આખરે આશીએ પતિનું ઘર છોડ્યું!

29 Jul, 2015
12:00 AM

કલ્પના દેસાઈ

PC:

આશીના ખાલીપાને આંસુઓથી ભરવા માગતા હોય, તેમ સોમેશભાઈ પોતાના રૂમમાં જઈ મોટેથી પોક મૂકીને ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડ્યા. ‘આશી... દીકરા... તેં આ શું કર્યું? બેટા, પાછી આવી જા. પપ્પા તને કંઈ નહીં કહે પણ તું પાછી આવી રહે દીકરા. તારા વગર તારા પપ્પા કેમ જીવશે તું જાણે છે? તારા પપ્પાનો ખયાલ કરીને પણ આવી જા બેટા. તને તો પપ્પા કેટલા વહાલા હતા? બધું ભૂલી ગઈ? તારી મમ્મી ને ભાઈ–બહેનનો વિચાર કરીને તો પાછી આવ. તને કોઈ કંઈ નહીં કહે. આશી...’

સમાજના ઠોકી બેસાડેલા રિવાજો પર હવે એમને ગુસ્સો આવી રહ્યો હતો. સાવ નકામા રિવાજોએ આજે એક બાપને એની પ્રિય દીકરીથી દૂર કરી દીધો હતો. શું હવે એવો કોઈ રસ્તો નથી બચ્યો કે આશી ફરીથી પોતાની પાસે આવીને રહે? ફરી બધું પહેલાંની જેમ થઈ જાય? હજી કોઈને કંઈ ખબર નથી પડી ત્યાં સુધીમાં કોઈ રસ્તો નીકળે તો? સોમેશભાઈ વિચારવા માંડ્યા. છેલ્લાં છ વર્ષોમાં આશીએ કેટલીય વાર પોતાને આજીજીઓ કરી હતી. ધારત તો પોતાની પાસે પૂરતો સમય હતો, કાં તો આશીને સમજાવીને બીજે પરણાવવાનો અથવા ન જ માને તો પછી ગમે તે રીતે છોકરાના માબાપને સમજાવી જોવાનો. જોકે, ક્યારેય એ દિવસ આવ્યો જ નહીં ને આખરે આ દિવસ આવીને ઊભો રહ્યો. હવે શું?

રહી રહીને સોમેશભાઈની સામે, આશીના જન્મથી માંડીને આજ સુધીનો એક એક પ્રસંગ જાણે કાલની જ વાત હોય એમ ઘુમરાવા માંડ્યો. નાની હતી ત્યારથી પપ્પાની સાથે ને સાથે રહેતી આશી ક્યારથી પપ્પાની ખાસ ફ્રેન્ડ બની ગયેલી તેની કોઈને ખબર જ ન પડી. આશીની મમ્મીને આ બધા લાડ–પ્યાર બહુ ગમતાં નહીં. ‘દીકરીની જાતને વળી શા આટલા બધા લાડ કરવાના?’ પણ સોમેશભાઈને એનાથી કોઈ ફરક પડતો નહીં. પરિણામે માનો પ્યાર બે નાના ભાઈબહેનમાં વહેંચાઈ જતો. આ વાતે ઘરમાં ઝઘડા પણ થતા. એમાં આશીનો શો વાંક?

આશીએ ડ્રેસ ડિઝાઈનિંગનો કોર્સ પૂરો કર્યો ને છૂટક કામ કરીને ધીરે ધીરે પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરી દીધો. કુટુંબ પર બિલકુલ બોજ ન નાંખનારી દીકરી પર સોમેશભાઈને ગર્વ હતો જ્યારે સ્વાર્થી મા અને ભાઈ–બહેન આશી પાસે અવારનવાર પૈસા કઢાવતાં રહેતાં. સોમેશભાઈને આ બધું બિલકુલ ન ગમતું પણ આશી હસીને, વાત ટાળીને પપ્પાને સમજાવી લેતી. દીકરી કેટલી સમજુ હતી? સોમેશભાઈ આશીના રૂમમાં ગયા. હંમેશની જેમ વ્યવસ્થિત રહેતા રૂમમાં આશી એના પલંગ પર બે–ચાર ડ્રેસ પાથરીને બેઠેલી દેખાઈ, ‘પપ્પા, આમાંથી કયો ડ્રેસ વધારે પડતો ભડક લાગે છે? આ કે આ?’ પલંગ પર ફસડાઈ પડતાં સોમેશભાઈએ જાણે હૈયું નિચોવી નાંખ્યુ, ‘આશી...’ ક્યાંય સુધી તેઓ એમ જ રડ્યા કરત પણ...

અચાનક કંઈક યાદ આવતાં તરત જ એમણે આશીનો કબાટ ખોલ્યો. ‘ઓહ! આ બધું તો અહીં જ મૂકી ગઈ છે.’ પછી તો, એમણે બીજો કબાટ પણ જોયો અને રૂમમાં મૂકેલી બધી વસ્તુઓ પણ ધ્યાનથી જોવા માંડી. મનમાં કંઈક વિચારી તરત જ એક મોટું બૉક્સ લઈ એમણે આશીની જરૂરિયાતની વસ્તુઓ એમાં ભરવા માંડી. સરસ પૅક કરી કુરિયરની ઓફિસમાં ફોન કર્યો. આશીની ફ્રેન્ડ પાસે લીધેલા સરનામે પાર્સલ રવાના કરીને સંતોષનો શ્વાસ લીધો.

