બૅંકમાં ખાતું
‘બૅંકમાં જઈને શું કરવાનું તને ખબર છે મમ્મી? તૈયાર થઈ ગઈ બૅંકમાં જવા! સાદી સીધી સ્લીપ ભરતાં તો આવડતી નથી ને બૅંકમાં જવા તૈયાર થઈ ગઈ. તું રહેવા દે, હું પ્યૂનને બોલાવીને પૈસા કઢાવી લઈશ. જા તું તારું કામ કર એના કરતાં. તું ઘરમાં જ સારી છે.’
હંમેશની જેમ આરતીનું મોં પડી ગયું ને એ ચુપચાપ રસોડામાં જતી રહી. સૌરવને તાવ આવતો હતો, ને બૅંકમાંથી પૈસા કાઢવા જેવી સાવ સામાન્ય જ વાત હતી, પણ આરતીને એમાં શું સમજ પડે એવી તદ્દન હલકી માનસિકતા ધરાવતો સૌરવ આરતીનું અપમાન કરતાં જરાય અચકાતો નહીં. ઘરની બહારના કોઈ પણ નાના કે મોટા કામની વાત આવતી ત્યારે આરતી હોંશે હોંશે જવા તૈયાર થઈ જતી, ‘લાવ હું જઈને કરી આવું.’ જવાબમાં કાયમ સાંભળવા મળતું, ‘તું રહેવા દે, તને એમાં સમજ નહીં પડે. એ તો હું કરી લઈશ નહીં તો પ્યૂનને મોકલી આપીશ.’
એવું નહોતું કે, આરતી ગરીબ ઘરમાંથી આવતી હતી કે ભણેલી નહોતી. બી કૉમ થયેલી. ને તોય? બસ, સ્ત્રી ને પુરુષનો ભેદભાવ ને એમના કામનો ભેદભાવ સૌરવના મગજ પર હંમેશા હાવી રહેતો. સ્વાભાવિક છે, કે આ શિક્ષણ એને ઘરમાંથી જ મળ્યું હતું! માની સતત અવહેલના કરતા પિતાને એણે બચપણથી જોયા હતા પણ ત્યારે એને માની દયા આવતી. જુવાનીમાં પિતાને ગુમાવ્યા બાદ ઓફિસનો કારભાર પોતાના હાથમાં આવતાં જ, ધીરે ધીરે એનામાંનો પુરુષ આળસ મરડીને બેઠો થયો હતો, અને જે વાતે આજ સુધી એને માની દયા આવતી, તે જ વાતે એને મા પર ગુસ્સો આવવા માંડ્યો હતો! પપ્પા બરાબર હતા, મમ્મીને કોઈ વાતમાં સમજ જ નથી પડતી.
માએ પતિની જેમ દીકરાનું વર્તન પણ દુ:ખી મને સ્વીકારી લીધું હતું. ન તો એના હાથમાં ઘરનો કોઈ કારભાર હતો કે ન એના નામે કોઈ બૅક બૅલેન્સ! ઘરમાંથી જ જો બધી સગવડો પૂરી પડાતી હોય તો પછી બૅંકમાં ખાતાનું શું કામ? ને બૅંકના કારભારમાં સ્ત્રીઓને બહુ છુટા દોર ન અપાય, તે જ્ઞાન એને પિતા તરફથી વારસામાં મળ્યું હતું! આરતીના હાથમાં ફક્ત રસોડાનો ને ઘરકામનો કારભાર હતો. ઘરમાં બીજાં કોઈ કામ ન હોવાથી, ઘરકામમાં કોઈ ખામી સૌરવ ચલાવતો નહીં. રસોઈ પણ પોતાની મરજી મુજબ જ બનાવવાના એના આગ્રહ સામે આરતી પોતાના સ્વાદ ભૂલી ગઈ હતી. શું વહુ આવશે તેને પણ સૌરવ આમ જ રાખશે? એના કરતાં તો વહુ ન આવે તે જ સારું. નકામી કોઈ છોકરી અહીં આવીને દુ:ખી થશે ને એના નિ:સાસા લાગશે.
આરતીએ પોતાના રૂમમાં જઈ બારણું બંધ કરી દર વખતની જેમ રડવાને બદલે મનમાં કોઈ નિશ્ચય કરી કબાટ ખોલ્યો. ચોરખાનું ખોલી એણે ઘરખર્ચમાંથી બચાવેલા એક લાખ રૂપિયાને ફરી એક વાર જોઈ લીધા. હાશ! સલામત છે. કેવી કેવી તકલીફો વેઠીને એણે આટલા રૂપિયા બચાવ્યા હતા, ફક્ત પોતાના દીકરા માટે. આજે એ દીકરાને પોતાની કોઈ કિંમત નથી. અરે, અહેસાન કે ફરજ જેવી વાતોને તો જવા દો પણ એક માણસ તરીકેની પણ કોઈ લાગણી એનામાં બચી નથી. મને એક નોકર તરીકે જ જુએ છે. અરે, નોકરને પણ માનથી બોલાવે ને કંપનીના પ્યૂનને પણ કોઈ દિવસ ઊંચા અવાજે કંઈ કહેતો નથી. તો પછી, મારું જ્યારે ને ત્યારે, જેની ને તેની સામે અપમાન કરતાં એને કોઈ દુ:ખ કે પસ્તાવો ક્યારેય નહીં થતો હોય? શું એનું બાળપણ ને જુવાનીના બધા દિવસો એ ભૂલી ગયો હશે? હાથમાં બધો કારભાર આવતાં જ વાર? પોતાનો સગો દીકરો આ હદે બદલાઈ જશે એવું તો આરતીએ સ્વપ્નેય નહોતું વિચાર્યું.
