રાખનું પંખી
‘રાનો...બેટી રાનુ...રાનુ...તારા ફોનની રિંગ વાગે છે, ચાલ જલદી આવ. તારા માસ્ટરજીનો ફોન છે. આ ચોથો ફોન આવ્યો. ચાલ તો, પછી તારું બીજું કામ કરજે પણ પહેલાં ફોન લઈ લે.’
‘આવી, આવી, આવી...બાબા આવી ગઈ. આ માસ્ટરજીને પણ છે ને, કેટલી વાર ના પાડી, કે સવારમાં ફોન નહીં કરવાના તો પણ, હંહ!’
‘હા બોલો માસ્ટરજી, શું કામ પડ્યું અત્યારમાં? તમને ખબર છે ને, વહેલી સવારે હું બહારના કસ્ટમર્સ સાથે બીઝી હોઉં છું તે. બોલો હવે, ક્યાં અટક્યું તમારું કામ? આજના બધા ઓર્ડર્સનું કામ તો તમને ખબર જ છે ને પૂરા થાય એટલે ડિસ્પેચ પણ કરી જ દેવાના છે. ગ્રાહકની કોઈ ફરિયાદ નહીં આવવી જોઈએ. મહિના સુધીના પણ બધા ઓર્ડર્સની તૈયારી આપણે ઓલરેડી શરુ કરી જ દીધી છે. હવે બધો જ આધાર તમારા પર ને તમારા કારીગરો પર છે, તમને સારી રીતે ખબર છે. પછી ક્યાં અટક્યું કામ? મને જરા કહો તો ખબર પડે.’
‘મૅડમ, મને એક વીકની છુટ્ટી જોઈએ છે. મારી ઘરવાળી બિમાર છે તો ગામ જવું પડશે. ને મને દસ હજાર જોઈએ છે. તમે વહેલાં આવવાના હો તો ઠીક, નહીં તો જતાં હું ઘરેથી લેતો જાઉં.’
રાનુને તો જાણે માસ્ટરજીએ ઊંચા પહાડ પરથી ધક્કો મારી દીધો હોય એમ એનો શ્વાસ અધ્ધર ને આંખો ફાટેલી રહી ગઈ. આજે જ? આજે જ માસ્ટરજીની ઘરવાળી માંદી થઈ ગઈ? ને આજે જ એણે જવું પડવાનું? બધા જ ઓર્ડર્સ અધૂરા છોડીને? કેટલા બધા ગ્રાહકોને અધવચ્ચે રખડાવવાના? કોઈને ત્યાં લગન છે ને કોઈને ત્યાં સીમંત, કોઈને ત્યાં વિવાહ તો કોઈને ત્યાં પાર્ટી. જેમતેમ જામેલી કંપનીને આમ જ એક ઝાટકે બટ્ટો લગાડવાનો? ને બહાનું શું આપવાનું બધાંને? ‘અમારા માસ્ટરજીની વહુ બિમાર છે!’ નોનસેન્સ. બધા પાસે એડવાન્સમાં ફિફ્ટી પર્સન્ટ પેમેન્ટ પણ લઈ લીધું છે તેનું શું? જેમ તેમ મનને કંટ્રોલ કરતાં, સ્વસ્થ અવાજે એણે માસ્ટરજીને વિનંતીના સૂરે રોકવાની એક કોશિશ કરી જોઈ, ‘માસ્ટરજી, તમે જજો, હું ના નથી પડતી પણ આજે કામ પતાવી કાલે નીકળી જજો. પૈસા અહીંથી બૅંકમાં જમા કરી દો. તમારી ઘરવાળી પાસે કોઈક તો હશે ને? એક જ દિવસનો સવાલ છે, પ્લીઝ જરા સમજો. બધા ગ્રાહકો બૂમાબૂમ કરશે.’
‘સૉરી મૅડમ, મેં પણ બહુ વિચારીને જ ફોન કર્યો. હવે તમારા ઓર્ડર માટે મારી ઘરવાળીને તો બાજુ પર નહીં મૂકાય ને?’
માસ્ટરજીના અવાજમાં આવેલો બદલાવ રાનુને ખટક્યો, દિલમાં કંઈક ચચરી ગયું પણ એ કંઈ બોલી નહીં. વધારે મસ્કા મારવાનો સવાલ જ નહોતો. કમને એણે કહ્યું, ‘હું આવું છું.’
માબાપની હાજરીમાં રાનુ એના કામધંધાની વાતો ટાળતી. નકામું ટેન્શન આપવાનું એના કરતાં છો બિચારાં શાંતિથી રહેતાં. માબાપે બહુ તકલીફ વેઠીને પોતાને ફૅશન ડિઝાઈનર બનાવેલી તે રાનુથી ક્યાં અજાણ્યું હતું? રાનુએ પોતાની બચતમાંથી જ, નાના કામથી શરૂઆત કરીને આજે ઠીક ઠીક કહી શકાય એવો બિઝનેસ જમાવી લીધો હતો. દેખાવમાં નાનકડી લાગતી શૉપમાં અનુભવી માસ્ટરજી સાથે ચાર કારીગરોનો જીવનનિર્વાહ પણ થઈ જતો. રાનુ વર્ષોથી પોતાનાં કપડાં આ માસ્ટરજી પાસે જ સીવડાવતી, એટલે એણે માસ્ટરજીને જ પોતાના બિઝનેસમાં સાથે લઈ લીધા હતા. પપ્પાની વાતો યાદ આવવા માંડી, ‘બેટા, કારીગરો ભલે સારામાં સારું કામ કરતા હોય પણ તારી નજર એમના પરથી હટાવતી નહીં. એમના ભરોસે એટલી પણ નહીં રહેતી કે, એ લોકો વગર તારું કામ અટકી જાય.’ શું પપ્પાને પણ આવો કોઈ અનુભવ થયો હશે?
શૉપ પર પહોંચી, માસ્ટરજીને પૈસા આપી રવાના કર્યા ને બાકી કામના ઢગલાને જોતી રાનુ બીજા કારીગરો સાથે કામે લાગી ગઈ.
‘મૅડમ, માસ્ટરજી હવે નથી આવવાના.’ એક કારીગરે ધીરેથી રાનુને માઠા સમાચાર આપ્યા.
‘નથી આવવાના એટલે? એ તો ઘરવાળી બિમાર છે તે ગામ ગયા છે. અઠવાડિયા પછી આવશે. ત્યાં સુધીમાં આપણે બધા જ ઓર્ડર્સ પૂરા કરી નાંખવાના છે, સમજ્યા ને? ચાલો, હવે વાતો બંધ ને કામ ચાલુ. બધા ઝપાટો લગાવો.’
‘ના મૅડમ, માસ્ટરજી તો બીજે કામે લાગી ગયા એટલે હવે નથી આવવાના. અમને કહેવાની ના પાડેલી.’
રાનુના હાથ, તૈયાર થવા આવેલા ઓર્ડરને ચેક કરતાં સ્થિર થઈ ગયા. ‘વૉટ નૉનસેન્સ! બીજે કામે લાગી ગયા? એ કેવી રીતે બને? અહીં શું ખોટ હતી એમને? પૈસા નહોતા મળતા? અરે, બીજા કરતાં વધારે પગાર હું એમને આપતી હતી અને મારી સાથે જ દગો કર્યો? તમારે મને કહેવું જોઈતું હતું ને? તમને માસ્ટરજી પગાર આપતા હતા કે હું? હવે કેમ કરીને આજે આટલા બધા ડ્રેસ તૈયાર થશે ને કેવી રીતે બધાંને મોકલાશે?’ રાનુ ભાંગી પડી ને માથે હાથ દઈને બેસી પડી. પાંચ મિનિટમાં સ્વસ્થ થઈ એણે ઓર્ડર બુક ને બિલ બુક જોવા માંડી. બાવરી બનેલી એની નજર બધા ગોટાળાઓ પર ઝડપથી ફરતી ગઈ ને માસ્ટરજીની મેલી રમતનો એને અંદાજ આવી ગયો.
પપ્પાના શબ્દો રહી રહીને દિમાગમાં ચકરાવા માંડ્યા. હવે? હવે શું? બધું ખલાસ. એક જ ઝાટકે બધું ખતમ. પાઈ પાઈ જોડીને ને રાત–દિવસ એક કરીને જમાવેલા ધંધાને ને જમાવેલી આબરૂને, એક ઘડીમાં ખતમ કરવાની ખંધી ચાલનો શિકાર બની ગઈ હતી પોતે.
ઝડપથી સ્વસ્થ થઈ, કારીગરોને હિંમત આપી એણે ઓર્ડર્સ પૂરા કરવા કમર કસી. કારીગરો પણ મૅડમને સાથ આપવા બમણા જોશથી મંડી પડ્યા. તે દિવસના ઓર્ડર્સ તો જાણે પૂરા થયા પણ બાકીનાનું શું? બાકીના બધા ઓર્ડર્સ, કોઈ સારા કારીગર વગર કોઈ કાળે પૂરા થાય એમ ન હોવાથી, રાનુએ બીજા દિવસે બધા કારીગરોને બોલાવી, પગાર ચૂકવી છૂટા કર્યા ને શૉપ બંધ કરી ઘરમાં બેસી ગઈ. ગ્રાહકોને બહાનું બતાવી થોડા દિવસનો વાયદો આપી શાંત કર્યા. ધીરે ધીરે એના વેપારીઓના સંદેશા આવવા માંડ્યા, ‘મૅડમ, તમે અચાનક તમારી શૉપ બંધ કરી દીધી એવા સમાચાર મળ્યા એટલે જણાવીએ છીએ કે, અમારા બાકી નીકળતા પૈસા આઠ દિવસમાં ચૂકવી દેશો, નહીં તો મજબૂરીએ અમારે કોઈ પગલું લેવું પડશે.’ ગ્રાહકોના પણ રોજ ફોન ચાલુ થઈ ગયા, અમારા એડવાન્સમાં આપેલા પૈસા ને અમારા ડ્રેસ જેવા હોય તેવા પાછા મોકલી આપો, અમે અહીં કરાવી લઈશું.’ એક તરફ ધંધા પર આટલો મોટો ફટકો ને રોજ રોજની કનડગતે રાનુની ઊંઘ હરામ કરી નાંખી.
હવે? ક્યાંથી લાવું આટલા બધા પૈસા? ધુંધળા ભવિષ્યને તાકતી રાનુની નજરની પાછળ, ધસમસતાં વહી નીકળવાની તૈયારી કરી રહેલાં આંસુ, પાળ તૂટવાની રાહ જોઈ બેઠેલાં. જોકે, રાનુ એટલી કમજોર પણ નહોતી કે, એના ભવિષ્યને આંસુઓના સહારે છોડી દે. તો? શું કર્યું એણે?
(ક્રમશ:)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર