રાખનું પંખી (ભાગ બે)

29 Jun, 2016
12:05 AM

કલ્પના દેસાઈ

PC:

રાનુએ વર્ષો પહેલાનો દિવસ યાદ આવી ગયો, જ્યારે પપ્પાની નોકરી છૂટી ગયેલી ઘરે આવીને માથે હાથ દઈને બેસી જવાને બદલે મમ્મી સાથે એ તો વાતે લાગી ગયેલા! 'વિભુ, ધારો કે, મારી નોકરી ન હોય તો તું શું કરે?'

'હું મારું કામ વધારી દઉં, જ્યાં સુધી તમને બીજી નોકરી ન મળે. નોકરી જ ગઈ છે ને? જીવન તો નથી ગયું ને? આપણે સાથે છીએ તે ઓછું છે? ચિંતા નહીં કરો, બીજી નોકરી જલદી મળી જશે. ત્યાં સુધી મને ઘરકામમાં ને મારા કામમાં મદદ કરજો.' વિભા ઘરે બેસીને પોતાની આવડતનો સરસ ઉપયોગ કરી જાણતી. સોસાયટીની નોકરિયાત કે કામકાજમાં બિઝી રહેતી સ્ત્રીઓ માટે, કપડાનું શૉપિંગ કરતી. દરજી પાસે પોતાની ડિઝાઈન પ્રમાણે કપડાં તૈયાર કરાવતી અને એનું યોગ્ય મહેનતાણું લઈ લેતી. હસમુખો ને મળતાવડો સ્વભાવ અને તેમાં કપડાંની પસંદગીની ગજબની સૂઝ! વિભા સૌની પ્રિય બની ગયેલી અને વિશ્વાસ તો એના પર આંખ મીંચીને જ થતો.

મા-બાપની આ વાતો જ રાનુને હંમેશાં પ્રેરણા આપતી રહેતી. જોકે, એના માટે આ પહેલો પ્રસંગ હોઈ એ થોડી ડિસ્ટર્બ થઈ ગયેલી પણ એણે ફરી બેઠા થઈ જવા કમર કસી. 'મારી પાસે હુન્નર છે. બધા કૉન્ટેક્ટસ છે ને મુખ્ય તો, મમ્મી-પપ્પા મારી સાથે છે એટલે આખી દુનિયા સાથે લડવાની મારામાં તાકાત છે. હવે એ લોકોને જણાવ્યા વગર છૂટકો નથી. આમ પણ બીજાને ભરોસે રહું એના કરતાં આટલાં પ્રેમાળ ને કાબેલ મા-બાપ સિવાય બીજું કોણ મને સમજવાનું? કોણ માથે હાથ મૂકવાનું?

રાનુએ સ્વસ્થ થઈ રાતે જમ્યા પછી વાત છેડી. 'મમ્મી... પપ્પા' મારી શૉપ ધારો કે બંધ થઈ જાય તો?

'બેટા, અમારી રાનુ પર અમને વિશ્વાસ છે. એનામાં અપાર કુશળતાઓનો ખજાનો ભર્યો પડ્યો છે. એક રસ્તો બંધ થઈ જાય, તો બીજો રસ્તો જાતે જ શોધી લેતાં એને જરાય વાર નહીં લાગે. પછી તો, રસ્તો મળે એટલે મંઝિલે પહોંચતાં કેટલી વાર? ચાલ હવે બોલ, શૉપ બંધ થવાનું કારણ અને તેં વિચારેલો રસ્તો.'

રાનુ મન પરનો ભાર ખંખેરી નાંખી હસી પડતાં બોલી, 'તમે લોકોએ મને પકડી પાડી અમારા માસ્ટરજી બહુ મોટી ચાલ રમીને મારી શૉપ બંધ કરાવી ગયા. મને બીજી કોઈ રીતે ખોટ જાતે કે કોઈ કારણસર બધું સમેટવું પડતે તો ચિંતા નહોતી ને એટલું દુઃખ પણ ના થાત, પણ માસ્ટરજીએ બહુ મોટો દગો કર્યો. બિલ ને ઓર્ડરબુકમાં ગોટાળા કરીને પૈસા તો ડૂબાડ્યા પણ સાથે ગ્રાહકોને પણ ગેરમાર્ગે દોર્યા છે. એમના અર્જન્ટ ઓર્ડર્સ તો મેં પૂરા કરાવ્યા પણ ચિંતા હવે બાકીના ઓર્ડર્સની છે. બધા ગ્રાહકો ડ્રેસ મટિરિયલ પાછુ માંગે છે ને એડવાન્સના પૈસા પણ ડ્રેસ પૂરા કરવા માસ્ટરજી જેવા કારીગર જોઈએ જે તાત્કાલિક તો મળવા મુશ્કેલ લાગે છે. બાકીના કારીગરોને રાખીને પણ શું કરું? તાત્કાલિક તો મેં એક અઠવાડિયું બધું કામ અટકાવી દીધું છે, પણ માસ્ટરજીના કારણે બધાને ખબર પડવા માંડી છે, એટલે સતત ફોન પર ઉઘરાણી ને સવાલો ચાલુ જ છે. બોલો હવે, તમે જ કોઈ રસ્તો કાઢો.'

જીવનમાં આવા અનેક ઉતારચડાવ જોઈ ચૂકેલા મા-બાપે, રાનુનો ધંધો ફરી એકડે એકથી માંડવામાં એમના રાત-દિવસ એક કરવાનો નિર્ધાર કર્યો.

'બેટા, તારા બધા ક્લાયન્ટસને ફોન લગાવ અને એમને માસ્ટરજીવાળી હકીકતની જાણ કર. તેં બીજા માસ્ટરની વ્યવસ્થા કરી દીધી છે, અને બને તેટલા જલદી બધા ઓર્ડર્સ પૂરા થતાં તમને તમારા ડ્રેસ રવાના કરી દઈશું. એટલું કહી દે. ખાસ જણાવજે કે, મેં શૉપ બંધ નથી કરી. માસ્ટરજી ફક્ત ડ્રેસ કટિંગનું કામ કરતા ને બાકી બધી કારીગરી મારી હતી, એટલે તમે મારા પર આજ સુધી જે વિશ્વાસ રાખ્યો તેને અકબંધ રાખવાનું કામ મારું છે, ફક્ત એક ચાન્સ આપો પછી તમે ચાહો તે કરજો.'

હવે વેપારીઓને ફોન લગાવીને એમને પણ બધી વાત જણાવી દે અને એક અઠવાડિયાની મુદત માગી લે. એ લોકો પણ આ બધી પરિસ્થિતિમાંથી ગુજરી ચૂક્યા હોય છે. વળી આજ સુધી તેં કોઈને ફરિયાદનો મોકો નથી આપ્યો, એટલે મોટા ભાગે તો તને પૂરો સહકાર મળી જ રહેશે. બાકી જે કંઈ પૈસાની જરૂર પડે, તારો બાપ બેઠો છે. તારી દર મહિનાની આવકમાંથી, મમ્મીની આવકમાંથી અને મારા પેન્શનના પૈસામાંથી ખાસ્સી બચત અમે આવા કોઈ દિવસો માટે જ કરી છે. હવે બાકીનું કામ તારા પર છોડ્યું. અમારી બેટી હારી તો નહીં જ જાય એની અમને ખાતરી છે. ચાલ, લગાવ ફોન નંબર એક.

'અરે બેટા !' ક્યારની બધી વાત મલકાતાં સાંભળી રહેલી મમ્મીએ ટહુકો કર્યો. 'પેલા બધા કારીગરોને, બીજે કામે લાગી જાય તે પહેલાં ફરીથી બોલાવી લે. જાણીતા છે એટલે કામમાં કોઈ વિઘ્ન નહીં આવે. એ લોકોને માસ્ટરજીની વાત પણ ખબર છે એટલે તને પૂરો સહકાર પણ મળશે. અને તારી કોઈ સાઈટ પરથી એકાદ સરસ ટેલર માસ્ટરની ખોજ કરી લે. તું જ કહેતી હતી ને કે, હવે તો ચપટી વગાડતાં જે જોઈએ તે બધું મળી જાય.'

રાનુ તો બે ઘડી મમ્મીને તાકી જ રહી, 'ઓહ મમ્મી, મમ્મી, મમ્મી...! તું તો મારી સુપરવુમન નીકળી. થેંક યુ મમ્મી, થેંક યુ પપ્પા, તમારી તો મને ખબર હતી કે તમે જિનિયસ છો જ પણ મમ્મી! વાહ, જોઈ લો. હવે તમારી રાનુની ગાડી ફુલ સ્પીડમાં કેવીક દોડે છે તે.'

હવે જ્યાં હિંમત, મહેનત, લગન અને પોતાનાંનો સાથ હોય ત્યાં વળી પીછેહઠ કોણ કરે? રાનુએ ભૂતકાળ પર ચોકડી મારી ફરીથી નવા ભવિષ્યનો એકડો ઘૂંટ્યો. થોડા દિવસોમાં જ બધા કારીગરોએ પણ કમાલ કરી બતાવી ને નવા માસ્ટરજીએ તો રંગ જ રાખ્યો! એક પછી એક ડ્રેસ તૈયાર થતા ગયા. ને ફોન પર ડ્રેસના ફોટા મોકલીને રાનુ મમ્મી-પપ્પા સાથે ખુશીની લહેરો પર ઝૂમતી થઈ ગઈ.

જો રાનુ નાસીપાસ થઈને બેસી ગઈ હોત તો? રાત-દિવસ રડીને માસ્ટરજીને, દુનિયાને કે નસીબને ભાંડતી રહી હોત તો? મા-બાપને અંધારામાં રાખ્યા હોત તો? તો એ કાયમ માટે પાંખ કપાયેલા પંખીની જેમ પોતાના જ પિંજરામાં પૂરાયેલી રહી જાત. પણ એ તો રાખનું પંખી થવા સર્જાયેલી. ફરી બેઠાં થઈ જવું જેના સ્વભાવમાં જ હોય છે અને મુક્ત ગગનમાં વિહરવું જેનો આનંદ હોય છે.

(સત્ય ઘટનાને આધારે)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.