એક ડગલું તો માંડું

08 Jun, 2016
12:05 AM

કલ્પના દેસાઈ

PC:

એક હાડપિંજર અચાનક જ ખુરશીમાંથી ઊભું થઈને એના તરફ ધીમા ડગ માંડતું ને લડખડાતું આવી રહ્યું હતું. ધીરે ધીરે એ હાડપિંજર એના પલંગ પાસે આવીને ઊભું રહ્યું અને એ કંઈ બોલે તે પહેલાં તો ઢગલો થઈને નીચે ઢળી પડ્યું. મેનાની આંખ અચાનક જ ખૂલી ગઈ. ગભરાટના માર્યા એનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. પાણીની તરસે બેચેન બની ચૂકેલી મેનાએ નજીકના ટેબલ પરથી પાણીનો ગ્લાસ લેવા હાથ લંબાવ્યો કે ફરીથી પેલું હાડપિંજર હલ્યું. મેના અદ્ધર શ્વાસે હાડપિંજરને જોતી રહી. જેમતેમ પલંગનો ટેકો લઈ હાડપિંજર ફરી ઊભું થયું. મેનાનો જીવ ગળામાં આવી અટકી ગયો. એણે સ્થિર નજરે જોયું તો, ધીરે ધીરે હાડપિંજરની ઉપર ચામડી ફરી વળી, માથે થોડા વાળ પણ દેખાયા ને આંખોના ખાડામાં બે તગતગતી આંખો પણ દેખાઈ, જે મેના સામે દયાની ભીખ માગતી અપલક જોઈ રહી. મેના છળી ઊઠી ને ડરની મારી ઉઠવા ગઈ પણ એના પગમાં ચેતન જ ક્યાં હતું? એના શરીરને તો જાણે લકવો મારી ગયો.

બેન, મને બચાવી લો.’ બોલતાં બોલતાં તો હાડપિંજરની આંખોમાંથી જાણે કે ઊંડા કૂવા ઉલેચાયા. એટલું એક જ વાક્ય બોલીને એ તો જ્યાંથી આવેલું ત્યાં લડખડાતું જઈને બેસી ગયું. મેનાનું મગજ ચક્કર ખાઈ ગયું. શું છે આ બધું? છેલ્લા કેટલાય દિવસોથી રોજ રાતે મેના પથારીમાં સૂવા જાય ને અચાનક પેલું હાડપિંજર ઊભું થઈને એના તરફ ચાલવા માંડે. રોજ એક જ સીન ભજવાય ને રોજ પેલી ઊંડી આંખોની લાચારી ને પોતાની ખામોશી. જ્યારથી એ સુરત જઈને આવી છે ત્યારથી રોજ દિવસમાં પચાસ વાર એને પેલું હાડપિંજર દેખાય છે. એવા એક નહીં પણ અનેક હાડપિંજરો પછી તો એને દેખાવા લાગ્યાં. મેનાની રાતોની ઊંઘ ને દિવસનું ચેન, બધું ગાયબ થવા લાગ્યું. આખો દિવસ એ જ વિચાર. જાણે કે, એ એક મોટા હૉલમાં બેઠી છે ને ત્યાં એના સિવાય બાકી બધાં હાડપિંજરો જ છે. જાણે કે, હાડપિંજરોની સભા ભરાઈ છે. બધાં હરે છે, ફરે છે પણ લથડતી હાલતમાં. શું એ બધાં જીવે છે? હા, એ બધાં હાડપિંજરો છે, તોય બધાં જ મરવાને વાંકે જીવે છે.

એક દિવસ અચાનક જ એક ડૉક્ટર એ હૉલમાં પ્રવેશે છે ને બધાં હાડપિંજરોમાં કોણ જાણે ક્યાંથી જોશ આવી જાય છે તે, બધાં બને તેટલી ઝડપે એ ડૉક્ટરને ઘેરી વળવા મથે છે પણ મોટા ભાગનાં હાડપિંજરો બે ચાર ડગલાં ચાલીને ફસડાઈ પડે છે ને એકાદ બે હાડપિંજર જ ડૉક્ટર સુધી પહોંચી શકે છે. ડૉક્ટરના મૃદુ અવાજ ને પ્રેમાળ શબ્દોનો જાદુ હૉલમાં છવાઈ જાય છે ને હાડપિંજરોના જીવમાં જીવ આવે છે. ડૉક્ટર વારાફરતી દરેક હાડપિંજરને પોતાની સમસ્યા જણાવવા કહે છે ને પછી શરૂ થાય છે દરેક હાડપિંજરની પોતીકી કહાણી. એક એક કહાણીમાંથી દર્દ નહીં પણ લોહી ટપકતું હતું. પૈસેટકે નિચોવાઈ ગયેલા પરિવારનો એક માત્ર સહારો હોય એવું કોઈ હાડપિંજર હતું તો કોઈનો એકનો એક લાડકવાયો હોય એવું હાડપિંજર પણ હતું. તાજી જ પરણેલી કોઈ યુવતીના અંધારા ભવિષ્યને હાથમાં લઈ કોઈ હાડપિંજર ભમતું હતું, તો જેનું કોઈ નહોતું એવું હાડપિંજર પણ નમાલું થઈને એક ખૂણે બેસી રહેલું.

મેના તો ચકળવકળ આંખે ને ઊંચા જીવે આ બધો ખેલ જોઈ રહી. આખરે કોણ છે આ બધાં હાડપિંજરો ને કોણ છે આ ડૉક્ટર? પોતાને જ કેમ આ સપનું રોજ દેખાય છે? આખરે એનો શું સંબંધ છે આ અજાણ્યા લોકો સાથે? મેના બહુ ધારી ધારીને જોતી પણ એકેય હાડપિંજરમાં એને કોઈનીય ઓળખાણ ન મળી. ઓળખાણ ન મળી તેથી શું આ લોકોને કોઈ ઓળખતું નહીં હોય? એ તો પોતે પહેલી વાર આવી એટલે કોઈ ઓળખાતું નથી. કદાચ પોતાના ઓળખીતાઓમાં કે પાસપડોસમાં પણ આવાં હાડપિંજરો હોઈ શકે! આવા ભયાનક વિચારમાત્રથી જ મેનાનાં રુંવાડાં ઊભા થઈ ગયાં. ના ના, આવાં હાડપિંજર તો કશે નથી જોયાં. તો આ ડૉક્ટર ક્યારના શું કહે છે?

કિડનીની બિમારી કોઈને પણ થઈ શકે. જેને હૃદયની બિમારી હોય, બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય, જેની ફેમિલી હિસ્ટરીમાં કોઈને કિડનીની તકલીફ હોય અને સાંઠ વર્ષની આજુબાજુનાને આ બિમારી થવાના ચાન્સીસ વધુ છે. જો ખાવાપીવાની કાળજી ન રાખો, રેગ્યુલર બૉડી ચેક અપ ન કરાવો, ગમે ત્યારે, ગમે તે દુખાવામાં કોઈ પણ પેઈનકિલર ડૉક્ટરની સલાહ વગર લઈ લો, બ્લડપ્રેશર અને બ્લડશુગરને કંટ્રોલમાં ન રાખો અને આ સિવાયની પણ નાની–મોટી અનેક બેકાળજીઓથી કિડની ફેલ થઈ શકે છે.

કિડની ફેલ થવાની શરૂઆતની નિશાનીઓમાં શરીરે ખંજવાળ વધી જવી, ભૂખ ન લાગવી, પગે સોજા આવવા, મસલ્સ ખેંચાવા, ચક્કર ને ઉલટી, વધારે પડતો અથવા અપૂરતો પેશાબ થવો, ઊંઘ ડિસ્ટર્બ થવી અને ગભરામણ થવી મુખ્ય છે. જો અચાનક કિડની ફેલ થઈ જાય તો તાવ, નાકમાંથી લોહી, પેટમા ને વાંસામાં દુખાવો, ઝાડા, ઉલટી અને શરીરે ખંજવાળ વધી જાય એવી એક અથવા વધુ નિશાનીઓ દેખાય છે.

જોકે, દરેક બિમારીનો ઈલાજ છે પણ કિડનીની બિમારી કેન્સરની જેમ વધી જાય પછીથી ખબર પડે છે એટલે જો પહેલેથી જ ખાવાપીવાની સાવધાની રાખીને મીઠા અને ચરબીવાળા ખોરાક પર કંટ્રોલ રખાય, તંબાકુ ને દારૂથી દૂર રહેવાય તો બીજી બધી બિમારી કે જે, કિડની ફેલ થવાથી થાય છે–એનેમિયા, હાડકાંના રોગ, હાર્ટ ટ્રબલ, કૅલ્શ્યમ અને પોટેશ્યમનું વધી જવું અને શરીરમાં પ્રવાહીનો ભરાવો થવો –તેનાથી દૂર રહી શકાય છે.’

ડૉક્ટર તો બોલતા જ રહ્યા ને દરેક હાડપિંજરની પાસે જઈને એને માથે હાથ પણ ફેરવતા રહ્યા પણ મેનાનો ડર હવે હાડપિંજરને બદલે કિડની નામની નાનકડી લાલબત્તી પર જઈને બેસી ગયો. શું આ બે જ નાનકડી કિડની આપણા આખા શરીરને પોતાના કબજામાં રાખે છે? એ ધારે તો આપણને બે ઘડીમાં હતા ન હતા કરી શકે? ને ધારે તો આ હાડપિંજરોની વસતીમાં ગોઠવી કાઢે? ને જો આપણે સખણા રહીએ તો એ આપણી ગુલામ થઈને રહે? એનું કામ ચૂપચાપ કર્યા કરે એમ ને?

મેનાએ ત્યારે જ મનમાં ગાંઠ વાળી, વધુ ને વધુ લોકો સુધી આ ડૉક્ટરની વાતો પહોંચાડીને જ રહીશ. મારે વધારે હાડપિંજરો નથી જોવા. જીવતાં– જાગતાં લોકોની ખુશહાલ દુનિયા જોવી છે. શહેરના રિનલ ફાઉન્ડેશન તરફ એણે ડગ માંડ્યા.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.