સુમુ લગન
‘બેન, આ ટિફિન. રુખમાએ મોકલેલુ છે.’
કેમ કંઈ એકદમ જ, આજે રુખમાએ ટિફિન મોકલ્યું? એના ઘેરે છે કંઈ? કોઈના લગન કે વેવા જેવુ?’
‘એની નાલ્લી પોરીના આજે ચાંલ્લા કઈરા. અમે બધા હો જમ્મા ગયલા પણ તમારાથી બધા ગભરાય ને, એટલે કહ્યલુ નીં. લગભગ હોએક જણને જમાઈડા ઓહે.’
રુખમાએ પ્રેમથી મોકલેલા ટિફિનની અવગણના તો કેમ થાય? તોય, આટલી મોંઘવારીમાં દેવું કરીને એણે સો જણને જમાડ્યાં તે મને ખૂંચ્યું તો ખરું. આ લોકોને કેટલુંય સમજાવીએ, પણ એમના સમાજમાં કે ફળિયામાં કે ગામમાં ખરાબ દેખાયની ભાવના એ લોકોને ખર્ચ કરવા મજબૂર બનાવે. એમાં ને એમાં પચીસથી ત્રીસ હજારનો ખર્ચો અમસ્તોય કરી નાંખે. જો કે, મારાથી રહેવાયું નહીં એટલે બીજા દિવસે મેં રુખમાને પકડી.
‘રુખમા, કેમ આટલો બધો ખર્ચો કર્યો?’
થોડું ઓઝપાતાં એણે ચોખવટ કરીને મને ચૂપ કરી દીધી. ‘બેન, આટલા વરહ કેટલા લોકોનુ ખાધુ, પછી હારુ નીં દેખાય. મોટી પોરી ને જમાઈએ હો મદદ કરી એટલે ચાલી રી’યુ. દેવુ નીં કઈરુ. મેં તો બૅકમાં બો વરહથી, આ પરસંગ હારુ પૈહા ભેગા કરેલા ને.’
‘હવે લગનમાં કેટલો ખર્ચો કરવાની? ને એના પૈહા કાંથી લાવવાની?’ મને બીક પેઠી, કે જે રુખમા ફક્ત ચાંલ્લામાં પચીસ હજાર ખરચી કાઢે, તે લગનમાં લાખેકથી ઓછામાં તો નહીં જ પતાવે.
‘બેન, લગન તો સુમુમાં કરવાના.’
‘સુમુમાં? એટલે કાં? એ વરી કાં આઈવુ?’
‘સુમુ એટલે નીં કે, પેલો એક કાઠિયાવાડી હેઠિયો છે હુરતમાં, બાપ વગરની બધી પોરીઓના સુમુલગન કરાવી આપે.’
‘અચ્છા અચ્છા, સમુહલગન? એમ કે’ નીં તો. ચાલ તે તો બો હારુ, પણ તો હો તમારે કંઈ તો ખર્ચો કરવો પડહે ને? તુ તો પાછી કપડા ને ઘરેણાં હો આપહે ને? તારાથી મને કંઈ કે’વાતુ નીં ઉતુ?’
‘બેન, એવુ બધુ કંઈ નથી. એ હેઠિયો બધો જ ખર્ચો પોતે જ કરે. તણ તોલા હોનુ, બાર જોડી કપડા ને બીજુ બધુ હો લગનમાં જે થતુ ઓ’ય, તે બધુ જ બાપની જેમ જ આપહે. જમણવાર હો એ જ કરે. આપણે તો ખાલી હાથે જવાનું.’
‘તો તો બો હારુ. ચાલો ત્યારે, તને તો મોટી સાંતિ જ થઈ ગઈ.’
સુરતના એ શેઠિયા વિશે તો મેં પણ વાંચેલું ને એમના માટે માન પણ વધેલું, કે સમાજ આવા દાતાઓને કારણે પણ ટકી રહ્યો છે. લગભગ બસો–અઢીસો છોકરીઓના સમુહલગ્ન કરાવવા જેવું ઉત્તમ કામ કરનારે તો, રુખમાને પણ મોટા દેવામાંથી બચાવી લીધી. મને નિરાંત થઈ.
થોડા દિવસ પછી રુખમા નવી વાત લાવી. ‘બેન, સુમુલગનમાંથી તો અમે નામ ક’ળાવી લાઈખુ.’
‘કેમ અચાનક જ હું થઈ ગ્યુ? કોઈ ગરબડ તો નથી થઈ ને?’ મને ધ્રાસ્કો પડ્યો.
‘ના બેન, ચિંતા નો કરો. ગરબડ કઈ નથી થઈ. એ તો મારી વેવણે સુમુલગનમાં લગન કરાવવાની ના પાડી.’
મનમાં મને જે સતાવતું હતું તે જ થયું આખરે. અત્યારથી જ સાસુજીએ પોત પ્રકાશ્યું, એમ ને? બધું સીધે સીધું પતી જાત, ત્યારે આ વેવણ ફાચર મારવાની થઈ ગઈ.
‘સમુહલગન નહીં, હું કહું તેમ.’
‘અમે માગીએ તેટલું આપજો ને વહેવાર પણ અમે કહીએ તેમ કરજો.’ આ જ વાતો આવશે ને? બીજું કહેશે પણ શું?
કોઈ પણ જાત હોય, લોકો જાત પર ગયા વગર ન રહે. પેલો છોકરો કેવો પણ? એનાથી એની માને કંઈ કહેવાયું નહીં હોય? ભલે ને રુખમા ના પાડે, પણ પછીથી બધા પોત પ્રકાશશે ને જાતજાતની માગણીઓ ચાલુ થશે. છોકરો પણ સાવ બાયલો નીકળ્યો. મારું મગજ ફરવા માંડ્યું. કંઈ ન કરી શકવાનું દુ:ખ બહુ પીડા આપનારું બની રહે. ચાલો, જે થાય તે હવે.
તોય એક કોશિશ કરી તો જોઉં. મેં રુખમા પાસે એના જમાઈનો ફોન નંબર માગ્યો.
‘લાવ તારા જમાઈને ફોન કરવા દે. મારે એની હાથે જ વાત કરવી પડહે, કે મફતમાં લગન થઈ જતા ઓ’ય, તો કેમ અમારી રુખમા પાંહે ખોટો ખર્ચો કરાવવાના?’
‘ના ના બેન, એવુ કઈ નીં મલે. ઉલટાનું મારા જમાઈએ ને વેવણે જ કે’યુ, કે લગનનો બધો ખર્ચો અમે કરહું, તમે ખાલી હાથે આવજો. સુમુ લગનમાં બીજી કોઈ જરુરતવારી પોરીને પણવા દેઓ. છો બિચારી કોઈને લાભ મલતો.’ એટલે અમે હો હા પાડી. વાત હો હાચી ને બેન. છો બીજી કોઈ પોરીને બધુ મલતુ.’
હું તો અવાક્! મનોમન શરમથી મારી જાતને ટપારી. હવે મારે ક્યાં બોલવા જેવું કંઈ બાકી જ રહેલું? સુમુલગન કરાવનાર તો મારે મન આદરને પાત્ર જ છે, પણ આજે તો, રુખમાના જમાઈએ ને વેવણે મારું દિલ જીતી લીધું. મેં માથું ઝુકાવ્યું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર