ભાઈએ મને યાદ કરી’તી?

09 Aug, 2017
12:05 AM

કલ્પના દેસાઈ

PC:

‘આવ રુચિ. સારું થયું તું ટાઈમ પર આવી ગઈ, નહીં તો તને ન મળ્યાનો અફસોસ રહી જાત.’

‘અરે, હું ટાઈમ પર કેમ ન આવું? મારી પ્યારી બહેના આજે પહેલી વાર અમેરિકા જાય છે, ને હું ન આવું તે બને? સૉરી, લેઈટ છું પણ ટાઈમ પર છું.’

‘અરે, વાંધો નહીં. તું એરપોર્ટ તો આવે છે ને? ટાઈમ લઈને આવી છે ને જીજુ પાસે?’

‘હા ભઈ, કાલે સવારની ચા પણ હું તારા ઘેરથી જ પીને નીકળવાની છું બસ? તારી બૅગ પૅક થઈ ગઈ કે હજી છેલ્લું છેલ્લું કંઈ બાકી છે?’

‘ભઈ, તારા જીજુએ તો અઠવાડિયા પહેલેથી જ બધું પૅકિંગ કરાવી દીધું’તું. છેલ્લી ઘડીએ પણ હું કંઈ બાકી ન રાખું ને, એ બીકે, હંહ!.’

‘તો પછી હવે કંઈ નહીં મુકાય?’

‘ના, ના એમ તો થોડી જગ્યા મેં રાખી જ છે. કંઈક તો રહેશે જ ને બાકી? ઓહ! પણ તું કેમ પૂછે છે ક્યારની? તારે કંઈ કામ છે? શું લાવી મારા માટે કંઈ સ્પેશિયલ? લાવ જલદી, તારા જીજુ આવે તે પહેલાં મૂકી દઉં.’ ભાવિએ બૅગ ખોલી.

‘આ ભાઈ માટે એના ફેવરિટ કલરનું શર્ટ ને ભાભી માટે સાડી અને જડાઉ હાર છે.’ બોલતાં રુચિએ આડું જોઈ આંખો લૂછી લીધી.

એક ઘડી ભાવિનો હાથ પણ લાંબો થતા અટક્યો, ‘અરે લાવ લાવ. તેં બહુ સારું કર્યું. બન્ને બહુ ખુશ થઈ જશે. ચાલ હવે જલદી ઘરમાં બધાંને મળી લઉં ને પછી આપણે નીકળી જઈએ. તું જમીને આવી? નહીં તો જલદી જમી લે, ચાલ.’

‘તું મારી ફિકર છોડ ને ભાગ જલદી, બધાં રાહ જુએ છે.’

એરપોર્ટ પર બે ઘડીનું કરુણ દ્શ્ય ભજવાયું અને દરવાજો બંધ થઈ ગયો. રુચિને તો પછી ઊંઘ જ ક્યાં આવી? ભાઈ સાથેની ધમાલમસ્તીની ફિલ્મો આંખ સામેથી ખસવાનું નામ નહોતી લેતી. બે બહેન અને એક ભાઈ. પોતે નાની એટલે બન્નેની લાડકી પણ ભાઈને મસ્તી કરવા હું જ મળતી. ધીરે ધીરે એટલાં નજીક આવી ગયાં કે મોટીબેન થોડી દૂર થઈ ગઈ. એમ પણ એ તો સાસરે વહેલી ભાગેલી. જીજુ ક્યાં નાસી જવાના હતા? સગાઈના બીજે જ મહિને એ તો પરણી ગયેલી. હું કંઈ એમ જલદી લગન નથી કરવાની.

‘હા હા, તારે તો હું કહું ત્યારે જ લગન કરવાનાં છે સમજી ને?’

‘હા ભાઈ, તમને પૂછ્યા વગર કે તમને બતાવ્યા વગર હું થોડી કોઈને નક્કી કરવાની? મને તો તમે કહેશો ત્યારે, ને તમે પસંદ કરશો તેની સાથે જ લગન કરવાં છે.’

‘બસ, તું છે જે મને માને છે. બાકી મોટી તો સાવ ખોટી.’

મહિનો જોતજોતામાં નીકળી ગયો. રુચિ તો છેલ્લા બે દિવસથી, ભાવિને એરપોર્ટ લેવા જવાના પ્લાનમાં ફેરફાર કરતી હતી અને આજે તો એ ભાવિના ઘરમાં બધાંથી થોડે દૂર, બધાના સવાલો, જવાબો ને હાહાઠીઠીને માથા પરથી જવા દેતી હતી. ‘હાય, ક્યારે આ બધા મોટીને છોડશે? એક મહિનો અમેરિકા શું ગઈ, આ લોકો તો સાવ ગાંડાં જ થઈ ગયાં છે. પ્લીઝ, કોઈ મારી મોટીને મારી પાસે મોકલો. મારે જાણવું છે, ભાઈ ને ભાભીએ મારા માટે કોઈ મેસેજ મોકલ્યો છે? એમની વહાલી નાની માટે કંઈ મોકલ્યું છે? ભાઈને તો કહેવું પણ નહીં પડ્યું હોય કોઈએ. પહેલેથી જ મોટીની બેગમાં બધું મૂકી દીધું હશે.’

દૂર બેઠે બેઠે ભાવિ પણ બૅગ ખાલી કરતાં અને વાતો કરતાં રુચિને જોઈ એની બેચેની સમજતી હતી. 

‘ચાલ ને મોટી, તારા ઘરનાં પણ ખરાં છે, તને છોડતાં જ નથી. હાશ! સારું થયું તેં પહેલાં જ બધાંને એમનાં પાર્સલ પકડાવી દીધાં. હવે કોઈ બાકી નથી ને? મારે તારી સાથે બે જ મિનિટ વાત કરવી છે. પછી હું પણ ભાગું. ઘરનું બધું કામ રખડતું મૂકીને જ દોડી છું. ચાલ જલદી તારા રૂમમાં. ચાલ ને, કોની રાહ જુએ છે?’

‘હા ભાઈ હા, બૅગ તો સરખી બંધ કરવા દે. તું જતી થા, હું આવી.’

રુચિ કંટાળતી ને અકળાતી ભાવિના રૂમમાં આંટા મારવા લાગી. ભાઈ ને ભાભી એમ તો મારા માટે જીવ કાઢે પણ એક જ ઉતાવળ મેં શું કરી નાંખી, તેમાં તો બન્નેએ મારી સાથે સંબંધ જ કાપી નાંખ્યો! બન્ને વાતો તો બહુ મોટી મોટી કરતાં હતાં, પણ મેં વિશાલ સાથે લવમેરેજ કરી લીધાં તે બહુ મોટો ગુનો કરી નાંખ્યો જાણે! કોઈ વાત કે કોઈ ચોખવટ વગર, બસ સંબંધ જ કાપી નાંખ્યો. હું કહેવાની જ હતી ને બધું જણાવવાની પણ હતી જ ને? તોય, ભાઈનું આ રૂપ? કદાચ મારા પરનો માલિકીભાવ જ એમને નડી ગયો. જોકે, નડ્યો તો મને, એમને તો ક્યાં કોઈ ફેર પડ્યો? પડ્યો હોત તો બે વરસમાં એકાદ ફોન તો કરત ને? ને ભાભી? ભાઈથી ખાનગીમાં મારી સાથે વાત ન કરી શકત? ભાઈને પટાવી ન શકત? મારા ફોનનો જવાબ સુધ્ધાં નહીં? દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ અને પોતાને એકદમ મોડર્ન ગણાવતા ભાઈ, આટલા એક કારણસર મારાથી રિસાઈને બેસી ગયા! કંઈ નહીં પણ, મેં મોટી સાથે એમની ફેવરિટ ગિફ્ટ મોકલેલી તે જોઈને તો નક્કી ઢીલા પડી જ ગયા હશે. આ મોટી પણ, બૅગ બંધ કરતાં કેટલી વાર?

ભાવિ રૂમમાં આવીને બૅગ ખોલીને બેસી ગઈ. 

‘મોટી, ભાઈએ મને યાદ કરી’તી? જે હોય તે સાચું કહેજે હં.’

‘હા હા, કેમ યાદ નહીં કરી હોય? તું તો ખાસ લાડકી એમની. લે આ જો. તારા માટે ભાઈએ તારી પસંદની આ પાંચ સાડી, ને ભાભીએ તારા માટે આ ડાયમંડ સેટ મોકલ્યો છે. મને કંઈ પણ બોલવાની ના પાડી છે. તને એ લોકો સરપ્રાઈઝ આપવાનાં હતાં એટલે પછી ફોન કરશે, ત્યારે જ તું વાત કરી લેજે બસ? ખુશ?’ 

રુચિ ડાયમંડ સેટ ગળા પર ગોઠવીને અરીસા સામે ઊભી હતી, ત્યારે ભાવિ બાથરૂમમાં મોંએ હાથ મૂકી ડુસકાં દબાવતી હતી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.