પેઈંગ ગેસ્ટ રહેતાં પહેલાં...

23 Sep, 2015
12:00 AM

કલ્પના દેસાઈ

PC:

‘ચાલો છોકરીઓ... જમી લો… આઠ વાગી ગયા, ચાલો...’

‘આવીએ આન્ટી, બસ બે મિનિટ.’

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા એક નાનકડા બંગલામાં, રોજ રાતે આઠ વાગતાં પહેલાં આટલી બે બૂમો નિયમિત રીતે છેલ્લા એક વરસથી ઘૂમરાતી. પન્નાબેન નામે એક વિધવા સ્ત્રી એ બંગલામાં બે વર્ષથી રહેતી હતી. બાળકો પરદેશ સેટલ થઈ ગયેલાં. ઘરમાં થોડી વસતિ રહે, એમને એકલું ન લાગે ને વળી કમાણી તો ખરી જ, એ વિચારે પન્નાબેને કૉલેજમાં ભણતી છોકરીઓને પેઈંગ ગેસ્ટ તરીકે રાખવાનું નક્કી કર્યું. અમદાવાદમાં તો બહારગામથી ભણવા આવતી છોકરીઓ પણ આવી જગ્યાઓની શોધમાં જ હોય. તેમાં વળી આ એકલા રહેતાં બેન અને શાંત વિસ્તારમાં સરસ બંગલો. પછી બીજું શું જોઈએ? અઠવાડિયામાં જ છ છોકરીઓ બંગલામાં કલબલાટ કરતી થઈ ગઈ ને બે રૂમમાં સહેલાઈથી પોતાનો સામાન ગોઠવીને રહેવા માંડી.

પહેલા છએક મહિના તો બધી છોકરીઓ પન્નાબેનના વર્તનથી ને એમના વ્યવહારથી ને ખાસ તો એમને ત્યાં મળતાં ભોજનથી બેહદ ખુશ હતી. સવાર–સાંજ ચા ને નાસ્તો અને બે ટાઈમ સ્વાદિષ્ટ ભોજન. બહાર ખાવા જવાની ભાગ્યે જ જરૂર પડતી. ઘરેથી કોઈનો પણ ફોન આવે દરેકને એક જ જવાબ મળતો,

‘અરે! એકદમ ઘરનાં જેવું જ ખાવાનું મળે છે. ને આન્ટી પણ બહુ સારાં છે.’ સામે છેડે નિરાંતનો શ્વાસ લેવાતો.

જોકે, કૉલેજ જવાની ઉતાવળમાં ને દરેકના જુદા જુદા ટાઈમિંગ હોવાને કારણે સવારે તો ભાગ્યે જ બધાં સાથે બેસીને જમી શકતાં પણ રાતનું ભોજન બધાંનું પન્નાબેનની સાથે જ રહેતું. મહારાજ પીરસવા આવતા ત્યારે પન્નાબેન પહેલાં છોકરીઓની થાળીમાં પીરસાવતાં અને છેલ્લે પોતાની થાળીમાં. છોકરીઓ ખુશ હતી પન્નાબેનથી–‘કેટલાં પ્રેમાળ ને કેટલા કૅરિંગ!’ ખાતી વખતે વાતમાં ને ધમાલમસ્તીમાં કોઈનું ધ્યાન પન્નાબેનની થાળી તરફ જતું જ નહીં. જો જતું હોત તો તરત પામી જાત કે, જે ભોજન બધાંને પીરસાય છે તેમાં ને પન્નાબેનના ભોજનમાં જમીન આસમાનનો ફેર છે. હા, એક વાર મેઘલે પકડી પાડેલું. ‘આન્ટી તમે કેમ પરાઠા નથી લીધા? મહારાજ, આન્ટી માટે પરાઠા લાવજો.’

કંઈક ઓઝપાઈને તરત જ સ્વસ્થ થતાં પન્નાબેને સમજાવેલું કે, ‘મને જરા કૉલેસ્ટરોલનો પ્રોબ્લેમ છે. થોડો કન્ટ્રોલ રાખું છું, બીજું કંઈ નહીં. તમે ખાઓ તમતમારે. મહારાજ, આ લોકોને જે જોઈએ તે આપો. ચાલો તો વહેલા. દીકરીઓને પેલી મીઠાઈ પણ આપજો.’ વળી બે ચાર દિવસ પછી, જમતી વખતે ફોન આવતા મેઘલની નજર ઊઠતી વખતે પન્નાબેનની થાળીમાં અનાયાસે જ ફરી વળી. રોટલી, શાક, દાળ, ભાત ને ચટણી તેમ જ કચુંબર! ને અમને દાલફ્રાય ને જીરા રાઈસ? ચાર દિવસ પહેલાં પણ દાલફ્રાય ને જીરા રાઈસ જ...? એનો મતલબ કે, સવારના વધેલા દાળ-ભાતને સાંજે દાલફ્રાય ને જીરા રાઈસમાં ફેરવી દેવાય છે? ને અમે લોકો કંઈ જ ધ્યાનમાં લીધા વગર ચૂપચાપ, બહુ મસ્ત! બહુ મસ્ત! કહીને ખાધે રાખીએ છીએ? જોવું પડશે ને જો ખાતરી થઈ જાય તો બધાંને પણ કહેવું જ પડશે. સારા એવા પૈસા લે છે આન્ટી. મફત તો ખવડાવતાં નથી.

બીજે દિવસથી મેઘલે પન્નાબેનની થાળીનું ધ્યાન રાખવા માંડ્યું. છેલ્લે પીરસાવવાને બહાને એમનું ભોજન જુદા જ વાસણમાં ને કંઈક ખાસ જ આવતું. જ્યારે બાકી બધાંને વધેલી વાનગીઓમાંથી નવી નવી વાનગીઓ બનાવીને પીરસાતી રહેતી. કોઈ વાર મિક્સ સબ્જીની ફ્રેન્કી બનતી તો કોઈ વાર ભાતનાં ભજિયાં કે વડાં! ભાતના ઢોસા કે ઈડલી ને દાળનો સાંભાર કે દાળઢોકળી તો બહુ આમ વાનગી રહેતી. બટાકાના શાકના પરાઠા બની જતાં અથવા સમોસાં બની જતાં. નવાઈની વાત એ હતી કે, આ બધી વાનગીઓ પરેજીને બહાને પન્નાબેન અડકતાં પણ નહીં. મેઘલના મગજમાં સળવળાટ ચાલુ થઈ ગયો. કંઈક કરવું પડશે. આન્ટી હવે ચાલાકી કરવા માંડ્યાં છે ને મોંઘવારીને બહાને ભાડું પણ વધારવાની વાત મૂકવા માંડ્યાં છે. હિરલ, સેજલ, કૃપા, બિન્ની ને રાજુલને વહેલી તકે જણાવી દઉં, નહીં તો બધાં રોજ આવું જ વાસી જ ખાયા કરીશું.

રાતે સૂતાં પહેલા મેઘલે બધાંને ભેગાં કર્યાં.

‘તમારા કોઈના ધ્યાનમાં આવ્યું કે, આન્ટી આપણને અડધા દિવસ અહીં વાસી ખાવાનું આપે છે?’

‘વાસી? વાસી ક્યાં હોય છે? રોજ રોજ ગરમ ગરમ ને એકદમ ટેસ્ટી તો હોય છે બધું. કેટલી બધી વેરાયટી! આવું આપણને બહાર ક્યાં મળવાનું?’ સેજલે મેઘલની વાતને ઉડાવતાં કહ્યું.

કૃપાએ પણ સૂર પૂર્યો, ‘અરે! આપણને ઘર જેવું જ ને ચોખ્ખું ખાવાનું મળે છે ઉલટાનું. તને કેમ વાસી લાગ્યું? હમમમ... મને ખબર છે, તને જરા ખાવાની વધારે સમજ પડે છે એટલે તને બધામાં કંઈ કંઈ ખામી દેખાતી હશે. પણ સૉરી, અમને તો કોઈને કોઈ દિવસ વાસી નથી લાગ્યું. અમને તો ભાવે છે. તમને કોઈને એવું લાગ્યું કે, આન્ટી વાસી ખવડાવે છે?’ બાકી રહેલી હિરલ, બિન્ની ને રાજુલે પણ ખાવાની વાતને બહુ મહત્ત્વ ન આપતાં વાતને ફરી મેઘલ પાસે જ રવાના કરી દીધી. મેઘલ જરા નિરાશ થઈ ગઈ પણ એણે થોડી ઊંડાણથી તપાસ કરવાનું નક્કી કર્યું.

