મનમાં ને મનમાં જ ઘૂંટાવાનું?

09 Mar, 2016
12:05 AM

કલ્પના દેસાઈ

PC:

બહેન, તમને વધારે વાગ્યું છે ? બહુ દુ:ખે છે ? હૉસ્પિટલ જવું છે ? ચાલો, તમને હૉસ્પિટલ લઈ જાઉં. ડૉક્ટરને બતાવીને કંઈ એક્સ રે કાઢવાનો હોય તો કઢાવી લો. એમ ખબર નહીં પડે. તમે બહુ જોરમાં પડ્યાં છો, મેં જોયું છે. તમારી સાથે કોઈ નથી ? તમારે ક્યાં જવું છે ? હું મૂકી જાઉં તમારા ઘરે ? બહેન, તમે સાંભળો છો ને ? જવાબ તો આપો. વધારે ઈન્જરી હશે તો બહારથી ખબર નહીં પડે. મારું માનો તો દવાખાને ચાલો.’

સામે ઊભેલા પેલા ભલા માણસના શબ્દો જાનકીના કાનમાં જતા હતા કે પછી અથડાઈને બહાર ફેંકાઈ જતા હતા ? એ ભાઈ ક્યારના જાનકીને દવાખાને જવા માટે સમજાવતા હતા પણ જાનકીનું મન તો કોઈ ઈજા કે દુખાવાને ભૂલીને પતિ, બાળકો ને સસરાના ચહેરાના હાવભાવ વાંચતું હતું. ‘જોઈને નથી ચલાતું ? એમ પડી કેવી રીતે જવાય ? અમે તો નથી પડતાં એમ ઘડી ઘડી. આ તો એવું થયું કે, હવે તું બહાર જાય એટલે બધાંએ ટેન્શન લઈને રહેવાનું કેમ ? રસ્તા પર નીકળ્યાં નથી કે આમતેમ ફાંફાં મારવાના ચાલુ. કઈ દુકાન ક્યાં છે ને કઈ દુકાનમાં સેલ લાગ્યું છે, બસ. આના સિવાય કોઈ વાત નહીં. અરે ભાઈ, રસ્તા પર ચાલવું હવે સહેલું નથી રહ્યું. જરા જોઈને ચાલતી રહે. આમ ને આમ હાથ પગ તોડતી રહેશે ને તો ઘડપણ પથારીમાં જશે.’

બેટા, પાછી પડી ગઈ ? જરા જોઈને ચાલતી રહે. બજારમાં જ નહીં હવે તો ઘરની બહાર નીકળ્યાં કે, માણસોની ને વાહનોની ભીડમાં આપણે તો ક્યાંય અટવાઈ જઈએ. બેટા તું ખાટલામાં પડશે તો ઘર કોણ જોશે ? હું તો લાચાર છું પણ આ બાપ ને દીકરો તો બિલકુલ કામના નથી.’

મમ્મી, ખરી છે હં તું તો. કેટલી વાર પડશે ? નાની કીકલી છે કે હવે ? મને આખો દિવસ કહેતી હોય, આમ નહીં જવાનું ને તેમ નહીં જવાનું, તો તું કેમ પડી ગઈ ? હવે રસ્તા પર સાચવીને ચાલવાની છે કે નહીં ? બીજી વાર પડવી નહીં જોઈએ. પ્રોમિસ કર કે, રસ્તામાં આજુબાજુ જોઈને ચાલીશ ને સિગ્નલ પર બે મિનિટ ઊભી રહીશ. ટ્રેન કે બસ પકડવા દોડાદોડી નહીં કરું ને મોબાઈલ હંમેશાં મારી પાસે જ રાખીશ.’

બહેન, તમારો મોબાઈલ ક્યાં છે ? કોઈને ફોન કરવો છે ઘરે ?’ પેલા ભાઈનો અવાજ ફરી બહેરા કાને અથડાયો પણ વળી કંઈ આ વખતે અંદર ગયો ખરો.

મોબાઈલ ? મોબાઈલ તો ઘરે એ પડ્યો પથારીમાં. ‘બેટા, મોબાઈલ લીધો ?’ ‘ના પપ્પા, અહીં નજીક જ જાઉં છું. હમણાં દસ જ મિનિટમાં આવી. ચાલશે હવે, મેં ચંપલ પણ પહેરી લીધાં ને લિફ્ટ પણ આવી ગઈ છે. જાઉં.’ ઉતાવળમાં લિફ્ટમાંથી નીકળતી વખતે જ ઠોકર વાગેલી પણ બચી ગયેલી તો આખરે આ ફૂટપાથ પર પડી ! આજનો દિવસ જ નથી સારો. સવારથી કંઈ કંઈ ગરબડ ચાલુ જ છે. દૂધ ઉભરાયેલું ત્યારે જ લાગેલું કે, આજે કંઈ થવાનું. હું કંઈ નવાઈની આ રસ્તે નીકળી છું ? આ રસ્તો ને આ ફૂટપાથ તો મારા પગ નીચે કેટલીય વાર...ઓહ ! એને ધ્યાન આવ્યું કે, કમરમાં ઝાટકો લાગ્યો છે. કદાચ ઘુંટણ પણ છોલાયાં હોય. સારું થયું કે, માથું નથી ફૂટ્યું ને બેભાન નથી થઈ ગઈ. નહીં તો, અત્યારે તો દોડાદોડી કરાવી દેત બધાને ને બધાંએ પોતાનાં કામ ને ઓફિસ/કૉલેજ છોડીને આવવું પડત.

બહેન, કોઈને ફોન કરવો છે ?’ ફરીથી સવાલ કાનમાં ગયો. ફિક્કું હસતાં એણે કહ્યું, ‘મોબાઈલ નથી. આજે ઘરે જ રહી ગયો.’ ‘કંઈ વાંધો નહીં, કોઈનો નંબર લગાવવો છે ? હું નંબર લગાવી આપું, તમે વાત કરી લો.’ મનમાં કેટલુંય યાદ કર્યું પણ કોઈનો નંબર યાદ ન આવ્યો. પહેલાં લૅન્ડલાઈન નંબર બધાના યાદ હતા ને હવે તો આ લાંબા લાંબા મોબાઈલ નંબર. કેવી રીતે યાદ રહે ? સસરાજીએ યાદ કરાવ્યું તો પણ ? મોબાઈલ લીધો હોત તો સારું હતું. ફરી ફિક્કું હાસ્ય. ‘બહેન એક કામ કરો. તમને વાંધો ન હોય તો તમને હું તમારા ઘરે પહોંચાડી દઉં ? રિક્ષામાં બહુ ઝાટકા લાગશે ને તમને કંઈ વધારે વાગ્યું હશે કે ન કરે નારાયણ ને કંઈ તૂટફૂટ થઈ હશે તો ઉપાધિ.’

ઘરે ? ના ના. ઘરે તો હું જાતે જ પહોંચી જઈશ. વળી ઘરનાં લોકો ફફડી ઊઠશે. વળી કંઈ ઉપાધિ કરી લાવી લાગે છે. કેટલું કહીએ તોય માને જ નહીં ને ? એમ બધે દોડતી ને દોડતી જ ચાલે. જાણે રહી જવાની કશે. અમે અહીં આખો દિવસ ભેજામારી કરતાં થાકીએ ને એ કંઈ કંઈ નવું કરી જ લાવતી હોય.

ના ભાઈ, થૅંક યૂ. હું ઘરે પહોંચી જઈશ. હવે ઠીક છું. તમે જાઓ, કંઈ વાંધો નહીં.’

બહેન, જરાય સંકોચ નહીં કરતાં. મને કોઈ તકલીફ નથી પણ તમને વધારે વાગ્યું છે એ નક્કી. બાકી તો તમારી મરજી. ઊભા રહો, રિક્ષાને બદલે તમે ટૅક્સીમાં જાઓ.’ પાંચ મિનિટમાં ટૅક્સી હાજર થઈ ગઈ. આ ભાઈ બિચારા સારા તે આટલો ટાઈમ કાઢીને બધી મદદ કરવા તૈયાર થયા, બાકી તો કોણ આજે પૂછવા પણ નવરું હોય ? દુનિયામાં સારા માણસો પણ છે ખરા. ટૅક્સી ઘર તરફ જતી હતી ને જાનકીનું મન ભવિષ્યના વાવાઝોડા માટે તૈયાર થતું હતું. સસરાને ખબર ન પડે તેમ ઘરથી થોડે દૂર ટૅક્સી થોભાવી જાનકી ઘરે પહોંચી. ઓહ ! બહુ દુ:ખે છે. જેમતેમ ચલાય છે. ઘરમાં દાખલ થઈ, ધીમા ઉંહકારા કરતી કામે લાગી. દુખાવાની ગોળી લઈ ખીચડી કઢી બનાવી કાઢ્યાં. રોટલી તો વણાય તેવું જ ક્યાં હતું ? જઈને પથારીમાં આડી પડવા ગઈ તો કમરમાં જોરમાં સણકો ઉપડ્યો. ઓહ ! સૂવાની તકલીફ થવાની ? મરી ગયા, હવે ?

આંખ મીંચી જેમતેમ ખુરશીમાં બેઠી ને ક્યાંય સુધી બેસી રહી. આજે કેમ કોઈ હજી દેખાતું નથી ? બાકી આ ટાઈમે તો, ‘જાનકી...જાનકી... મમ્મી...મમ્મી’ના નારાથી ઘર ગાજતું હોય. ધીરેથી કમર પકડી એ ઊઠી ને પથારીમાં મોબાઈલ લેવા વાંકી વળી. વળી એક સણકો. ઓહ ! હે ભગવાન ! નક્કી કંઈક ગરબડ. કંઈ નહીં, કાલે આ લોકો જાય પછી દવાખાને જઈ આવીશ. કોઈ આવ્યું કેમ નહીં હજી ? જોવા દે.

આગલા રૂમમાં ગઈ તો સસરાજી ન્યૂઝ જોતા બેઠેલા. ‘બેટા આ લોકો હજી કોઈ દેખાયા નહીં ને.’

બસ, આવતા જ હશે. તમે જમી લેવાના ?’

એટલામાં તો બાપ–દીકરાના આવવાનો અવાજ આવ્યો ને બારણું ખૂલ્યું.

બેટા, આજે બહુ મોડું થઈ ગયું ?’

અરે પપ્પા, જવા દો ને વાત. રસ્તામાં કોઈ આ જાનકી જેવડાં બહેન ફૂટપાથ પર ઠોકર ખાઈને પડ્યાં તે એમને હૉસ્પિટલ લઈ ગયેલો. બપોરનો સમય તે રસ્તા પર ખાસ કોઈ હતું નહીં. એ બહેન તો આટલું વાગેલું તોય હૉસ્પિટલ જવાની ના પાડતાં હતાં. મોબાઈલ પણ ઘરે ભૂલી ગયેલાં ને કોઈનાં નંબર પણ મને ખબર નહીં ! કેટલાં કેરલેસ ? મેં તો સંજુને કૉલેજથી બોલાવી લીધો ને અમે પહેલાં એમને દવાખાને ને પછી એમને ઘરે પહોંચાડીને આવ્યાં. આ લોકો બધું કામ કરે પણ બહુ બેદરકાર. પોતાની જ કાળજી નહીં રાખે. આપણને કેટલી તકલીફ થાય તેના કરતાં પોતે કેટલાં હેરાન થાય તે એ લોકોએ નહીં વિચારવું જોઈએ ? હમણાં રસ્તા પર કોઈએ એમને જોયાં જ ન હોત તો ? ને બેભાન બન્યાં હોત કે વધારે વાગ્યું હોત તો કોને તકલીફ ? ઘરનાં તો બિચારાં ફિકરમાં રાહ જ જોયા કરે ને ? એ તો સારું કે, મેં એમને પડતાં જોયાં ને ત્યારે જ મને થયું કે નક્કી કંઈ હાડકાં–બાડકાં તૂટ્યાં હશે. ચાલ ભાઈ જાનકી, પહેલાં ચા ને પછી જમવાનું લાવજે. બહુ ભૂખ લાગી છે.’

હા લાવું પણ જમીને પહેલાં આપણે દવાખાને જવાનું છે.’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.