દેવલી

01 Nov, 2017
12:01 AM

કલ્પના દેસાઈ

PC:

બકરીનાં બચ્ચાનો રડવાનો અવાજ સાંભળી વાસણ માંજતી દેવલીના કાન ઊંચા થઈ ગયા. વાસણ પર ફરતા એના હાથ ધીમાં પડી ગયા. એની નજર દૂર ઝાડીની આરપાર ફરવા માંડી. જેવો થોડે દૂરથી ‘હડ હડ‘નો જોર જોરમાં અવાજ સંભળાયો, કે દેવલી વાસણને તગારામાં ફેંકતી ઝપ્પ દઈને ઊભી થઈ ગઈ. ‘અરે કોઈ દોડો. પેલાં બોકડાને ધરી લીધું લાલિયાએ.’

દેવલીનો ગભરાટ જોઈ મેં રસોડામાંથી ડોકિયું કર્યું, ‘હું થ્યું દેવલી?’

‘અરે પેલાં બોકડાને એકુ કૂતરાએ ધરેલુ છે.’

‘હા, તો પણ એમાં તુ હું કરવા ઊભી થઈ ગઈ? તાં જે ઓહે તે છોડાવહે.’ મને દેવલીનું આમ વાસણ ફેંકીને ઊભા થઈ જવું જરા વિચિત્ર જ લાગ્યું.

‘અરે તે મધલીને તાંનું જ બોકડું ઓહે.’ બોલતી બોલતી એ પગથિયાં ઊતરી ગઈ.

ઓહ! એમ વાત છે. દીકરીને ત્યાંની બકરીનું બચ્ચું પકડાયું લાગે છે! 

ઊંચા જીવે બને તેટલા લાંબા ડગલાં ભરવાની કોશિશ કરતી દેવલી ખોડંગાતી ખોડંગાતી, બૂમો પાડતી અવાજની દિશામાં જવા માંડી, ‘એ નહાડ, પેલાં લાલિયાને નહાડ. તે મારી લાખવાનું બોકડાને. એય રુખલી, તારા પોઈરાને બૂમ પાડ નીં. એમ ઊભી હું ર’યલી?’ ચાલમાં બને તેટલી ઝડપ લાવીને દોડવા મથતી દેવલીની રાડો ફાટી ગઈ. ‘ઓ કોઈ પેલાં બોકડાને બચાવો...તે પેલો લાલિયો ખાઈ જવાનો એને.’ દેવલીની બૂમાબૂમથી દોડી આવેલા બે ચાર મજૂરિયાઓએ આખરે લાલિયા પાસેથી બકરીના બચ્ચાને છોડાવવામાં સફળતા મેળવી. પગમાં પથ્થરનો માર ખાઈને કરાંજતો લાલિયો દૂર જતો રહ્યો. ડરના માર્યા ધ્રૂજતા બચ્ચાને કમર પર ઊંચકીને લાવતી દેવલી બીજા હાથમાં મોબાઈલ પર દીકરીને સબ સલામતનો સંદેશો આપતી દેખાઈ. વાહ દેવલી! કહેવું પડે બાકી, ખરી મા છે તું.

દેવલીની બન્ને દીકરી ગામમાં જ પરણેલી ને બન્નેના લવ મૅરેજ! જોકે એ લોકો નાત જાત કે સંબંધને એટલું મહત્ત્વ ન આપે. એકદમ મોડર્ન. ગમે ત્યાં સુધી સાથે રહેવાનું ને ન ગમે તો છોડીને બીજે વસી જવાનું. એક દીકરી તરફથી બિલકુલ ચિંતા નહોતી ત્યારે બીજી દીકરીનો વર દારૂડિયો નીકળ્યો એટલે દેવલીએ એને પોતાની સાથે રાખી ને એનાં બન્ને બાળકોની જવાબદારી પણ ખૂબ નિભાવી તે એટલે સુધી, કે દેવલીએ ચોથી પેઢી પણ જોઈ નાંખી! ત્રણેય એના પૈસે મોજ કરતાં રહ્યાં. દેવલીએ દીકરીનાં બાળકો ને એમનાં બાળકોમાં જ પોતાનું સુખ અને સર્વસ્વ જોયું. દીકરીનો દીકરો રમેશ પણ મન થાય ત્યારે કામ પર જતો નહીં તો રખડ્યા કરતો. દેવલી પાસેથી અવારનવાર બસો–ત્રણસો રૂપિયા કઢાવી જતો. દેવલીની હાલત પર મને દયા પણ આવતી અને પોતાની મહેનતના પૈસા એને આમ ચૂપચાપ લૂંટાવતી જોઈને એના પર ગુસ્સો પણ ખૂબ આવતો.

એક દિવસ રમેશ પૈસા લેવા આવ્યો. દેવલીએ મારી પાસે ત્રણસો રૂપિયા માંગ્યા. 

‘દેવલી એને કહે, કંઈ કામ કર. આમ તારા પૈહા કાં હુધી વાપરહે? તુ મે’નત કરે ને આ લોકો ઊડાવે તે હારુ કહેવાય કે?’

તરત જ દેવલીનું મોં પડી ગયું. એણે ચૂપચાપ મારા હાથમાંથી પૈસા લીધા ને બહાર નીકળતાં બબડી, ‘વારી તો દેતી છું તમારા પૈહા. તમારે હું કામ જોઈએ બધી પંચાત?’

ખલાસ! એ મને બબડી તેના દુ:ખ કરતાં, દેવલી રમેશની મોજમજા માટે પૈસા લૂંટાવતી હતી તેનું દુ:ખ મને વધારે થયું. એ પોતાના કૂવાની બહાર નીકળવા જ નહોતી માંગતી તો કોઈ શું કરી શકે?

એ લોકોના ફોન આવતાં જ બધાં કામ પડતાં મૂકીને ચાલવા માંડતી ને એમના પડ્યા બોલ ઝીલતી દેવલી મારે મન મૂરખની સરદાર હતી. ન તો કોઈ દિવસ એ ફિલ્મ જોવા જાય કે ન બજાર કોઈ ખરીદી કરવા જાય. એ ભલી ને એનું નાનકડું કુટુંબ ભલું. એ કુટુંબમાં કોઈ પ્રવેશ કરવા ચાહે તો દેવલી પહેરેદાર બનીને ઊભી રહી જાય. કોણ છે? શું કામ છે? કેમ આવ્યા? બધું જાણીને વ્યવસ્થિત લાગે તો જ વાત કરે, નહીં તો ગાળે ગાળે એને છોલી નાંખે. આજુબાજુની વસતીવાળા પણ દેવલીથી ગભરાય. એ કોઈને છેડે નહીં તેમ એનું પણ કોઈએ નામ નહીં લેવાનું. અમે તો એને જમાદાર જ કહેતાં.

વરસો પહેલાંની એક દિવાળીએ એ મોઢા પર લાલ ચાંઠા લઈને આવેલી. પૂછતાં જ ધ્રૂસકે ધ્રસકે રડી પડી. લગભગ રોજ રાતે પીને ધમાલ કરતો ને દેવલીને મારતો મગન, દિવાળીમાં પણ સીધો નહોતો રહ્યો. એની જગ્યાએ બીજું કોઈ હોત તો કદાચ ઘરમાં જ બેસી રહેત પણ અમારી સહાનુભૂતિ ને થોડી રાહત મેળવવા ખાસ એ એવા મોંએ પણ આવેલી. એ દેવલી આજની તારીખમાં એનો જમાઈ જો સામો મળે તો જમાઈને ખૂબ ગાળો આપે ને વખત આવે ત્યારે ઝપેટી પણ નાંખે.

આ દિવાળીએ એણે ચાર પાંચ દિવસ વગર કહ્યે રજા પાડી. એની બાજુમાં રહેતી રુખીએ હકીકત જણાવી ત્યારે મને દેવલી પર ખૂબ ગુસ્સો આવ્યો. કોણ જાણે આ ક્યારે સુધરવાની? એની દીકરી ને દોહિત્રોએ મળીને દેવલીને મારીને એનો પગાર તથા દિવાળીની બક્ષિસ પણ કઢાવી જલસા કરેલા. ને દેવલી દિવાળીમાં પણ ઘરમાં એકલી જ દારૂ પીને પડી રહેલી, ભૂખી જ. 

અઠવાડિયા પછી એ આવી ને ચૂપચાપ કામે લાગી ગઈ. કોઈના વિશે કંઈ પણ બોલ્યા વગર કે કોઈનીય ફરિયાદ કર્યા વગર! મનમાં તો મને સતત થતું રહ્યું કે, ‘દેવલી, તને ના પાડતી તો તું માનતી નીં ને? આ લોકો પૈસાના જ ભૂખા છે. તુ આમ ભોળી નો બન. તને એકુ દાડો ઘર વગરની કરી દેહે આ લોકો. તુ જ કમાય ને તુ જ માર ખાય? તારે અંઈયે આવી રેવાનું ઊતુ ને? કેમ મને એક ફોન બી નીં કઈરો? ઉં એ બધાને પોલીસમાં આપી દેતે.’ 

મને એના જવાબની ખબર હતી એટલે મેં મારા મન પર ને મારાં આંસુઓ પર બહુ સંયમ રાખ્યો. આવી પણ મા હોય?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.