ઓળખાણ
કૉલેજનો પહેલો દિવસ હોવાથી દરેક ક્લાસમાંથી વિદ્યાર્થીઓનો કોલાહલ સંભળાઈ રહ્યો હતો. જૂના વિદ્યાર્થીઓ તો પોતાની સીટ રોકીને પોતાની કંપનીમાં ગુલતાન હતા. જ્યારે નવા વિદ્યાર્થીઓ પોતાની સીટ અને કોઈ સારી કંપનીની શોધમાં, બધે નજર દોડાવતા કંઈક સંકોચ સાથે ક્લાસમાં દાખલ થઈ રહ્યા હતા. મારો પણ પહેલો જ દિવસ હતો એટલે ક્લાસમાં વહેલી પહોંચીને, હું તો ખાલી દેખાયેલી ત્રીજી રોમાં જઈને ગોઠવાઈ ગયેલી. હજી સુધી મારી બાજુમાં કોઈ આવ્યું નહોતું. મેં મારી નજર દરવાજે જ ટેકવી રાખેલી, કદાચ કોઈક સખી મળી જાય!
અચાનક એને મેં જોઈ. છુટકી કહી શકાય એટલી ઊંચી, સપ્રમાણ બાંધાની અને થોડી સાંવરી એક છોકરી દરવાજે ઊભેલી. ભોળા સુંદર ચહેરા પર, ભોળી ભોળી ને સુંદર પણ મોટી મોટી આંખોથી, કંઈક સંકોચથી ને કદાચ થોડા ગભરાટથી એ બધે નજર ફેરવી રહી હતી. એટલામાં એની ને મારી નજર એક થઈ. કદાચ મારી નજરનું છૂપું આમંત્રણ એણે વાંચી લીધું હશે, તે એ સીધી મારી પાસે જ આવીને ઊભી રહી ગઈ. હું હસીને થોડી અંદર ખસી ને એ મારી બાજુમાં થોડા હાશકારાથી નિરાંતે બેઠી. મારી સામે જોઈ હસી ને બોલી,
‘મારું નામ જયા.’
‘હું કલ્પના.’
બસ, એ અમારી પહેલી વાતચીત. પછી તો, ક્લાસ શરૂ થતાં જ રિસેસ સુધી કોઈ વાત ના થઈ. એ કલકત્તાથી આવી હતી, હૉસ્ટેલમાં રહેતી હતી, આ શહેરથી તદ્દન અજાણી હતી અને પહેલો દિવસ હોઈ નાસ્તો નહોતી લાવી. મેં એનો સંકોચ દૂર કરી એને મારી સાથે જ રાખી, કારણકે આ શહેરની હોવા છતાં હું પણ ક્લાસમાં એકલી જ હતી. અમે સાથે નાસ્તો કર્યો. મારી માના હાથનાં ભાખરી–શાક એને પસંદ પડ્યાં–ચોક્કસ એને પોતાની માની યાદ આવી જ હશે. પછી તો, રોજ રોજ હું પણ મમ્મીના પ્રેમની ખૂશ્બોવાળો જાતજાતનો નાસ્તો, ખાસ જયાને ખાતર જ લઈ જતી. અમારી દોસ્તી ગાઢ થવા માંડી હતી.
