જોજે, જરા સાચવીને
ડૉક્ટર વાડિયાના ક્લિનિકમાંથી બહાર નીકળતાં જ, વિરાજ હેત્વીને ભેટી પડ્યો, ‘થેન્ક યૂ સો મચ, હેતુ. આખરે ઉપરવાળાએ આપણાં મનની ઈચ્છા પૂરી કરી. બસ, હવે તારે મારા બધા હુકમ માનવાના છે ને હું કહું તેમ જ કરવાનું છે, સમજી? તારી કોઈ વાત હું માનવાનો નથી ને તારી કોઈ જિદ પણ ચાલવાની નથી.’
‘એ બધ્ધી વાત પછી, પહેલાં મમ્મીને ફોન તો કર. બિચારાં ક્યારનાં રાહ જોતાં હશે.’ હેત્વી પણ પ્રેગ્નન્સીના સમાચાર કન્ફર્મ થવાથી બહુ જ ખુશ હતી. કાનન જાણતી હતી, કે આજકાલનાં છોકરાં બે ચાર વરસ પછી જ, બાળકનો વિચાર કરે, એટલે એણેય કોઈ દિવસ કંઈ કહ્યું–પૂછ્યું નહોતું. જોકે આગલી સાંજે હેત્વીએ જ્યારે સમાચાર આપ્યા, ત્યારે તો એ હરખથી છલકાઈ જ ઊઠેલી. બીજા જ દિવસે બંનેને ડૉક્ટર વાડિયાને ત્યાં જવાનું કહીને, એ તો જાતજાતનાં સપનાં ગૂંથવા બેસી ગયેલી. બસ એક વાર ડૉક્ટર તરફથી હા આવી જાય, એટલે મારી હેત્વીને હાથમાં ને હાથમાં રાખીશ. એને કોઈ કામ નહીં કરવા દઉં ને કશે એકલી પણ જવા નહીં દઉં. કાનનની રાત સપનામાં જ વીતી અને સવારમાં આવેલો વિરાજનો હરખાતો અવાજ! ‘મમ્મી, તું દાદી બનવાની.’
‘દાદી’. કેટલો મીઠો શબ્દ. નાનાં ડગમગ ડગમગ પગલાંની પાછળ દાદી દોડતી હોય ને હાથમાં આવતાં છટકી ગયેલો પૌત્ર, ખુશ થતાં તાળી પાડતો હોય. પૌત્ર? કે પૌત્રી? ના, ના. એવું કંઈ વિચારવું નથી, જે હોય તે મને કોઈ વાંધો નથી. અને મને લાગે છે, કે આ લોકોને પણ કોઈ વાંધો નથી. ક્યારેય આ વાતની ઉગ્ર ચર્ચા ઘરમાં થઈ જ નથી. દાદીમા પાછાં સપનામાં ડૂબ્યાં. ડોરબેલ રણકતાં સફાળી જાગેલી કાનન વહેલી વહેલી રસોડામાં દોડી. કંકુ–ચોખાથી હેત્વીને વધાવી એને વહાલથી ભેટી પડી. શાંતિથી બધી વાતો સાંભળ્યા પછી કાનને જાહેરનામું બહાર પાડ્યુ, ‘જો બેટા, હવેથી તું મારા કબજામાં રહેશે અને તારી સંપૂર્ણ જવાબદારી મારી. ડાહી દીકરીની જેમ મારી બધી વાત તારે માનવી પડશે.’ હેત્વી ને વિરાજ માના પ્રેમ આગળ શું બોલે? ને એમ પણ બોલવા જેવું કંઈ હતું જ નહીં. કાનને ઘરમાંનું ફર્નિચર થોડું વ્યવસ્થિત કરી દીધું. દીકરીને ક્યાંય ઠોકર ન લાગવી જોઈએ.
કલકત્તા રહેતી હેત્વીની મમ્મીએ પણ ખુશખબર સાંભળીને, કાનનને ફોન પર વધાઈ આપી અને પોતાની કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોવાથી, પોતે મહિનો પછી આવશે એમ જણાવ્યું. કાનન પર એને સંપૂર્ણ વિશ્વાસ હતો. આટલા દિવસોમાં ક્યારેય હેત્વીનો કોઈ ફોન, પતિ કે સાસુની ફરિયાદ કરતો આવ્યો જ નહોતો. વળી પોતાની દીકરી પર પણ એને ભરોસો હતો. નાની નાની વાતમાં મમ્મીને ફોન કરવા કે મમ્મીને ખોટી લાગણીમાં તાણીને દુ:ખી કરવાનું હેત્વીને આવડ્યું નહોતું. સારું હતું, બંને પક્ષે સમજદારી અને શાંતિ હતી.
જોકે, આ શાંતિ લાંબો સમય ન ટકી. પતિ અને સાસુ તરફથી કંઈક વધારે પડતી કાળજીના કારણે, હેત્વીના મનમાં પોતે કંઈક સ્પેશ્યલ છે, એવી ભાવના ઘર કરી ગઈ. ધીરે ધીરે એણે ઘરમાં હલનચલન ઓછું કરી દીધું. ઘરની બહાર ટૅક્સી વગર નીકળતી નહીં, તે પણ ઘરની સામે જ આવે તો. ઘરમાં ઊઠ–બેસ પણ ઓછામાં ઓછી કરવા માંડી, તો પછી વાંકા વળવાની તો વાત જ ક્યાં? ને કોઈ પણ કામને હાથ લગાડવાની તો કાનને જ ના પાડેલી! ઘરમાં એક વધારાની કામવાળીની સગવડ કરાઈ. બસ, પછી શું જોઈએ? નાની નાની વાત માટે, હેત્વી સકુબાઈને બોલાવ્યા કરતી, ‘સકુબાઈ, જુઓ ને મારો રૂમાલ પડી ગયો.’ ‘સકુબાઈ, જુઓને મારો મોબાઈલ રસોડામાં હશે. જરા લાવી આપો ને.’ “સકુબાઈ, એક ગ્લાસ પાણી...પ્લી...ઝ.’
સકુબાઈને ખુદને પાંચમો મહિનો જતો હતો, પણ એને પોતાના સિવાય, બધાના પેટની પણ ફિકર હતી. વળી, વાસણ–કપડાં કે બીજાં કોઈ ઘરકામ નહોતાં. ફક્ત સવારથી સાંજ, હેત્વીની કાળજી રાખવાની હતી. હેત્વીને ચા, નાસ્તો, ફ્રૂટ કે જ્યૂસ સમયસર આપવાનું ને બાકીનો સમય પડ્યા બોલ ઝીલવાનું! કોઈક વાર સકુબાઈને પણ મન થતું, પોતાને પણ આ બધી સગવડ મળે. મનમાં આવતા વિચારને એ તરત ઝાટકી નાંખતી. દર મહિને જાતજાતની ટેસ્ટ અને રિપોર્ટ માટે, થોડે દૂર આવેલા ક્લિનિકમાં બધાં સમયસર પહોંચી જતાં અને નોર્મલ રિપોર્ટ જાણી રાહતનો શ્વાસ લેતાં. જ્યારે સકુબાઈને તો તારીખ પ્રમાણે સરકારી હૉસ્પિટલમાં જવાનું રહેતું ને એ પહોંચી પણ જતી. એને કોઈ તકલીફ નહોતી.
એક મહિના પછીની વાત. ઘરમાં હેત્વીની મમ્મી, રૂપાનું આગમન થયું. ખુશીની પળો હવે ચસોચસ ગોઠવાઈ ગઈ. હસીમજાક અને ખાવાપીવા, ફરવાથી માંડીને વાતોના તડાકામાં દિવસો પસાર થવા માંડ્યા. આ બધાની વચ્ચે પણ, રૂપાબહેનનું ધ્યાન સતત હેત્વીની હરકતો પર રહેતું. જમાઈ અને વેવણના, દીકરી માટેનાં અછોવાનાં પર રહેતું. દીકરીના સાસરામાં હોવાથી ઘણી વાતો એમણે મનમાં જ ગળી જવી પડતી. હેત્વીને થતાં લાડ–પ્યારનો એમને આનંદ હતો પણ એના અતિરેકનું દુ:ખ હતું. ભવિષ્ય એમને ડરાવી રહ્યું. દીકરીના અને આવનાર બાળકના ભવિષ્યની ચિંતા એમને સતાવવા માંડી. કહેવું કે ન કહેવુંની દ્વિધામાં બે દિવસ વીતી ગયા. ત્રીજે દિવસે રૂપાબહેને જોયું, કે હેત્વી ટીવી પર ફિલ્મ જોવા બેઠી છે, ત્યારે એમણે વિરાજ અને કાનનબહેન આગળ પોતાની ચિંતા વ્યક્ત કરી.
‘હેત્વીને હમણાં હમણાં પેટમાં દુ:ખાવાની ફરિયાદ ચાલુ થઈ છે. ડૉક્ટર શું કહે છે? કોઈ રિપોર્ટ કે દવાનું કહ્યું છે?’
‘આજે સાંજે સોનોગ્રાફી માટે કહ્યું છે. બ્લડ ટેસ્ટ ને બીજી પણ કેટલીક ટેસ્ટ કરવી પડશે. કોને ખબર અચાનક જ કેમ પેટમાં દુ:ખવા માંડ્યું? બધું જ રેગ્યુલર ચાલે છે તો પણ!’ બંનેનાં મોં પર ચિંતાની ઘેરી છાયા ફરી વળેલી જોતાં રૂપાબેને તક ઝડપી લીધી.
‘કાનનબહેન, હેત્વી જેટલી મારી એટલી જ તમારી પણ દીકરી છે, એ મેં જોઈ લીધું. તમે બંને એનું એટલું બધું ધ્યાન રાખો છો કે કોઈની નજર લાગી જાય. મને એનો આનંદ જ છે, પણ ચિંતા એ વાતની છે, કે એને લાડ કરવામાં તમે ભૂલ્યાં કે પ્રેગ્નન્ટ સ્ત્રી જેટલું હરફર કરતી રહેશે એટલું જ તેનું સ્વાસ્થ્ય સારું રહેશે. દાખલો આપણા ઘરમાં જ છે, સકુબાઈ. એ ક્યાં મોંઘાં શાકભાજી કે ફ્રૂટ્સ કે ડ્રાયફ્ર્ટ્સ ખાય છે? જ્યૂસ તો એણે ક્યારેય ચાખ્યું પણ નહીં હોય. તોય જુઓ, એને કોઈ જ તકલીફ નથી. એ નિરાંતે ઘરનાં બધાં કામ પતાવીને આખો દિવસ અહીં હેત્વીની સેવા કરે છે. પચાસ વાર ઊઠ–બેસ ને આંટાફેરા તો ચાલુ જ. વાંકી પણ આરામથી વળે છે. જ્યારે હેત્વી? ખાટલેથી પાટલે રહેવા માંડી! હલનચલનના નામે મીંડું. ને ખાવાનું આખો દિવસ, જે મન થાય તે! આળસુ બનશે તેની અસર પણ બાળક પર પડશે જ ને?
અરે, રોજ સાંજે એને ફરવા લઈ જાઓ તો, ગાડી કે ટૅક્સીને બદલે ચાલતાં લઈ જાઓ. ઘરનાં ભારે કામ ન કરાવો પણ પોતાનું કામ તો એ કરી શકે ને? ડૉક્ટરે કેમ કોઈ કસરત કે કામનું ન કહ્યું? એમને તો પેશન્ટને તકલીફ ચાલુ રહે તો જ કમાણી થાય ને? શું આપણે એને જબરદસ્તી સિઝેરિયન ઓપરેશન તરફ નથી ધકેલી રહ્યાં? થોડા દિવસ ભલે એ કંટાળશે, બબડશે પણ એના ને બાળકના સલામત ભવિષ્ય માટે આપણે સૌએ કડક પગલાં લેવાં જ પડશે. અઠવાડિયામાં તમે જોજો, એની બધી તકલીફો દૂર થઈ જશે ને ખોટી ખોટી ટેસ્ટ પણ નહીં કરાવવી પડે. તમે કે મેં આપણા સમયે આટલો આરામ કરેલો? શું આપણી ડિલિવરી નોર્મલ નહોતી થઈ? પ્રેમ જરૂર કરીએ પણ આંધળો નહીં.’
બીજા જ દિવસે, હેત્વીની લેફ્ટ–રાઈટ ચાલુ થઈ ગઈ. સકુબાઈને ભરપગારે છુટ્ટી મળી ગઈ અને સંતોષકારક પરિણામ જોતાં રૂપાબહેને વિદાય લીધી, ડિલિવરીની તારીખ નજીક આવે ત્યારે ફરી આવવાની શરતે. કહેવાની જરૂર ખરી, કે હેત્વીની નૉર્મલ ડિલિવરી જ થયેલી?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર