પસંદગીનો પ્રશ્ન
સવાર સવારમાં જ કોયલના ઉપરાઉપરી ટહુકાથી શુભ્રાની આંખ ખૂલી ગઈ. ‘હા ભઈ હા, આવું છું, ઊભી રહે. જરા ઊઠીને કંઈ ચા-પાણી તો કરવા દે. દસ મિનિટમાં આવી.’
શુભ્રાને કોઈ સાથે બબડતાં સાંભળીને સુદીપની આંખ જરાતરા ખૂલી. એણે જોયું તો શુભ્રા બારીમાંથી ડોકું કાઢીને કોઈને શોધતી હોય તેવું લાગ્યું. ‘કોણ આવવાનું છે અત્યારમાં ?’
‘કોઈ નહીં. તું સૂઈ જા. એ તો મારી ફ્રેન્ડ મને બોલાવે છે. જરા મળી આવું.’ મલકીને સુદીપ પડખું ફરીને સૂઈ ગયો ને શુભ્રા કોયલનો પીછો કરતી નીકળી પડી ઘર પાછળની ચીકુવાડીમાં. દરેક ઋતુના જુદા જુદા પક્ષીઓને મળવા જવાનો શુભ્રાનો શોખ એના ઘરમાં–કુટુંબમાં જાણીતો હતો. કોઈને ગમતું તો કોઈ એની મશ્કરી પણ કરતું. શુભ્રાને એની ક્યાં નવાઈ હતી ? એ તો સાસુનો આ બધી બાબતો પર દર્શાવાતો દેખીતો અણગમો પણ માથા પરથી જવા દેતી. આદત જ પડી ગયેલી. કોઈને નુકસાન ન થતું હોય તો પોતાના શોખ પૂરા કરવામાં શો વાંધો ? ને આ બધામાં ક્યાં એકેય પૈસાનો ખર્ચો થાય છે ? તોય ભાનુબહેનને આ બધું ગમતું નહીં ને અવારનવાર બધાંની વચ્ચે શુભ્રાની મશ્કરી કરવાની કે એને ઉતારી પાડવાની એકેય તક ભાનુબહેન ચૂકતાં નહીં.
વાડીમાં પાકેલાં ચીકુ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. એમ પણ ચકલાં, કાગડા, ચામાચિડીયા ને ખિસકોલીઓનો તો વણલખ્યો અધિકાર હતો આખી વાડી પર. એ સૌએ કતરી કતરીને કે પછી ચાખી ચાખીને અર્ધાં ખાધેલાં ને પડેલાં ચીકુઓથી બચીને ચાલતી શુભ્રા કોયલનો પીછો કરતી હતી. કોયલને પણ મજા પડતી હોય એમ એ શુભ્રાને દૂર સુધી લઈ ગઈ ને પછી બંનેએ જુગલબંધી ચાલુ કરી. કૂઉઉઉ...કૂઉઉઉથી વાડીમાં સવારનું અજવાળું થઈ ગયું ને શુભ્રા ઘરે પાછી ફરી. સૌ એની ચાની રાહ જોઈ રહેલાં.
ભાનુબહેને ચા પીતાં કહ્યું, ‘શુભ્રા, આજે ઘરે રહેજે. ચીકુના વેપારીને બોલાવ્યો છે. માણસો લઈને આવશે ને ચીકુ પડાવીને લઈ જશે. ગયે વખતે સવાસો રુપિયે મણ લઈ ગયો હતો. આ વખતે જરા કસીને ભાવ લેજે. બજારમાં તો એ ખાસ્સો પચાસ રુપિયે ડઝનના ભાવે વેચે છે ને આપણને જ ઓછા ભાવ આપતાં એને શરમ નથી આવતી ? જરા કડક અવાજે કહેજે, શું ? મને આવતાં મોડું થશે ને સુદીપ પણ ઘરે નથી તો આજે તારા ભરોસે છે બધું. એની સાથે વાતે નહીં લાગી જતી પાછી. જોઉં તો ખરી, કેવોક સોદો પાર પાડે છે તે.’ વાંકું બોલતી જીભ છેલ્લે પણ સખણી ન જ રહી. શુભ્રા મનમાં હસતી હા એ હા કરતી રહી. સાસુ ઘરમાં ન હોય ત્યારે ઘરે જે કોઈ વેપારી આવે કે શાકવાળી આવે તેની સાથે બે ઘડી વાત કરવામાં ને એમને ચાપાણી કરાવવામાં શુભ્રાને ખુશી મળતી. તેમાંય તાપમાં લાલચોળ, પરસેવે નીતરતા ચહેરે જો દરવાજે કોઈ દેખાયું તો શુભ્રા તરત જ એમને ઠંડું પણી ધરી દેતી. જોકે સાસુના ધાકે એમને ઘરમાં ન બેસાડતી પણ એને થતું કે, આ લોકોને બે ઘડી એસીની ઠંડકમાં બેસાડીને પછી જવા દેવા જોઈએ. બધા જાણીતાં લોકો જ તો છે ને ઘરમાં તો બધા હોય જ છે તોય? હશે. શુભ્રા એના કામે વળગી.
સાંજે પાંચેક વાગ્યે વેપારી ચીકુનો હિસાબ કરવા આવ્યો. ‘બેન, પંદર મણ ચીકુ થયાં છે. સવાસો રુપિયાના હિસાબે પૈસા ગણી લો.’
‘ભાઈ, પહેલાં ચા પી લો. હિસાબ તો થયા કરશે.’
‘ના બેન, પછી મોટાબેન બૂમ મારશે. તમે પહેલાં પૈસા ગણી લો.’
‘ભાઈ, મોટાબહેન તો આ વખતે વધારે ભાવ લેવાનું કહેતાં હતાં. તમે શું આપશો ?’
વેપારીએ મજૂરી ને ટેમ્પોનું ભાડું ને ચીકૂ ન વેચાય તો થતો બગાડ ગણાવીને જેમતેમ કસીને પચીસ રુપિયા વધારી આપ્યા. શુભ્રાએ મનોમન વિચાર્યું, ‘છો બિચારા બે પૈસા કમાતા. આ ભર તાપમાં દોડાદોડી કરવી ને બધી માથાકૂટ કરવી એ આપણું કામ છે? વાડીમાં રોજ કેટલાય ચીકુ પડીને સડી જ જાય છે ને ? કુદરતે બધાંનો ભાગ રાખ્યો જ છે. આપણને આપણા ભાગનું મળી રહે છે તે બહુ થઈ ગયું. આ મહેનત કરવાવાળાને ટટળાવીને પાંચ–પચીસ રુપિયા વધારે મેળવીને કયો મોટો દલ્લો ભેગો થઈ જવાનો છે ?’ એણે બે વાત સાંભળવાની તૈયારી સાથે કોઈ દલીલ વગર પૈસા લઈ લીધા.
ભાનુબહેને ઘરમાં દાખલ થતાં વેંત શુભ્રા પાસે ચીકુનો હિસાબ માગ્યો ને ભાવ સાંભળતાં જ રાબેતા મુજબનો કકળાટ કરી જીવ હલકો કર્યો. સાંજે ફરીથી સુદીપ આગળ શુભ્રાને નીચું બતાવવા ચીકુના હિસાબની વાત દોહરાવાઈ પણ કંકાસ ટાળવા સુદીપે ચુપચાપ વાત સાંભળી જમી લીધું. માનો સ્વભાવ જાણતો સુદીપ સમજદાર પત્ની મેળવીને ખુશ હતો. શુભ્રાને ક્યારેય સમજાવવી નથી પડી. ઉલટાની એજ સામેથી કહેતી, હોય હવે કોઈનો સ્વભાવ એવો. એ જ વાત લઈને બેસી રહેવાનું છે કે બીજાં કોઈ કામ કરવાનાં છે ?’
બીજા દિવસે ફરી ભાનુબહેનને બહાર જવાનું થતાં ફરી એ જ બધી વાતો શુભ્રાને ગોખાવાઈ. હા એ હા કરી શુભ્રાએ સાસુને વિદાય કર્યાં. એ સાંજે ચીકુના વેપારી સાથે, રોજ શાક વેચવા આવતી શકુંતલા પણ આવી. ‘બેન, મને એક મણ ચીકુ આપશો ? આ વેપારીના ભાવે હું તમને પૈસા આપી દઉં. આ ભાઈએ કહ્યું કે, બેનને પૂછી જો એટલે આવી. મને પણ બે પૈસા મળે બેન, જો તમે મને એકાદ મણ આપો તો.’ શુભ્રાને શો વાંધો હોય ? વેપારી લે કે શકુંતલા લે ? એણે શકુંતલાને એક મણ ચીકુ વેપારી પાસે લેવા કહી દીધું ને બધો હિસાબ વેપારી પાસે લઈ, નિરાંતે બેસી સાંજનો સંગીત સંધ્યાનો કાર્યક્રમ જોવા ટીવી ચાલુ કર્યું.
હજી તો માંડ દસેક મિનિટ થઈ હશે ને ભાનુબહેનનો અવાજ સંભળાયો. શુભ્રા ટીવીનો અવાજ ધીમો કરી ભાનુબહેન માટે ચા મૂકવા રસોડામાં ગઈ. દરવાજાની બહાર વાતોનો અવાજ આવી રહ્યો હતો. વાડીનો રખેવાળ ભાનુબહેનને બધો રિપોર્ટ આપી રહેલો જણાયો. કોણ આવેલું ને શું કામ આવેલું તે બધું જાણ્યા બાદ ભાનબહેન ધુંઆપુંઆ થતાં ઘરમાં આવ્યાં. ‘શુભ્રા, આજે વેપારી શું ભાવે ચીકુ લઈ ગયો ?’
‘મમ્મી, મણ ઉપર પચીસ રુપિયા વધારે આપ્યા છે.’
‘તે બહુ મોટો ઉપકાર કર્યો એણે આપણા ઉપર ? મારી ગેરહાજરી શું થઈ કે વાડી લુટાવવા જ બેસી ગઈ તું તો. ને પેલી શકુંતલાને કેટલાં ચીકુ આપ્યાં ?’ ખબર હોવા છતાં વહુને ચકાસવા ભાનુબહેને સવાલ પૂછ્યો.
‘એને પણ વેપારી ભાવે જ આપ્યા.’
‘વેપારી જથ્થાબંધ લઈ જાય ને પેલી છૂટક લઈ ગઈ, તે એટલું ભાન ન પડ્યું કે, પચાસ રુપિયા વધારે કહીએ ? બસ, મારા જતાં જ વાર. કોણ જાણે ક્યારે અક્કલ આવશે ? એમ બધાંને ખવડાવતી ફરશે તો આપણે શું ભીખ માગવાની છે?’ થોડી વાર સુધી કકળાટ કર્યા બાદ ને જાતજાતના હિસાબ ગણાવ્યા બાદ ભાનુબહેન શાંત પડ્યાં, તોય મોંની રેખાઓ તો તંગ જ રહેલી. એ બધી રેખાઓ મૂળ જગ્યાએ પહોંચતાં વાર લગાડતી એટલામાં તો શુભ્રા પરવારીને ઊંઘી પણ જતી. જોકે, શુભ્રાને તે રાતે મોડી ઊંઘ આવી.
મમ્મી પચાસ રુપિયાનું એક સફરજન લાવે, નવી નવી જાતનાં જે ફ્રૂટ્સ આવે તે સૌથી પહેલાં ઘરમાં આવે એટલે સ્વાભાવિક છે કે, ખૂબ મોંઘાં હોય. ઘણી વાર જેટલાં સુંદર દેખાય એટલાં મીઠાં ન પણ નીકળે તો કચરામાં જતાં હોય ને આખા ટોપલા પર ફક્ત પચાસ રુપિયા વધારે લેવામાં ને કોઈ ગરીબને ટટળાવીને પૈસા લેવામાં કયો દલ્લો હાથ લાગી જવાનો હતો તે શુભ્રાને કેમેય સમજાયું નહીં. એની આંખ સામે ઘડીક સાસુના ચહેરા પર, ઝીણી આંખોથી કાન સુધી ખેંચાયેલી તંગ રેખાઓ દેખાતી તો ઘડીક શકુંતલાના ચહેરા પર શોભતી, હસતા હોઠોથી કાન સુધી ખેંચાયેલી ખુશીની રેખાઓ દેખાતી. મનને શાંત કરવા એણે ખુશીની રેખાઓથી પેલી તંગ રેખાઓને ભૂંસી નાંખી ને નિરાંતની ઊંઘ લેવા આંખો મીંચી દીધી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર