કાકી આવે છે!

18 Nov, 2015
12:00 AM

કલ્પના દેસાઈ

PC:

‘કાકી આવે છે.’

આ ત્રણ શબ્દો છેલ્લા દસ દિવસથી ઘરમાં ધૂમરાતા હતા. જેના મોંએ સાંભળો તેના મોંએ ઓછામાં ઓછું ચાર–પાંચ વાર તો આ વાક્ય સાંભળવા મળતું જ અને દર વખતે લક્ષાના શરીરમાં આછી કંપારી ફરી વળતી. આ બધાં આટલા ખુશ શાનાં થાય છે? આટલાં વર્ષોથી કાકી આવે છે પણ કોઈ કેમ કાકીને હજી સુધી ઓળખી નથી શક્યું? બધા જ બુદ્ધુ છે સાવ! આટલી સાદી સીધી વાત પણ કોઈ સમજતું નથી કે કાકી....

‘લક્ષા... બેટા, કાકી આવે છે કાલે. એમનો રૂમ તૈયાર છે ને? જરા એક વાર પાછું બધું જોઈ લેજે. કંઈ રહી ન જાય તેનું ધ્યાન રાખજે. તું તો જાણે જ છે પણ આ તો યાદ કરાવ્યું.’

‘હા મમ્મી, બધું જ બરાબર એમની પસંદ પ્રમાણે ને એકદમ પરફેક્ટ! તમારે કંઈ કહેવું ન પડે. (‘ને મારે કંઈ સાંભળવું ન પડે.’ લક્ષા મનમાં બબડી.)

‘કાલે એમને લેવા કોણ જવાનું છે? નક્કી છે કે? નહીં તો તારે દોડવું પડશે.’

‘મમ્મી, નાનાભાઈ લેવા જવાના છે ને એમને ટાઈમ પર મોકલવાની જવાબદારી મારી. તમે ચિંતા નહીં કરો.’ (કાકી ધારે તો ઘરેથી પોતાની ગાડીમાં આવી શકે એવાં છે, પણ ભત્રીજા પાસે જ ફર્સ્ટક્લાસની રિટર્ન ટિકિટ કઢાવવાનું વધારે સહેલું પડે ને? વળી, ભત્રીજો પ્રેમથી લેવા જાય ને મૂકવા પણ જાય, એવું માન પોતાની ગાડીમાં આવે તો થોડું મળે? આ લોકો ક્યારે સમજશે કોણ જાણે!)

સસરા તો વર્ષો પહેલાં ગુજરી ગયેલા. વડીલ હોવાને નાતે કે બહાને, કાકીએ વણનોતર્યાં મહેમાનની જેમ પ્રવેશીને પોતાનાં સાસુ, દિયર–દેરાણી તથા પતિ અને ચારેય બાળકોને, કોઈ અજબ સંમોહન કરી પોતાના તરફ ખેંચી રાખેલાં. કાકીના વસવાટ દરમિયાન લક્ષા બધો ખેલ જોયા કરતી પણ પોતે કાકીના જાદુમાં કેમ ન ફસાઈ તેની એને બરાબર ખબર હતી. લક્ષા ગજબની માણસપારખુ હતી. સામેના માણસની વાત કરવાની રીતભાત પરથી એ એના મનમાં ઝાંકી શકતી. તેમાંય કાકીની મીઠી મીઠી વાતોથી તો એ પહેલે દિવસે જ ચોંકી ઊઠેલી. આ કાકી વગર કોઈ લોભ લાલચે કેમ બધા પર આટલો પ્રેમ વરસાવે છે? માન્યું કે, એમના દીકરા ને દીકરીનો પરિવાર બીજા શહેરોમાં છે, પણ પ્રસંગોપાત એ લોકો તો આવતાં રહે છે ને કાકી પણ અવારનવાર જતાં રહે છે. તો પછી? વરસમાં બે ત્રણ વાર આમ અચાનક જ પધરામણીના સમાચાર મોકલવા ને દસ પંદર દિવસના ધામા નાંખવા! કંઈ અજબ ના કહેવાય?

અહીં મમ્મીને તો કેટલુંય કહીએ તોય જેમતેમ અઠવાડિયું માંડ કશે ફરવા નીકળે. જો કાકીને ત્યાં જવાનો વિચાર કરે તો કાકીનો કાયમ એક જ જવાબ હોય, ‘હમણાં જ અક્ષતને ત્યાં જવા નીકળી છું.’ ‘હમણાં જ કેતકી એની બહેનપણીઓ સાથે રહેવા આવી છે.’ ને મમ્મી બિચારી કહેતી, ‘વસુંધરાને ત્યાં બહુ અવરજવર રહે. બિચારી નવરી જ ન પડે.’ (લક્ષાને કહેવાનું મન થઈ આવતું, ‘મમ્મી, કાકી તો નવરાં જ છે. એ તો આપણે ત્યાં ધામો નાંખવાનું જ વિચારતાં હશે. અક્ષત ને કેતકીનું ફેમિલી તો ગોવા ટૂર પર નીકળ્યું છે. રોજ ફેસબુક પર ફોટા મૂકે છે. તમને કહીને મારે દુ:ખી નથી કરવાં. પણ કાકીને ઓળખો હવે, બસ થયું.’)

કાકા તો હતા નહીં, પણ કાકી માટે સારો એવો પૈસો મૂકી ગયેલા તેના તોરમાં કાકીએ દીકરા–વહુ સાથે ને દીકરી–જમાઈ સાથે પણ ઠીક ઠીક વ્યવહાર રાખેલો. બધા તો પૈસા માટે સંબંધ રાખે એમ સમજીને કાકીએ બધા પર જ કડપ રાખેલો. બચે તેટલા વધારે પૈસા બચાવવા કાકી ભત્રીજાઓને ત્યાં વરસમાં ત્રણ ચાર વાર થોડા દિવસ રહી જતા! લક્ષા સિવાય, કાકી એમને ત્યાં રહે એનો કોઈને વાંધો નહોતો. વાંધો પણ શાનો હોય? બધાંને સવારથી તે રાત સુધીનાં મસ્કાપૉલિશવાળા લાડપ્યાર સાંભળવા મળતા જ રહેતા, જે આમ દિવસોમાં મળતા નહીં!

‘લક્ષા બેટા, આ સંદીપનો ઓફિસનો ટાઈમ થઈ ગયો બેટા. ચાલો તો, થાળી લાવજો. મોડું થાય.’ ‘અરે રે ! મારા દીકુની રિક્ષા આવી ગઈ? લક્ષા...જલદી ટિફિન લાવજે, આ છોકરાંઓની રિક્ષા આવી ગઈ છે. પછી સ્કૂલમાં ટીચર પનિશ કરશે, કેમ દીકા?’ દીકાને બે વેંત ઊંચે ચડાવે તો મમ્મીની વિરુદ્ધ થઈ જાય એવું! આવા જ લવારા આખો દિવસ બધાનાં માટે ચાલતાં જ રહે. ‘લક્ષા, તારી મમ્મી માટે આજે શીરો બનાવજે. બિચારી બહુ દુબળી થઈ ગઈ છે. હું છું એટલા દિવસ રોજ એને બદામનો શીરો ખવડાવીને તાજીમાજી કરી દઈએ.’ સાસુને થતું કે, વહુ કરતાં તો જેઠાણી પોતાની કાળજી સારી રાખે છે! ભલે ને શીરો લક્ષા બનાવતી હોય. ને સાસુજી જેઠાણી આગળ દિલ ઠાલવી દેતાં. તેમાં લક્ષાની વિરુદ્ધ પણ ચાવી ભેરવાવા માંડી હોય તેની એમને બિચારાંને ક્યાંથી ભાન પડે? લક્ષાને તો સાસુના બે ચાર વાક્યોથી જ સમજાઈ જાય કે આ પેલી ચાવીનો પ્રતાપ છે.

નવાઈની વાત હતી કે, આટલું ભણેલી(પણ ગણેલી?) દેરાણી હોવા છતાં એ પણ કાકીના ઝાંસામાં આવીને કાકીના ખોળામાં બેસી જતી! કાકી એને પાસે બેસાડીને ઘરની બધી પંચાત કરતાં, એના પિયરની બધી વાત કઢાવતાં ને વખત આવ્યે ટિપ્પણી પણ કરી લેતાં, તોય દેરાણી મોજમાં આવીને બધો બકવાસ કરી દેતી. કોઈ લગામ નહીં કે કોઈ આગળપાછળનો વિચાર નહીં. લક્ષા કહે કે સમજાવે તો પણ કોને કહે? ને કોને સમજાવે? કાકી એટલે જાણે સર્વગુણસંપન્ન કોઈ મહાન આત્મા!

આ વખતે પણ લક્ષાએ નક્કી કર્યું હતું કે, હવે કાકીને એમની ચાલે ચાલવા નથી દેવા. બહુ થયું. આમ તો એ અમારું ઘર ખેદાનમેદાન કરી નાંખશે. બધાંને એકબીજાથી દૂર કરી દેશે ને જ્યાં આજ સુધી કોઈને વેરઝેર નથી ખબર ત્યાં બધું ઉજ્જડ કરી દેશે. એટલું વળી સારું હતું કે, લક્ષાનું માન સહુ જાળવતું ને સૌને એના માટે પ્રેમ પણ તેટલો જ હતો. લક્ષાએ કાકીની ચાલથી જ એમને પરાસ્ત કરવાનું નક્કી કર્યું. વાતવાતમાં ઘરનાં બધા જ સદસ્યોના મનમાં કાકીની મીઠી વાતોનું કારણ જણાવ્યું. કાકી આડકતરી રીતે ઘરમાં એકબીજાની વિરુદ્ધ વાતો કરીને બધાંને લડાવવા માગે છે તે ઈશારામાં સમજાવી દીધું. તરત જ તો એ વાત કોઈના માનવામાં ન આવી પણ કાકી આવે ત્યારે ખાતરી કરશું એમ કહી સહુ ચૂપ રહ્યાં.

કાકી આવ્યાં ને આવતાંવેંત રડીને પોતાની દેરાણીને ગળે લગાવતાં બોલ્યાં, ‘બેન, તને જ્યારે જોઉં ત્યારે તું વધારે ને વધારે સૂકાઈ ગયેલી જ દેખાય. હવે તને જાડી કર્યા વગર હું નથી જવાની. ને લક્ષા બેટા, આ તારી ઉંમર છે આટલી બધી તબિયત જમાવવાની? બેટા, ઘરનું કામ કરતી રહે તો તબિયત ઊતરશે. મારાં નાનકુડાંઓ ક્યાં ગયાં? જો કાકી એમના માટે શું લાવી છે? આવ બેટા, આ મિઠાઈ ને નાસ્તાનું બૉક્સ રસોડામાં મૂકીને મારા માટે સરસ ચા બનાવી લાવ જા. લક્ષાને તો પાછું કંઈ કામ બાકી હશે.’ આ સાંભળીને લક્ષાની દેરાણીએ લક્ષા સામે જોયું ને લક્ષાએ મમ્મી સામે. તે જ સમયે મમ્મીની નજર પણ લક્ષા સાથે ટકરાઈ ને ત્રણેયને, સવારે લક્ષાએ કરેલા ઈશારાની યાદ આવી ગઈ. લક્ષાની વાત સાચી લાગે છે. રાત પડતાં સુધીમાં તો કાકીની દરેક વાતમાં વહાલનો અતિરેક ને તેની પાછળ રહેલી લુચ્ચાઈના અણસારે સૌ ચોંકી ઊઠ્યાં. અંદરઅંદર મસલત કરી સૌએ એક નિર્ણય કર્યો.

બે દિવસ પછી લક્ષાના પતિ મિહિરે, બાળકોની સ્કૂલે વિદાય થયા બાદ બધાંની હાજરીમાં કાકીને બહુ સારા શબ્દોમાં સમજાવી દીધું, ‘કાકી, તમે ચાહો એટલા દિવસ અહીં રહો પણ અમારા ઘરમાં ફાટફૂટ પડાવવાનો તમારો ઈરાદો અહીં કામ નહીં આવે. તમારા ખોટેખોટા વેવલાવેડા અમે બધાં સારી રીતે જાણી ગયાં છીએ. માનથી રહેવું હોય તો સૌ સંપીને રહે એવું કરો. નહીં તો, ઘરના દરવાજા  ખુલ્લા છે. તમે કહેશો ત્યારે તમને ઘરે મૂકી આવીશ.’ કાકીની ચાલ અવળી પડતાં ને બધાંની વચ્ચે આમ અપમાન થતાં જ એમની આંખોમાંથી ધુમાડા ને ફૂંફાડા ચાલુ થઈ ગયેલા, પણ એમને ગણકારવાનું કોણ હતું ? ટૅકસી આવતાં જ કાકી ઘરભેગાં થઈ ગયાં, કાયમ માટે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.