ફોસિસની બહાર તાળીઓનો ગડગડાટ થઈ ગયો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર