કોઈક તો જાગે

03 Aug, 2016
12:05 AM

કલ્પના દેસાઈ

PC:

‘સર, હું તમારી સાથે થોડી વાત કરવા માગું છું.’

‘હા, બોલો બહેન, શું કહેવું છે તમારે?’

‘વાત એકદમ ખાનગી છે. અહીં જાહેરમાં નહીં.’

‘સારું, તો આપણે મારી કૅબિનમાં બેસીએ.’

‘સારું.’

‘બોલો હવે, શી વાત છે?’

‘સર, હું આ એરિયાના શૉપિંગ સેન્ટરની બાજુમાં આવેલા ‘સાકેત દર્શન’માંથી આવું છું. મારું નામ માયા સોનાર છે. તમને યાદ હોય તો, છ મહિના પહેલાં એ બિલ્ડિંગમાંથી એક યુવતીની લાશ મળેલી અને પોલીસ તપાસમાં એણે સુસાઈડ કરેલું એવું બહાર આવેલું.’

‘હા,યાદ છે. એના લગ્નને છ જ મહિના થયેલા, પણ એના મગજનું ઠેકાણું નહોતું અને એ સ્થિતિમાં જ એણે ગળે ફાંસો મારી દીધો હતો. પોલીસ પાસે બધા મજબૂત સબૂતો પણ હતા અને ઘરનાં કોઈ પર શક કરવાનું કોઈ કારણ જ નહોતું. મારા જ હાથમાં એ કેસ હતો. તેનું શું થયું? આજે કેમ તમે એ વાત કરવા આવ્યાં?’

‘સર, એ આપઘાત નહોતો પણ ખૂન હતું.’

‘તમે કયા આધારે કહી શકો, કે એ ખૂન હતું?’

‘સર, મારી પાસે પૂરતા સબૂત છે.’

‘શું વાત કરો છો? તમારી પાસે સબૂત ક્યાંથી આવ્યા?’

‘સર, જીવતા જાગતા સબૂત છે, એટલે તમારે એમના મોંએથી જ એ વાત કઢાવીને સાબિત કરવું પડશે, કે ખૂન કોણે કર્યું છે.’

ઈન્સપેક્ટર રાહી વિચારમાં પડ્યા. પેલી મરનાર યુવતીને મગજની બિમારી હતી, એનું ડૉક્ટરી સર્ટિફિકેટ અને દવાના પ્રિસ્ક્રિપ્શન્સ સુદ્ધાં, એમણે જાતે પોતાના ખાસ ડૉકટર મિત્ર પાસે ચેક કરાવેલા. ઘરનાં દરેક મેમ્બરની દસ વાર મુલાકાત લઈને જાતજાતના સવાલોથી એમને પરેશાન પણ કરી મૂકેલા. એક ખાનદાન ને પ્રેમાળ કુટુંબ તરીકે આખા એરિયામાં સારી છાપ ધરાવતા કુટુંબમાં, કોઈ વહુને આપઘાત કરવાની જરૂર જ ન પડે એવું એમણે પણ નોંધ્યું હતું. તો પછી, આ બહેન માયા, છેક છ મહિના પછી  કેમ આ વાત કરવા આવી?  તે પણ પોતાની પાસે પૂરતા સબૂત હોવાનું કહીને? ક્યાંક એની પણ ડાગળી..? ના ના, વાતચીત ને દેખાવ પરથી તો ભણેલીગણેલી ને સંસ્કારી પણ લાગે છે. જોકે, સંસ્કારી દેખાવું ને હોવું, બેમાં બહુ મોટો ફેર છે એ હું ક્યાં નથી જાણતો? ખેર, કોઈ પણ વાતને હળવાશથી ન લેવી ને દરેક વાતમાં શક કરવો, એ તો મારું કામ છે. તો પછી, ખૂન કે આપઘાત જેવા કેસમાં તો ભલે ને છ વરસ પછી પણ, કોઈ કેમ ન કહે કે  આ ખોટો કેસ છે તો એ કેસને ફરી ઉખેળવાની મારી ફરજ છે.

‘બહેન, તમારી પાસે જે સબૂત હોય તેની વિગત આપો એટલે હું ફરી એ કેસ પર કામ ચાલુ કરું.’

‘સર, મને કહેતાં બહુ જ ખરાબ લાગે છે, પણ મારા પતિ પણ આ કેસ સાથે સંડોવાયેલા છે.’ બોલતાં બોલતાં માયાના મોં પર દુ:ખ ને ગુસ્સાની રેખાઓ ફરી વળી. ઈન્સપેક્ટર રાહીના મગજની નસો તંગ થઈ ગઈ. વળી એક અટપટા સંબંધની કહાણી. નક્કી આ બહેનના પતિએ મરનાર યુવતી સાથે કંઈક અણછાજતું વર્તન કર્યું હશે અને બધું જાણીને મનમાં સળગી રહેલી આ બહેન, પેલી યુવતીનું દુ:ખ વધુ સહન ન થતાં આજે ફરિયાદ કરવા અહીં આવી પહોંચી લાગે છે. ગજબ હિંમત છે આ બહેનની, જે પોતાના પતિ વિરુદ્ધ જ ફરિયાદ નોંધાવવા આવી છે. એના પતિથી છીનાઝપટીમાં ખૂન થઈ ગયું હશે અને દરેકે પોતાની ઈજ્જત બચાવવા નિર્દોષ વહુને પાગલ ઠેરવીને એના માથે બધું ઢોળી દીધું હશે. એ લોકોને ક્યાં ખબર કે, ગમે ત્યારે ને ગમે ત્યાંથી પણ એમના ગુનાને સાબિત કરતી કોઈક ન કોઈક કડી તો મળી જ આવે. ચાલો, જે થયું તે સારું થયું નહિં તો, મારા ચોપડામાં પણ એક નિર્દોષની હત્યાના ખોટા કેસનું કલંક લાગી જાત.

‘બહેન, તમે બિલકુલ ગભરાશો નહીં. તમારી ઓળખ પણ જાહેર નહીં થાય અને તમને સંપૂર્ણ સહકાર પણ મળશે. જે કહેવું હોય તે જરાય ગભરાયા વગર કહી દો.’

‘સર, અમારા પાડોશનું ફેમિલી સમાજમાં બહુ ઈજ્જતદાર ગણાય છે. બધા સાથે એમનો સારો વ્યવહાર અને દરેકને મદદરૂપ થવાની એમની તત્પરતા જોઈને, મને પણ શરૂઆતમાં એમના માટે બહુ માન હતું. એકના એક દીકરાના લગ્ન પ્રસંગે પણ એમણે સમાજને દાખલારૂપ બનવાના સંકલ્પને પૂરેપૂરો નિભાવેલો. અમારી સાથેનો એમનો વ્યવહાર પણ ખૂબ જ સ્નેહાળ. એકબીજાના ઘરે ક્યારેય પણ અવરજવર કરવાની બધાંને છૂટ હતી. છેલ્લા એકાદ વરસથી એમના ઘરમાં ધીમી ધીમી ચણભણના અવાજો સંભળાવા ચાલુ થયા હતા. એ વાતને બહુ સ્વાભાવિક સમજીને અમે બહુ મન પર નહોતી લીધી. અમને વહુના મોં પર કાયમ એક ડર ને ઉદાસી જોવા મળવા લાગી. જાણે કે એના ઉપર કોઈ ત્રાસ ગુજારાતો હોય. તોય પાડોશીના આટલાં વરસોના સંબંધ ને સ્વભાવને ઓળખતાં હોવાથી અમારા મનમાં ક્યારેય કોઈ શક પેદા નહોતો થયો.

એક દિવસ ઘરે પેલી વહુ એકલી જ હતી, એનો લાભ લઈને એ વહેલી વહેલી મને મળવા આવી. મારા પરનો એનો કયો વિશ્વાસ કામ કરી ગયો ખબર નહીં, પણ એણે રડતાં રડતાં મને એની દુ:ખદ કહાણી ટૂંકમાં જણાવી દીધી ને ઝડપથી એના ઘરે જતી રહી. હું તો એની વાત સાંભળીને જ એવા આઘાતમાં સરી ગઈ, કે બે દિવસ સુધી તો મારાથી મારા પતિ સાથે પણ બરાબર વાત ન થઈ. પતિને જણાવવું કે નહીં તેની અવઢવમાં આખરે મેં એમને બધી વાત જણાવી દીધી. વાત જાણીને તો એમને પણ આઘાત લાગ્યો. સાસુ, સસરા અને દીકરો દહેજની માગણી કરીને વહુને માનસિકની સાથે શારિરીક ત્રાસ પણ આપતાં હતાં! વહુના પિયરમાં એમની માગણી પૂરી થાય એવી સંપત્તિ  નહોતી.

અમારી સાથેની વાતોમાં પાડોશીઓએ પાણી પહેલાં પાળ બાંધવાની શરૂઆત કરવા માંડેલી. એમના કહેવા મુજબ વહુને પહેલેથી જ ગાંડપણની બિમારી હતી જે અહીં આવીને વધી ગઈ છે. વહુ ઘણી વાર તોફાન કરે તો ઘણી વાર મોટે મોટેથી રડે પણ ખરી.(એ કેમ રડતી હતી તેનો જવાબ!) અમે શું બોલીએ? કોઈના કૌટુંબિક ઝઘડામાં માથું મારવાનો આપણને કોઈ હક નથી એમ સમજીને અમે ચૂપ રહેતાં. પણ એક દિવસ ન બનવાનું બન્યું. એ બધાંએ ભેગાં મળીને વહુનું કાસળ કાઢી નાંખ્યું. વહુએ આપઘાત કર્યો એવાં ઠોસ સબૂતો ઉપજાવી કાઢ્યાં અને પોલીસને બોલાવી લીધી. હવે બનેલું એવું કે, તે જ રાતે મારા પતિને કોઈક રીતે ગંધ આવતાં એમણે પોલીસને જણાવવાને બદલે પાડોશીના ઘરનું બારણું ખખડાવ્યું. તાબડતોબ એમને અંદર લઈને બાપ–દીકરાએ ખબર નહીં, શી મસલત કરીને મારા પતિનું મોં પૈસા વડે બંધ કરી દીધું. મને કહેતાં શરમ આવે છે પણ, મારા પતિની પૈસાની લાલચ આ હદે નીચ કક્ષાએ જશે એવું તો મેં સ્વપ્નેય નહોતું વિચાર્યું.

એમણે ઘરે આવીને મને બધી વાત કરી ને ચૂપ રહેવા જણાવ્યું. સર, તે દિવસે તો હું ચૂપ રહી કારણકે મને તાત્કાલિક કંઈ સૂઝ્યું નહોતું. પણ ત્યાર પછીની એક પણ રાત હું ચેનથી સૂતી નથી. રોજ મારી આંખ સામે પેલી વહુનો નિર્દોષ ચહેરો ને તે દિવસની એની વાતો કાનમાં ઘુમરાઈ ઘુમરાઈને કહેતી રહે છે, ‘તમે પણ મારી સાથે આવું કર્યું?’ જેમ તેમ છ મહિના તો નીકળ્યા પણ હવે મારાથી એક પળ પણ રહેવાશે નહીં. તમે અમારા પાડોશીઓને, જે અસલી ગુનેગાર છે તેમને પકડી લો અને મારા પતિને પણ ગુનો છુપાવવાના આરોપસર જે સજા કરવી હોય તે કરો. તો જ મારા મનને અને પેલી વહુના આત્માને શાંતિ મળશે. હવે કોની પાસે કેમ વાત કઢાવવી તે તમારા હાથમાં છે.’ બોલતાં બોલતાં તો માયા રડી પડી. થોડી વારે સ્વસ્થ થઈને ઘરે જતી રહી.

ઈન્સપેક્ટર રાહીએ છ મહિના જૂની ફાઈલ બહાર કાઢી. ગુનેગારોને સજા થઈ એ કહેવાની જરૂર ખરી?

(સત્યકથા પરથી)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.