અમે બંને ફિલ્મોની દિવાની હતી. ફ્રી ટાઈમમાં ફિલ્મોની, હીરોની, હીરોઈનોની વાતો અને જૂના નવા ગીતોનો ખજાનો અમે અંતકડી રમતાં ખોલી કાઢતાં. ભણવામાં અમે અવ્વલ તો નહીં પણ પાસ થવાય એટલું વાંચી નાંખતાં. અમારી કૉલેજ જૂહુ રોડ પર હતી. કૉલેજથી થોડે જ દૂરની ગલીઓમાં ફિલ્મી સિતારાઓના બંગલા હતા. અવારનવાર ફિલ્મોના શૂટિંગ પણ ત્યાં થતાં રહેતાં. રોજ ક્લાસમાં કોઈ ને કોઈ ખબર લાવતું, કે ‘આજે ફલાણી ગલીમાં ફલાણા હીરોનું કે ઢીંકણી હીરોઈનનું શૂટિંગ છે.’ અમે બંને એકબીજાની સામે જોઈ ઈશારામાં વાતચીત કરી લેતાં ને પછી જીવ બાળી બેસી જતાં. આ એ સમયની વાત છે, જ્યારે મુંબઈમાં ભીડ ખાસ્સી ઓછી રહેતી અને આવા કોઈ શૂટિંગમાં પચાસ કે સોથી વધુ લોકોની ભીડ થતી નહીં. શૂટિંગ દરમિયાન ધાંધલધમાલ કે મારામારીના કિસ્સા ભાગ્યે જ બનતા. લોકો મરજી હોય ત્યાં સુધી શાંતિથી દૂર ઊભા રહી શૂટિંગ જોતાં, મન થાય તો કલાકારોના ઓટોગ્રાફ લેતાં અને ખુશ થઈ ચાલતાં થતાં. એક દિવસ ખબર પડી, કે પાંચમી ગલીમાં રાજેશ ખન્નાની ફિલ્મું શૂટિંગ ચાલુ છે અને સાંજ સુધી ચાલશે. અમારી ધીરજનો બંધ તૂટી ગયો અને તે દિવસે અમારી પહેલી જ વાર ક્લાસમાં ગાપચી પડી!
શૂટિંગના સ્થળે ભીડથી થોડે દૂર ઊભા રહી અમે બંને મુગ્ધતાથી અમારા ફેવરેટ હીરોને જોઈ રહ્યા હતા. એની એક એક અદા સૌને ઘાયલ કરવા કાફી હતી. લગભગ કલાક થયો હશે ને લંચ બ્રેક થયો. સૌ ચાહકો તરફ એક કાતિલ મુસ્કાન ફરકાવી ખન્નો તો જતો રહ્યો નજીકના બંગલામાં. નિરાશાથી હા...ય! કહેતાં અમે પાંચેક મિનિટ ત્યાં ઊભા રહ્યાં, કે કોઈની બૂમ સંભળાઈ, ‘એય જલદી ચલો, બાજુકી ગલીમેં ધર્મેન્દ્રકા શૂટિંગ ચાલુ હૈ.’ ખલાસ! અમારો ફેવરેટ તો ધર્મેન્દ્ર પણ ખરો. પહોંચી ગયાં બાજુની ગલીમાં. અહીં પણ ભીડ તો હતી જ, પણ અમે અમારી જગ્યા મેળવી લીધી, જ્યાંથી ધર્મેન્દ્ર બરાબર દેખાયા કરે.
એ ગલીની સામે જ એક મેદાન હતું. ડાયરેક્ટરનું ‘કટ’ બોલાતાં જ, રંગીન છત્રી નીચે જઈ ધર્મેન્દ્ર ખુરશી પર ગોઠવાઈ ગયો અને બાજુની ખરશી પર બેઠેલા લાંબા યુવાન સાથે હસી હસીને વાત કરવા માંડ્યો. કોઈ બોલ્યું, ‘વો અમિતાભ બચ્ચન હૈ, અભી નયા આયા હૈ. ઉસકી દો તીન ફિલ્મેં આયી હૈ પર કુછ ખાસ દમ નહીં. હમારા તો એક હી હીરો, ધરમેન્દર.’ અમે પણ ધર્મેન્દ્રને જ જોઈ રહેલાં. એના ખુરશી પર ગોઠવાતાં જ, અમારી જ કોલેજના પાંચ છ છોકરાઓ ને બે ચાર છોકરીઓ ધર્મેન્દ્રના ઓટોગ્રાફ લેવા પહોંચી ગયાં. ધર્મેન્દ્રને એમની સાથે હસતાં ને વાત કરતાં જોઈને અમારી હિંમત વધી. અમે પણ ધર્મેન્દ્રની સામે નોટબુક ખોલીને, પેન ધરી ઊભા રહ્યાં. અમારા બંનેનું નામ પૂછી, શુભેચ્છા લખી આપીને ધર્મેન્દ્રએ બાજુમાં બેઠેલા અમિતાભ તરફ ઈશારો કર્યો, ‘તુમ લોગ ઈનકે ભી ઓટોગ્રાફ લે લો, એક દિન યે બહોત બડા સ્ટાર બનનેવાલા હૈ.‘
અમિતાભે તો વાત હસવામાં ઉડાવી પણ અમે અમારા હીરોનું કહ્યું માનીને નોટબુક અમિતાભ સામે ધરી દીધી. જયા તો સ્વભાવે જ ખૂબ ગભરુ અને શરમાળ, એટલે એણે જેમતેમ નોટબુક આપી. અમિતાભે નામ પૂછ્યું તો એ કંઈ બોલી જ નહીં! ‘ભાઈ, અપની સહેલીકા નામ અબ આપ હી બતા દિજીએ.’ મેં હસીને જયા કહ્યું, એટલામાં તો જયા બે ડગલાં પાછળ ખસી ગઈ. ‘પ્રિય જયાજી, અનેક શુભેચ્છાએં.’ વાંચીને તો જયાજી ઘાયલ! પ્રિય શબ્દ પર હાથ ફેરવતી શરમાઈને થોડી દૂર જતી રહી. પેલી બાજુ અમિતાભને પણ જયામાં રસ પડ્યો હશે, તે મારી સાથે જયાની વાતે લાગ્યો! અમારી કૉલેજનું નામ ને મારા ઘરનો ફોન નંબર નોંધી લીધા. બીજા દિવસે પણ આખો દિવસ શૂટિંગ છે, એવું જણાવીને સીધું જ આમંત્રણ આપી દીધું.
આખો દિવસ ગીત ગાતી અને વાત કરતી જયા તે દિવસે ચૂપ થઈ ગઈ. મેં પણ એને એના સપનામાંથી બહાર કાઢવાની કોશિશ ન કરી. બીજા દિવસે સવારે પહેલો પિરિયડ પત્યો, કે જયા ઊંચીનીચી થવા માંડી. મેં અજાણ રહેવાનો ડોળ કર્યો તે વધુ સહન ન થતાં એણે કહ્યું,
‘ચાલ ને, શૂટિંગ જોવા જઈએ.’
‘પણ હમણાં તો પ્રિન્સિપાલનું લેક્ચર છે.’
‘કંઈ નહીં, પછી જોઈ લઈશું. ચાલ ને, પ્લીઝ.’
અમે ભાગ્યાં શૂટિંગની ગલીમાં. લંબૂભાઈ તો અમારી જ રાહ જોતા હોય એમ ખુશ થતા અમારી તરફ ધસી આવ્યા. અમને ખુરશીમાં બેસાડ્યા ને જબરદસ્તી કોલ્ડ ડ્રિંક મગાવ્યું. જયા તો નીચું જોઈને જ બેસી રહેલી.
જોકે, ત્યાર પછી એમની દોસ્તી, એમની પ્રેમકથામાં બહુ વહેલી બદલાઈ ગઈ અને એક દિવસ જયાએ કૉલેજ છોડી દીધી. એણે પણ ફિલ્મોમાં કામ શરુ કરી દીધું હતું અને હવે મને મળવાનો ટાઈમ એની પાસે ભાગ્યે જ રહેતો. મને એક સારી મિત્ર ગુમાવવાનું જેટલું દુ:ખ હતું, એટલો જ આનંદ એનો જાણીતી કલાકાર બનવાનો હતો. એક દિવસ મારા ધારવા મુજબ જ બન્યું. બંને સાદાઈથી લગ્ન કરી રહ્યાં હતાં અને મને પરિવાર સહિત હાજર રહેવાનું ખાસ આમંત્રણ હતું. મુંબઈમાં જ હોવાથી હું લગ્નમાં હાજર હતી. પછી તો, અભ્યાસ પૂરો થતાં મારાં પણ લગ્ન થયાં અને હું સુરતના એક નાના ગામમાં રહેતી થઈ ગઈ. એટલું કહેવું પડે, કે બંનેએ મારી મિત્રતાને જરાય કમ થવા ન દીધી. વાર તહેવારે એમના ફોન આવે, પ્રસંગે આગ્રહભર્યું આમંત્રણ આવે અને ન જાઉં તો રિસાઈ પણ જાય. ખેર, એમની ઉંચાઈને જોઈને મેં જ મારી ફરતે એક દિવાલ ઉભી કરી દીધી હતી. બંને માટે દિલમાં એટલો જ પ્રેમ ને આદર હોવા છતાં, ફોન પર કલાકો વાત કરવાની પણ પ્રસંગોમાં હાજરી ટાળી દેવાની.
શ્વેતા અને અભિષેકના જન્મ વખતે કે કોઈની પણ વર્ષગાંઠની ઉજવણીમાં અમે કોઈ ગયાં નહોતાં. દર વખતે નવું બહાનું અને એ લોકો નિરાશ થઈ જતાં. ‘બીજી વાર નક્કી’ કહી, હું એમને મનાવી લેતી. હા, મુંબઈ જતી ત્યારે અચૂક એમને મળી આવતી. મને જોઈને જ એમની બધી ફરિયાદો છૂ થઈ જતી ને આખો દિવસ ગપ્પાં ને મોજમસ્તીમાં વિતાવી અનોખું ભાથું લઈ હું પાછી ફરતી.
શ્વેતાના લગ્નમાં જવું ન પડે એટલે અમે બહારગામ ફરવા જતાં રહેલાં પણ અભિષેકના લગ્નમાં એમનો આગ્રહ એટલે? રીતસરની દાદાગીરી! લગ્નમાં ન જાઉં તો મારી સાથેના સંબંધ કાપવાની ધમકી આપી દીધી. ફોન પણ નહીં કરવાનો. જયા અને હું દિલથી કેટલાં નજીક હતાં, તે અમે બે અને અમારા પતિદેવો જ જાણતાં હતાં. અમે ન જવાનું કોઈ બહાનું વિચારતાં જ હતાં કે, એક સવારે લગ્નના બરાબર અઠવાડિયા પહેલાં જ, એક લાંબી ગાડી અમારા બારણે આવીને ઊભી રહી. ડ્રાઈવરે મારા હાથમાં એક ચિઠ્ઠી આપતાં કહ્યું, ‘સા’બને આપ લોગોંકો લેનેકે લિયે મુજે ભેજા હૈ.’
મેં ગભરાતાં ચિઠ્ઠી વાંચી. ‘જબ તક તુમ પૂરે પરિવારકે સાથ નહીં આઓગી, હમારી ગાડી વહીં રહેગી. સબકા શૉપિંગ ભી યહાં આકર કર લેના. તુમ્હારા કોઈ બહાના અબ નહીં ચલનેવાલા. ફટાફટ તૈયાર હો જાઓ ઓર ઘર આ જાઓ. બાકી બાતેં મિલનેકે બાદ.’ અમિતજીજાની ધમકી આગળ અમારું કંઈ ચાલે એમ જ ક્યાં હતું? અમે સૌ તૈયાર થઈ ઉપડ્યાં મુંબઈ. જયા તો મને જોઈને ભેટી જ પડી અને અમિતાભ મારી સાથે પોતાના સાઢુને મળીને ખુશ થઈ ગયો. પૂરા પરિવાર સાથે બેસીને ભોજન લેતાં, જૂની વાતો યાદ કરતાં ખૂબ આનંદ માણી, અમે બીજા દિવસે જબરદસ્તી શૉપિંગ માટે નીકળ્યાં. જયાએ સાથે રહીને બધું શૉપિંગ કરાવ્યું અને એમના બધા રીતરિવાજોમાં પણ મને સાથે જ રાખી.
લગ્નના દિવસે રંગેચંગે લગ્ન પત્યા બાદ પણ, ખૂબ આદર સાથે ને ભેટસોગાદો સાથે સૌએ, અમને સૌને ભાવવાહી વિદાય આપી. બંનેના પ્રેમને દિલમાં સમેટી અમે પાછા ફર્યાં. આજે પણ દરેક પ્રસંગે બંનેનું આમંત્રણ તો આવે જ છે, પણ હવે ખબર નહીં, કોઈ ને કોઈ કારણસર જવાતું નથી. ખેર, ફોન પર વાતો કરી લઈએ, બાકી તો આવી દોસ્તી ને પ્રેમ પર બધું કુરબાન છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર