દયા ધરમનું મૂળ છે?

05 Apr, 2017
12:00 AM

કલ્પના દેસાઈ

PC: blogspot.com

બાર વાગવા આવ્યા ને હવે સુહાસિનીની ધીરજ ખૂટી ગઈ. સવારથી ભાભીના ચાર ફોન આવી ગયા હતા, ‘શીનાને લઈને રામજીભાઈ નવ વાગ્યાના નીકળી ગયા છે.સાડા અગિયારે તો પહોંચી જ જશે. ચિંતા નહીં કરો. બસ વહેલી મોડી થાય તો જ, બાકી તો, એ લોકો રાઈટ ટાઈમ પહોંચી જ જશે.’

‘હવે બાર વાગ્યા પણ, કેટલી રાહ જોવાની મારે? સવારથી એ લોકોની રાહ જોવામાં મારાં કામનાંય ઠેકાણાં નથી આજે તો.’ અકળાયેલી સુહાસિનીએ ઉભરો કાઢ્યો. એવામાં બેલ વાગી ને ઉતાવળમાં ‘આવ્યાં લાગે છે’ કહી એણે ફોન મૂક્યો.

દરવાજો ખોલતાં જ, ભાભીને ત્યાંના રામજીભાઈ અને એમની દીકરી શીનાને જોઈને સુહાસિનીના જીવમાં જીવ આવ્યો ને મોં પર ચમક આવી ગઈ. ચા–નાસ્તો કરતાં રામજીભાઈએ બસ મોડી હોવાની ને તે સિવાય કોઈ તકલીફ નથી પડીની વાત ટૂંકમાં પતાવી. સુહાસિનીને હવે કોઈ વાતમાં રસ નહોતો. ભાભીને સંદેશો આપી, એણે રામજીભાઈને શીનાના કામકાજની વાતો સમજાવી દીધી. ‘જુઓ, રામજીભાઈ, અમારે ત્યાં વધારે કામ નથી. વાસણ–કપડાં અને ઝાડૂ–પોતાં માટે અલગ બહેનો આવે જ છે. શીનાએ ફક્ત મારી દીકરીને સાચવવાની છે ને રમાડવાની છે. પગાર માટે તમારે મને કહેવું નહીં પડે અને એના બધા ખર્ચા પણ અમે ઉઠાવશું. દીકરી સમજીને જ રાખીશ, તમે બિલકુલ ફિકર નહીં કરો.’

રામજીભાઈને આનાથી વિશેષ કંઈ જોઈતું પણ નહોતું. ભણવામાં મન ન લાગતાં શીના વરસ એકથી ઘરમાં જ હતી. જ્યારે પોતે કામ પર જાય ત્યારે મા વગરની જુવાન છોકરીને ઘરમાં એકલી મુકીને જતાં રામજીભાઈનો જીવ કોચવાતો. સુહાસિનીને ત્યાં કોઈ છોકરીની જરૂર છે તે જાણતાં જ, એમણે બહેનને વાત કરી જોઈ અને બીજે દિવસે સુહાસિનીને ત્યાં શીના સાથે પહોંચી પણ ગયા. દીકરીને સલામત અને પ્રેમાળ કુટુંબ મળતાં રામજીભાઈએ ભગવાનનો આભાર માની ત્યાંથી વિદાય લીધી.

ચૌદ કે પંદર વર્ષની શીના શાંત અને સુઘડ દેખાતી હતી. સુહાસિનીએ એને નજરથી માપીને સંતોષ વ્યક્ત કર્યો. એને સાથે રાખીને થોડી વારમાં જ રાનુનું બધું કામ સમજાવી દીધું. વાતચીત પરથી તો, સુહાસિનીને શીના ઠરેલ અને સમજદાર પણ લાગી. હાશ! ચાલો એક મોટો ભાર ગયો માથા પરથી. રાનુનાં તોફાન હવે વધતાં જતાં હતાં અને એનાથી બધે પહોંચી નહોતું વળાતું. વળી  મહિલામંડળ અને લાયન્સ ક્લબની ચેરપર્સન હોવાથી પણ ઘરમાં એનાથી ઓછું ધ્યાન અપાતું. રાનુ ત્રણ વર્ષની થઈ ત્યાં સુધી તો એણે એને બરાબર સાચવી, પણ પતિના કહેવાથી જે સંસ્થાઓમાં એ ચેરપર્સન બનેલી, ત્યાં એની જવાબદારીઓ હવે વધી ગઈ હતી. હવે રાનુને સાચવવા કોઈ વ્યવસ્થિત બહેન કે છોકરીની જ ગોઠવણ કરવી પડે અને એમાં ભાભીએ શીનાને મોકલી આપી. હાશ, ભલું થજો ભાભીનું.

બે ચાર દિવસ તો બધું ઠીક ચાલ્યું. શીનાનો સંકોચ તો બીજા દિવસે જ ઓછો થઈ ગયેલો અને નાનકડી રાનુને રમાડવામાં એનું મન પણ લાગી ગયું હોય, એવું સુહાસિનીને સ્પષ્ટ જણાતું હતું. મનોમન ભાભીનો વારંવાર આભાર માનતી રહેતી સુહાસિનીને એના વરે ટપારી પણ ખરી, ‘થોડા દિવસ જવા દે, પછી તારી હેલ્પરને વખાણજે. હજી ચાર દિવસ નથી થયા ને તું એના વખાણ પણ કરતી થઈ ગઈ. જોજે એને બહુ ચગાવી નહીં મારતી. તારે માથે હાથ દેવાનો વારો ન આવે તે જોજે.’

‘હવે તમને તો બસ, બધી વાતે શંકા કરવાની જ ટેવ પડી ગઈ છે. રામજીભાઈ કેટલાં વરસથી ભાભીને ત્યાં છે. એમના સંસ્કાર આ છોકરીમાં તો ઊતર્યાં જ હોય ને? જુઓ ને, આવ્યા પછી છે કોઈ ખટપટ કે માગણી કે રડવા પડવાનું નાટક? ઘરમાં મને મદદ મળી તે જ બહુ છે અને સારામાં સારું કામ તો, રાનુ એની સાથે હળી ગઈ છે ને, તે છે સમજ્યા?’ વાત ત્યાં જ અટકી ગઈ.

એક દિવસ સુહાસિની ઘરે થોડી વહેલી આવી ગઈ. રાનુ રમકડાંના ઢગલામાં રમતી હતી અને શીના ત્યારે જ બાથરૂમમાંથી બહાર નીકળી. સુહાસિનીને જોઈ એ જરા ચમકી પણ તરત જ સ્વસ્થ થઈને પાણીનો ગ્લાસ લેવા રસોડામાં જતી રહી. સુહાસિનીને કંઈક વહેમ જતાં એ સીધી બાથરૂમમાં ગઈ. બારણું ખોલતાં જ બાથરૂમના ધુમાડાએ એને ચમકાવી દીધી. સિગરેટની વાસ એના નાકમાં ભરાઈ જતાં એ તરત જ બહાર નીકળી આવી. ગુસ્સાથી એનું મોં લાલ થઈ ગયું. જાણે હમણાં જ્વાળામુખી ફાટવાનો.

શીના ગુનેગારની જેમ એક બાજુએ ઊભી હતી. રાનુ મમ્મીને જોઈને રમકડાં છોડી મમ્મીને વળગી રડી રહી હતી. સુહાસિનીએ મન પર તરત જ કાબૂ મેળવી લીધો. રાનુના દેખતાં શીનાને કંઈ નથી કહેવું. થોડી વારમાં રાનુ સૂઈ જતાં, સુહાસિનીએ શીનાને બોલાવી.

‘કેટલા વરસથી સિગરેટ પીએ છે?’

‘એક વરસથી.’ શીનાને જેનો ડર હતો તે ધમાલ ન થવાથી થોડી રાહત થઈ હતી.

‘માવો–ગુટકા પણ ખાય છે?’