ત્યાં દિલ્હીમાં, નિસર્ગ અને આશી નવા જીવનની શરૂઆત કરતાં એમનું ઘર સજાવી રહ્યા હતાં. સવારમાં જ સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે આવેલા પાર્સલને જોઈ બંને ગળગળાં થઈ ગયાં. આશીની આંખોમાંથી વહેલો પપ્પાનો પ્રેમ આશીના ગાલ ભીંજવતો રહ્યો. ‘આશી, પપ્પાને ફોન કરી દે. પાર્સલ મળી ગયું.’ આશીના ગળે બાઝેલો ડૂમો એને ક્યાં બોલવા દે તેમ હતો? એણે મેસેજ કરી દીધો, ‘લવ યુ પપ્પા. થૅંક્સ.’

આશીના ફોનની રાહ જોવામાં સોમેશભાઈ પોતાની ઊંઘ હરામ કરી બેઠેલા. ફોનના સ્ક્રીન પર મેસેજ ઝબક્યો, ‘લવ યુ પપ્પા’ ને પપ્પાની આંખોમાંથી શ્રાવણ–ભાદરવો ચાલુ. ‘લવ યુ બેટા’ બોલતા બોલતા તો સોમેશભાઈ કેટલીય વાર મેસેજ જોઈ ચૂક્યા. હાશ! દીકરી મારા પર ગુસ્સે નથી. પોતાની ખુશી પત્ની સાથે વહેંચવા, સોમેશભાઈ વહેલા વહેલા ઊભા તો થઈ ગયા પણ પત્નીનો રૂક્ષ વહેવાર યાદ આવતાં એમણે માંડી વાળ્યું. બે દિવસ પછી મોટો તહેવાર આવે છે, ત્યારે વાત. ત્યાં સુધીમાં તો એનો ગુસ્સો પણ નરમ પડી જશે.

આશી દિલ્હીમાં છે.’ સોમેશભાઈએ ધીરે રહીને વાત મૂકી.

મને ખબર છે ને તમે એને મોટું પાર્સલ મોકલ્યું તે પણ હું જાણું છું. તમારી લાડલીએ આપણું નાક કાપ્યું તેની તમને કંઈ પડી નથી? આવ્યા મોટા દીકરીનું નામ લઈને. તમારે જે કરવું હોય તે કરો, મારી સામે એની વાત નહીં જોઈએ.’

મા થઈને દીકરીને ન સમજનાર પત્ની પર સોમેશભાઈએ દયા ખાવી કે ગુસ્સો કરવો તે ન સમજાતાં આખરે એમણે બજારની વાટ પકડી. ઘરની મીઠાઈ ને નાસ્તો મોકલવાની ઘણી ઈચ્છા હોવા છતાં એમણે મન મોટું કરી, આખરે આશીની ફેવરેટ દુકાનેથી આશીને ભાવતી મીઠાઈ ને નાસ્તાનું મોટું પાર્સલ દિલ્હી રવાના કર્યું. સોમેશભાઈને તો કેટલુંય મન થયું કે, આશીને જઈને હાથોહાથ બધું આપી આવે ને એ બહાને દીકરીને જોઈ આવે ને મન ભરીને મળી પણ લે પણ હજી જમાઈને સ્વીકારતાં મન નહોતું માનતું. તેઓ સારી રીતે જાણતા હતા કે, હવે કંઈ જ થઈ શકે એમ નથી. તો પછી આશીની ખુશીમાં કેમ પોતાની ખુશી નથી જોવાતી? સોમેશભાઈનું મન વિચારે ચડ્યું.

હવે જ્યારે લગ્ન થઈ જ ગયાં છે તો શું એવું ન થઈ શકે કે, નિસર્ગનાં ઘરનાં લોકો ધામધૂમથી લગ્ન કરવા રાજી થાય? હજી વાત બહાર નથી પડી. બંને પક્ષનાં લોકો હળીમળીને લગ્ન કરાવી દે તો બધી વાતની પંચાત જ ટળી જાય. પત્નીને તો કંઈ કહેવા–પૂછવાનો સવાલ જ નહોતો. એમણે આશીને ફોન કરીને બધી વાત સમજાવી. જો નિસર્ગ એના ઘરે જઈને બધી વાત કરે અને એના ઘરનાં રાજી થાય તો કામ આસાન બની જાય. સમાજનો સામનો કરવાનો કે બદનામીનો પણ પછી કોઈ પ્રશ્ન જ ન રહે. આશીએ નિસર્ગને બધી વાત સમજાવી. નિસર્ગે બીજે જ દિવસે ઘરે જઈ ઘરનાં સાથે બધી વાત કરી લીધી. થોડી રકઝક, ઘણી બોલાચાલી અને અંતે મંજૂરી! આખરે સૌની ઈજ્જતનો પણ સવાલ હતો.

નિસર્ગની હા થતાં જ સોમેશભાઈએ રાહતનો શ્વાસ લીધો અને વહેલી તકે લગ્નનું મૂરત કઢાવ્યું. હવે ધામધૂમથી લગ્ન થાય ત્યાં સુધી? આશીએ પિયરમાં રહેવાનું! લગ્નનું મૂરત નીકળ્યું બે મહિના પછી! આશીએ આખરે સુખી લગ્નજીવન ને ઉજ્જવળ ભવિષ્ય ખાતર પતિનું ઘર છોડ્યું! નિસર્ગ ને આશી, બંનેની એક આંખમાં વિદાયનો ગમ હતો તો બીજી આંખમાં ફરી મળવાની ખુશી.

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.