તમારી દીકરી હૉસ્ટેલમાં રહે છે?
મિ. સંજય શાહ બોલો છો?’
‘જી, બોલું છું. આપ કોણ?’ શ્રેયાની હૉસ્ટેલનો નંબર જોઈ સંજયનાં ભવાં તંગ થયાં.
‘હું મહાત્મા કૉલેજની હોસ્ટેલમાંથી બોલું છું. તમારી દીકરી શ્રેયા બે દિવસથી બીમાર છે. અમે ડૉક્ટરને બતાવ્યું અને બધી ટેસ્ટ પણ કરાવી. ડૉક્ટરે કહ્યું કે, ગભરાવાની જરૂર નથી પણ એને થોડા દિવસ આરામની જરૂર છે. અમે અમારાથી બનતું બધું કર્યું છે, પણ તમે એને થોડા દિવસ ઘરે લઈ જાઓ તો સારું.’
સંજયે તરત જ ઓફિસમાં બૉસને જણાવીને, બે દિવસની રજા મૂકી હૉસ્ટેલ તરફ ગાડી ભગાવી.
‘હેલો, માધવી. શ્રેયાની હૉસ્ટેલમાંથી ફોન આવ્યો છે એટલે હું એને લેવા જાઉં છું. થોડી બીમાર થઈ ગઈ છે, પણ ચિંતાનું કોઈ કારણ નથી. ટેન્શન ના લઈશ. ને હા, શ્રેયાને હમણાં ફોન નહીં કરતી. નકામી રડવા માંડશે પાછી. ફોન મૂકું છું, બાય.’
માધવીને ભલે સંજયે ચિંતા કરવાની ના કહી હોય પણ આખરે તો માનું દિલ જ ને! પળવારમાં તો હજાર જાતના વિચારો માધવીને ઘેરી વળ્યા. ‘નક્કી બહાર કંઈ ખાધું હશે. હજાર વાર ના કહેલી તો પણ લારી પર ખાવાના ચટાકા છૂટતા નથી. અહીંથી ગોખાવી ગોખાવીને મોકલું કે, મહેરબાની કરીને ગમે ત્યાં લારી પર ખાવા નહીં જતી. એ લોકોની ચોખ્ખાઈ ને આપણા ઘરની ચોખ્ખાઈમાં ફેર પડે. હૉસ્ટેલમાં જ ખાજે ને બહુ મન થાય બહાર ખાવાનું, તો કોઈ સારી જગ્યાએ હૉટેલમાં જજો, પણ નહીં. માને તો શ્રેયાબેન નહીં. શહેરમાં ડેન્ગ્યુનો વાવર છે તે ખબર નહીં હોય આ છોકરીને? ટીવીમાં સમાચાર નહીં જોતી હોય? શાની જુએ? આખો દિવસ ફોનમાં ને ફોનમાં સરખું ખાતીય નહીં હોય. હે ભગવાન! હવે હું કેટલુંક ધ્યાન રાખું? આવવા દો એને. આ વખતે તો એની એક વાત નથી સાંભળવાની. તબિયતનું ધ્યાન જો નહીં રાખવાની હોય તો આવી રહે અહીં. કોઈ કામ નથી હોસ્ટેલમાં રહીને ભણવાનું. મને ચાલશે જે ભણશે તે. આ કંઈ રીત છે ?’
એમ ના કહેવાથી મન કંઈ થોડું કાબૂમાં રહે? એ તો જેટલા વિચારો કરવાના હોય તેટલા કરે જ ને જ્યાં ન જવાનું કીધું હોય ત્યાં જ જાય એવું અવળચંડુ હોય છે. આ તો પાછું એકની એક દીકરીની માનું સ્પેશ્યલ કૅરિંગ દિલ! કામકાજ બધું બાજુ પર ને વિચારોના ગૂંચળામાં ગૂંચવાઈને એણે એમ જ સાંજ પાડી દીધી. સંજયનો ફોન આવતાં જ માધવીના સવાલો ચાલુ, ‘ક્યાં પહોંચ્યા? શ્રેયા કેમ છે? રસ્તામાં કંઈ ખાધું કે નહીં? હું રસોઈ બનાવી દઉં છું. ક્યારે પહોંચો છો?’
‘પ્લીઝ માધવી, મને બોલવા દેશે? શ્રેયા એકદમ ઓલરાઈટ છે ને ચિંતા કરવા જેવું કંઈ જ નથી. તું ફક્ત શ્રેયાને ભાવતી રસોઈ તૈયાર રાખજે, અમે બસ કલાકમાં પહોંચીએ જ છીએ.’
‘મને ખબર છે, હું ચિંતા ન કરું એટલે અમસ્તો અમસ્તો મને ઓલરાઈટ–ઓલરાઈટ કહ્યા કરે છે. હું જાણું ને? કંઈ હશે તો જ હૉસ્ટેલમાંથી ફોન આવ્યો હશે ને? જવા દે, ન કહેવું હોય તો કંઈ નહીં. આવશે તો એની મેળે ખબર પડવાની જ છે ને?’ મનમાં ને મનમાં સતત સવાલ–જવાબ ચાલુ રાખતાં માધવીએ રસોઈ પતાવી ને ફરી ફોન લઈ હીંચકે ગોઠવાઈ ગઈ. ‘બસ, હવે આવવાં જ જોઈએ.’
સોસાયટીના કમ્પાઉન્ડમાં ગાડીઓની સતત આવનજાવનને ગેલેરીમાંથી ઊંચા જીવે જોઈ રહેલી માધવી, ડોરબેલ વાગતાં જ દોડી. ફટાફટ બારણું ખોલ્યું ને શ્રેયાને ઘરમાં લેતાં એની નજર શ્રેયાના ચીમળાયેલા ચહેરા પર ને નબળા પડી ગયેલા શરીર પર ફરી વળી. બહુ સૂકાઈ ગઈ આ છોકરી. શું થયું હશે? કોઈ રોગ તો નહીં ભરાઈ ગયો હોય? બાકી આટલી બધી નબળી તો એ ક્યારેય નહોતી. કંઈ નહીં. હવે ઘરે થોડા દિવસ રાખીને એને પાછી પહેલાં જેવી જ નાચતીકૂદતી શ્રેયા બનાવી દઉં.’ માધવીએ ઝટ બધા વિચારો મનમાંથી ખંખેરીને શ્રેયાને બાથમાં લીધી ને એને વહાલ કરતી ને પંપાળતી એના રૂમમાં લઈ ગઈ. સંજય પણ એટલામાં ત્યાં આવી બેઠો.
‘જો બેટા, હવે તું ઘરે આવી ગઈ છે તો એકદમ આરામથી રહે ને જે ખાવાનું મન થાય તે મમ્મી પાસે રોજ બનાવડાવીને ખાતી થઈ જા. એ બહાને મને પણ જરા સારું ખાવાનું મળે. તારા ગયા પછી તો મમ્મી મારું બિલકુલ ધ્યાન નથી રાખતી.’ શ્રેયાને ખુશ કરવા ને વાતાવરણને હળવું કરવા સંજયે કોશિશ કરી જોઈ ને એમાં એ થોડો સફળ પણ થયો. માધવીએ મોં ફુલાવીને બબડાટ કર્યો કે, બાપ–દીકરી હંમેશની જેમ હસી પડ્યાં. ત્રણેએ ઘણે વખતે સાથે બેસી નિરાંતે જમવાની મજા માણી. ‘આ તારો પપ્પો, તારે બહાને આજે મારી સાથે જમવા બેઠો. બાકી પૂછ એને, ટાઈમ છે એને?’ શ્રેયા મનોમન ખુશ થતી રહી, આ મમ્મી પપ્પા હજીય આવું જ લડ્યા કરે છે. ‘ચાલ બેટા, આપણે બહાર હીંચકે બેસીએ. માધવી તું પણ ચાલ. કામ પછી થયા કરશે.
કૉલેજની, હૉસ્ટેલની, પ્રોફેસરોની ને ફ્રેન્ડ્સની વાતોમાં કલાક નીકળી ગયો. શ્રેયાને તો ઘણે મહિને મમ્મી–પપ્પા સાથે હજીય મોડે સુધી ગપાટા હાંકવા હતા પણ સંજયે જબરદસ્તી એને સૂવા મોકલી આપી ને માધવી પણ શ્રેયાને માથે હાથ પસવારતી રહી, જ્યાં સુધી એ સૂઈ ન ગઈ.
‘માધવી, તને શું લાગે છે, શ્રેયાને શું થયું હશે?’ સંજયે માધવીના હીંચકે ગોઠવાતાં જ વાત છેડી.
‘કંઈ સમજ નથી પડતી. એ બધું જમી તો બરાબર. નહીં તો ખાવાનું ન ભાવે કે ભૂખ ન લાગે એવું કંઈ હોય તો ખબર પડે. એમ તો, આપણને બહારથી બધું સારું લાગે પણ અંદરખાને કોણ જાણે શું હશે? ભલે કૉલેજવાળાએ ડૉક્ટરને બતાવ્યું હોય પણ આપણે કાલે એને કોઈ સારા ડૉક્ટરને પણ બતાવીએ ને બધા રિપોર્ટ્સ પણ કઢાવીએ. આટલાં વર્ષોમાં આટલી નબળી તો આપણે એને ક્યારેય નથી જોઈ.’
‘મેં ડૉક્ટરની અપોઈન્ટમેન્ટ લઈ લીધી છે. કાલે દસ વાગે જવાનું છે. તૈયાર રહેજો.’
બીજા દિવસે ડૉક્ટરને ત્યાંથી પાછા ફરતાં ત્રણેયના ચહેરા પર રોનક હતી! બધી ચિંતા દૂર થઈ ગઈ હતી! એવું તે શું કહેલું ડૉક્ટરે? એવો તે કયો ચમત્કાર કર્યો કે, કલાકમાં જ બધી સમસ્યાનો ઉકેલ આવી ગયો?
થયું એવું કે, શ્રેયાની સાથે વાતચીતમાં જ પહેલાં તો ડૉક્ટરે જાણી લીધું, એની ખાવાપીવાની ટેવ કેવી છે ને એ રોજ શું ખાય છે? પહેલાં પેશન્ટનના મનનો ઈલાજ પછી બધી ટેસ્ટનાં ચક્કર!
‘અંકલ, મને હૉસ્ટેલનું ખાવાનું નથી ભાવતું.’ ડૉક્ટરના હસમુખા ને સરળ સ્વભાવે શ્રેયાના મોંમાંથી સરર... કરતી બધી વાતો નીકળવા માંડી. ‘હૉસ્ટેલમાં તો છે ને અંકલ, રોટલી જાડી ને કાચી ને દાળ–શાકમાં પણ કંઈ દમ નહીં. મમ્મીની રસોઈ તો મને રોજ યાદ આવે પણ શું કરું? તળેલા નાસ્તા હોય તો મને પિમ્પલ્સની બીક લાગે ને મારું વજન પણ વધી જાય! મારી ફ્રેન્ડ્સ ટિફિન લાવે પણ ગ્રુપમાં કેટલું ભાગે આવે? રોજ રોજ થોડું કંઈ લારી કે હૉટેલનું ખાવા જવાય? એટલે પછી થોડું ખાઈને હું તો પાણી પી લઉં. રાતે જમવાનું થોડું સારું હોય. ખીચડી–કઢી કે પુલાવ–કઢી હોય તો હું પેટ ભરીને જમું બાકી તો, મોટે ભાગે અડધી ભૂખી જ હોઉં. પછી બ્રેડ–બટર કે બિસ્કિટ ખાઈ લઉં. દૂધથી પણ મને જાડા થઈ જવાની બીક લાગે એટલે કોઈ દિવસ નથી પીતી. ઘરે તો મમ્મી જબરદસ્તી આપતી પણ અહીં ચાલી જાય. એ તો એક દિવસ મને ચક્કર આવ્યા ને પડી ગઈ ને એટલે બધા ગભરાયા ને પપ્પાને ફોન કરી દીધો. બાકી મને ખબર છે, મને કંઈ નથી થયું.’
‘બેટા, સારું થયું કે, તેં ખુલ્લા દિલે બધું જણાવી દીધું નહીં તો તારા પપ્પાને તું હજારોના ખાડામાં નાંખતે. ચાલ માનું તારી વાત કે, તને ખાવાનું નથી ભાવતું પણ તારી હૉસ્ટેલમાં તારી બધી ફ્રેન્ડ્સ તારી જેમ જ ભૂખી રહે છે? એ બધીને પણ ચક્કર આવેલા? જો ના, તો એનો અર્થ એમ કે, તારે તારી આદતો બદલવી પડશે. બધાં જો ખાતાં હોય તો પછી ખાવાનું ખરાબ નહીં જ હોય. તને ભાવે કે ન ભાવે પણ શરીર ટકાવવા ને તંદુરસ્તી જાળવવા પણ બે ટાઈમ પેટ ભરીને ખાવું પડશે. ભૂખી રહીને સામે ચાલીને બધા રોગોને બોલાવવા છે? થોડા દિવસે ભલે બહાર કોઈ વાર ઝાપટી લેજે. અને ખાસ વાત, દૂધ ભાવે કે ન ભાવે તોય દવા સમજીને પી લેવાનું. ખાશે તો જ તારાથી ભણાશે ને તારા પપ્પા– મમ્મીને ટેન્શન નહીં થાય. બાકી તું એ લોકોને આમ જ દોડાવતી રહેશે. બોલ, શું વિચારે છે?’
‘ના અંકલ, હવે આવી ભૂલ નહીં કરું. બરાબર ખાઈશ પણ ને સરસ ભણીશ પણ. થૅક યુ અંકલ.’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર