ચાંલ્લાનો ખર્ચ

16 Nov, 2016
12:00 AM

કલ્પના દેસાઈ

PC: farm5.static.flickr.com

‘બેન, મને ત્રણ દિવસની રજા જોઈએ છે.’

‘કેમ, ક્યાં જવાની?’

‘જવાની તો કશે નથી, પણ મારી છોકરીના ચાંલ્લા રાખેલા છે.’

‘અરે વાહ! સરસ. ક્યાંનો છોકરો છે? અહીંનો છે?’

‘ના બેન, સુરતનો છે ને એનું હીરાનું કારખાનું છે.’

‘હીરાનું કારખાનું?(એક મશીન ને નાની ઓરડી ધરાવતાં લોકો પણ એને કારખાનું કહીને ગરીબ ને અભણ લોકોને ફસાવતાં હોય છે.) વાહ ભઈ! ત્યારે તો તારી છોકરી રાજ કરવાની એમ ને? ચાલો, સારી વાત છે. તે તારી છોકરી પણ કંઈ કમાય છે કે?’ મેં ભવિષ્યની તકેદારી રૂપે પૂછ્યું.

‘હા બેન, એ પણ ત્યાં જ કામ કરે છે ને? સારું કમાય છે.’ રૂખીએ શરમાતાં જવાબ વાળ્યો.

‘અચ્છા અચ્છા, એટલે લવ મેરેજ એમ ને? બંને એકબીજાની પસંદથી પરણે છે એટલે શાંતિ. તે ચાંલ્લા ક્યાં કરવાના?’

‘અહીં, આપણે ઘરે જ.’

‘સારું, સારું. કંઈ કામ હોય તો કહેજે, ને કંઈ પૈસા બૈસા નથી જોઈતા?’ એણે પૈસાની કોઈ માગણી ન કરી તેથી મને નવાઈ લાગી.

‘ના બેન, છે પૈસા તો. છોકરીએ પણ ભેગા કરેલા છે ને લગન માટે એટલે ચાલી રહેશે.’

વાહ! મને રૂખી ને એની છોકરી માટે માન થયું. આ લોકો પણ બચતનો મહિમા સમજે છે. એક આપણે છીએ કે, બચત શબ્દને ભૂલીને હવે પૈસા ઉડાડતાં થયાં. આટલાં વરસોમાં એકેય વાર રૂખીએ પચાસ કે સો રૂપિયા તો શું, દસ રૂપિયાય નથી માગ્યા! તહેવારમાંય નહીં ને. અરે, કોઈ દિવસ એકેય રજાય નથી લીધી! સમયસર આવવું ને સમયસર જવું, વધારાની કોઈ વાતચીત નહીં ને એના કામ સાથે કામ. અજબ પ્લાનિંગવાળું કામકાજ લાગે છે. મને આનંદ થયો. ચાલો, કોઈ તો છે જે બચત કરે છે. એની છોકરી પણ સંસ્કારી લાગે છે. માને માથે બોજ બનવાને બદલે કામે લાગી ગઈ, તો આવા પ્રસંગે મદદરૂપ થઈ શકે. બાકી તો, આ લોકોમાં મોટા ભાગે, કમાવાવાળી એક ને ખાવાવાળા દસ જ હોય.

બરાબર ત્રણ દિવસ પછી રૂખી હંમેશની જેમ કામ પર હાજર થઈ ગઈ.

‘કેમ રૂખી, ચાંલ્લા થઈ ગયા કે બરાબર?’

‘હા બેન, બધું શાંતિથી ને સારી રીતે પતી ગયું.’

‘બહુ સરસ. હવે લગન ક્યારે લીધાં?’

‘બે મહિના પછી રાખ્યા છે.’

‘ભલે ભલે, પૂરતો ટાઈમ છે. અચ્છા તો પછી, શું જમાડ્યું સાસરાવાળાને?’ મારે જાણવું હતું, કે આ લોકો ચાંલ્લામાં કેટલોક ખર્ચ કરે, લેવડદેવડ શું કરે કે શું જમાડે વગેરે. નક્કી રૂખીએ સાદાઈથી જ પ્રસંગ પાર પાડ્યો હશે. એમ તો બહુ કસરી છે પાછી. 

‘બેન, પૂરી, દાળ, ભાત, શાક, ભજિયાં ને લાપસી જમાડ્યા. પહેલી વાર જ આપણે ઘરે આવ્યા, તો કંઈ સારું જ જમાડવું પડે ને બેન?’ રૂખી બહુ હોંશે હોંશે બધું જણાવતી હતી.

વાત તો એની સાચી હતી. દીકરીનાં સાસરિયાંને દાળ, ભાત, શાક જમાડીને થોડાં રવાના કરાય? એમ તો પાછી રૂખી મને વહેવારુ પણ લાગી. બાપ વગરની દીકરીને, એક સામાન્ય દેખાતી મા પણ કેવી આરતથી રાખે છે. દીકરીનું ખરાબ ન દેખાય કે દીકરીએ ભવિષ્યમાં કંઈ સાંભળવું ન પડે, એની પૂરતી કાળજી રાખી છે. વાહ રૂખી, સલામ તને. 

વાતનો તંતુ જોડતાં મેં પૂછ્યું, ‘કેટલા લોકો આવેલા સુરતથી?’

‘બેન, એ લોકો અગિયાર જણ આવેલા.’ 

ચાલો, છોકરાવાળા પણ સમજુ લાગે છે. આપણામાં તો હવે ચાંલ્લા કરવા પણ જાન લઈને જતાં હોય એમ ભીડ કરતાં થઈ ગયાં છે.

‘એટલે ઓછામાં પતી ગયું એમ ને? સારું, બહુ ખર્ચો ન કર્યો તે. મને તો આવા પ્રસંગોમાં બહુ ખરચા કરે તે બિલકુલ ન ગમે. છોકરા કે છોકરીને એ પૈસા કામ આવે તેવું કંઈ કરે તો લેખે લાગે. નકામા બધાંને જમાડવામાં ઉડાડી દેવાના. ખરી વાત ને?’

‘હા બેન, તમારી વાત તો સાચી પણ વહેવારમાંય રહેવું પડે ને?’

‘એટલે? વહેવાર તો તેં કર્યો જ ને? સાસરાવાળાને સારું જમાડ્યા ને સારું સ્વાગત કર્યું. ચાંલ્લા વિધિસર કરીને અને જમાઈને જે કંઈ આપવાનું હોય તે આપીને, તારો વહેવાર તો તેં કર્યો જ ને? પછી વળી બીજા કેવા વહેવારમાં રહેવાનું?’

મને એની વહેવારની વાતથી નવાઈ લાગી. વહેવારમાં તો આપણે રહેવાનું! ગજું હોય કે ન હોય, ચાદર લાંબી હોય કે ટૂંકી તે જોયા વગર બસ, પગ ફેલાવતા જ જવાનું. આપણું ખરાબ ન દેખાય તે માટે કેટલીય સારી સારી વાતોને જાણીજોઈને નજરઅંદાજ કરતાં જવાનું! વહેવારમાં જ લાંબા થવાનું ને વહેવારમાં જ મરવાનું. 

‘બેન, આટલા વરસથી અમે બધાના ચાંલ્લામા જમ્યા ને લગનમાં જમ્યા તે હવે બધાને જમાડવા પડે કે નહીં? પછી લોકો શું કહે?’

‘તો કેટલા જણને જમાડ્યા?’

‘એ લોકો અગિયાર અને બાકીના અમારા ફળિયા ને બાજુના ફળિયાના મળીને દોઢસો જણ જમાડ્યા.’

‘બાપ રે! દોઢસો જણ જમાડ્યાં?’ મારાથી આંચકો સહન ન થતાં બોલાઈ ગયું.

‘મેં તમને કહ્યું ને બેન, વહેવારમાં તો રહેવું જ પડે. નહીં તો પછી, આપણે ત્યાં કોઈ આવે નહીં.’

એકબીજા સાથે સારો વહેવાર રાખીએ તો પણ કોઈ ન આવે? નવાઈની વાત. મને જરા પણ અંદાજ નહીં કે, એક સામાન્ય દેખાતી ને ઘરકામ કરતી સ્ત્રી, આવા કોઈ પ્રસંગે દોઢસો માણસને જમાડી પણ શકે!

હવે આટલું જાણ્યું તો પૂરું જ કરવું એટલે મેં છેલ્લો પ્રશ્ન પૂછ્યો, ‘જમણવારનો ખર્ચો કેટલો થયો?’

‘બેન, બધું મળીને પચીસ હજાર થયા. એમાં મહારાજના બારસો પણ આવી ગયા. છોકરાને અડધો તોલાની વીંટી આપી અને સાસરાવાળાને વિદાયના પૈસા આપ્યા તે દસ હજાર થયા. એ લોકો છોકરીને સોનાની બુટ્ટી, બંગડી ને ચાંદીના સાંકળા ચડાવી ગયા.’

‘ચાલો સારું, બધું સરસ રીતે પતી ગયું એટલે શાંતિ.’ રૂખી ખુશી ખુશી વિદાય થઈ.

મારું મન ચકરાવે ન ચડે તો જ નવાઈ. સતત એક જ વાત પર મન અટકે. છોકરા અને છોકરીને જે કંઈ અપાયું તે મંજુર, પણ શું  બાકીના ખર્ચા ખોટા નહોતા? જો સાસરાવાળા અગિયાર હોય તો પોતાના તરફથી પણ અગિયારને રૂખી જમાડી શકત ને? જમણવારનો કેટલો મોટો ખર્ચો બચી જાત? સાસરાવાળાને દસ હજારની વિદાય આપવી જરૂરી હતી? અત્યારથી ચાદરની બહાર પગ કાઢી મૂક્યા, તો હવે લગનમાં તો આનાથીય વધારે ખર્ચો કરીને ચાદરમાં ઠેર ઠેર કાણાં જ પાડી દેશે ને? રૂખીને સમજાવવી એ પણ વ્યર્થ બકવાસ જ થવાનો હતો. વહેવાર તો એના લોહીમાં છે. એની નસેનસમાં વહેવાર સિવાય કંઈ વહેતું જ નથી. 

આખરે ક્યાં જઈને અટકશે આ બધું? આ સમાજની દેખાદેખી છે કે સમાજનો ડર છે? મારી પાસે કોઈ જવાબ નથી. રૂખીના પચીસ હજાર મારા મનમાંથી નીકળતા નથી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.