ભીખ

21 Dec, 2016
12:00 AM

કલ્પના દેસાઈ

PC: huffpost.com

'બેન, તમારા બાલબચ્ચા સુખી રહે, બેન, તમને ભગવાન બધુ સુખ આલે. બેન, આ ગરીબની ઝોળીમાં કંઈ નાંખતા જાઓ બેન. સવારથી કંઈ ખાધુ નથી ને આ ઠંડીમાં ઓઢવાનુંય કંઈ નથી બેન. બેન ઓ બેન, કંઈ આલતા જાઓ બેન.'

રસ્તે બેસીને કકળતી ભિખારણના શબ્દોએ પાયલના પગ જકડી લીધા. આંગળી પકડીને ચાલતી રોમા પણ અટકી ગઈ. 'મમ્મી શું થયું?'

'કંઈ નહીં.' કહેતાં પાયલે હાથમાંનું આખેઆખું બોક્સ જ ભિખારણના ખોળામાં મૂકીને, રોમાનો હાથ ખેંચતાં ઝપાટાભેર ચાલવા માંડ્યું. એક જ મિનિટના એટલા સાદાસીધા કામે પણ, પાયલના ચહેરા પર પરસેવો રેલાવી દીધો. ગુસ્સામાં એના માથાની નસો તંગ બની અને ચહેરો લાલઘૂમ! રોમાને કંઈ સમજાયું નહીં. મમ્મીમાં અચાનક જ આવેલા આ પરિવર્તને એ અબૂધ બાળકી તો હતપ્રભ જ બની ગઈ.

'મમ્મી, પેલું બૉક્સ કેમ પેલી ભિખારીને આપી દીધું? નાનીએ કેટલી બધી ગેમ્સને ચૉકલેટ્સ ને મારો નવ્વો ડ્રેસ આપેલો, તે બધું તેં કેમ એને આપી દીધું? મમ્મી, બોલ ને.' રોમાની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા. નાનીના ઘરમાં તો કેટલું સારું, સારું જમવાનું હતું! કેટલી બધી ગિફ્ટ્સ હતી ને નાનીએ પોતાને અને મમ્મીને પણ બૉક્સમાં કેવી સરસ સરસ ગિફ્ટ્સ આપેલી!

આ બધું જ એક જ ધડાકે પેલી ભિખારણના ખોળામાં મૂકીને પાયલ શું કરવા માગતી હતી? નાનકડી બાળકીનો જીવ બાળીને કે એને રડાવીને એને શું મળવાનું હતું? રોમા પાસે તો સવાલ સિવાય અને આંસુ સિવાય કંઈ જ નહોતું, જ્યારે પાયલ પાસે રોમાના સવાલોના જવાબો સાથે, ગુસ્સો, આંસુ અને તિરસ્કાર સિવાય કંઈ નહોતું.

પોતાના મનની લાખ મનાઈ છતાં, હજાર વાર કરેલા નિશ્ચય છતાં અને દિલમાં ભારોભાર નફરત છતાંય એવું તે શું હતું, કે એ રોમાને લઈને માને ત્યાં પહોંચી જતી? રોમાની જીદ! રોમાની જીદ આગળ, રોમાના તોફાન આગળ એ લાચાર બની જતી. પાંચ વરસની નાદાન બાળકી પોતાની નાનીના જૂઠા પ્યારમાં, તદ્દન ખોટા વેવલા શબ્દોની જાળમાં ફસાઈ જતી અને રડી રડીને મમ્મીને મજબૂર કરી દેતી.

મમ્મીના ફોનમાં બોલાતા શબ્દોને ન સમજે એટલી મૂરખ તો પાયલ હતી જ નહીં, પણ રોમા બિચારી નાનીના નકલી લાડપ્યારમાં આખીને આખી ઓગળી જતી. એનું બાળમાનસ નાનીના મહેલમાં રાજકુમારી બની વિહરવા માંડ્યું. સપાનાના ઝૂલા પર ઝૂલતી કુંવરી શાહી ઠાઠ માણતી હોય, એવું વિચારતી રોમા નાનીના એક જ ફોને ઘરમાં કૂદમકૂદ કરી મૂકતી, પછી તો, એને કાબૂમાં રાખવી, પાયલ માટે માથાનો દુખાવો બની જતો. આ વરસે પણ નાનીનો બર્થ ડે ધામધૂમથી ઉજવવાનો હતો, અને રોમા પર સીધો જ ફોન પહોંચી ગયો હતો! પાયલ ફોન લે તો, બહાનાં કાઢે ને?  પછી તો, ઉપરાછાપરી ફોને પાયલને પાગલ બનાવી મૂકી હતી.

નાછૂટકે પાયલ રોમાને લઈને મમ્મીને ત્યાં પહોંચી ગઈ. એ જાણી જોઈને મોડી જ પહોંચી, છતાં દીકરીના મિજાજને સારી રીતે ઓળખતી માએ પણ પાર્ટી મોડી જ શરૂ કરાવેલી. નાનીના લંબાયેલા બે હાથમાં રોમાને જકડાયેલી જોઈને મોં ફેરવી લેતાં પાયલે દાંત ભીંસ્યા, 'નર્યો દંભ!' મમ્મીને વિશ કરીને, બૂકે આપીને બે જ મિનિટમાં નીકળી જવાનું વિચારીને આવેલી પાયલ, રોમાને કારણે પાર્ટી પતી ત્યાં સુધી બધા સામે ખોટું હસતી બેસી રહી.

'બેટા, કેમ આટલું જૂનું ફ્રોક પહેરી આવી? આ તો મેં તને લાસ્ટ બર્થ ડે પર આપેલું તે જ છે ને? કંઈ નહીં હં, આ વખતે તારા માટે સરસ ડિઝાઈનર ડ્રેસ લીધો છે, ને બહુ બધી ગિફ્ટ્સ પણ છે. આ બૉક્સ તારા માટે જ છે. ઘરે જાય ત્યારે લઈ જજે. તારી મમ્મીને તો ખબર જ નથી પડતી કે, ક્યારે કેવાં કપડાં પહેરાય! બધી મોંઘી ગિફ્ટ્સ જ છે હં, સાચવીને રાખજે.' મમ્મીનો ઈશારો પોતાના ડ્રેસ તરફ પણ હતો, એ ન સમજે એટલી મૂરખ તો પાયલ નહોતી. આખા શરીરે ઝાળ લાગી હોય એમ એ જવા માટે ઊંચી-નીચી થવા માંડી. બધાના દેખતાં મન ભરીને દીકરીને નીચાજોણું કરાવીને વિજયી સ્મિત સાથે નાનીએ ડ્રાઈવરને ઑર્ડર છોડ્યો.

'મેમસાબને ઘરે પહોંચાડી આવજે, નકામા ટેક્સીના પૈસા બગડશે.'

પાયલે ડ્રાઈવરને 'ના'નો ઈશારો કરતાં, રોમાનો હાથ ખેંચી ભીડમાંથી ચાલતી પકડી. ડ્રાઈવર જબરદસ્તી પેલું બૉક્સ લઈ પાછળ દોડ્યો પણ એના હાથમાંથી ગુસ્સામાં બૉક્સ ઝૂંટવીને, પાયલે પેલી ભિખારણના ખોળામાં બૉક્સ મૂકી દીધું. ભીખ યોગ્ય જગ્યાએ પહોંચી ગઈ હતી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.