છેલ્લી ઘડીએ...

15 Nov, 2017
12:01 AM

કલ્પના દેસાઈ

PC:

રસોડામાં રાખેલી બેલ એકધારી વાગતાં રૂપલ હાંફળીફાંફળી, હાથમાંનું કામ બાજુએ નાંખતી મમ્મીના રૂમ તરફ દોડી, ‘નક્કી પડી ગયાં. હે ભગવાન ! હાથ-પગ ભાંગ્યા ના હોય તો સારું.’

મમ્મીને પથારીમાં સૂતેલાં જોઈ રૂપલને હાશ થઈ પણ એ હાશ ઘડી પૂરતી જ હતી. રાધાબેનના ડોળા ચડી ગયેલા, શરીર પાંદડાની જેમ ધ્રૂજતું હતું અને થોડી થોડી વાર હાથ-પગ ખેંચાઈ જતા હતા. આની સાથે આ ચોથી વાર આવું થયું હતું. રૂપલ ટેવાવા માંડેલી. ‘અરે રામ! ફરી શુગર ઓછી થઈ ગઈ.’ રૂપલે ડૉક્ટરને ફોન કરતાં કરતાં લીંબુ શરબત બનાવી કાઢ્યું.

‘મમ્મી, આ શરબત પી લો.’ રૂપલે રાધાબેનને બોલાવ્યાં પણ રાધાબેનના કાન જાણે કંઈ સાંભળતા નહોતા. રાધાબેનનો શ્વાસ ધમણની જેમ ફૂલતો હતો અને ડોળા ચકળવકળ ફરતા હતા. ડૉક્ટરના આવતા સુધી તો રૂપલ પોતાનાથી થાય એટલાં પ્રયત્ન કરી ચૂકી પણ રાધાબેનની હાલતમાં કોઈ ફરક પડ્યો નહી. ડૉ.ના ગયા પછી રાધાબેન શાંતિથી ઊંઘી ગયાં. ડૉ.ની એ જ દર વખતની સલાહો રૂપલના બહેરાં કાને અથડાઈને પાછી ફરી ચૂકેલી. જ્યાં મમ્મીને પોતાને જ પોતાની તબિયતની ચિંતા નથી ત્યાં મારાથી શું થઈ શકે?

રૂપલે બેગ ખાલી કરતાં મમ્મીને ફોન લગાવ્યો, ‘સોરી મમ્મી, હું નથી આવતી. આજે મમ્મીની તબિયત પાછી બગડી ગઈ. એ જ શુગરનો પ્રૉબ્લેમ. ઘરમાં કોઈ નથી એટલે મારે રહેવું જ પડશે. એમને સારું થાય પછી બે-ચાર દિવસ આવી જઈશ. તને હૉસ્પિટલમાંથી ક્યારે રજા આપશે? મને તો એટલું ખરાબ લાગે છે ને કે મારાથી તારી માંદગીના દિવસોમાં પણ તારી સાથે રહેવા અવાતું નથી. તેય પાછું એક જ શહેરમાં હોવા છતાં!’ સોરી મમ્મી. ’ ફોન કટ થતાં બેય તરફ આંસુ લૂછાયાં.

રાધાબેનની સ્પષ્ટ ના હતી કે, ‘ભલે શહેરમાં જ રહેતી હોય તોય શીતલને મારી માંદગી બાબતે ક્યારેય તારે જણાવવું નહીં. એક તો બિચારી નોકરી કરે અને દીકરો દસમામાં એટલે ઘર પણ ન છોડાય અને મન પર ખોટો બોજો પણ ન રખાય. તું તો આખો દિવસ ઘરમાં જ હોય એટલે તારે બીજું કામેય શું? તારાથી થાય તો મારી ચાકરી કરજે. નહીં તો નાંખી આવજે એકાદ હૉસ્પિટલમાં પડી રહીશ ત્યાં, બીજું શું?’

સદાય પડ્યો બોલ ઝીલતી રૂપલને સાસુના વેણ આકરાં તો લાગતાં પણ એ બધી વાતે ટેવાતી જતી હતી. ‘શું બે-ચાર દિવસ પણ શીતલબેન માની સેવા કરવા ન આવી શકે? નણદોઈ તો દીકરાને પણ સાચવી લે એવા છે. ને ભલેને, બધાં બે ચાર દિવસ અહીં રહી જતાં. મારાથી મમ્મીને જોવા પણ નહિ જવાય?’ રૂપલ સાસુના રૂમમાં સોફા પર જ બેઠાં બેઠાં ઊંઘી ગઈ.

સવારથી રાધાબેનની તબિયતમાં ઘણો સુધારો દેખાતો હતો. થોડા વ્યવસ્થિત રીતે હરતાં ફરતાં થાય પછી મમ્મી પાસે બે ચાર દિવસ રહી આવીશ. એવું વિચારતી રૂપલ ઘરના કામમાં ગૂંથાઈ.

એ શુક્રવારે સાંજે અચાનક જ શીતલ બેગ લઈ આવી પહોંચી.

‘ભાભી, તમારી બેગ તૈયાર કરો.’

‘અરે, પણ શીતલબેન તમે આવ્યાં તો હું ક્યાં જવાની?’

‘તમારી મમ્મી સાથે રહી આવો અઠવાડિયું, જાઓ. હું અહીં જ રહેવાની છું, મમ્મીની સેવામાં, દિવાકરે અઠવાડિયાની રજા લીધી છે. એ શશાંકને સાચવી લેશે. ભલેને મમ્મીએ ના પાડી હોય પણ તમારાથી મને એક ફોન નહોતો થતો? આ તો તમારા પાડોશી જો કાલે ના મળ્યા હોત તો મને કંઈ ખબર જ ના પડત.’

તમારી મમ્મી બે મહિનાથી હૉસ્પિટલમાં છે અને તમે ઊભા ઊભા ખબર કાઢી આવ્યાં? મને કહેત તો હું આવી જાત ને? અહીં મમ્મીની તબિયત બગડી તો પણ તમે ફોન ના કર્યો? મને એમ પણ જાણવા મળ્યું કે, સાસુને ગમે ત્યારે ઍટેક આવી જાય છે એટલે રૂપલથી રહેવા અવાય એમ નથી. શું આ ખરી વાત છે? મમ્મીને શાના ઍટેક આવે છે, મને તો કહો, મારે ત્યાં રહેવા આવે ત્યારે તો કંઈ નથી થતું એને.

શીતલનું રૌદ્ર રૂપ રૂપલ તો આંચકો ખાઈ ગઈ. રાધાબેન આઘાપાછા થવા ગયાં પણ શીતલે માને ય રોકડું પરખાવી દીધું. ‘મમ્મી, પપ્પા સારા હતા તે તારાં બધાં નખરાં ઉઠાવતા હતા. ભાભી એમની માંદી મા સાથે ચાર દિવસ રહેવા ન જાય એટલે તું દર વખતે આવા ઍટેકના બહાને એમને રોકી લે છે, તે સારું નથી કરતી. ભગવાનની બહુ સેવા કરે છે તે આવું કોઈને રિબાવીને? મારું વિચારે છે તો ભાભીનું કેમ નહીં? તારે તો હક્કથી મને બોલાવીને પ્રેમથી ભાભીને મોકલવા જોઈએ.’ શરમ આવે છે મને તારી આવી હરકતોથી. હવે જોઉં છું કેવીક તારી શુગર ઓછી થાય છે. જાઓ ભાભી, તમે ઊપડો ને રહી આવો અઠવાડિયું શાંતિથી. ’

રૂપલ તો શીતલને વળગીને રડી પડી. ગળામાં થેંક્સ અટકી ગયેલું પણ શીતલે સમજીને એનો વાંસો થાબડી લીધો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.