વહુની સલાહ મનાય?

12 Oct, 2016
12:00 AM

કલ્પના દેસાઈ

PC: voiceofjournalists.com

સામાન્ય રીતે બધી સાસુઓ પોતાની વહુઓની ને વહુઓ પોતાની સાસુઓની વાતો કરતી જ હોય, એમાં કોઈ નવાઈ નથી. એટલે જ, આજે મારે મારી વહુની વાત કરવી છે. તમને નવાઈ લાગશે કે વહુની વાત આમ જાહેરમાં? પણ હવે પાણી માથા પરથી વહેવા માંડ્યું છે ને મને બીક છે કે, કોઈ દિવસ હું મગજ ગુમાવી બેસીશ. મારે મારી વહુ સાથે બીજો કોઈ વાંધો નથી, પણ એક જ વાતે મને એના તરફથી બહુ બીક લાગે છે. એ મને વાતે વાતે સલાહ બહુ આપે છે. છે ને ઉલટી ગંગા? મને તો એ ક્યારેય કંઈ બોલવા જ નથી દેતી! હજી તો હું કોઈ વાત ચાલુ કરું કે, એના પર એની વિશેષ ટિપ્પણી શરૂ થઈ જાય. મને એમ થાય કે, એ દરેક વાતમાં બધું જ જાણે? માન્યું કે, એ નવા જમાનાની છે ને ભણેલીગણેલી છે, પણ તેથી શું? હું કંઈ અક્કલ વગરની છું? ડોબી છું? ઘણી વાર મને લાગે છે, કે મારામાં બિલકુલ અક્કલ નથી ને આ દુનિયામાં મારા જેવીનું કામ નથી. હું આ જમાનાથી ઘણી પાછળ છું ને મારે કોઈની વાતમાં કંઈ બોલવું ન જોઈએ કે કોઈ કામમાં માથું ન મારવું જોઈએ. ઘણી વાર તો, જ્યારે મારો દીકરો અને મારા પતિ પણ વહુની વાતમાં આવી જઈને, પોતાના તરફથી અમૂલ્ય સલાહો મારે માથે ઠપકારવા માંડે, ત્યારે મને જીવન નિરર્થક લાગવા માંડે અને હું મનમાં ને મનમાં ભાંગતી જાઉં, તૂટતી જાઉં. મને સમજ ન પડે કે હું શું કરું? એટલે ચૂપચાપ થોડુ રડીને મન હળવું કરી લઉં.

 

એક સાંજની જ વાત કરું. મેં હોંશે હોંશે સૅન્ડવિચનો પ્રોગ્રામ બનાવ્યો હતો. એનાં લગ્ન પછી ઘરમાં  પહેલી જ વાર સૅન્ડવિચ બનવાની હતી. ઓફિસેથી મારી વહુ, લગભગ છ–સવા છની આસપાસ આવી જ જાય. હજી તો  ફ્રેશ થાય ને ચા–પાણી કરે, તે પહેલાં તો એણે સૅન્ડવિચની તૈયારી થતી જોઈ.

‘અરે મમ્મી, આ શું કરો છો?’ એના અવાજમાં આનંદને બદલે આશ્ચર્ય હતું.

‘કેમ? શું થયું?’ મેં નવાઈથી પૂછ્યું. મેં વળી શું કર્યું?

‘સૅન્ડવિચ બનાવવાનાં?’

બધું દેખીતું હોવા છતાં એણે પૂછ્યું તેને અવગણીને મેં કહ્યું, ‘હા, આજે બહુ વખતે સૅન્ડવિચ બનાવવાની. બાપ–દીકરાને મારા હાથની સૅન્ડવિચ બહુ ભાવે છે. ચાર–પાંચ જાતની જુદી જુદી સૅન્ડવિચ બનાવું એટલે બહાર ખાવાની જરૂર જ ન પડે ને ઘરમાં બધી ચોખ્ખાઈ પણ જળવાય ને સસ્તું પણ પડે. તને ભાવે છે ને?’ મેં હરખાતાં કહ્યું, કારણકે સૅન્ડવિચ તો બધાંને ભાવતી જ હોય.

‘અરે મમ્મી, એ બધી વાત જવા દો. ઘરમાં કોઈ દિવસ બ્રેડ લાવવાની જ નહીં. બ્રેડ કેટલી નુકસાન કરે છે, ખબર છે? એમાં મેંદો આવે તે હેલ્થ માટે સારો નહીં. તેમાં પાછું તમે, બટર ને જૅમ ને ચીઝ ને બધું બરાબર ચોપડશો, એટલે કેટલી બધી કૅલરી એક જ દિવસમાં વધી જશે તે ખબર છે? શુગર પણ હેલ્થ માટે સારી નથી ને એમાં મસાલો પણ કેટલો નાંખવો પડે, એટલે એટલું વધારાનું મીઠું પણ પેટમાં જાય. બધું ભેગું થઈને હેલ્થના પ્રોબ્લેમ્સ ઊભા કરે. હવે મને ખબર પડી, કે તમારા દીકરાને કેમ આવું બધું ફાસ્ટ ફુડ ખાવાનો ચટાકો છે! પપ્પાને શુગરનો પ્રોબ્લેમ છે ને તમને પણ એક વાર હાર્ટ એટેક આવી ગયો છે, તો પછી તમારે બંનેએ તો આવું બધું ખાવું જ ના જોઈએ.’

 

ખલાસ! સૅન્ડવિચ બનાવવાના મારા ઉત્સાહ પર ઠંડું પાણી રેડાઈ ગયું. મેં બધું સમેટી લીધું ને રોટલી શાક બનાવી કાઢ્યાં. ત્યાર પછી એની હાજરીમાં મેં કોઈ દિવસ સૅન્ડવિચ બનાવી નથી. અરે, ત્યાર પછી તો રોજની રસોઈ બનાવતી વખતે પણ મને તો એની બીક લાગવા માંડી. જ્યારે શાકમાં તેલ નાંખું કે રોટલી પર ઘી ચોપડું, ત્યારે મને થાય કે હમણાં આવીને કહેશે, ‘અરેરે મમ્મી, આ શું કરો છો? રોટલી પર ઘી? શાકમાં આટલું બધું તેલ? તમને ખબર છે, ઘી ને તેલ ખાવાથી કૉલેસ્ટરૉલ વધી જાય ને પછી અટેક આવતાં વાર નહીં લાગે? કેમ તમે માનતાં નથી? તમારા ખાવાના શોખ હવે ઓછા કરો ને ઘરનાંની હેલ્થની કાળજી કરો.’ આ તો હજી હું ટૂંકમાં પતાવું છું, બાકી તો એનું એટલું લાંબું લેક્ચર ચાલે ને કે...જવા દો. હવે તો, જાણે કે હું નાની કીકલી હોઉં કે એને જાણે કે કોઈ બકરો મળી ગયો હોય તેમ, મારી પાછળ જ પડી રહે છે ને દરેક વાતે હવે તો એ મને સલાહ આપવા માંડી છે!

 

એ પોતે તો, આખો દિવસ ઓફિસમાં કમ્પ્યુટરની સામે બેસીને આવી હોય ને ઘરમાં પણ હાથમાં મોબાઈલ જોતાં જોતાં દાખલ થતી હોય, ત્યારે જો એની મારા પર નજર પડે ને હું મોબાઈલમાં વ્યસ્ત હોઉં, તો એનો મોબાઈલ હાથમાં રાખીને મને લેક્ચર આપવા માંડે, ‘મમ્મી, મોબાઈલના રેય્ઝ આંખને બહુ નુકસાન કરે ને આપણા કાનને, મગજને પણ ખરાબ કરે. તમે વાપરો, તેની ના નથી પણ આ વૉટ્સ એપ ને ફેસબુક તો બહુ ખરાબ ચીજ છે. તમને એનાં એડિક્ટ બનાવી દે ને તમારાં કામનાં પછી કોઈ ઠેકાણાં ના રહે.’ મને તો તે ટાઈમે એવો ગુસ્સો આવે, કે ‘બેન, તું તારું જ સાચવીને બેસી રહે. મને સલાહ આપવાની કોઈ જરૂર નથી. મને નથી ખબર કે શું સારું ને શું ખરાબ?’ આપણાથી નાની વ્યક્તિ ભલે ને આપણને સલાહ આપે, મને કોઈ વાંધો નથી પણ આ તો, ડગલે ને પગલે સલાહ! ને આમાં સલાહના ભાવ કરતાં, હવે તો સતત ટોક ટોક કરીને કોઈને તોડી નાંખવાનો કે નીચું બતાવવાનો ઈરાદો મને તો સ્પષ્ટ જણાઈ રહ્યો છે. આમાં ભલે એને કોઈ છૂપો સંતોષ કે પછી અહમ સંતોષાવાનો આનંદ મળતો હશે, પણ મને તો ભારોભાર નિરાશા જ મળે છે. મારાથી તો ઘરમાં કંકાસ થવાની બીકે પાછું કોઈને કંઈ કહેવાતું પણ નથી. શું કરું હવે?

 

મારું માનો તો બહેન, તમે એક કામ કરો. એક જ વાર એને પાસે બેસાડીને શાંતિથી સમજાવી દો, કે ‘બેટા, હું પણ ભણેલીગણેલી છું. આ મોબાઈલ ને કમ્પ્યુટર તો હું વર્ષોથી વાપરું છું ને એના ફાયદા–ગેરફાયદાનું મને પણ સારી રીતે ભાન છે. બીજી વાત કે, ઘરમાં કોઈની તબિયતને કેમ સાચવવાની તે પણ હું સારી રીતે જાણું છું. બહારનું ગમે તેવું ખાવા કરતાં, ઘરમાં બનાવીને ખાવામાં હેલ્થ વધારે સારી રીતે સચવાય છે. જેમ હું તને કંઈ કહેતી નથી કે તારી વાતમાં માથું નથી મારતી, તેમ આજથી તું પણ મારી વાતમાં માથું નહીં મારે તો મને આનંદ થશે. બાકી તો, આપણાં બે વચ્ચે આ બધી બાબતો આગળ જતાં બહુ ખરાબ પરિણામ લાવશે. એટલે ઘરની શાંતિ માટે તું તારામાં મસ્ત રહે ને બધાંને પણ પોતાનામાં મસ્ત રહેવા દે.’

જુઓ, કોશિશ કરવામાં કંઈ ખોટું નથી.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.