કોઈ વાર સાંજે વહેલા આવવાને બહાને એ રસોડામાં પહોંચી જતી. ‘શું મહારાજ, આજે શું જમાડવાના?’ અથવા તો, ‘મારી મમ્મી પણ આવું જ શાક બનાવે’ કહી મહારાજ પાસે વાત કઢાવવા માંડી. પન્નાબેનનો ઓર્ડર હતો કે, ‘મારી રસોઈ જુદી બનાવવાની અને વાસી વધ્યું હોય તેમાં મસાલા નાંખીને છોકરીઓને કોઈ નવી વાનગી બનાવી આપવાની.’

મેઘલે આન્ટી સાથે વાત કરવાનું નક્કી કર્યું. ‘આન્ટી, અમારા ઘરમાં અમે ભાગ્યે જ વાસી ખાવાનું ખાઈએ.’

‘હા બેટા, એ તો બહુ જ સારી વાત કહેવાય. આપણે ત્યાં પણ જો ને, તમને રોજ કેવું જાતજાતનું બનાવીને મહારાજ જમાડે જ છે ને? મેં તો પહેલે દિવસથી જ મહારાજને કહી રાખ્યું છે, આ તો મારી દીકરીઓ છે. એમને રાજી રાખવામાં આપણે કોઈ કસર નથી છોડવાની. એમને જે ભાવે તે જ રોજ બનાવી આપજો. બેટા, તને ભાવે છે ને મહારાજના હાથનું?’

‘હા આન્ટી, ભાવે તો ખરું પણ દર ત્રીજે ચોથે દિવસે હવે વાસી નથી ખવાતું. મારી તબિયત બગડે છે. હું અહીં કિચનમાં આવીને મારું ખાવાનું જાતે બનાવી લઈશ.’

‘બેટા, મહારાજ શેના માટે છે? રોજ તમને તાજું ને ઘર જેવું ખાવાનું મળે એટલે તો એમને રાખ્યા છે. તારે તકલીફ લેવાની જરાય જરૂર નથી.’

‘ના આન્ટી, મને ખબર છે કે, તમે અમને અડધા દિવસ વાસી જમાડો છો ને તમે રોજ સવાર સાંજ તાજું જમો છો. બીજાં ભલે જમતાં મને વાસી નથી ફાવતું. તમે પૈસા લો તે પ્રમાણે જમાડવાની તમારી ફરજ છે.’

‘જો મેઘલ, બહુ સ્માર્ટ બનવાની જરૂર નથી. તને ન ફાવે તો તું અહીંથી જઈ શકે છે. જો કાલે જ ખાલી કરશે તો મને વધારે ગમશે.’ પન્નાબેને પોતાનો અસલી રંગ બતાવી દીધો.

એ જ સાંજે રાજકોટથી મેઘલની મમ્મીનો ફોન આવ્યો.

‘બેન, અમારી દીકરીઓ તમારા ભરોસે ને તમારા સહારે રહે છે તે જાણો છો ને?’ મેઘલની મમ્મીના અણધાર્યા ફોનથી પન્નાબેન ચોંક્યાં પણ સામો આક્ષેપ કરતાં એમણે મેઘલની નાની મોટી ને સાચી ખોટી ફરિયાદો કરવા માંડી.

‘બેન, બધી વાત છોડો. એમની તો ઉંમર છે થોડી ઘણી તોફાનમસ્તી કરવાની. પણ તમે શું કરો છો? ગેરકાયદે પેઈંગ ગેસ્ટનો ધંધો કરો છો? ટૅક્સ બચાવવા ખાનગીમાં આ રીતે ઘર ભાડે આપો છો? મને બધી વાતની ખબર છે. તમે વધારે પૈસા શેના લો છો? વાસી ખવડાવવાના? ખોટા દંભ છોડો ને સીધી રીતે રહી બધી દીકરીઓને સારું ખવડાવો ને સારી સગવડ આપો નહીં તો પોલીસને ફોન કરતા મને વાર નહીં લાગે.’

પછી એ કહેવાની જરૂર ખરી કે, પછી તો રોજ જ, એક જ મેનૂ પ્રમાણે ખાવાનું બનવા માંડ્યું ને તેય બેય ટાઈમ તાજું !

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.