બૉસ

26 Apr, 2017
12:00 AM

કલ્પના દેસાઈ

PC: mediaresources.idiva.com

‘પછી ઓફિસમાં કેવો રહ્યો તારો આજનો દિવસ? સબ કુછ ઠીકઠાક? ત્યાંનો માહોલ કેવો છે ને કલિગ્સ કેવા લાગ્યા? મેઈન વાત તો, બૉસ કેવા છે? ખડૂસ કે ઓકે છે?’

‘અરે યાર, પછી બધી વાત કરું. પ્લીઝ,પહેલાં કંઈ નાસ્તો–બાસ્તો લાવ ને એક કડક કૉફી બનાવી દે. મારું તો માથું ફાટફાટ થાય છે.’

‘નાસ્તો રેડી છે ને કૉફી પણ હમણાં બે મિનિટમાં લાવું, પણ શું કોઈ પ્રોબ્લેમ થયો પહેલા જ વીકમાં?

‘ના ના, કંઈ નથી થયું. આ તો આદત નહીં ને આપણને લેડી બૉસના હાથ નીચે કામ કરવાની, એટલે આખો દિવસ માથા પર કોઈક વિચિત્ર ભાર જ લાગ્યા કર્યો, તેનું માથું દુ:ખે છે.’

‘ઓ...હ, એમ વાત છે હંમ!’ ક્ષિપ્રા ખડખડાટ હસી પડી. ‘તને થયું હશે, કે ઘરમાં પણ બૉસ ને અહીં પણ બૉસ, ખરું ને?’

‘ના, એવું તો કંઈ નહીં, પણ આખો દિવસ કોઈ સ્ત્રીના હાથ નીચે કામ કરવાનું એટલે જરા કંઈક, પેલું શું કહેવાય ઓડ ફીલ થાય.’

‘તેમાં શું ઓડ લાગવાનું? જેવા સાહેબ બૉસ તેવા મૅડમ બૉસ. તારે તો નોકરી કરવા સાથે મતલબ છે ને?’

‘હા, પણ લૅડી બૉસ સાથે મેન્ટલી એડજસ્ટ થવું કોઈ પુરુષ માટે કેટલું અઘરું છે, એ તને નહીં સમજાય.’

‘કેમ એ માણસ નથી? એને બૉસ બનવાનો હક નથી? જો કોઈ સ્ત્રી ખૂબ ભણે તો તમે રાજી થાઓ ને એનાં ભરપેટ વખાણ કરો, કોઈ આકાશમાં જાય કે અવકાશમાં જાય તો આખી દુનિયા એને માથે બેસાડે, જો એ લશ્કરમાં ભરતી થાય તો એની બહાદુરીનાં વખાણ થાય, ટ્રેન ચલાવે, રિક્ષા, બસ કે ટ્રક હાંકે તો એની વાહ વાહ થાય પણ જો એ કોઈની બૉસ બની તો? ના ના, કોઈ કાળે ન ચલાવાય. એને પુરુષો પર હુકમ ચલાવવાનો કે એમને કામ સોંપવાનો કે એમની ભૂલો કાઢવાનો કોઈ હક નથી ખરું ને? તમારી પુરુષોની આ જ વાત અમને સ્ત્રીઓને નથી પસંદ. બધું જેમ ચાલતું આવેલું તેમ જ ચાલવું જોઈએ ને જેવું થતું તેવું જ થવું જોઈએ કે જેવું હતું, તેવું જ હોવું જોઈએ. બદલવાની અમારે નહીં, પહેલી જરૂર તમારે જ છે.’

‘ક્ષિપ્રા પ્લીઝ, આપણે પછી આ બધી વાત કરીએ? તું કહે તો, પહેલાં બાલ્કનીમાં બેસીને કૉફી સાથે નાસ્તો કરીએ?’

‘યસ બૉસ.’ ક્ષિપ્રાએ બે મગ કૉફીના મૂક્યા અને નાસ્તાની ટ્રે લઈ બાલ્કનીમાં બેઠી. 

વરુણે ક્ષિપ્રાને ના કહી પણ એના દિમાગમાં તો એની બૉસના જ વિચારો ખળભળાટ મચાવતા હતા. રિસેસમાં ભેગા મળેલા મિત્રોએ બૉસની ઓળખાણ આપતાં કહેલું, ‘આ આપણી બૉસ! બધી રીતે સારી છે પણ ભારે અકડૂ છે. આખો દિવસ ભારમાં જ રહે છે. આપણે તો જાણે એની સામે સાવ ફાલતુ જ લાગીએ. ઓફિસમાં એની એન્ટ્રી જ બહુ ભારે થાય. કોઈની સામે જોયા વગર સડસડાટ કૅબિનમાં પહોંચી જાય કે તરત જ પ્યૂને કૉફી લઈ જવાની. એક દિવસ પ્યૂન બે જ મિનિટ મોડો પડ્યો તો એને ખખડાવી કાઢ્યો! ટાઈમની તો બહુ જ પંક્ચ્યુઅલ છે. દસના ટકોરે ઓફિસમાં હાજર ને પાંચના ટકોરે કૅબિન ખાલી. બધાંએ જ પોતાનું, રોજનું કામ રોજ પતાવવાનું એટલે પતાવી જ દેવાનું એવી એની સ્ટ્રિક્ટ વૉર્નિંગ! કોઈ બહાનાં નહીં ને કોઈ ફાલતુ વાત નહીં. ‘જે વાતમાં સમય બગાડે છે, એ પોતાની સાથે બીજા કેટલાય લોકોનું કામ પણ બગાડે છે’ એવું એણે એક વાર કોઈને કહેલું. ત્યારથી એની હાજરી તો શું, એની ગેરહાજરીમાંય કોઈ વાત નથી કરતું.’ બહારગામ હોય તોય, ફોનથી સતત બધાંની ખબર રાખતી રહે અને એનું લૅપટૉપ તો સતત સાથે જ. કોઈ બચી જ ન શકે એની નજરમાંથી.’

વરુણનું એક તો નોકરીનું પહેલું જ વીક અને તેમાંય બૉસ તરીકે જ્યારથી એણે એક સ્ત્રીને જોયેલી, ત્યારથી જ એનું તો દિમાગ ફરી ગયેલું. એવું નહોતું કે, એને સ્ત્રી જાત પ્રત્યે જ કોઈ ગુસ્સો કે વેર હતું, પણ એના બાળપણના સંસ્કારે એને થોડો અહંકારી બનાવેલો અને તેમાંય સ્ત્રી–પુરુષના ભેદભાવ તો એના મનમાં ઠાંસી ઠાંસીને ભરેલા. દરેકે પોતાને ભાગે આવેલું કામ જ કરવાનું અને બીજાના ક્ષેત્રમાં માથું નહીં મારવાનું, કારણકે એને એમાં સમજ ન પડે! તેથી જ, સ્ત્રીઓને એ તુચ્છ સમજતો અને ઘરકામ કે બીજાં કોઈ કામ કરવામાં નાનમ સમજતો. આ બધી એના માબાપની મહેરબાની હતી, બીજું કંઈ નહીં.

વરુણને જોકે પત્ની એકદમ હસમુખી અને મુક્ત વિચારોવાળી મળી હતી. એને મન તો સૌ સરખાં. દરેકે એકબીજાને મદદ કરવી જ જોઈએ એવું માનનારી. એ એનાં માબાપની મહેરબાની હતી. ખેર, શરૂઆતમાં જ વરુણના પ્રેમાળ પણ અહંકારી સ્વભાવને પામી ગયેલી ક્ષિપ્રાએ ધીરે ધીરે વરુણના વિચારોને બદલવાની કોશિશો ચાલુ કરી દીધેલી. અંશત: એમાં એને સફળતા પણ મળેલી.

ઓફિસના બૉસની વાત ફરી નિરાંતે માંડતાં આખરે ક્ષિપ્રા વરુણના મગજમાં એ વાત ઠસાવવામાં કામિયાબ રહી, કે બૉસ ગમે તે હોય, કામ એ કામ જ છે. એક કર્મચારી તરીકે એ કામ કરવાની દરેકની ફરજ છે. અને જો કોઈ નિયમીત હોય, કામ બાબતે જ શિસ્તનો આગ્રહી હોય તો એમાં ખોટું શું છે? આખરે લોકો પગાર શેનો લે છે? વાત કરવાનો કે મસ્તી કરવાનો? તો પછી બહાર ભેગા થઈને પણ એ બધું થઈ શકે ને? એમાં ઓફિસનું કામ બગાડવાનો શો અર્થ? ક્ષિપ્રાની વાત વરુણના મગજમાં જતાં ને ઉતરતાં ભલે થોડી વાર લાગી, પણ એની અસર એકદમ ચોટદાર થઈ હોવાથી વરુણના વિચારો જ ફેરવાઈ ગયા. બીજે દિવસે તો સમયપહેલાં જ ઓફિસે પહોંચીને એણે બૉસને પણ અચંબામાં નાંખી દીધા. ‘હલો મિસ્ટર વરુણ, આજે આટલા જલદી?’

‘મૅમ, જે સમયસર રહે છે એનું બધું કામ પણ સમયસર જ થાય છે. આજથી નો ફાલતુ ટાઈમ પાસ, ઓન્લી કામ એન્ડ કામ.’

બૉસને પહેલી વાર જ મુક્ત મને હસતાં જોઈ વરુણના ચહેરા પર પણ સ્મિત રેલાઈ ગયું.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.