બધાં તો કહેતાં કે, વહુ આવે એટલે દીકરો બદલાઈ જાય. જ્યારે આણે તો વહુના આવવાનીય રાહ ન જોઈ! શું આ બધો પૈસાનો પાવર હતો? કંઈક તો કરવું પડશે ને આને પાઠ પણ ભણાવવો જ પડશે. તે વગર આના મગજમાંથી ભૂસું નહીં નીકળે. એને યાદ આવ્યું કે, ફ્લેટ ખરીદેલો ત્યારે તો સૌરવનો જન્મ પણ નહોતો થયો. સૌરવના પપ્પાએ એમની સગવડ ખાતર પોતાનું નામ પણ સાથે રાખેલું. પતિના અવસાન બાદ સ્વાભાવિક રીતે જ ફ્લૅટ પોતાના નામે થઈ ગયો હતો. ઓફિસમાં દીકરાનું સહિયારું નામ હતું, એટલે ઓફિસ તો દીકરાના પુખ્ત થવાની સાથે જ એની માલિકીની થઈ ગઈ હતી. દીકરો તો એ વહેમમાં જ હશે કે, ‘મમ્મીનું કોઈ નથી ને મમ્મી પાસે કંઈ નથી તો મને છોડીને ક્યાં જવાની?’ પણ હવે નહીં. બહુ વર્ષો કાઢ્યાં ને આખું જીવન આ લોકોની ખુશી ખાતર બરબાદ કર્યું. બરબાદ કર્યું? હા વળી, બરબાદ જ ને? પોતાની ખુશીનો એ લોકોએ તો નહીં પણ પોતેય ક્યારેય વિચાર કર્યો? હવે બસ. પતિ તો પોતાને સમજ્યા વગર જ ગયા ને દીકરાની આશા હતી, કે એ પોતાને સમજશે ને બાકીનાં વર્ષો આનંદથી સાથે રહેશે તેય ઠગારી નીકળી.
એક સુંદર ઘર–પરિવારના વિચારોમાં એ કાયમ સરકી જતી. દીકરો ને વહુ પોતાના નાનકડા સંસારમાં સુખી છે ને પોતે એ લોકોની સાથે રહેવા છતાં પોતાની દુનિયામાં સુખી છે. મીઠી કિલકારીઓને મન ભરીને માણતાં એનું જીવન ધન્ય થઈ જાય છે. પણ બહુ જલદી એ મીઠાં સપનાં ધુંધળાં બનીને ક્યાંય અદ્શ્ય થઈ જતાં ને પોતે પાછી અસહાય ને લાચાર બનીને ઘરની ચાર દિવાલોમાં ઘુમરાતી રહેતી. સૌરવ હવે નાનો તો નથી ને પોતાની જિંદગી પોતે કેમ જીવવી તેટલું સમજવાની અક્કલ તો એનામાં છે જ. પોતાની જવાબદારી તો ક્યારનીય પૂરી થઈ ગયેલી. નવું જીવન જીવવાનો સમય હવે આવી ગયો છે. ભલે ઘણું મોડું થયું પણ જાગ્યા ત્યારથી સવાર. એણે લાખ રૂપિયા એક પર્સમાં સાચવીને મૂકી દીધા ને ફ્લૅટના પેપર્સ શોધી કાઢ્યા.
બીજી સવારે, સૌરવના ઓફિસ ગયા પછી આરતી બે જગ્યાએ ગઈ. વકીલની ઓફિસમાં અને બૅંકમાં પોતાના નામે ખાતું ખોલાવવા. સાંજે સૌરવની સામે એણે ફ્લૅટના પેપર્સની કૉપી ધરીને કહ્યું, ‘આ ફ્લૅટ વેચીને હું નાના ફ્લૅટમાં જવાની છું. તું મારી સાથે મારી શરતે રહેવા તૈયાર હો તો સાથે રહીશું, નહીં તો અઠવાડિયામાં તારો સામાન ખાલી કરજે. મારું ખાતું મેં બૅંકમાં ખોલાવ્યું છે, તેમાં મારા ફ્લૅટના પૈસા જમા થઈ જશે. હવેથી મારું ખાતું હું સંભાળીશ.’
સૌરવ મમ્મી સામે અવાક્ બની જોઈ રહ્યો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર