પચ્ચીસમો છોકરો (બે)
'નીના બેટા, પછી તે છોકરાની ફાઈલ ને ફોટા જોયા કે નહીં? કેમ લાગ્યો છોકરો? તારે લાયક છે નહીં?'
'પપ્પા, મને લાગે છે કે, એક વાર આ છોકરાને મળી લેવું જોઈએ. એમ તો હેન્ડસમ લાગે છે પણ ફોટા કરતાં બહાર લોકો જુદા જ દેખાતા હોય. સેલેરી ને ઘર-બર બધું સારું લાગે છે. ભાઈ કે બહેન પણ કોઈ નથી. વળી ફોરેન સેટલ થવાના પણ ચાન્સ છે, એવું લખ્યું છે. એકવાર મળી લઈએ તો વાંધો નહીં. તમે ફોન કરીને મળવાનું નક્કી કરી લો.'
સુપ્રિયાને વળી આશા બંધાઈ આ વખતે તો બહેનબા જાતે તૈયાર થયાં છે. છોકરો ગમી જાય તો ચાર ધામની જાત્રા પાકી. હે ભગવાન, આ છોકરીને સદ્દબુદ્ધિ આપજો ને આ વખતે એની સામું જોવાની સાથે મારી સામું પણ જોજો, કે મને કાયમની શાંતિ જ થઈ જાય. રાતે સરખું ઉંઘતી થાઉં ને સુખેથી ખાતી-પીતી થાઉં. છેલ્લા કેટલાય વરસોથી મારી તો ઊંઘ જ ઊડી ગઈ છે, ને ખાવા-પીવાનાં પણ ઠેકાણાં નથી.
રવિવારની રજામાં નીનાબેન મમ્મી પપ્પા સાથે છોકરો જોવા ઉપડ્યાં. સુપ્રિયાએ ધારેલો તેના કરતાં પણ છોકરો ઘણો સારો નીકળ્યો. બોલવે-ચાલવે વિવેકી, ખરેખરે હેન્ડસમ અને ઠરેલ પણ દેખાયો. હા, તબિયતે નીનાની સાથે શોભે તેવો જ હતો. શરીર થોડું ભરાવદાર. છોકરાના મા-બાપે છોકરીની પસંદગીનો હક છોકરાને જ આપેલો એટલે એ લોકો તરફથી કોઈ કચકચ કે વાદવિવાદ કે માંગણીનો અણસાર સુદ્ધાં આવ્યો નહીં. ખૂબ શાંતિથી બધી વાતચીત થઈ ને એકબીજાના વિચારોની આપ-લે પણ થઈ. જો વાત ગોઠવાઈ જાય, તો ભવિષ્યના એક સારા પતિ-પત્નીનું જોડું સુપ્રિયાને નજર સામે દેખાવા માંડ્યું. હવે બધો આધાર નીના પર હતો. સુપ્રિયાએ મનમાં ભગવાનના નામનું રટણ શરૂ કરી દીધું. એમ તો કેતનભાઈને પણ થયું કે, છોકરો હીરા જેવો છે ને ઘર પણ સારું છે. મા-બાપ કચકચિયા નથી લાગતાં. અહીં નક્કી થઈ જાય તો વાંધો નહીં. જો કે, નીનાને બધું ગમવું જોઈએ, એની પસંદ પહેલી.
નીનાના મનમાં પણ ઉથલપાથલ શરૂ. ફોટામાં જોયો એના કરતાં પણ સ્માર્ટ છે. મારી સાથેની વાતચીતમાં પણ પોતાની ને પોતાની હોશિયારી નથી ઠોક્યે રાખી, કે નથી મને મૂંઝવી દે એવા કોઈ સવાલ પૂછ્યા. પોતાનાં મા-બાપને પણ ખૂબ પ્રેમ કરે છે ને પોતાની જૉબને પણ એટલું જ મહત્ત્વ આપે છે. આટલાં વરસ કોઈ હીરો પસંદ ન આવ્યો તે આના માટે હશે? શું કરું? હા પાડી દઉં? ના, ના. હજી એકદમ હા નથી પાડવી. ઘરે જઈને ફરી વાર બધી વાત પર વિચાર કરીશ. આ વખતે તો મમ્મી-પપ્પાને પણ પૂછી જોઈશ. એ લોકોને પણ છોકરો ગમ્યો જ લાગ્યો છે.
ઘરે જતાં રસ્તામાં જ, રહેવાયું નહીં એટલે સુપ્રિયાથી પૂછાઈ ગયું. 'કેમ લાગ્યો નીના, મીત ગમ્યો ને તને?'
'હવે તું પણ શું? ઘરે જઈને નિરાંતે વિચારવા દે નીનાને. ઘણી વાર આ બધો બાહરી દેખાડો હોય છે. આપણને ખબર છે ને? પેલા નવીનભાઈની છોકરી સાથે શું થયેલું ખબર છે ને? બે દિવસમાં જ છોકરીને પાછા આવી જવું પડેલું. આખી જિંદગીનો સવાલ છે, એમ ઉતાવળમાં કંઈ નક્કી નથી કરવું. આપણે બહારથી પણ બધી તપાસ કરાવીશું, પછી વાત.' જો કે, પતિની વાતમાં દમ હતો. એટલે સુપ્રિયાએ પણ હામી ભરી, વાત તો સાચી, આજકાલ બહારની ચમકદમકથી અંજાઈને કોઈ ફેંસલો કરવા જેવો નહીં! કેતનભાઈએ બે દિવસમાં મીત અને એના પરિવારની વિગતો જાણીને સંતોષ વ્યક્ત કર્યો. સુપ્રિયાએ મનોમન લગ્નની તૈયારી કરવા માંડી.
એક અઠવાડિયામાં બંને પરિવારે એકબીજાને જવાબ જણાવી દેવાનો હતો. છોકરાની માનો તો બીજે જ દિવસે ફોન આવી ગયેલો, કે એમને છોકરી પસંદ છે. આ શુભ સમાચાર જાણીને સુપ્રિયા વધારે ખુશ હતી. એણે તો લગ્નની તૈયારીઓનું લિસ્ટ પણ બનાવવા માંડેલું, કે ચોથે દિવસે નીનાએ ધડાકો કર્યો. રાતે જમતી વખતે વાત મૂકતાં નીના બોલી. 'પપ્પા, તમને છોકરાની હાઈટ થોડી વધારે નહીં લાગી? મારી સાથે કજોડું તો નહીં લાગે ને? હજી એક વાર ચેક કરી લઈએ નહીં તો પછી મારે એની સાથે લગન નથી કરવા.' સુપ્રિયાના દિલની ધડકન બંધ થવાની તૈયારી થવા માંડી. ખલાસ! આ છોકરી શાંતિથી જીવશે નહીં ને જીવવા પણ નહીં દે. બધું સારું હોય ત્યારે ક્યાંથી કોઈ ખામી શોધવી તે આપણાં નીનાબેનને પૂછવાનું. હવે પિતાશ્રી તો દીકરીની હા માં હા જ કરશે, એટલે પતી ગઈ બધી વાત. થઈ રહ્યાં આ છોકરીનાં લગન.
પણ, સુપ્રિયાના આશ્ચર્ય વચ્ચે કેતનભાઈએ નીના આગળ, દુનિયાના નામી, ફક્ત દેખાવે જ કજોડાં લાગતાં પણ ખૂબ જ સુખી જીવન વિતાવતાં કેટલાય લોકોનું લિસ્ટ ધરી દીધું ને બહુ જ પ્રેમથી એને સમજાવી, 'બેટા, આ છોકરો બધી રીતે સારો છે ને તારે લાયક પણ છે. ફક્ત તારાથી થોડો વધારે લાંબો હોવાથી એ સારો માણસ નથી મટી જવાનો. એનાં ગુણ જો ને એના સંસ્કાર તથા એનો પરિવાર જો. મને ખાતરી છે કે, આ ઘરમાં તું બહુ જ ખુશ રહેશે. હવે વધુ વરણાગી કરવામાં આવા છોકરા પણ બીજે પરણી જશે. તું નાની અમસ્તી વાતની ખામી કાઢીને સારું માગું ઠુકરાવ નહીં. આ લગન સંપૂર્ણપણે તારી મરજીનાં જ હશે પણ થોડી અમારી વાત પણ માનવાનું રાખ.'
પપ્પાની વાતમાં તથ્ય દેખાતાં નીનાબેને હા કહી દીધી. બીજે દિવસે કેતનભાઈએ 'હા'નો ફોન કરી દીધો અને અઠવાડિયામાં નીનાના વિવાહ થઈ ગયા. પણ હવે નીના માટે એક વિઘ્ન આવ્યું ! મીતે એની સામે બહુ જ યોગ્ય અને હળવી શરત મૂકી. 'જો નીના, તને રસોઈ નથી આવડતી કે ઘરકામમાં તને ખાસ રસ નથી, તે તેં મને જણાવેલું, મને એ બાબતનો કોઈ વાંધો નથી. ફક્ત કોઈની સામે તારી મશ્કરી ન થાય કે મુસીબતના સમયે તને ક્યારેય મુંઝાવું ન પડે એટલા ખાતર પણ તું છ જ મહિનામાં ઘર-ગૃહસ્થીમાં હોશિયારી મેળવી લે. એટલું હું ઈચ્છું છું. હજી આપણા લગ્નને વાર છે, તો શું તું એટલું મારા ખાતર ન કરી શકે?'
નીના ઘરમાં રહીને આળસુ બની ગઈ હતી. બાકી સમજદારી તો એનામાંય ભરી પડેલી. છોકરા જોવામાં ને 'ના' પાડવામાં વરણાગી કરવામાં, થોડી સાંભળેલી વાતો ને થોડો પપ્પાનો પ્યાર પણ આડો આવેલો. મીતને મળ્યા પછી તો એના વિચારોમાં પણ થોડા દિવસોમાં જ પરિવર્તન શરૂ થઈ ગયું હતું. સુપ્રિયા તો આ બધું જોઈને મનોમન બે વાર જાત્રા કરવાનું નક્કી કરવા માંડેલી. ખેર, આખરે તો ઘીના ઠામમાં ઘી પડે એમ યોગ્ય મુરતિયો મળતાં રંગેચંગે નીનાનાં લગ્ન થયાં અને સુપ્રિયાબેન કેતનભાઈ સાથે જાત્રા કરવા ઉપડ્યાં.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર