દિશાહીન
દિશાએ ઑફિસમાં દાખલ થતાં વેંત જ, બધે એક કરડી નજર નાંખી, પોતાના ટેબલ પાસે જઈ ખુરસીમાં પર્સ ફેંક્યું. સામેથી પસાર થતા પ્યૂનને હાક મારી, 'એય, અહીં આવ.'
'જી મેમ.'
'અરે મેમવાળી, આ ટેબલ પર તને ધૂળ નથી દેખાતી? આ બધા ભલે ધૂળ ચલાવી લેતાં હશે પણ મારા ટેબલ પર બીજી વાર મને ધૂળ નહીં જોઈએ, સમજ્યો? ચલ જા, ફાંફાં શું મારે છે? મારી ચા લઈ આવ ને આ ટેબલ સાફ કર.'
આજુબાજુ બેઠેલી બધી છોકરીઓમાંથી કોઈએ પણ એની સામે જોવાની ભૂલ ન કરી અને પોતાના કામમાં મગન હોવાનો દેખાવ ચાલુ રાખ્યો. આ જોઈને વધારે ગિન્નાયેલી દિશાએ હંમેશ મુજબ બબડાટ ચાલુ કરી દીધો.
'સાલી, આ તે કંઈ જિંદગી છે? કોઈને કોઈની પડી જ નથી! બધાને ખાઈ-પીને લહેર કરવી છે પણ કામના નામ પર કે બીજાને મદદના નામ પર કોઈને જરાય ઘસાવું નથી. ઘરમાં શું કે બહાર શું? તદ્દન લાગણી વગરના, પૈસા પાછળ દોડતા લોકો. એકબીજાને જોઈને કૂતરાની જેમ ભસતા લોકોને ખાવા દોડી જતા લોકો ને ઉકરડાની જેમ ગંધાતા લોકો. તોય, બધાને જીવવું છે, મરવું છે, દોડવું છે, ભાગવું છે ને કમાવું છે. કોના માટે? હં, આખરે કોના માટે? કેમ કોઈ બોલતું નથી? મને ખબર છે, હું આવું એટલે બધાના મોમાં મગ ભરાઈ જાય છે. મારી સાથે બોલવું કોઈને નથી ગમતું, વાત કરવી નથી ગમતી તો શું મારી સામે જોવું પણ નથી ગમતું તમને કોઈને?' બોલીને એણે ટેબલ પર મૂઠ્ઠી ઠોકી.
અંતે એનો રોજનો ગુસ્સો ઠાલવીને, એક ગ્લાસ પાણીને ઠંડી પડેલી ચા ગટગટાવીને દિશા કામે લાગી ગઈ. એક પછી એક ફાઈલનો દિશા નિકાલ કરવા માંડી અને લંચ બ્રેક સુધીમાં તો એણે અડધું કામ પતાવી પણ દીધું.
મગજમાંથી બધો કચરો અને દિલમાંથી બધો ઊભરો ઠલવાયા પછી દિશા એકદમ નોર્મલ બની જતી. એની સાથે કામ કરતી બધી છોકરીઓ પણ હવે તો ટેવાઈ ગઈ હતી. લંચ બ્રેક સુધી કોઈ એને છેડતું નથી - જો અખંડ શાંતિ ચાહતું હોય તો! બાકી તો, ફક્ત એક જ સવાલ કે સલાહના નામ પર અડધો કલાક સુધી દિશાનું ફાયરિંગ ચાલતું અને સામેવાળું ઘાયલ થઈને કે મરણતોલ અવસ્થામાં જ છૂટકારો પામતું.
સ્નેહા એને બે વર્ષથી ઓળખતી હતી. ઓફિસના પહેલા દિવસથી જ એને ચેતવવામાં આવેલી, છતાં દિશાનું વિચિત્ર વર્તન સતત સ્નેહાને પજવતું રહેતું. નક્કી દિશાને બીજા જ કોઈ પ્રોબ્લેમ્સ છે, બાકી આ એનો ઓરિજિનલ સ્વભાવ તો ન જ હોઈ શકે. પણ કોને પૂછું? કોણ જાણતું હશે એના વિશે? એની અંગત વાતો વિશે? લંચ બ્રેકમાં બધાં સાથે ખાતી વખતે સ્નેહાએ જાણવાની બહુ કોશિશ કરેલી પણ પરિણામ શૂન્ય. એના વિશે વધારે કોઈ જાણતું જ નહોતું!
એક સાંજે આખરે સ્નેહાએ દિશાના દિલમાં ઝાંખવાની તક ઝડપી લીધી. કોઈક કામથી દિશાને અડધો કલાક વધારે રોકાવું પડે તેમ હતું. સ્નેહાએ પણ કામને બહાને પ્યૂનને બે ચા ને બે સેન્ડવિચ લાવવા ઓર્ડર કર્યો. દિશાએ ઊંચું જોઈ, સ્નેહા તરફ નજર નાંખી ન નાંખી ને ફરી પોતાના કામમાં માથું ખોસી દીધું. ચા ને સેન્ડવિચ આવતાં, સ્નેહા ટ્રે લઈને દિશા પાસે જઈ બેઠી.
'ચાલો દિશાબેન, આપણે ક્યારનું ખાધું છે તે મને તો બહુ ભૂખ લાગી છે. તમે પણ જોઈન થાઓ તો મને ગમશે. ચાલો, આપણે સાથે ખાઈને ચા પી લઈએ.'
કદાચ વરસોથી, ફક્ત આવી બે લાગણીભરી, પ્રેમભરી વાતો સાંભળવા જ તરતી રહી હોય તેમ દિશા સ્નેહાની સામે પીગળી ગઈ. તરત જ, સ્વભાવ, વિરુદ્ધ એક મજેદાર સ્મિત કરી સ્નેહા સામે આભારની નજરે જોતાં એમે સેન્ડવિચ મોમાં મૂકી. ફક્ત એક સેન્ડવિચ અને એક કપ ચા એ દિશાના દિલના બધા દરવાજા ખોલી નાંખ્યા. બધા એના સ્વભાવથી ડરતાં હતાં, દૂર ભાગતાં હતાં. પણ કોઈએ હિંમત કરીને બે વાત કરવાની કે લાગણી બતાવવાની કોશિષ પણ ન કરી. કદાચ દિશા વરસો પહેલાં જ બદલાઈ ગઈ હોત!
ખેર, સ્નેહાને દિશાની વાતો જાણીને જેટલું દુઃખ થયું એટલું જ આશ્ચર્ય પણ થયું. પાંચ વર્ષ પહેલાં લવમેરેજ કરીને પ્રેમલને પરણેલી દિશાને, થોડા જ દિવસોમાં પોતાના અવિચારી પગલાંની ભૂલ સમજાઈ ગયેલી, મોટી મોટી વાતો કરતાં અને કંઈ કામકાજ ન કરતો પ્રેમલ, પોતાની કમાણી પર જીવવા માગતો હતો. એની દારૂ, જગાર અને આડા રસ્તે રખડવાની ટેવે દિશાના સ્વભાવને બદલવા માંડ્યો હતો. અધૂરામાં પૂરું કુટુંબમાં એક માત્ર, કહેવાતી વડીલ કે મા જેવી સાસુએ, પહેલા દિવસથી જ દિશાને પોતાના કાબૂમાં રાખવા દાદાગીરી અને ઝઘડાનો આશરો લઈ લીધો હતો. રોજના ઝઘડા અને ઉકળાટથી કંટાળેલી દિશા, ઑફિસમાં આવીને પોતાનો ઊભરો ઠાલવતી ત્યારે જ શાંત પડતી.
'દિશાબેન, માફ કરજો પણ તમે તો હજુ જુવાન છો, દેખાવે પણ સુંદર છો, તમારો પોતાનો ફ્લેટ છે અને તમારી સેલરી પણ સરસ છે. પછી તમે જુદાં કેમ નથી થઈ જતાં? કોઈક નવું સારું પાત્ર શોધી લો અથવા એકલાં જ રહો, પણ રોજના આ ત્રાસમાંથી તો છૂટકારો મળે ને? તમારી જગ્યાએ હું હોઉં તો બે દિવસમાં જુદી થઈ જાઉં.'
'ખબર નહીં સ્નેહાબેન, તમારી વાત ભલે બધી સાચી હશે પણ મને સમજ નથી પડતી કે, એવી તે કઈ વાત છે, કે હું આ બધું સમજ્યા છતાં પણ બધું છોડી નથી શકતી. માફ કરજો અને હા, થેન્ક યુ તમારી લાગણી માટે' આટલું બોલી દિશા ઝડપથી ઑફિસ છોડી ગઈ.
સ્નેહા થોડી વાર પોતાની જગ્યા પર જ ચૂપચાપ બેસી રહી. ધીરે રહી પર્સ લઈને ઑફિસની બહાર નીકળતાં એના મનમાં સવાલો ઘુમરાતા રહ્યા, 'આખરે એવું તે કયું કારણ હશે કે દિશા પોતાના પતિને સાસુથી છૂટવા નથી માગતી? શાંતિથી રહેવા નથી માગતી? શું એ આ હકીકતથી ટેવાઈ ચૂકી છે? એને પણ આ જ બધું ગમે છે? કે એનો સ્વભાવ પણ એવો જ છે?
સ્નેહાના સવાલોનો કોઈ જવાબ જ નહોતો. કોઈનો સ્વભાવ જ એવો હોય, કદાચ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર