ડિયર મમ્મી

14 Feb, 2018
07:24 AM

કલ્પના દેસાઈ

PC: irishnews.com

ડિયર મમ્મી,

મારે તને એક વાત કહેવી છે. જરાય ગભરાયા વગર આ લેટર તું શાંતિથી વાંચજે ને પછી તારે મને જે કહેવું હોય તે કહેજે.

આવતા મહિને મારી એક્ઝામ્સ છે ને મને બહુ બીક લાગે છે. બસ, મને ખબર છે કે આટલું વાંચતાં જ તારું શરીર ઠંડું પડવા માંડશે ને તને રડવું આવી જશે ને તું મને ફોન પર ફોન કરવા માંડશે. હેં ને? પણ પ્લીઝ, રિલેક્સ. મને શાની બીક લાગે છે તે જાણ્યા વગર જ તું ગભરાઈ જવાની? તું રડવા માંડવાની? ને મારો ફોન નહીં લાગે તોય મને સતત ફોન કર્યા કરવાની? 

મમ્મી, સાચું કહું તો મને તારી બીક લાગે છે. જો પાછી, આ વાંચીને તો તું ફરીથી રડવા જ માંડવાની કે, મેં એવું તે શું કર્યું કે તને મારી બીક લાગે છે? ખરું કહું તો મને તારા આ રડવાની, આ ગભરાઈ જવાની ને  નાની નાની વાતે ટેન્શન લઈ લેવાની ટેવની જ બહુ બીક લાગે છે. તું જરા પણ વિચારતી નથી, કે તારા આવા વર્તનથી ઘરમાં સતત કેટલું ટેન્શન રહે છે! તારી દોડાદોડી ને ગભરાટ ને સતત કંઈ ને કંઈ બબડાટ કે કોઈને ને કોઈને ઓર્ડર છોડવાની બૂમાબૂમથી તો બધાં ગભરાતાં થઈ ગયાં છે.

ઘરમાં પપ્પા એકદમ શાંત થઈ ગયા છે, જાણે ઘરમાં રહેતા જ નથી. તને ન ગમે એટલે બિચારા તને ખબર ન પડે તેમ મારા રૂમમાં ગુપચુપ આવીને મારી સાથે બે ઘડી વાત કરીને હાંફળાફાંફળા નીકળી જાય છે. મારા નાના ભઈલુ સાથે તો મેં કેટલાય દિવસોથી મજાકમસ્તી નથી કરી. તું મને રાજકુંવરીની જેમ રાખે છે તેની ના નહીં પણ મને તો જેલ જેવું લાગે છે તે તેં વિચાર્યું? ફાઈવસ્ટાર જેલ! જેમાં ફક્ત જેલરને જ આવવાની પરવાનગી. સતત તારી નજર મારા ઉપર જ હોય તો મને શું થાય તે તને કેમ ખબર નથી પડતી? હું બુકમાં મોબાઈલ રાખીને બધા સાથે મેસેજથી વાત કરી લઉં છું ને પાછા બધા મેસેજ યાદ રાખીને કાઢી પણ નાંખું છું. જાણું છું, કે ભૂલેચૂકેય જો તને ખબર પડી ગઈ તો મારો એક રહ્યોસહ્યો સહારોય જતો રહેશે. મારે ઊઠવું ન પડે ટલે જ તેં મને મોબાઈલ આપ્યો છે, બાકી તો શાની આપે? તેનુંય તને ટેન્શન કે મારો મોબાઈલ તને દેખાય એમ જ મૂક્યો છે ને?

મમ્મી, મને બહુ ગુંગળામણ થાય છે. મારે નથી આપવી પરીક્ષા. તું જ કહે, આવી હાલતમાં તારાથી એક પણ કામ સરખું થાય? મન દઈને થાય? સોએ સો ટકા પરફેક્શન આવે તારા કામમાં? બોલ જોઉં. તો પછી, તું કેમ મારી પાસેથી એ આશા રાખે છે કે હું કંઈ નહીં તો ડિસ્ટિંક્શન તો લાવું જ. તને પણ ખબર છે કે હું ભણવામાં એવરેજ છું. પહેલેથી જ ક્યારેય મારો પહેલો કે બીજો નંબર આવ્યો જ નથી. હું તો દસથી પંદર નંબરની વચ્ચે રહેવાવાળી. એનો પપ્પાનેય સંતોષ ને મનેય સંતોષ. તને જો કે કોઈ દિવસ મારા ભણવાથી સંતોષ થયો જ નહીં. હવે જ્યારે હું દસમામાં આવી તો તને અચાનક જ એમ થઈ ગયું કે મારી દીકરીએ ફર્સ્ટ ક્લાસ તો લાવવો જ જોઈએ. હા, હું ફર્સ્ટ્લાસ પણ લાવી શકું એમ છું. ડોબી તો હું નથી જ. બસ, જરા ભણવાને સિરિયસલી નથી લેતી એટલું જ ને? ધારું તો ફર્સ્ટ પણ આવી શકું પણ જો તારો, મને હું ચાહું તેવો સાથ મળે તો. 

તું મારા માટે સવારે ચાર વાગ્યે ઊઠી જાય. મારા માટે ચા–દૂધ ને નાસ્તાની તૈયારી કરીને પછી મને ઊઠાડીને બે કલાક પૂજામાં બેસી જાય. શા માટે મમ્મી? હું મોટી છું હવે. હું મારી ચા ને નાસ્તો જાતે બનાવીને લઈ શકું છું. તું કેમ તારી ઊંઘ બગાડે છે? ભગવાન પાસે પાંચ મિનિટમાં જ જે માગવું હોય તે માગી લે ને!. બે બે કલાક સવારથી ભૂખી ને તરસી બેસીને તને શું થાય ખબર છે? તને જાતજાતના રોગ ઘૂસી જશે. મારે લીધે તું બિમાર રહે તે મને ગમે? મારી પરીક્ષા તો આજે છે ને કાલે નહીં હોય. મારું ભવિષ્ય મારા હાથમાં છે નહીં કે તારા હાથમાં. હું જેટલું વાંચીશ, સમજીશ ને લખીશ તેટલા જ માર્ક્સ મળવાના છે. આમાં તું વગર કારણે શું કામ તારું બલિદાન આપે છે?

આ વરસે જો હું ફેલ થઈ તો આવતા વરસે પાછી પરીક્ષા આપીશ. કોઈ બહુ મોટી વાત નથી. પણ તું તો જાણે આ વરસ અહીં જ અટકી જવાનું હોય ને એમાં જેટલું વધારે ભણાય એટલું ભણીને મારો ફર્સ્ટક્લાસ આવી જવાનો હોય એવી વાત કરે છે. પ્લીઝ મમ્મી, એકદમ શાંતિથી આ લેટરની એક એક વાત સમજવાની કોશિશ કરજે. તને તારા બધા સવાલોના જવાબો પણ મળી જશે. 

ઘરમાં એકદમ હળવું વાતાવરણ રાખ તો મને પણ સારું લાગે. કોણ કહે છે કે, પરીક્ષામાં ચોવીસ કલાક વાંચ વાંચ જ કરવાનું? આજકાલ તો કેટલી બધી અવેરનેસ આવી ગઈ છે લોકોમાં? બધું પ્લાન કરવાનું એટલે કે, ભણવાની સાથે હલકાફુલકા રહેવાય એવું પણ બધું કરવાનું. દિવસના અમુક જ કલાક ભણવાનું. વરસની શરૂઆતથી જ એવું ટાઈમટેબલ બનાવીને બધી તૈયારી કરવાની, કે એકેય વિષયમાં કંઈ જ બાકી ન રહે. આખા વરસનું નિયમીત વાંચન જ પરીક્ષામાં શાંતિથી લખવા દે. નહીં તો છેલ્લી ઘડીનો ગભરાટ તો ટેન્શન જ કરાવે ને સો ટકા ફેલ પણ કરાવી દે.

કેમ આપણે બે પપ્પાની સાથે મળીને બધી વાતો ન કરી શકીએ? પપ્પાને આ પરીક્ષાના દિવસોમાં આટલા ડરમાં રાખવા એ સારું લાગે? ભાઈને તો તું બિલકુલ જ જોતી નથી, તો એનું વરસ નહીં બગડે? તું જો મને તારા તરફથી ફ્રી કરી દે તો હું આરામથી ભણીને પાસ થઈ જઈશ, પ્રોમિસ. તારે જે ભગવાનની પૂજા કરવી હોય તે કર પણ એક શરતે, કે મારા માટે કોઈ બાધા કે ઉપવાસ નહીં રાખતી. મારા માટે ઉજાગરા નહીં કરતી. તને ઊંઘ ન આવે ને તારે મારી સાથે બેસીને કંઈ વાંચવું હોય કે તારું કોઈ કામ કરવું હોય તો ચોક્કસ કરજે. મને પણ ગમશે ને કંપની પણ મળશે. હવે બહુ થઈ ગયું નંઈ? સાંજે હું આવું ત્યારે આપણે બધાં સાથે બેસીને જમશું ને રાતે અડધો કલાક બહાર ચક્કર મારવા પણ જઈશું. બહુ દિવસ થઈ ગયા હેં ને?

તારી જ લાડલીની બહુ બધી કિસીકિસી. લવ યુ મમ્મી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.