શીના નીચું જોઈ ઊભી રહી. સુહાસિનીએ આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો ને ડોકું ધુણાવ્યું. તદ્દન હોપલેસ કેસ. દેખાવે તો કેટલી સીધી લાગે છે?

‘રામજીભાઈને ખબર છે?’

નકારમાં ડોકું ધુણાવી શીના ચૂપ રહી.

‘તારી માને ગુજર્યાને કેટલો ટાઈમ થયો?’

‘એક વરસ.’

‘એટલે મા ગયા પછી તેં કામ કરવાને બદલે કે બાપને સાચવવાને બદલે આવા ધંધા ચાલુ કર્યા?’

હવે ધીરે ધીરે સુહાસિનીને ગુસ્સો આવવા માંડ્યો હતો. ચાર દિવસમાં તો શીના માટે કેટકેટલું વિચારી કાઢેલું! મા વગરની ને બાપથી દૂર રહેતી દીકરીને જરાય ઓછું ન આવે એટલે, એના માટે રવિવારે કપડાં લેવા જઈશું ને એની પસંદના કપડાં અપાવશું. ઘરમાં બેઠાં બેઠાં સારું વાંચે અને રાનુને પણ વાર્તા કહે, બંને ખૂબ મજા કરે ને ખૂબ ખુશ રહે એવી ચોપડીઓ ને રમકડાં પણ લાવશું ને પછી હૉટેલમાં ખાઈને ઘેર પાછાં ફરશું. જ્યારે આ? જેને બહુ ડાહી ને ઠરેલ ધારેલી તે તો મહા ઉસ્તાદ નીકળી! સિગરેટ ને માવા ગુટકાના શોખ ધરાવતી છોકરીને કેવી રીતે રાનુ સાથે એકલી છોડાય? બહુ વિચારને અંતે એણે પતિ સાથે વાતચીત કરીને પછી કોઈ નિર્ણય લેવાનું નક્કી કર્યું.

એણે શીનાને સમજાવી, ‘જો બેન, આ ટેવ છોડી દેશે ને તો જ તને અહીં રાખશું, નહીં તો કાલે જ તને ઘેર મૂકી આવું.’

શીના રડી પડી. ‘બેન, હું બધું છોડી દઈશ પણ મને અહીંથી કાઢી નહીં મૂકતાં. ત્યાં મારું કોઈ નથી.’

સુહાસિનીએ મન પર કાબૂ રાખ્યો. મનમાં વિચારોનું યુદ્ધ જામ્યું. શીનાને કાઢી મૂકવી કે નહીં?

જો એને કાઢી મૂકું તો, અત્યારથી આ આદત એનો ભોગ લેશે અને એનો બાપ જાણશે તો આઘાતમાં એને કંઈ થઈ જાય અથવા બેમાંથી કોઈ, કદાચ કોઈ ખોટું પગલું લઈ બેસે તો પણ ઉપાધિ થઈ જાય. જો આને અહીં રાખું, તો એનો ભરોસો કેટલો કરવો? એને જે આદત પડી છે તે કંઈ એમ મારા કહેવાથી એક દિવસમાં છૂટી નથી જવાની. તો શું કરું? કંઈ સમજ નથી પડતી. સુહાસિનીએ જેમ તેમ મનને બીજે વાળી પતિના જમી લેવા સુધી રાહ જોવી પડી.

વાતચીતને અંતે નક્કી થયું, કે શીનાને ડૉક્ટર પાસે લઈ જવી. એની આદત છોડાવવામાં મદદ કરીને એને સ્વસ્થ બનાવવી. માનસિક રાહત થતાં જ, શીનાને પોતાને જ આ આદતો છોડવાનું મન થશે અને ધીરે ધીરે એ લાઈન પર આવી જશે. રાનુ જેવી આ પણ કોઈની દીકરી તો ખરી ને? સુહાસિનીએ શીનાને માથે હાથ ફેરવ્યો, ‘તું અમને મદદ કરશે ને?’

શીનાએ એ હાથને માથે મૂકી આશીર્વાદ મેળવી હકારમાં ડોકું ધુણાવ્યું.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.