તું એને બ્રેકઅપ કહીશ?
આપણે સાવ અચાનક ભટકાયા,
એક-બીજા સાથે કામ કરવાનું આવ્યું,
સાથે કામ કર્યું.
આપણને એકબીજાની કંપની ગમતી,
કામ હોવાને કારણે મોટાભાગનો સમય સાથે વીતાવવાનું બનતું,
ક્યારેક કોઈ અસાઈનમેન્ટને બહાને બીજા કોઈ શહેરમાં ભેગા પ્રવાસે જવાનું બનતું,
ત્યારે કામ અને કામ સિવાયના સમયમાં પણ આપણે સાથે રહેતા.
સતત સાથે રહેવાની મજા આવતી.
ખૂબ જ ઓછા સમયમાં આપણે એકબીજાની ઘણા નજીક આવી ગયા,
એકબીજા વિના રહેવાનું મુશ્કેલ થવા માંડ્યું,
આખો દિવસ ઓફિસમાં સાથે રહેવા છતાં ઘરે પહોંચીને વ્હોટ્સ એપ પર ચેટ કર્યા વિના આપણને નહીં ચાલતું.
ઘરે પહોંચીને તરત આપણી ચેટ શરૂ થતી.
'શું કરે છે?'
'શું નાસ્તો કર્યો?'
'આઈ મિસ યુ.'
'અચ્છા સાંભળ આજે મોમ-ડેડ સાથે ફિલ્મ જોવા જાઉં છું.'
'છી... તું હજુ તારા મોમ-ડેડ સાથે જ ફિલ્મો જુએ છે.'
'હા ભાઈ બહુ સારું. તમને છોકરાઓને અડધી રાત્રે બહાર નીકળવાનું પોસાય. અમને છોકરીઓને નહીં પોષાય. એટલે અમારે તો મોમ-ડેડ સાથે જ જવું પડે છે.'
'તું મારા વિના ફિલ્મ જોવા જઈશ બેબી?'
'ઓહ માય બેબી.... :( પણ શું કરું?'
'ચલ, તમે જે થિયેટરમાં જાઓ છો ત્યાં હું પણ આવીશ. ફિલ્મ અને તને બંનેને સાથે જોઈશ.'
'ના... ના.... ના... પાગલ છે કે શું? મારા ડેડને ગંધ આવી જશે તો આપણું આવી બનશે. એમને ખબર છે કે આપણે સાથે કામ કરીએ છીએ.'
'કંઈ નહીં થાય હવે. તારો બાપ કંઈ FBIમાં નોકરી કરે છે? મારા જેવા તો ત્યાં કેટલાય છોકરાઓ હશે. એમ કંઈ અમસ્તા જ એમને મારા પર વહેમ થશે કે હું એમની લાડકવાયીને લાઈન મારવા આવ્યો છું?'
'યક. તારી લેંગ્વેજ તો જો. અને તું મારા ડેડીને માનથી ક્યારે બોલાવીશ? આમ 'તારો બાપ', 'તારો બાપ' શું કરે છે?'
'અલે અલે... સોલી...'
'મજાક કરે છેને મારી અને મારા ડેડીની?'
'અરે નહીં! હું શું કામ એમની મજાક કરવાનો? આ તો જસ્ટ મારી ભાષા જ તોછડી છે. હું તો મારા પપ્પાને પણ ડોસો કહું ડોસો... બાકી, મને એમના માટે બહુ રિસ્પેક્ટ છે. આફ્ટરઓલ એમના એફર્ટ્સને કારણે જ તો તું મને મળી છે.'
'યુ જસ્ટ શટ અપ.'
'ખીખીખી... આઈ એમ સોરી.'
'વાંધો નહીં. પણ આવી મજાક નહીં કરવાની યાર. હું મારા ડેડુને બહુ પ્રેમ કરું છું.'
'... અને મને?'
'અફકોર્સ તને પણ પ્રેમ કરું છું.'
'પણ પ્રાયોરિટી કોને આપે છે?'
'ચૂપ કર. પ્રેમમાં પ્રાયોરિટી જેવું કશું નથી હોતું.'
'ના, પણ ધારો કે, મારા કે તારા ડેડુ, બેમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની આવે તો તું કોની પસંદગી કરે?'
'શટ અપ યાર... એવી નોબત શું કામ આવવાની? તમે બંને મારા માટે એકસરખુ મહત્ત્વ ધરાવો છો.'
'ઓ.કે. :)'
'બીજું બોલ.'
'I Love u.'
'બસ, જ્યારે પણ પૂછું એટલે I Love u કહી દેવાનું. બીજું કંઈ આવડે કે નહીં?'
'ના. તને પ્રેમ કર્યા પછી મારે બીજું કશું જ નથી શીખવું. તું મળી એટલે બધુ જ આવડી ગયું.'
'વેરી સ્માર્ટ.'
'છું જ ને... તારા જેવો ડમ્બ નથી.'
'અચ્છા સાંભળ, ડેડુ બોલાવે છે. જવું પડશે. કાલે મળીએ. ફિલ્મ દરમિયાન તો મમ્મી-ડેડી પાસે હશે એટલે મેસેજ નહીં થશે. વચ્ચે ચાન્સ મળશે તો મેસેજ કરતી રહીશ. પણ તું વેવલો થઈને મેસેજ પર મેસેજ નહીં કરતો પ્લીઝ.'
'અરે આ તો જો... તારા મનમાં આવે એમ તું કરે એ થોડું ચાલે. હજુ તો ઉંઘવાને ઘણી વાર છે. ત્યાં સુધી હું એકલો શું કરીશ? આ તો અત્યાચાર કહેવાય.'
'કંઈ અત્યાચાર નથી. અને તારા ફ્રેન્ડ્સ ક્યાં ગયા બધા? ચાર-પાંચ કલાક મારી સાથે વાત નહીં કરે તો આભ તૂટી પડવાનું છે તારા પર?'
'અરે પણ મારી વાત તો સાંભળ...'
'ttyl. Bye'
... અને પછી તું આમ જ મને એકલો અટૂલો મૂકીને ચાલી જતી. તારા ડેડી સાથે તું હોય એટલો સમય મારી સાથે વાત નહીં કરતી. જાણે મને ઓળખતી જ નહીં હોય એમ તું મને કોઈ પ્રતિભાવ નહીં આપતી. તારા મેસેજ આવ્યા હશે એમ માનીને હું વારંવાર મારો મોબાઈલ ચેક કરતો રહું.
તારી ભાષામાં કહું તો હું વેવલો થઈ જતો. પછી અચાનક તારો મેસેજ આવતો. હું જાણે ભાનમાં આવી જતો. ચેતનતા આવી જતી મારામાં. તને ખૂબ ચાહવાને કારણે આવું થતું. તું છે જ એવી. તારું સર્જન જ તને ચાહવા માટે થયું છે. તને કોઈ ભરપૂર ચાહે, તારા સૌંદર્ય, તારા પ્રેમ, તારી સારપમાં તરબોળ થાય એના માટે જ તું અવતરી છે.
...પણ એક દિવસ તું ઓફિસ નહીં આવી. સવારથી મારા પર કોઈ મેસેજ પણ નહીં આવ્યો. હું મૂંઝાયો. મને તારી ચિંતા થવા માંડી. તે મને વોર્નિંગ આપેલી કે, તારે મને સામેથી મેસેજ કે કૉલ નહીં કરવો. એટલે વારંવાર મોબાઈલ હાથમાં લઈને મેં મૂકી દીધો. આખરે તારી ભાળ મેળવવી કઈ રીતે? મારા મનમાં જાતજાતના વિચારો રમવા માંડ્યા. તું બિમાર પડી ગઈ હોઈશ? રસ્તામાં તને ક્યાંક એક્સિડન્ટ નહીં થયો હોય.
એ દિવસે લગભગ સવાર સુધી તો આપણે વાતો કરેલી. ત્યાં સુધી તો બધુ બરાબર ચાલતું હતું. તું ઓફિસ નથી આવતી એ વિશે તે કશું જ નહોતું કહ્યું. ઓફિસ નહીં આવવાની એની પહેલેથી જાણ હોય તો તું મને કહ્યા વિના નહીં રહે. તો આમ કેમ થયું? શું થયું હશે?
કામમાં મન ચોંટતું ન હતું. રહી રહીને તારી ખાલી ચેર પર ધ્યાન જતું. દરવાજા તરફ જોયાં કરતો કે કદાચ તું આવી જાય. રહી રહીને મોબાઈલ ચેક કરતો. તારા કોઈ વાવડ નહોતા. નહોતો એક સિંગલ વ્હોટ્સ એપ.
સાંજ પડી, કોઈ જ સમાચાર નહીં. બેચેનીની પણ કોઈ સીમા હોય. સાંજે ઘરે પહોંચીને મેં તને ફોન ટ્રાય કર્યો. મોબાઈલ સ્વિચ્ડ ઑફ હતો. હું વધુ ગભરાયો. આખરે તારા સમાચાર મેળવું કઈ રીતે. એકવાર વિચાર્યું કે તારા ઘરે એક આંટો મારી જાઉં. પણ તારા ડેડીના ડરે હું એમ નહીં કરી શક્યો.
તારી ચિંતામાં ને ચિંતામાં એ દિવસે હું જમી પણ નહીં શક્યો. ભૂખ લાગે તો ને? એ રાત્રે મોડે સુધી તારા મેસેજ કે ફોનની રાહ જોઈ. આખરે રાત્રે અઢી વાગ્યે થાકીને ઉંઘી ગયો. બીજા દિવસે સવારે ઊઠીને જોયું તો તારો લાંબો લચાક મેસેજ હતો.
મેસેજનો હાર્દ એટલો જ કે તારા ડેડીના હાથમાં તારો મોબાઈલ આવી ગયેલો અને એમણે આપણી આખી ચેટ વાંચી લીધેલી. એટલે એમનો પિત્તો ગયેલો. એમાં વળી આપણી કાસ્ટ વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો એટલે તારા ડેડીએ તને નોકરીએ રાજીનામુ આપી દેવાનું કહ્યું, જેથી આપણું મળવાનું બંધ થાય અને આપણું પ્રકરણ આગળ નહીં વધે.
...અને તે ઓફિસમાં મેઈલ કરીને રાજીનામુ પણ આપી દીધું. મહિનાની નોટીસ પણ નહીં આપી! અને રાત્રે મોડેથી લાંબો લચાક મેસેજ કરીને બ્રેક અપનો મેસેજ કર્યો. તે મારી જરાય ચિંતા નહીં કરી. તારા ડેડીને જરા સરખુ સમજાવવાનો પ્રયત્ન સુદ્ધાં નહીં કર્યો. બસ, ડેડીએ કહ્યું એટલે મને તરછોડી દીધો. તે સાબિત કરી દીધું કે, મારા અને તારા ડેડીમાં તે તારા ડેડીને પસંદ કર્યા.
આમ અચાનક 'ના'નો મેસેજ કર્યો એને તું બ્રેકઅપ કહે છે. પણ હું નથી માનતો કે આપણું બ્રેકઅપ થયું હોય. હું તને હજુ પણ પ્રેમ કરું છું. રોજ તારી યાદ આવે છે. તારી સખત યાદ આવે છે. છ મહિના થઈ ગયા હોવા છતાં હજુ તારા વિના રહેવાતું નથી. આને તું બ્રેકઅપ કહે છે? હું વેવલો થઈ ગયો છું વેવલો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર