બધું હાજર, છતાંયે એક ઘર ક્યાં છે?

19 Aug, 2015
12:00 AM

કલ્પના દેસાઈ

PC:

‘તને કંટાળો તો નહીં આવે ને મારી વાતમાં? બહુ લાંબી છે, કદાચ પૂરી જ નહીં થાય.’

‘તારું પડેલું મોં, સૂઝેલી આંખો ને મોમાં પૂરાઈ રહેતી જીભ જોઈને મને રોજ કંટાળો આવે છે, એટલે આજે તો તારી વાત સાંભળીને જ રહીશ. ભલે ને, ક્યારેય પૂરી ન થાય.’

‘તો સાંભળ. હું કેવી દેખાઉં છું તેનો પહેલાં સાચો જવાબ આપ. મારો રંગ ને નાક-નકશો, જે હોય તે કહેજે.’

‘ભલે તારો રંગ ઘેરો શ્યામ છે પણ નાક-નકશો જોરદાર છે. તારું દિલ તો એથીય જોરદાર.’

‘દિલની વાત જવા દે. એ કોઈ નથી જોતું. હું મારી માની જેમ કાળી છું - ભલે તારાથી ન બોલાયું. ને એ કાળો રંગ મારી સાથે પડછાયાની જેમ બધે સાથે જ રહ્યો. મારા બાપને કાળા રંગથી નફરત હતી તે આખી જિંદગી મારી માને ને મને હડધૂત જ કરી. નાની બેન બાપના જેવી ગોરી તે લાડમાં ઉછરી. અધૂરામાં પૂરું ધંધામાં ખોટ જતાં બાપને દારૂની લત લાગી ને ઘરમાં હતું તેટલું બાપે દારૂને ધરી દીધું. માનાં ઘરેણાં-બચત બધું પૂરું. મેં ને માએ લોકોનાં ઘરનાં કામ કરી ઘર ચલાવ્યું.’

નાની બેન તો ભણીને કોઈ સારા છોકરાને પરણી સુખી થઈ ગઈ પણ ભોગવવાનું રહ્યું અમારે મા-દીકરીએ. નવરો નખ્ખોદ વાળે તેમ બાપનો રોજ માર ખાવાની પણ તૈયારી રાખવી પડતી. હું ઘણી વાર માને સમજાવતી, ‘ચાલ કશે ભાગી જઈએ. આપણે ભૂખે નહીં મરીએ. આને એના પાપે મરવા દે.’ પણ માના સંસ્કાર? પતિ ગમે તેટલો જુલમ કરે તોય એને દેવ ગણીને પૂજા કરવાની! છટ્. માના પ્રેમે હું એને વળગી રહેલી. જાણતી હતી કે, મારા વગર માનું કોઈ નહોતું. અમે બંને લાચાર અને બેબસ. રોજ જીવતાં ને રોજ મરતાં. અમારાં જેવી તો દુનિયામાં બહુ સ્ત્રીઓ હશે એ વાતે આશ્વાસન મેળવી લેતાં!

કોઈ વાર મને માના ભગવાન ને માના સંસ્કાર ને એની વાતો પર ખૂબ ગુસ્સો આવતો, ત્યારે માને સૂતેલી મૂકીને મને રાતના અંધારામાં ઓગળી જવાનું તો કોઈવાર રેલવેના પાટા પર સૂઈ જવાનું તો કોઈ વાર નદીમાં ઝંપલાવી દેવાનું મન થઈ જતું. પણ માની ઊંડી આંખોના કૂવામાં મારા નામનો પડઘો સાંભળાતાં હું દીવાલ પર માથું પછાડી લેતી.

હા, કોઈ વાર મને મારા સપનામાં એક સુંદર યુવક દેખાતો જાણે સપનાંનો રાજકુમાર! મને અને મારી માને મોટી ગાડીમાં બેસાડી લઈ જતો અને એક મોટા બંગલામાં કેટલાય અજાણ્યા સુખોની વચ્ચે હળવેકથી મૂકી દેતો. હું એ યુવકને ઓળખવાનો કે એને પામવાનો પ્રયત્ન કરું એટલામાં તો બાપની એક જ લાતે મારી આંખો ખૂલી જતી અને માની રોકકળ ને મારા બબડાટ સાથે એક નવી સવાર પડતી. મા ન હોત તો હું ક્યારનીય ભાગી ગઈ હોત.

ખેર, એક દિવસ મને મારાં સપનાંનો રાજકુમાર મળ્યો. જોકે, માને છોડીને જવાનો વિચાર તો મેં ક્યારેય કર્યો નહોતો. એટલે મેં દિલને પાછું વાળ્યું. પર હોની કો કૌન ટાલ સકતા હૈ? એક રાતે દારૂના નશામાં મારા બાપે મારી માનું ખૂન કરી નાંખ્યું. પૈસાની બાબતે તકરાર થતાં માના માથે બાટલી પછાડતાં મા ત્યાં જ ઢળી પડી અને બાપને પોલીસ પકડી ગઈ. મને થયું, મા આ રીતે મને મુક્ત કરી ગઈ કે શું? હું પેલા યુવકની શોધમાં નીકળી પડી. કદાચ એ પણ મને શોધતો હતો તે મને બહુ જલદી ખબર પડી. મારી બધી વાતોની એ ખબર રાખતો. તેથી જ એ મને શોધતો આવ્યો અને અમે બંનેએ લગ્ન કરી સાથે રહેવાનું નક્કી કર્યું. એ સારા અને સુખી પરિવારનો એકનો એક દીકરો હતો. મા-બાપને સમજાવી લીધા અને અમારા લગ્ન થઈ ગયાં.

લગ્નની રાતે હું મારા સપનાં સજાવી બેઠેલી કે, અચાનક ક્યાંકથી પેલી ચિરપરિચિત તીવ્ર ગંધ ઓરડામાં ફેલાઈ ગઈ અને હું માથાથી પગ સુધી ધ્રૂજી ગઈ. આ રાજકુમાર પણ? ઓહ! એક નર્કમાંથી બીજા નર્કમાં? શું મારો છૂટકારો જ નથી આ જમાનામાં? આ જ દોઝખની જિંદગી લખી છે ભાગ્યમાં? મેં સજળ નેત્રે મારા રાજકુમારને ઢળી પડતાં જોયો ને હું આખી રાત રડતી બેસી રહી.

બીજે દિવસે સવારે સાસુ-સસરાએ પ્રેમથી મને પાસે બેસાડી સુજોયના ભૂતકાળની વાતો કહી. નાનપણથી સુજોયના કાકા એને મજાક મજાકમાં દારૂ પીવડાવતા અને પછી સુજોય જે કંઈ મસ્તી કે લવારા કરતો તેનો છીછરો આનંદ દોસ્તો સાથે માણતા. કાકા તો લિવરની બિમારીમાં વહેલા મર્યા પણ સુજોયને જીવતેજીવ નરકમાં ધકેલતા ગયા. અમે બહુ દવા કરી પણ સાંજ પડતાં જ એને દારૂ પોતાની પાસે બોલાવી લે છે. અમારી ભૂલ એટલી જ કે નિઃસંતાન કાકાની દયા ખાઈ અમે સુજોયને એની સાથે રહેવાની છૂટ આપેલી. બેટા, અમે તો સુજોયને ક્યારેય ના પરણાવત પણ એને તું એટલી ગમી ગઈ કે તારી સાથે લગ્ન કરવા રીતસરનો અમારી આગળ રડ્યો. હવે અમે તને વિનંતી કરીએ છીએ કે, તું એને અને અમને સમજવાની કોશિશ કરજે. અમને વિશ્વાસ છે કે, આપણે બધા એને જલદીથી સુધારીને એક સારો સુજોય બનાવી દઈશું. તું અમને સાથ આપીશ?’

હું અજબ કશ્મકશ અનુભવી રહી. એક તરફ સપનાંનો રાજકુમાર મળ્યો પણ રસ્તો ભૂલેલો. મા-બાપ મળ્યાં પણ દુઃખી ને લાચાર! શું કરવું?

(ક્રમશઃ)

(શીર્ષક પંક્તિઃ મનહર મોદી)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.