વેકેશન ક્લાસની જરૂર છે?

09 Sep, 2015
12:00 AM

કલ્પના દેસાઈ

PC:

‘મમ્મી, આ વેકેશનમાં હું ડ્રોઈંગક્લાસ જોઈન કરવાની છું. પ્લીઝ તું ના નહીં કહેતી. મારી બધી ફ્રેન્ડ્સ પણ મારી સાથે જ ક્લાસ ભરવાની છે એટલે તું બિલકુલ ટેન્શન નહીં લેતી. સાંજ સુધીમાં મને પૈસા આપજે એટલે કાલે જઈને ફીઝ ભરી આવું.’

‘અરે મારી સ્વીટી, જરા શ્વાસ લેશે કે? મને જરા સમજવા તો દે કે, તું ક્યાં ડ્રોઈંગક્લાસ કરવાની છે? કોણ સર છે? ક્લાસ કેવા છે? એ ક્લાસ કઈ જગ્યાએ છે?’

‘મમ્મી હવે...? હવે કોણ શ્વાસ નથી લેતું ને લેવા દેતું? મારી કશે પણ જવાની વાત આવે એટલે તારા હજાર સવાલ ચાલુ થઈ જાય. તારા કરતાં તો પપ્પા સારા કે, મને કોઈ સવાલ ના કરે ને જેટલા માગુ તેટલા પૈસા પણ આપી દે. મને યાદ ના રહ્યું કે, મારે તને પૂછવાનું જ નહોતું. સીધી જ પપ્પા પાસે ગઈ હોત તો સારું હતું. તું પણ છે ને સાવ જૂના જમાનામાં જ હજી જીવે છે. બસ તારો જમાનો જ સારો ને આજનો જમાનો તો એકદમ ખરાબ. બધા લોકો જ ગુંડા ને બદમાશ. જાણે કે, બધા રસ્તા પર બેસીને અમારી જ રાહ જોઈ રહ્યા હોય!

મમ્મી, આજની છોકરીઓ સ્માર્ટ છે. પોતાનું સારું–ખરાબ સમજી શકે છે ને વિચારી પણ શકે છે. કંઈ ખરાબ બનવાનું છે એવું લાગે તો સામનો પણ કરી શકે છે. તમે લોકો અમને બહુ નાનાં જ સમજો છો હજી પણ! સૉરી મમ્મી, તારી કોઈ ના હું નહીં સાંભળું. હું તો ક્લાસ ભરીશ એટલે ભરીશ.’

‘બેટા, મેં ક્લાસ ભરવાની ક્યાં ના પાડી? મારે ફક્ત જાણવું છે કે, જે ક્લાસ તું ભરવાની તે સેફ છે કે નહીં? કોઈ મુસીબતની રાહ જોવી ને પછી એનો સામનો કરવો એના કરતાં જો પહેલેથી જ થોડી સાવચેતી રાખી હોય તો એમાં શું ખોટું છે તે જ મને સમજાતું નથી.’

‘ઓક્કે. તો સાંભળી લે કે, આ ક્લાસ અમારી સ્કૂલના સર જ ચલાવે છે, એ માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે ને પર્સનલી બધાના ઈન્ટરવ્યુઝ લે પછી જ એડમિશન આપે એટલા સ્ટ્રિક્ટ છે.’

ડ્રોઈંગક્લાસ માટે પર્સનલ ઈન્ટરવ્યુ? મમ્મીની સિક્સ્થ સેન્સે ટકોરો માર્યો.

‘એમાં વળી શું ઈન્ટરવ્યુ લેવાનો? તારી કોઈ ફાઈલ હોય તો બતાવી દેવાની અને ન હોય તો પણ વેકેશન ક્લાસમાં તો બધાંને જ એન્ટ્રી મળવી જોઈએ ને? એમને તો ફી સાથે મતલબ હોય. ભલે ને સ્ટુડન્ટ ગમે તે હોય.’

‘જો મેં તને પહેલાં જ કહ્યું ને કે, તારી બધી વાતો તારા જૂના જમાનામાં ચાલી ગઈ. હવે નવો જમાનો ને નવા રુલ્સ. નવી સ્ટાઈલ ને નવો અંદાઝ, સમજી મારી મૉમ? સારા સ્ટુડન્ટ્સ હોય તો સરનું નામ થાય ને ક્લાસ જોરમાં ચાલે. ડોબા લોકોને નો એન્ટ્રી. ને મારું ડ્રોઈંગ તો તને ખબર છે કે કેટલું સરસ છે. તમે લોકો જ તો નાનપણથી બધાંની આગળ મારાં વખાણ કરતાં ને કહેતાં કે, મારી દીકરી તો બહુ મોટી આર્ટિસ્ટ બનવાની છે. ભૂલી ગઈ એ બધી વાત? સરે જ કહ્યું કે, ‘તારું ડ્રોઈંગ એ ગ્રેડનું છે. તું જો મારા ક્લાસમાં આવે તો બે જ મહિનામાં તને નંબર વન બનાવી દઉં. ફક્ત તારે મહેનત કરવાની જ જરૂર છે. બાકી તું તો બહુ મોટી આર્ટિસ્ટ થવાની છે તે હું અત્યારથી તને લખી આપું.’ બસ? હવે આનાથી વધારે બીજું તને શું જોઈએ?’

(બસ, હવે મને કંઈ નથી જોઈતું. આ જ બધું મારે જાણવું હતું બેટા.) મમ્મીની સિક્સ્થ સેન્સ દીકરી કરતાં બે ડગલાં આગળ જ હોવાની ને?

‘અચ્છા, એક કામ કર. હું તને પૈસા આપું પણ એક શરતે.’

‘મને થયું જ કે, આટલી જલદી તેં હા કેવી રીતે પાડી? ભલે, બોલ તારી શરત. માનવા જેવી લાગશે તો માનીશ નહીં તો નથી જોઈતા તારા પૈસા. હું પપ્પા પાસે લઈ લઈશ.’

‘તારે જે કહેવું હોય તે મને કહેતી જા પણ અમુક વાત તો હું તારા દિમાગમાં ઉતારીને જ રહીશ. તારા ડ્રોઈંગક્લાસની વાતથી મને મારા ડ્રોઈંગક્લાસ યાદ આવી ગયા.’

‘ઓહ નો ! મમ્મી એમ નહીં કહેતી કે, તું પણ ડ્રોઈંગમાં બહુ હોશિયાર હતી, ક્લાસમાં નંબર વન હતી ને વગેરે વગેરે વગેરે...’

‘બેટા, ભલે તું માને કે ન માને પણ દરેક માબાપને પોતાનાં બાળકો સૌથી શ્રેષ્ઠ જ લાગે. મારાં માબાપ પણ મારાં બહુ વખાણ કરતાં. મારી દીકરી તો દુનિયાની ટૉપ આર્ટિસ્ટ બનીને જ રહેશે. મારા માટે પણ એમણે કોઈ ડ્રોઈંગક્લાસમાં જવાનો આગ્રહ કરેલો. અમે તો પેપરમાં એડ જોઈને પહોંચી ગયેલાં એક ક્લાસમાં. ત્યારે મારી મમ્મી મારી સાથે એડમિશન લેવા આવેલી. તે જમાનામાં તો હાઈફાઈ ક્લાસ ક્યાં? એક સાદો રૂમ હતો ને ત્યાં બે ચાર છોકરીઓ કંઈ કલર ને પેપર લઈને બેઠી બેઠી કંઈક કર્યા કરતી હતી. એક ખૂણામાં કાચની એક કૅબિનમાં લગભગ સિત્તેરેક વર્ષના સર બેઠેલા જે આર્ટિસ્ટ જેવા લાગતા હતા. પણ અમને શું ખબર કે મારી સાથે શું થવાનું છે?

અમે ગયાં એટલે એક છોકરી આવી ને મારી મમ્મીને બેસવા કહી મને કેબિનમાં લઈ ગઈ. કૅબિનમાં હું ને સર એકલાં જ. સરે મને નામ પૂછ્યું ને થોડી આમતેમની વાતો કરી પછી કહ્યું કે, ‘તારો હાથ આ ટેબલ પર મૂક જોઉં, મારે તારી આંગળીઓ જોવી છે.’ હું તો સર તરફના આદરભાવને કારણે ને મોટી આર્ટિસ્ટ બનવાના વિચારે બહુ ઉત્સાહમાં હતી. મેં ટેબલ પર મારો હાથ મૂકી દીધો. સરે મારો હાથ પસવારતા કહ્યું, ‘વાહ! આંગળીઓ તો બહુ લાંબી છે. તારામાં એક મહાન આર્ટિસ્ટ બનવાનાં બધા જ ગુણ છે.’ પછી સરે મારો હાથ થોડી વાર પકડી રાખ્યો ને પછી રજિસ્ટરમાં નામ લખીને સો રૂપિયા ફી લઈ મને બીજા દિવસથી ક્લાસમાં આવવા જણાવ્યું. તે ઉંમરે મને એવી કોઈ અક્કલ નહીં કે, આ રીતે કોઈ કૅબિનમાં એકલાં બોલાવે કે હાથ લગાવે તો વિરોધ કરવાનો. આજના જેવી અવેરનેસ ત્યારે નહોતી. ત્યારે છોકરીઓ એકલી બહુ કશે જતી પણ નહીં, સાંજ પછી તો ખાસ. વળી, વડીલોને બહુ માનથી જોતી! એટલે આવા ડોસાઓ કોઈ ને કોઈ બહાને છોકરીઓને–સ્ત્રીઓને હાથ લગાડતા તો કોઈને અજુગતું લાગતું નહીં. ને એમ પણ હું તો મમ્મી સાથે ગયેલી એટલે મને કોઈ બીક નહોતી. મારી મમ્મીને પણ કાચની કૅબિન હોવાથી કોઈ ડર નહોતો લાગ્યો પણ અંદર શું થતું હતું તે એને ક્યાં દેખાતું હતું?

ખેર, અમે તો ઘરે આવીને એડમિશન મળ્યાની ખુશી પપ્પા સાથે વહેંચી. બધી વાત ડિટેઈલમાં કરવાની ટેવને લીધે મેં પપ્પાને સરની બધી હરકતની વાતો ભોળાભાવે કહી. (જે મેં મમ્મીને એડમિશનના ઉત્સાહમાં નહોતી કહી.) વાત સાંભળતાં જ પપ્પા તો તરત જ ગુસ્સામાં લાલપીળા થઈ ગયા. મમ્મી પણ ચોંકી. એને તો કંઈ ખબર જ નહોતી. અમને બંનેને પપ્પાએ સારી પેઠે ખખડાવી નાંખ્યા ને કહ્યું, ‘તમને કંઈ ભાન છે? તપાસ કર્યા વગર ગમે ત્યાં શું દોડી ગયાં? ચાલો તો, હમણાં ને હમણાં એ ડોસાને સીધો કરી દઉં ને પોલીસમાં આપી દઉં.’ જોકે, રાત પડી ગયેલી એટલે બીજા દિવસે સવારે અમે ત્રણેય તો ઉપડ્યાં પેલા ક્લાસમાં. ત્યાં સુધી તો મને કંઈ સમજાયું જ નહોતું કે, આ બધું શું થઈ રહ્યું છે ને પપ્પા કેમ આટલા ગુસ્સે થઈ ગયા! કૅબિનમાં પેલા કહેવાતા સર એક છોકરીનું એડમિશન કરી રહ્યા હતા! પપ્પા તો સીધા જ કૅબિનમાં ધસી ગયા ને પેલા સરનો કૉલર પકડીને એમને ખુરશીમાંથી બહાર ખેંચી કાઢ્યા. ‘બદમાશ! નાદાન છોકરીઓને ફસાવવાનો ધંધો કરે છે? તું કેવા ક્લાસ ચલાવે છે તે બધી મને ખબર છે. ચાલ બહાર નીકળ. તને તો પોલીસમાં જ સોંપી દઉં.’ ને પપ્પા તો એને પોલીસમાં સોંપીને જ રહ્યા.

મારાં માબાપે ત્યારે મને જીવનભરનો પાઠ શીખવી દીધો કે, કશે પણ એકલાં જવું નહીં. બને ત્યાં સુધી ખાનગી કે એકાંત સ્થળે એકલાં જવાની હિંમત કરવી નહીં. બધી વાતો મા-બાપને જણાવીને જ કોઈ પણ ક્લાસ કે પિકનિકનું ગોઠવવું. ઘરનાંથી કોઈ પણ વાત છૂપાવવી નહીં. અને પોતે પણ સાવધાન રહેવું. ગ્રુપમાં જરૂર હરોફરો પણ ગ્રુપના દરેક મેમ્બરની મુલાકાત માબાપ સાથે પણ કરાવી રાખો, જેથી કોઈ પણ મુસીબતના સમયે મદદ મળી રહે. બોલ હવે, મારે તને સવાલ કરવા કે નહીં?’

‘ઓહ મમ્મી! આવા લોકો પણ આવે? ખરેખર હું પણ બહુ જ ખુશ થઈ ગયેલી સરની વાતથી. પણ હવે મને ધ્યાન આવે છે કે, સર ક્લાસમાં કેમ કાયમ છોકરીઓનાં જ વખાણ કરતા હોય? ને છોકરીઓને જ કેમ ક્લાસ ભરવાનો આગ્રહ કરતા હોય? થૅંક્સ મમ્મી. તું મારી મમ્મી કમ ફ્રેન્ડ વધારે છે. હું જ નકામી છું કે, તને જ્યારે ને ત્યારે ખીજાતી હોઉં છું. સૉરી મમ્મી. આપણે બે તપાસ કરીશું કોઈ સારા ક્લાસની ને હું તારી બધી વાતોને યાદ રાખીને ત્યાં જ જઈશ, ઓકે ? ચાલ આજે હું કોઈ ડિશ બનાવું બોલ તારે શું ખાવું છે?’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.